મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ઈતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?!
અગાઉ મુસ્લિમોને લગતી કોઈ પણ વાત આવે ત્યારે ઠેકેદારો કૂદી પડતા, રાજકારણીઓ પણ દેકારો મચાવી દેતા. મુસ્લિમોની ધાર્મિક વાતોમાં દખલગીરી કરવામાં આવી રહી છે એવી હોહા થતી , પણ તાજેતરના મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ વિશે સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદા પછી ચોતરફ રહસ્યમય મૌન કેમ છે?
કવર સ્ટોરી -વિજય વ્યાસ
સુપ્રીમ કોર્ટે ‘સીઆરપીસી- કલમ ૧૨૫’ હેઠળ મુસ્લિમ મહિલાઓને પણ ભરણપોષણ મેળવવાનો અધિકાર હોવાનો ઐતિહાસિક ચુકાદો આપીને ફરી એક વાર બંધારણની સર્વોપરિતા સ્થાપિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, કોઇ પણ મુસ્લિમ મહિલા સીઆરપીસી CRPC – Code of Criminal Procedure)ની કલમ ૧૨૫ હેઠળ છૂટાછેડા લીધા બાદ એના ખાવિંદ પાસેથી ભરણપોષણ માગી શકે છે. મુસ્લિમ મહિલાઓને આ દેશની બીજી મહિલાઓની જેમ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે અને બીજો કોઈ કાયદો આ અધિકારની આડે ના આવી શકે. તેલંગાણાના મોહમ્મદ અબ્દુલ સમદે ૨૦૧૭માં એની બીબીને તલાક આપ્યા પછી ઇદ્દતના સમય સુધી મહિને ૧૫ હજાર ભરણપોષણ આપેલું, પણ પછી ભરણપોષણ આપવા તૈયાર નહોતો તેથી પત્નીએ કોર્ટમાં જવું પડેલું. પતિ સમદની કોર્ટમાં દલીલ હતી કે, મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, ૧૯૮૬ હેઠળ મુસ્લિમ પુરૂષ ઇદ્દતના ૯૦ દિવસ સુધી જ ભરણપોષણ આપવા બંધાયેલો છે અને સીઆરપીસીની કલમ ૧૨૫ પત્નીને ભરણપોષણની આપવાની એને ફરજ ના પાડી શકે. ફેમિલી કોર્ટ, હાઈકોર્ટે ને હવે સુપ્રીમ કોર્ટે પણ સમદની દલીલ ફગાવીને બીબીની અરજી મંજૂર રાખીને ભરણપોષણ આપવા ફરમાન કર્યું છે. આ ચુકાદો ઐતિહાસિક છે કેમ કે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓ અને રાજીવ ગાંધીની સરકારે બનાવેલા મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ, ૧૯૮૬ને બાજુ પર મૂકીને સમાનતાના અધિકારને સર્વોપરી ગણ્યો છે. સમાનતાનો અધિકાર બંધારણે આપેલા મૂળભૂત અધિકારોમાં એક છે, પણ મતબેંકના રાજકારણને કારણે મુસ્લિમ મહિલાઓનો આ અધિકાર કોરાણે મૂકી દેવાયો હતો. મુસ્લિમ મહિલાઓને હવસ સંતોષવાનું ને પોતાના માટે છોકરાં પેદા કરવાનું રમકડું બનાવી દેવામાં આવ્યું હતું. મુસ્લિમ પુરૂષને ગમે ત્યાં સુધી પોતાની પત્નીને ભોગવે ને પછી ૯૦ દિવસનું ભરણપોષણ આપીને એને રસ્તા પર રઝળતી મૂકી દે. મુસ્લિમ મહિલા પત્ની નહીં, પણ રૂપજીવિનીને ભોગવવાનું સાધન હોય એવો વ્યવહાર આ દેશના બંધારણની ક્રૂર