વેકેશનને જાહોજલાલીભર્યું બનાવવા શું કરવું? જવાબ: કંઈ જ નહિ!
કેન્વાસ -અભિમન્યુ મોદી
આવતાવેત બેગ ફગાવી દેવી, જાતને ફંગોળાઈને ઢગલાની જેમ સોફા ઉપર ફસડાઈ પડવું, કલાકો સુધી બેફિકર રહીને ટીવી જોયાં રાખવું, ખાવા-પીવા-જમવા-નાહવા-ઉઠવાની કોઈ જ તમા ન રાખવી, બધી જ ડેડ-લાઈન ડેડ કરી નાખવી-કોઈ જ શેડ્યુલ ન પાળવું, રાતરોળીયા કરવા, ઘરના એવા એવા ખુણાઓને એક્સ્પ્લોર કરવા જે ક્યારેય કોઈએ તે રીતે કર્યા જ ન હોય, ઘડિયાળ સામું નજર જ ન જ નાખવી, અલ્લડ સાંઢની જેમ બિંદાસ રહેવું અને પેંગ્વિનની જેમ એકોએક સેકંડનો લુત્ફ ઉઠાવવો! આવું કરતા કોઈને જુઓ કે ખુદ અનુભવો તો સમજી લેવું કે વર્ષનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. વેકેશન!
સ્કુલટાઈમમાં મારો પ્રિય તહેવાર’ વિષય ઉપરના નિબંધમાં ધુળેટી કે દિવાળી જેવા પવિત્ર દિવસો’ સિવાય ફેવરિટ ફેસ્ટિવલ તરીકે વેકેશન લખવાની આઝાદી મળી ન હતી, પણ હકીકત એ છે કે કોઈ પણ સ્કૂલ/કોલેજ સ્ટુડન્ટને પૂછશો તો ફેવરિટ દિવસો વેકેશનના જ હશે.
વેકેશન એક એવી લક્ઝરી છે કે જે લાઈફટાઈમ રહેતી નથી અને બધાના નસીબમાં પણ નથી હોતી. જયારે હકીકતમાં વેકેશન દરેક સમાજ માટે, આજની દરેક વ્યક્તિ માટે, સમગ્ર સિવિલાઈઝડ સોસાયટી માટે આવશ્યક જ નહિ, અતિ અનિવાર્ય છે. વેકેશનની પ્રથા જો બંધ કરી દેવામાં આવી હોત તો અત્યારે દુનિયા જેવી છે એવી ન હોત!
આ છેલ્લું વાક્ય જો અતિશયોક્તિભર્યું લાગ્યું હોય તો હોલ્ડ ઓન, ડિયર…વેકેશન શું શું ચમત્કાર કરી શકે છે એ આપણી સામે હોવા છતાં પણ આપણને ખબર નથી અને એ એક જબરદસ્ત ઉદાહરણ દ્વારા આપણે સાબિત પણ કરી દઈએ. જો કે, એ પહેલા નાનકડી ફરિયાદ છે- કમ્પ્લેન છે કે અમુક અગર તો મોટા ભાગના વાલીઓ, ધંધાદારીઓ, કહેવાતા ચિંતકો અને માર્ગદર્શકો અને અમુક યુવાનો પ્રત્યે પણ…
વાત એમ છે કે આપણે દરેક નાનકડી ક્ષણને કોમર્શિયલાઈઝ્ડ-ધંધાદારી કરી નાખવાની કુટેવ લઇને બેઠા છીએ. વેકેશનની શરૂઆત થાય એ પહેલાથી જ વોટર પાર્કથી થીમ પાર્ક અને ટુરિઝમવાળાઓની જાહેરાતોનો ઓવરડોઝ ચાલુ થઇ ગયો હોય, એ સાથે મમ્મી -પપ્પા સાત ચોપાનિયા લઇને જુદા જુદા કોચિંગ ક્લાસમાં બેચ સિલેકશન કરી રહ્યા હોય. એક સ્પોર્ટ્સ, એકાદી સ્વીમિંગ જેવી કોઈ એક્ટિવીટી, ડ્રોઈંગ કે ફાઈન આર્ટ્સ જેવું કશુક, લાઈબ્રેરીમાં બે મહિના માટે મેમ્બરશીપ, ફ્રેંચ/જર્મન જેવી એકાદી ફોરેન લેંગ્વેજ, ફાઉન્ડેશન કોર્સ કે કોમ્પિટિટીવ એક્ઝામ, મ્યુઝિક કે ડાન્સ વગેરેના એકથી વધુ ક્લાસ તરત ચાલુ થઇ જાય. વેકેશન છે તો ટાઈમને મેક્સીમમ યુટીલાઈઝ કરી લઈએ- આ ફાજલ સમય વાપરી લઈએ ને, પછી ઉંમર વધશે એમાં આ બધો ક્યા ટાઈમ મળવાનો છે?
