ઉત્સવ

આ ૯૯૬ એ કંઇ બલાનું નામ છે?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘બોસ, બોલાવે છે.’
બાબુલાલ બબુચકના પ્યુન કમ ચમચાએ સૌને સૂચના આપી. ‘બખડજંતર ચેનલ’નો સ્ટાફ કેટલો હશે એની કલ્પના કરી જુઓ. દેશની કોઇ પણ ચેનલની કોર્પોરેટ ઓફિસમાં નહીં નહીં તો પાંચસો છસોનો સ્ટાફ હોય. જિલ્લા તાલુકા કક્ષાએ સ્ટ્રિંગર હોય. સ્ટાફના નામે લાંબો પથારો હોય. બીજી તરફ, ‘બખડજંતર ચેનલ’ શબ્દમાં જેટલા અક્ષરો આવે છે એટલો પણ અમારો સ્ટાફ નથી..! . ગણીને પૂરા સાડા ચાર જણનો સ્ટાફ.( બાબુલાલને અડધા જ ગણ્યા છે.) આવો ,આવો, શહેનશાહ અકબરને નવ રત્નો હતા. મારે દોઢ રત્ન છે.’ બાબુલાલે વડચકું ભર્યા સિવાય અમને આવકાર્યા. અમે ખતરો કે ખેલાડી સિરિયલના સેટ પર હાજર હોય તેવું લાગ્યું. બાબુલાલ કંઇ ઘડીએ ટેબલના ખાનામાંથી કરચલા કે કોબ્રા કાઢશે તેની ખબર ન પડે. અમને કેમ બોલાવ્યા?’ અમે કોરસમાં પૂછયું .
નગરપાલિકા કે મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી એટલે કે ખડી કમિટિ-સ્થાયી સમિતિ હોય છે. એની બેઠક કાયમ બેઠા બેઠા થાય છે. એ કમિટી કદી નામ પ્રમાણે ખડી એટલે ઊભી હોતી નથી. જ્યારે બાબુલાલની બેઠકો અર્ધી ખડી એટલે કે ઊભી હોય છે. બાબુલાલ રિવોલ્વિંગ ચેરમાં બેસે અને અમે સૌ છત પર બસમાં ઊભા રહેવા માટે લોખંડનો પાઇપ રાખેલ હોય તેમ ઊભા રહેવા માટે ડાંડા આપ્યા છે. એ પકડીને અમે ઊભા રહીએ છીએ. કહું છું ,કહું છું, કહું છું’ વિધાનસભાના અધ્યક્ષ જેમ એક વાક્ય ત્રણ વાર બોલે તેમ બાબુલાલ જીભે ગજબની મીઠાશ લાવી બોલ્યા. ‘જલ્દી કહો, મારે મોડું થાય છે.’ તુકારામ બોલ્યો. તુકારામ બાબુલાલનો પ્યુન કમ પર્સનલ સેક્રેટરી છે. ઓફિસને લોક કરીને છેલ્લે એણે ઘરે જવાનું હોય. તુકારામ, સૌને ટાંકીનું ગરમ પાણી ચપટી મીઠું નાખી પિવડાવી દે. મારી પાસે બેઠક માટે ચા-નાસ્તાનું બજેટ નથી. બાબુલાલે ઘા પર મીઠું નહીં પણ મીઠા પર ઘા રગડયો. બાબુલાલ, જે કહેવું હોય તે ભસી નાંખો. ઉંદર બિલાડીની રમત બંધ કરો. રાજુ રદીએ લાંબા-ટૂંકા હાથ કરી ગરમી પકડી કહ્યું . રાજુડા, હાથ નીચો કર. હું કોઇની ગેરશિસ્ત ચલાવી નહીં લઉં . બાબુલાલે તપી જઇને રાજુને કહ્યું. બોસ, તમે જેના માટે અમને બોલાવ્યા એ કહી દો. મેં બાબુલાલને કહ્યું.જો, રાજુડા વાત કરવાની એટીકેટ ગિરધરલાલ પાસેથી શીખ. જયાં ત્યા કડછો હલાવ્યા કરે છે. બાબુલાલે રાજુને લમધાર્યો.નન બાબુલાલ, તમે બોલશો? ચંદુ ચૌદસે હાબુલાલને અધવચ્ચે આંતર્યા. લુક ,માય ફ્રેન્ડઝ. ચેનલના ધંધામાં કોમ્પિટિશન વધી છે, આપણી રેવન્યુ ઘટી છે. ચેનલની વ્યુઅરશીપ અને ઓવરઓલ રેટિંગ ઘટ્યા છે. ચેનલને રિવાઇવ કરવા મેં પ્લાન કર્યો છે. કાઇન્ડલી કોપરેટસ મી. બાબુલાલ આટલું બોલીને તાળીઓ પાડી. એમાં અમારે શું કરવાનું છે?’ અમે બધાએ કોરસમાં પૂછયું. હું તમારો પગાર વધારી શકતો નથી, તમને બોનસ આપી શકતો નથી. તમને ડીએ કે એલટીસી આપી શકતો નથી. હું કોઇને ઓવરટાઇમ આપી શકતો નથી.મારે તમને તમામ લેજિટીમેટ રાઇટસ આપવા છે. તમને મેટરનિટી કે પેટરનિટી, અનહેપીનેસ લીવ આપી શકતો નથી. હું કર્મચારી વિરોધી બોસ નથી. મારી પણ મજબૂરી છે. તમને કાયદેસરના બધા લાભ આપવાનો મનોરથ છે, પરંતુ મારું ખિસ્સું ફકીરનું છે. હું એક પણ લાભ આપી શકું તેમ નથી.