મજાક સમાન હતો. દેશની બીજી મહિલાઓને મળતા અધિકારો મુસ્લિમ મહિલાઓને ન મળે તેના કારણે મુસ્લિમ મહિલાઓ આ દેશમાં સેક્ધડ ક્લાસ સિટીઝન લાગતી હતી. હજુય પર્સનલ લોમાં કેટલીક એવી જોગવાઈઓ છે કે જેના કારણે મુસ્લિમ મહિલાઓ સેક્ધડ ક્લાસ સિટીઝન જ લાગે છે, પણ સુપ્રીમ કોર્ટે કમ સે કમ એક અન્યાય તો દૂર કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આ તાજેતરના ચુકાદાએ ૧૯૮૫ના શાહબાનો કેસની યાદ અપાવી દીધી છે. મધ્ય પ્રદેશના ઈન્દોરની શાહબાનો બેગમના નિકાહ ૧૯૩૨માં ૧૮ વર્ષની વયે ઈન્દોરના માલદાર ને વગદાર વકીલ મોહમ્મદ અહમદ ખાન સાથે થયેલાં. ખાને યુવાનીમાં શાહબાનોને ભોગવીને પાંચ બાળકોની માતાબ નાવી દીધા પછી લગ્નના ૧૪ વર્ષ પછી વીસ વરસની બીજી યુવતી સાથે નિકાહ પઢી લીધા. ખાન વરસો સુધી બંને બીબી સાથે મોજથી રહ્યો પછી ૧૯૮૬માં શાહબાનોને પાંચ સંતાનો સાથે ઘરમાંથી તગેડી મૂક્યાં.
૬૨ વર્ષનાં શાહબાનોની દયા ખાઈને સગાં વચ્ચે પડ્યાં એટલે ખાને શાહબાનો તથા સંતાનોના ભરણપોષણ માટે મહિને ૨૦૦ રૂપિયા આપવા હા પાડી. બે વર્ષ પછી એપ્રિલ ૧૯૭૮માં ખાને ૨૦૦ રૂપિયા પણ આપવા બંધ કરીને શાહબાનોને તલાક આપી દીધા. શાહબાનોએ કોર્ટમાં કેસ કરીને ભરણપોષણની માગણી કરી ત્યારે ખાને એ જ દલીલ કરેલી કે, ઈસ્લામના કાયદા પ્રમાણે મહેરની રકમ આપી દીધી હોવાથી ભરણપોષણ આપવાનો સવાલ જ પેદા નથી થતો. નીચલી કોર્ટથી માંડીને હાઈ કોર્ટ સુધીનાં બધાંએ શાહબાનોની અરજીને માન્ય રાખીને ભરણપોષણ આપવાનું ફરમાન કર્યું પછી કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
એ વખતે સુપ્રીમ કોર્ટની લાર્જર બેંચે ૨૩ એપ્રિલ,૧૯૮૫ના રોજ ઐતિહાસિક ચુકાદો આપીને શાહબાનોને ભરણપોષણ આપવાનું ફરમાન કર્યું. સુપ્રીમ કોર્ટે એ વખતે પણ મુસ્લિમ મહિલાઓને સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણનો અધિકાર હોવાનો જ ચુકાદો આપેલો,
પણ રાજીવ ગાંધીની સરકારે મુસ્લિમ કટ્ટરવાદીઓ સામે ઘૂંટણ ટેકવીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી નાખ્યો હતો.
રાજીવને એમ કે પોતે ચુકાદાને બદલ્યો છે પણ વાસ્તવમાં એમણે ભારતના રાજકારણની દિશા બદલી નાખી હતી અને કૉંગ્રેસના પતનનો પાયો નાખી દીધો હતો. શાહબાનો કેસ ભારતના રાજકારણમાં-ખાસ કરીને કૉંગ્રેસ પક્ષ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
ઈન્દિરા ગાંધીની હત્યાની સહાનૂભૂતિના મોજા પર લડાયેલી ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીએ કૉંગ્રેસને ૫૪૫માંથી ૪૧૪ બેઠકો જીતાડીને બીજા બધા પક્ષોને સાફ કરી દીધા હતા. ભાજપની હાલત સૌથી ખરાબ હતી કેમ કે ભાજપને માત્ર બે બેઠક મળી હતી.