અરે, ભલી થાય આપની મેડમ. આવો એટિટ્યુડ રાખીને એક તો તમે જે તે વ્યક્તિને વેકેશનની સોગાદ મળી છે તે તો છીનવી જ રહ્યા છો.. સાથે સાથે એ વ્યક્તિ ‘સેટલ’ થઇ જશે ત્યારે એ બીઝી જ હશે અને પોતાનો બીજો કોઈ જ શોખ પૂરો નહિ કરી શકે એવી નકારાત્મક ભવિષ્યવાણી એમના
મગજમાં પણ ઠસાવવા મંડ્યા છો. વેકેશન તો પોતાની જાતનું રિનોવેશન કહેવાય અને આ રિનોવેશન-નવીનીકરણ કોઈ પારકા પરંપરાગત કાયદા-નિયમ મુજબ ન થાય. ‘મોજ’ આવે એમ મરજી મુજબ થતા ઘરના રિનોવેશન અને મંદિરના શાસ્ત્રોક્ત ર્જીણોધ્ધારમાં ફરક હોય, બંધુ!
કોલેજીઝ અને સ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓ (અને એમના વાલીઓ) સાથે નિયમિતપણે વાત કરવાની થતી હોય, ઘણાનો સવાલ રહે છે કે અમારા શોખને કલ્ટિવેટ કેમ કરવો અને વેકેશનમાં શું કરવું? પહેલી વાત તો એ કે યંગ જનરેશન ઇઝ સ્માર્ટ ઈનફ. ગૂગલમાંથી સર્ચ કરીને કે ફ્રેન્ડના ફ્રેન્ડની હાર્ડ ડ્રાઈવમાંથી ટોરેન્ટમાંથી ડાઉનલોડ કરેલા મુવીઝ કે ટ્રેકિંગ કે બુક રીડિંગ કે ગેમ્સ એન્જોય કરી લે છે ને એ જ કરવું જોઈએ. તે જરૂરી પણ છે. (અને દશકાઓથી અનેક
છાપાઓ/મેગેઝિનમાં સારી મુવીઝ/સ્પોર્ટ્સ/ટુરિસ્ટ પ્લેસ/બુક્સ/ગેમ્સની ભલામણ આવતી રહી છે.)
અલબત્ત, મોટાભાગના કેસમાં એ બધું કરવાનું કારણ અજાણપણે દેખાદેખી હોય છે. આપણા પડોશી અંકલ કેરળ ફરવા ગયા અને એમને તો ત્યાં આત્મજ્ઞાન લાધી ગયું એટલી બધી મજા આવી તો હું શું કામ જઉં, મારે તો મેઘાણી બાપુ જે જે ગામડાઓમાં ફરીને જે લોકગીતો અને લોકકથાઓ ભેગી કરી હતી તે જગ્યાએ જઈને એ વાંચવી છે. – આવી મૌલિકતા ભાગ્યે જ જોવા મળે છે….તો પણ, જે સવાલને અંગત રીતે અનેક વખત ફેસ કરવો પડ્યો છે અને એનો જવાબ આપવાનો થાય છે કે વેકેશનમાં શું કરવું એનો પર્સનલ જવાબ છે: કઈ નહિ…. યસ, કઈ જ ન કરો. આમાંનું પ્લાનિંગ કરીને વેકેશનમાં કઈ જ ન કરો. પ્લાનિંગ કરો એનો મતલબ તમે કશીક જવાબદારી ઉપાડો છે અને વેકેશનની વ્યાખ્યાના મૂળમાં જ જવાબદારીથી છટકવાની વાત છે તો પછી એ વેકેશન, વેકેશન કેમ રહે?
સમયના મહત્તમ શ્રેષ્ઠ ‘ઉપયોગ’ની લ્હાયમાં નવરા બેસવાની કે કઈ જ અર્થહીન કરવાની કળા લુપ્ત થતી જાય છે. ઢંગધડા વગર કશું પણ કરવાનો એટલે કે રમવાનો ફાયદો કેટલો જબરદસ્ત હોય છે તેનો અંદાજ નહિ હોય. દુનિયા બદલી નાખવાની તાકાત એ અણઘડ રીતે રમવામાં છે. ઉદાહરણ જોઈએ?
શ્ર્વાસ થંભાવીને સાંભળજો….
અમેરિકામાં એક બાળકને એના પપ્પા એક જગ્યાએ લઇ ગયા. બાળકને કહ્યું નહિ કે એને શહેરમાં શું બતાવવા માટે લાવવામાં આવ્યો છે. પહેલા તો એ બાળકને એમ લાગ્યું
કે આ સરકસ છે પણ પછી ખબર પડી કે આ સ્ક્રીન ઉપર કંઇક દેખાય છે એને સિનેમા કહેવાય.