બાબુલાલ ઇમોશનલ કાર્ડ ખેલી રહ્યા હતા. તમે કરવા શું માગો છો? ચંદુ ચૌદશે અધીરાઈથી પૂછયું. તમારે બધાએ હવે ૯૯૬ મુજબ કામ કરવાનું છે.’ બાબુલાલે પતા ખોલવાનું શરૂ કર્યું. એ વળી કંઇ બલા છે?’ રાજુ ઉછળી પડ્યો. રાજુ, કમડાઉન. ધીરજ ધર. ઉતાવળે આંબા ન પાકે. ૯૯૬ વર્ક કલ્ચરનું સ્વરૂપ છે.’ આજે બાબુલાલ સ્વભાવથી વિપરિત નરમ હતા. અમે ફાઇવ ડે વીક, સિકસ ડે વીક, ફોર ડે વીક,વર્ક ફ્રેમ હોમ, ફિલ્ડ વર્ક વિશે સાંભળેલ છે.૯૯૬ જ કેમ? ૧૦૦૦ કે ૯૦૦ કેમ નહીં?’ મે બાબુલાલ પર સવાલોના તીર છોડ્યા . અમે ૯/૧૧ કે ૨૪/૧૧ અંગે સાંભળેલ છે. શ્રી સવા વિશે પણ સાંભળ્યું છે.૭૮૬ નંબર મુસ્લિમ માટે લકી હોય છે. ૪૨૦ વિશે પણ સાંભળ્યું છે, પરંતુ ૯૯૬ વિશે કદી સાંભળ્યું નથી.’ રાજુએ આશ્રર્ય વ્યક્ત કર્યું. ગિરધરલાલ, કર્મચારીઓએ કેટલા કલાક કામ કરવું એ વિશે તુંડે તુંડે મતિ ભિન્ન છે. વિદેશોમાં અઠવાડિયામાં ચાલીસ કલાક કામ કરવાનું હોય. કોલેજમાં ભણતા છાત્રો ભણવાનો ખર્ચ કાઢી શકે તે માટે અઠવાડિયાના વીસ કલાક કામ કરી શકે છે. સરકારી બાબુ તો કેટલા કલાક કામ ન કરવું પડે તેની પેરવી કરતા હોય છે.એક કંપનીના માલિકે યુવાનોને અઠવાડિયાના નેવું કલાક કામ કરવા સલાહ આપતા વિરોધનો વંટોળ ઉડેલો. હું આપણી કંપનીનાં દરરોજ નવ કલાક લેખે અઠવાડિયાના છ દિવસ કામ કરવાનું કલ્ચર એટલે કે ૯૯૬ ઇન્ટ્રોડયુસ કરવા ઇચ્છું છું. તમે લોકો મને સહકાર આપો તે માટે તમને સમજાવવા આ બેઠક રાખી છે.’
બાર વરસે બાવો બોલે કે ‘જા બચ્ચા તેરા નખ્ખોદ જાયેંગા’ની જેમ બાબુલાલ વિનાશક દરખાસ્ત કરી. એનો મતલબ એ થયો કે અમારે સવારના નવ કલાકથી રાતના નવ વાગ્યા સુધી કામ કરવાનું. ઘરે માત્ર ઊંઘવા જવાનું. લંચની વ્યવસ્થા બાબુલાલ બબુચક કરે તેવી એની વૃત્તિ નથી. બાબુલાલ અમારા કુટુંબની રહેવાની વ્યવસ્થા ઓફિસમાં કરી દો એટલે અમારે ટીચાતા ટીચાતા ઘરે જવું મટે.
રાજુ રદીએ બાબુલાલને ભીંડવ્યા ! એ રાજુડા, એ મારે ન જોવાનું ન હોય!’ બાબુલાલે જવાબદારીમાંથી હાથ ઉંચા કર્યા. બાબુલાલ, અત્યારે અમે અઠવાડિયાના સિતેર કલાક કામ કરીએ છીએ તો મહિને દસ હજારનો પગાર મળે છે. અઠવાડિક રજા મળતી નથી. હવે, અમે ૯૯૬ પેટ્રન પ્રમાણે કામ કરીએ તો પગાર કેટલો મળશે? રાજુ રદીએ બાઉન્સર બોલ જેવો ઘાતક સવાલ પૂછયો. બાબુલાલ બોલ્ડ થઇ ગયા. બાબુલાલે તુકારામની મદદથી અમને બધાને તેમની ચેન્બરમાંથી ખદેડ્યા.બાબુલાલની અમને એરંડિયુ પાઇને અમારું તેલ કાઢવાની યોજના પડી ભાંગી!બાબુલાલ અસંતુષ્ટોની જેમ ખુલ્લા પડી ગયા. આમ બાબુલાલ વિફર્યા છે. હવે અમારે સાહેબની જેમ દિવસના અઢાર કલાક ઘાણીએ પિલાવવાનું છે એમ તુકારામ કહેતો હતો! બાબુલાલની
જોહુકમી સહન કરવા કરતાં તો ગટરના ગેસથી ચા
બનાવવા કે પકોડા બનાવી બે પૈસા રળવા શું ખોટા? તમે શું
કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button