ભાજપ પોતાનું અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારતો હતો ને શાહબાનો કેસે તેને એક મોટી તક આપી દીધી. રાજીવના નિર્ણયે હિંદુઓને નારાજ કરી દીધા હતા. કૉંગ્રેસ મુસ્લિમ કટ્ટરવાદીઓના પગમાં આળોટે છે એવા આક્ષેપ મુસ્લિમ સુધારાવાદીઓએ જ કરેલા. આ આક્ષેપોનો લાભ લેવા માટે ભાજપ કૂદી પડ્યો. વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠનો રામ મંદિરના નિર્માણ માટેની લડત ચલાવતાં હતાં , પણ રાજકીય પીઠબળ નહોતું.
કૉંગ્રેસે મુસ્લિમ મતબેંકને પોતાની તરફ વાળવા માટે કાયદો બદલ્યો તેની સામે હિંદુ મતદારોને ભાજપ તરફ વાળવા લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિરના મુદ્દાને ચગાવવાનું નક્કી કરીને આખા દેશમાં રામમય માહોલ કરી દીધો. અડવાણીએ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણના બહાને હિન્દુવાદની લહેર પશ્ર્ચિમ અને ઉત્તર ભારતમાં ઊભી કરી દીધી. રામમંદિરની લહેરના કારણે ૧૯૮૪માં લોકસભામાં માત્ર બે બેઠકો જીતનારો ભાજપ સળંગ બે વાર લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચી શક્યો તેની શરૂઆત શાહબાનો કેસના ચુકાદાના કારણે થઈ હતી. શાહબાનો કેસના ચુકાદાને બદલવા રાજીવ ગાંધી સરકારે નવો કાયદો બનાવ્યો તેના વિરોધમાં રાજીનામું આપનારા આરિફ મોહમ્મદ ખાને એક વાર કહેલું કે, ૧૯૮૬ના શાહબાનો કેસના ચુકાદાના કારણે દેશ પાછો ૧૯૪૭માં પહોંચી ગયો. મુસ્લિમ કટ્ટરવાદીઓ પોતાનું ધાર્યું કરાવી જતાં હિંદુઓને લાગ્યું કે, આ દેશમાં મુસ્લિમોનું ધાર્યું થાય છે ને કોંગ્રેસ એમને થાબડે છે. તેની પ્રતિક્રિયા રુપે અયોધ્યામાં રામમંદિરના નિર્માણની ઝુંબેશ શરૂ થઈ. મુસ્લિમ કટ્ટરવાદીઓએ પૂરા ઝનૂનથી તેનો વિરોધ કર્યો ને તેના કારણે ધિક્કારની લાગણી વધી. આરિફ મોહમ્મદ ખાનના મતે,આજે ૩૩ વર્ષ પછી આ બંને મુદ્દાનો ઉકેલ આવ્યો નથી ને એ ધિક્કારની લાગણી શમી નથી, તેના પડઘા ક્યાંક ને ક્યાંક તો પડ્યા જ કરે છે.
વાત તો સાચી છે. શાહબાનો કેસના કારણે જે પરિવર્તન આવ્યું તેની સૌથી મોટી અસર એ છે કે, અત્યારે સુપ્રીમ કોર્ટે આટલો મોટો ચુકાદો આપ્યો છે, પણ બધાં ચૂપ છે. એક જમાનો હતો કે જ્યારે મુસ્લિમોને લગતી કોઈ પણ બાબત આવે ત્યારે મુસ્લિમોના ઠેકેદારો કૂદી પડતા, દંભી સેક્યુલરો મેદાનમાં આવી જતા, રાજકારણીઓ પણ દેકારો મચાવી દેતા. મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં દખલગીરી કરવામાં આવી રહી છે એવી હોહા કરી મુકાતી. આ વખતે નિરવ શાંતિ છે. મુસ્લિમ મતોનો કોઈ ઠેકેદાર દેખાતો નથી, કોઈ દંભી સેક્યુલર નથી દેખાતો ને રાજકારણીઓ તો કશું બોલવા જ તૈયાર નથી. ભાજપ દેશમાં બીજું કશું પરિવર્તન લાવ્યો હોય કે નહીં, પણ આ પરિવર્તન તો લાવ્યો જ છે.