ભારત માટે પૂર્વગ્રહોથી પીડિત અમેરિકન મીડિયાનો આ તે કેવો દંભ?
આ અમેરિકન જટિલતાનો એકસ-રે શું કહે છે
કેન્વાસ – અભિમન્યુ મોદી
શું આપણે ક્યારેય વિચાર્યું છે કે શા માટે અમેરિકન મીડિયા વારંવાર ભારતને નકારાત્મક રીતે રજૂ કરે છે? શું આપણે પશ્ર્ચિમી અપવાદવાદના શિકાર છીએ, જેમાં અમેરિકા અમુક ચોક્કસ દેશોની સતત આલોચના જ કરતું હોય? કે પછી કતાર, સાઉદી અરેબિયા અથવા ચીનના વિદેશી નાણાંનો પ્રભાવ છે, જે સતત ભારતની છબી ખરડવા ઈચ્છે છે કે પછી કદાચ અમેરિકન સમાજમાં વધતા જતા વોક કલ્ચરનું એ કારણ છે?
ચાલો, આપણે ભારત પ્રત્યે અમેરિકન મીડિયાની દેખીતી દુશ્મનાવટ પાછળની જટિલતાનો એક્સ-રે લઈને એને સમજવાનો પ્રયત્ન કરીએ.
વિખ્યાત અમેરિકન દૈનિક ‘વોશિંગ્ટન પોસ્ટ’ ભારત પ્રત્યેના તેના પૂર્વગ્રહ માટે વધુ જાણીતું છે. તે એક અહેવાલ પ્રકાશિત કરે છે જેનું શીર્ષક છે-‘અમેરિકાની ધરતી પર હત્યાનું કાવતરું મોદીના ભારતની કાળી બાજુને ઉજાગર કરે છે’. આવો લેખ ચૂંટણી ટાણે જ કેમ પ્રકાશિત કર્યો?અત્યારે આવા લેખ પાછળનું ટાઈમિંગ અને ઇરાદા પર પ્રશ્ર્ન ઊઠે તે સ્વાભાવિક છે. ભારતની રાષ્ટ્રીય ચૂંટણીઓ દરમિયાન બહાર આવતા આ અહેવાલના સંયોગની નોંધ બધા લે છે. વધુમાં,અન્ય લેખોથી વિપરીત, ‘આ વિશેષ’ અહેવાલ મુક્તપણે ઉપલબ્ધ છે. અર્થાત આ જ અખબારના બીજા લેખો ઓનલાઈન વાંચવા હોય તો પેમેન્ટ કરવું પડે, પરંતુ આ લેખ મફતમાં બધા જ વાંચી શકે. આવું કેમ?
જો કે, આ કોઈ પહેલીવારની ઘટના નથી. પશ્ર્ચિમી મીડિયા અને એમાં પણ ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં,ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના ભારત અને એમની સરકાર વિરુદ્ધ સતત શાબ્દિક હુમલાઓ ચાલુ જ હોય છે. તે જ મહિને ‘ધ ગાર્ડિયને’ ૨૦૨૦થી પાકિસ્તાનમાં થયેલી ‘૨૦ હત્યાઓ’ ના કેસમાં ભારતની સંડોવણીનો આક્ષેપ કરતી તેની પોતાની ‘ખાસ’ સ્ટોરી પ્રકાશિત કરી. ગયા વર્ષે વોશિંગ્ટન ડીસીમાં મોદીની મુલાકાત દરમિયાન પણ ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે’ ‘ઈન હોસ્ટિંગ’શીર્ષકવાળા લેખ સાથે એમનું વ્યંગભેર સ્વાગત કર્યું હતું અને મોદી તથા બિડેને લોકશાહી સંબંધિત ચિંતાઓને પૃષ્ઠભૂમિમાં ધકેલી દીધી – એવો આરોપ લગાવ્યો હતો. ‘ટાઇમ’ મેગેઝિન તો એક ડગલું આગળ વધ્યું અને પ્રતિષ્ઠિત ગણાતા એ સામયિકે જાહેર કર્યું, ‘ભારતની બગડતી લોકશાહી તેને અવિશ્ર્વસનીય સાથી બનાવે છે’
ભારતની બહાર હત્યા થાય અને પશ્ર્ચિમી મીડિયા તેનો આરોપ ભારત પર લગાવે! આ કઈ રીતે ગળે ઊતરે તેવી વાત છે ? આ આરોપો વિશે જ્યાં સુધી સત્તાવાર તપાસ ન થાય અને આરોપખોરો તેનો ખુલાસો ન આપે ત્યાં સુધી ભારતે ચુપ બેસવું ન જોઈએ. જ્યારે ભારત સરકારે તેની ભૂમિકાને નકારી કાઢી છે અને તપાસમાં સહકાર આપી રહ્યું છે ત્યારે ભારતના સહકાર-વાદી વલણની નોંધ લેવાના બદલે પશ્ર્ચિમી મીડિયા અને નિહિત હિતો દેશની છબી ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે,જે વર્તમાન ચૂંટણીઓને સંભવિતપણે અસર કરે છે.