છોકરો એકીટશે જોતો રહ્યો… એ જે મુવી જોવા ગયેલો એમાં એક સીન પુલ ઉપર બે ટ્રેન અથડાય છે તેવો હતો. તે ટ્રેનના બ્રીજ ઉપરના એકિસડન્ટવાળા સીને આ બાળકના મગજ ઉપર અત્યંત ઘેરી છાપ છોડી દીધી. તે જોયા પછી તે બાળકને ફક્ત ટ્રેનના રમકડામાં રસ પડવા લાગ્યો. તે પોતાના રૂમમાં બંને છેડે એક એક રમકડાનું ટ્રેન એન્જિન રાખતો, તેને દોડાવતો અને બંનેને ભટકાડતો. એને બે ભટકતી ટ્રેન જોવાની મજા બહુ આવતી પણ સાથે સાથે એના રમકડા તૂટતાં ગયાં. પપ્પાએ ઉદાર દિલે એને એક-બે વખત નવા રમકડાં લાવી દીધા અને આ બાળકે બે ટ્રેનને અથડાવી અથડાવીને તોડી નાખતો. પછી પપ્પાએ લાસ્ટ વોર્નિંગ આપી કે હવે આ ટ્રેન એન્જિનનો છેલ્લો સેટ તોડ્યો છે તો હવે નવું નહિ લાવી આપું. છોકરો મુંઝાયો. હવે કરવું શું? જો આ છેલ્લો રમકડાનો સેટ તૂટશે તો એને એ ફેવરિટ દ્રશ્ય જોવા નહિ મળે. છોકરાએ આઈડીયા લગાવ્યો. પોતાનો જુનો કોડાક મુવી કેમરા કાઢ્યો. કેમરા સેટ કર્યો, પોતાની રમકડાની ટ્રેન અથડાવી અને તે દ્રશ્ય રેકોર્ડ કરી લીધું. હવે ટ્રેન તૂટી ગઈ હતી પણ તેને જે દ્રશ્ય જોવું હતું તે એની પાસે હતું. હવે તે રિવાઈન્ડ-ફોરવર્ડ કરીને અનેક વખત તે વીડિયો કલીપ જોઈ શકે એમ હતો. આમ એણે પોતાની પહેલી ફિલ્મ બનાવી. અને તે બાળક, મોટો થઇને, વિશ્ર્વના મોસ્ટ પાવરફુલ દેશ એટલે કે યુનાઈટેડ નેશન્સ ઓફ અમેરિકાના અર્થતંત્રને પણ અસર કરી શકે, લાખો-કરોડો લોકોની અપાર ચાહના મેળવતો અને જેના ફક્ત નામ ઉપર એની ફિલ્મો જોવા પડાપડી થાય, ભારત આવે તો બચ્ચનથી લઇને બધા ખેરખાંઓ એમને શિષ્યભાવે સાંભળવા બેસી જાય.
એ છે નિ:શંકપણે વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ ફિલ્મમેકર સ્ટિવન સ્પિલબર્ગ!
ધીસ ઈઝ ધ પાવર ઓફ ડુઈંગ નથીંગ..આ છે કશું ન કરવાની કે મનફાવે તેમ રમવાની શક્તિ!
આજકાલ આપણે તો ઠીક, બાળકો પણ સેલફોનમાં, ગેમ્સમાં, હેડફોન ચડાવીને
મ્યુઝિકમાં, મુવીઝમાં, ફરજિયાત વાંચવામાં એટલા બધા બિઝી થઇ ગયાં છે કે નવરાશના સમયમાં એ રમતા જ નથી. આમ તો દરેક બાળક ખૂબ ક્રિએટીવ હોય છે, પણ આપણે ખુદ એને જાત જાતના શોખ ડેવલપ’ કરાવવાના બહાના હેઠળ અને કલાસીસમાં મૂકીને એમની સર્જનશક્તિ અત્યંત સીમિત કરી નાખીએ છીએ.સ્ટિવન સ્પિલબર્ગને ટ્રેનના રમકડા તોડવાની આઝાદી ન મળી હોત ને એને કોઈ ડાન્સના કલાસીસમાં પોતાના રમવાના સમયે જતો હોત તો? આજે આપણને આટલી મહાન ફિલ્મો મળી ન હોત!
આપણે ખુદ પણ મોટા થતા જઈએ તેમ ‘પરિપક્વતાના’ અંચળા હેઠળ રમતા નથી. રમવાનું બંધ કરી દીધું છે. દરેક શોખમાં પણ પર્પઝ ગોતી લઈએ છીએ. સાચો સુખી તો એ છે કે નફા-ખોટની ચિંતા કર્યા વિના નિજાનંદમાં સમયને મનફાવે તેમ કાઢી શકે. સેલફોન-ઇન્ટરનેટે આપણી પાસેથી એ લક્ઝરી છીનવી લીધી છે. શાંત ચિત્તે વિચારજો ક્યારેક, કઈ જ ફાયદા-નુકશાન વિચાર્યા વગર છેલ્લે ક્યારે આવો સમય પસાર કર્યો હતો?