આ સિનારિયો ચિંતાજનક છે,ખાસ કરીને તે લોકો માટે જે લોકશાહી,કાયદાના શાસન અને ઉદારવાદને જાળવી રાખવાનો પૂરતો પ્રયત્ન કરતા હોય.
પશ્ર્ચિમી ‘લિબરલ’ સિસ્ટમનાં બેવડાં ધોરણો સ્પષ્ટ છે. એ લોકશાહી અને સ્વતંત્ર અભિવ્યક્તિનો ઉપદેશ આપ્યા રાખે છે, પરંતુ જ્યારે કોઈ સ્વતંત્ર રીતે આગળ વધી રહ્યું હોય અને તેની હામાં હા ન મિલાવે ત્યારે તેની અવગણના કરવામાં આવે અને તેનો વિરોધ કરવામાં આવે ત્યારે તેમની દોગલાબાજી જોવા જેવી હોય છે. તે આમ સલાહ આપશે કે ભારતે તેના પર થતી આલોચનાને ખેલદિલીપૂર્વક સ્વીકારવી જોઈએ પરંતુ એ જ અમેરિકન મીડિયા પોતાના ઘરના આંગણમાં એ જ પ્રકારનું ખોટું થઇ રહ્યું હોય તેને પ્રકાશિત નહિ કરે! આ મીડિયા વિપક્ષી નેતા સામે ફોજદારી માનહાનિના કેસ માટે ભારતના ન્યાયતંત્રની ટીકા કરે છે,પરંતુ જ્યારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખની ધરપકડ કરવામાં આવી અને તેને દાબવાનો પ્રયાસ થયો તેને હાઈલાઈટ નહિ કરે..
વ્યક્તિઓ અને રાષ્ટ્રોને ‘આતંકવાદી’ અથવા ‘દુષ્ટ’ તરીકે લેબલ મારવા પર પશ્ર્ચિમી મીડિયાનો એકાધિકાર સ્પષ્ટ છે. અમેરિકાની આ જૂની આદત છે કે જે તે દેશ ઉપર એક લેબલ મારી દેવું. કોલેટરલ ડેમેજના નામે વિદેશોમાં થતી હત્યાઓ અને નિર્દોષ નાગરિકોની જાનહાનિને એ વાજબી ઠેરવે છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા વાસ્તવિક આતંકવાદીઓને નિશાન બનાવવામાં ન્યૂનતમ સફળતા હોવા છતાં તેની કોઈ આલોચના કરતું નથી. વિદેશની ધરતી ઉપર હત્યા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ભારતમાં હ્યુમન રાઈટ્સ નથી એવું ચિલ્લાવામાં આવે છે. આ દંભ છે અને તેને અમેરિકન દંભ કહેવો પડે. એનાથી પણ વધુ આશ્ર્ચર્યજનક બાબત એ છે કે કેવી રીતે ઓબામા જેવી વ્યક્તિઓ, જેમની શંકાસ્પદ કાર્યપદ્ધતિઓ હોવા છતાં, પશ્ર્ચિમી ઉદારવાદી વિશ્ર્વમાં હીરો તરીકે આદરણીય લેખાય છે. આવાં ઉદાહરણો તે યુગની યાદ અપાવે છે જ્યારે શ્ર્વેત વર્ગના લોકો ‘અન્ય’ ગણાતા લોકો સામે એક થયા હતા અને અશ્ર્વેત લોકોને ઊતરતા ગણવામાં આવતા હતા.
જ્યારે અમેરિકન ડ્રોને અફઘાનિસ્તાનમાં અલ કાયદાના આતંકવાદી અયમાન અલ-ઝવાહિરીને મારી નાખ્યો ત્યારે પશ્ર્ચિમે આ કૃત્યને બિરદાવ્યું. કેનેડાના જસ્ટિન ટ્રુડો જેવા ડાબેરી નેતાઓએ પણ માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય ધોરણોની હિમાયતને ભૂલ્યા વિના બિડેન વહીવટની પ્રશંસા કરી હતી. જો કે, ટ્રુડોનો ભારતે એની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદીને માર્યો હોવાનો તાજેતરનો આક્ષેપ નિહિત હિતો અને વિદેશી એજન્ડાઓનો પ્રભાવ દર્શાવે છે. અહી ટ્રુડોનું વલણ બદલાય કેમ જાય છે?
સત્ય એ છે કે કેનેડા અને અન્ય પશ્ર્ચિમી દેશોમાં૧૯૮૦ના દાયકાથી ખાલિસ્તાની ઇકોસિસ્ટમ લાંબા સમયથી અસ્તિત્વમાં છે, તેની સરકારો દ્વારા મોટાભાગે અવગણના કરવામાં આવી છે. ૧૯૮૫ના એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા,તે આ બેદરકારીનું પરિણામ હતું. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેવી રીતે પશ્ર્ચિમી મીડિયા હરદીપ સિંહ નિજ્જર જેવી વ્યક્તિઓના ગુનાહિત ભૂતકાળને હાઇલાઇટ કરે છે. ઘણાને આતંકવાદી અને આતંકવાદીને કાર્યકર્તા તરીકે રજૂ કરે છે.
કટ્ટરવાદ અને વિદેશી નાણાંના બળે ટૂલકીટ ગેંગ અને નિહિત હિત સાથે પશ્ર્ચિમી મીડિયાનું જોડાણ ભારત અને યુએસ વચ્ચેના સંબંધોને નબળા બનાવે છે. પરંપરાગત સાથી ન હોવા છતાં ભારત અમેરિકા સાથે ઉદાર લોકતાંત્રિક મૂલ્યો શેર કરે છે. હવે સમય આવી ગયો છે કે અમેરિકન મીડિયામાં થતી આપણી નિંદા બંધ ન થાય તો ઓછી થાય. આલોચના અને સમીક્ષા તો પત્રકારત્વનું કામ છે પણ એ તટસ્થ હોવી જોઈએ. બાકી આપણને શું અમેરિકા કે બીજા પશ્ર્ચિમી દેશો વિરુદ્ધ લખતા કે ભાષણ આપતા નથી આવડતું? અમેરિકા વિરુદ્ધ આપણી પાસે પાંચસો મુદ્દા છે પણ આપણે વિના કારણે કોઈ વખોડતા રહેતા નથી. પશ્ર્ચિમી મીડિયા સતત ભારતને વખોડવાનું કામ કરે છે એ ખોટી વાત છે. આ આખા દ્રશ્યને બીજા એક દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય કે જેમ કોઈ માણસ કે દેશ ઊંચે ચડે તેમ તેના વિરોધીઓ વધતા જાય. ભારત કઈ ઓટોરિક્ષા નથી નહીતર પાછળ આપણે પણ લખાવ્યું હોત કે ‘ઈર્ષ્યાળુને આશીર્વાદ’. એકવીસમી સદીમાં એશિયાનું વજન વધ્યું છે અને એશિયાના મુખ્ય નાયક તરીકે ભારત ઊભરી આવ્યું છે આ હકીકત છે. આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક અને ટેકનોલોજી તથા ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ભારત અગ્રેસર રહે છે. ભારતની પ્રગતિ ઘણાને ખૂંચે છે માટે ભારતને બદનામ કરવાના કાવતરા થાય છે.
અલબત્ત, ભારત ધી બેસ્ટ અને પરફેક્ટ છે એવું કહેવાનો અર્થ નથી. આપણામાં પણ ઘણી ઊણપ છે જેને આપણે સાથે મળીને સુધારવાની છે અને એક બહેતર રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે.