ઉત્સવ

વિવિધ સેકટર્સ ને સ્ટોકસ પર કેવી છે બજેટની અસર?

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કેન્દ્રીય બજેટ બાદ શૅરબજારમાં ઊથલપાથલ ચાલુ રહી છે. સરકારે કેપિટલ ગેન્સ પરનો ટેકસ વધારતા અને શેર્સ બાયબેક પર વેરો નાખતાં અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં વધારો કરતાં એકંદરે બજારમાં નિરાશા રહી છે. આમ છતાં, આશાવાદ અને પ્રવાહિતાના જોરે બજારનો વેગ જળવાઈ રહ્યો છે.

મજાની વાત એ છે કે એક તરફ બજેટની ટીકા પણ થઈ રહી તો બીજી બાજુ, બજાર સતત ઊંચે પણ જઈ રહ્યું છે. ખેર, બજેટની જાહેરાતોની જુદા-જુદા સેક્ટર અને તેના કેટલાક સ્ટોકસ પર કેવી અસર પડી અને હજી પડી શકે એની ઝલક જોઈએ….

બૅન્કિંગ ને ફાઈનાન્શિયલ સેવા
અહીં મહત્ત્વની જોગવાઈમાં પીએમ આવાસ યોજના અંતર્ગત ત્રણ કરોડ નવા ઘરો બાંધવાની જાહેરાત થઈ છે. આમાંથી બે કરોડ ગ્રામીણ વિસ્તારોમાં અને એક કરોડ શહેરી વિસ્તારોમાં ઘર નિર્માણ થશે. આ ઉપરાંત, પીએમએવાય-અર્બન અંતર્ગત ક્રેડિટ- લિન્ક્ડ સબસિડી યોજનાઓ માટે રૂ. ૪,૦૦૦ કરોડની પણ જોગવાઈ થઈ છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં શૂન્ય હતી. આનો લાભ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને મળી શકે છે. કોટક સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ આમ તો અપેક્ષા કરતાં આ ફાળવણી ઓછી છે, પરંતુ તે બાદમાં વધારી શકાશે. શહેરી વિસ્તારોમાં લોન લેનાર પગારદાર લોકોનો હિસ્સો ઊંચો રહેશે, તેથી બહુ ઊંચી કિંમતના ન હોય એવા ઘર પર ધ્યાન કેન્દ્રિત કરનાર હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને આનાથી વધારે લાભ થશે. અહીં ધ્યાનમાં રાખવા જેવા સ્ટોકસમાં એલઆઈસી, ‘હાઉસિંગ ફાઈનાન્સ’, ‘હુડકો’ અને ‘કેન ફિન હોમ્સ’નો સમાવેશ થાય છે.

કેપિટલ ગેન ટેકસ ને એસટીટી
લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો થયો છે,જેની નકારાત્મક અસર થશે .બ્રોકિંગ કંપનીઓને, જેની માટે માર્કેટનો દ્રષ્ટિકોણ એ છે કે આ વર્ષની ૧ ઓક્ટોબરથી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર STT વધી જશે તેથી ડેરિવેટિવ્સ ટ્રેડિંગ કમિશનમાંથી મોટી આવક મેળવતા બ્રોકર્સને ફટકો પડી શકે છે. વધુમાં હજી સેબી’ જ્યારે ’એફ એન્ડ ઓ’ સેગમેન્ટમાં સટ્ટાને અંકુશમાં રાખવા તેમ જ નાના રોકાણકારોને તેનાથી દૂર રાખવા વધુ કડક પગલાં લઈ રહ્યું હોવાથી બ્રોકરેજ હાઉસિસના બિઝનેસ પર તેની વિપરીત અસર પડશે. STCG વધી જવાથી વ્યક્તિગત ઈન્વેસ્ટરો એમના પોર્ટફોલિયોમાં વારંવાર ફેરફાર કરવાનું ટાળશે, સાથોસાથ, કેશ માર્કેટ
કમિશનને પણ ફટકો પડશે. જે સ્ટોકસ પર અસર સંભવ છે તેમાં એન્જેલ વન, ફાઈવ પૈસાડોટકોમ, ઈંઈંઋક સિક્યોરિટીઝ.

ઓટોમોબાઈલ સેકટર
બજેટ મુજબ ગ્રામીણ વિકાસ અને કૃષિ તથા સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે, કુલ યોજનાખર્ચ અનુક્રમે રૂ. ૨.૬૫ લાખ કરોડ અને રૂ. ૧.૫૨ લાખ કરોડ રહેશે.
આનો લાભ ટુ-વ્હિલર કંપનીઓને મળશે. ગ્રામીણ વિસ્તારોમાં વધુ ખર્ચ કરવામાં આવશે તેથી ટુ-વ્હિલર્સની માગ વધશે. કોવિડ મહામારીના અંત બાદ પેસેન્જર વાહનોની કંપનીઓ કરતાં ટુ-વ્હિલર કંપનીઓના શેર ઘણા ઊંચકાયા છે. આ માટે ધ્યાનમાં રાખવા જેવા સ્ટોકસમાં ટીવીએસ મોટર્સ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે.

બેટરી ઉત્પાદન
લિથિયમ, કોપર, કોબાલ્ટ જેવા ખનિજો તેમજ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં વપરાતા લિથિયમ-આયન સેલ્સના ઉત્પાદન માટે જરૂરી કાચામાલની આયાતને કસ્ટમ્સ ડ્યૂટીમાંથી સંપૂર્ણપણે માફી અપાતા બેટરી ઉત્પાદક કંપનીઓને એનો લાભ થઈ શકે.

એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે બજેટની આ દરખાસ્તથી અમર રાજા એનર્જી અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝને લાભ થશે. આ બંનેના શેર છેલ્લા છ મહિનાથી ઊંચે જઈ રહ્યા છે. જોકે વધુ લાભની ગતિ ધીમી પડી શકે છે.

હવે કેટલાંક સેકટર વિશે વાત કરીએ, જેમકે…..

રિયલ એસ્ટેટ
પ્રોપર્ટીના વેચાણ પરનો લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ ૨૦ ટકાથી ઘટાડીને ૧૨.૫ ટકા કર્યો, પરંતુ ઈન્ડેક્સેશન લાભ કાઢી નંખાયો, જેની અસર પ્રોપર્ટી ડેવલપર્સ કંપનીઓ પર પડશે. માર્કેટનો દ્રષ્ટિકોણ કહે છે, અંગત વપરાશ માટે ઘર ખરીદનારાઓ ઉપર મર્યાદિત અસર થશે. પરંતુ ઈન્વેસ્ટરો માટે નિરાશાજનક સમાચાર ગણાય, કારણ કે ઊંચા ફુગાવાના રેજિમમાં આને કારણે રિટર્ન્સ પર મોટો ફટકો પડી શકે છે. પરિણામે ટૂંકા ગાળામાં ઈન્વેસ્ટરો તરફથી માગ ઘટી શકે છે.

હોટેલ્સ – પર્યટન
આ સેક્ટર માટે ૨,૪૭૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. છેલ્લાં બે વર્ષના બજેટની તુલનામાં આ ત્રણ ગણો વધારો છે. આમાંનો મોટા ભાગનો હિસ્સો સ્વદેશ દર્શન યોજનામાં જશે. આનો લાભ હોટેલ્સ, એરલાઈન્સ, લગેજ ઉત્પાદકોને મળી શકશે. જોકે, માર્કેટના દ્રષ્ટિકોણ મુજબ આનાથી કોઈ મોટો ફરક નહીં પડે. વધુમાં, બજેટમાં પર્યટન અને આતિથ્ય ઉપરના જીએસટી સ્લેબ્સમાં કોઈ છૂટ આપી નથી તેમજ આ સેક્ટરને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજજો પણ આપ્યો નથી.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટર
વચગાળાના બજેટની સરખામણીમાં આ પૂર્ણ બજેટમાં રૂ. ૧૧.૧ લાખ કરોડના મૂડીખર્ચને યથાવત્ રાખવામાં આવ્યો છે. એવી જ રીતે,
રસ્તાઓ, રેલવે અને પાણી જેવા મહત્ત્વના ક્ષેત્ર માટેની ફાળવણીમાં પણ
કોઈ ફેરફાર કર્યો નથી. બિહારમાં હાઈ-વેના વિકાસ માટે રૂ. ૨૬,૦૦૦ કરોડ અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે રૂ. ૧૫,૦૦૦ કરોડની
ફાળવણી કરાઈ. આનો લાભ સિમેન્ટ ઉત્પાદક કંપનીઓને મળી શકે.આ વિશે માર્કેટનો દ્રષ્ટિકોણ નિરાશાજનક રહ્યો છે, કારણ કે અપેક્ષા એ હતી કે ફાળવણીમાં વધારો કરાશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે તો આ ફાળવણી નકારાત્મક ગણાય.

રસ્તાઓ અને પાણી જેવા ક્ષેત્રો માટે ઓછી ફાળવણીને કારણે વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રોજેક્ટો પરનું કામ ધીમું રહ્યું હતું, એવું ‘જેએમ ફાઈનાન્શિયલ’નું કહેવું છે.

ફર્ટિલાઈઝર્સ – કૃષિ
કૃષિ તથા સંબંધિત સેક્ટર્સ માટે રૂ. ૧.૫૨ લાખ કરોડની ફાળવણી થઈ છે. આમાં ઉત્પાદક્તા યોજનાઓ, ખેડૂતો તથા એમની જમીનના ત્રણ વર્ષ સુધીના કવરેજ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ૪૦૦ જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે અને જન સમર્થ-આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ ઈસ્યૂ કરવા જેવી યોજનાઓ આવરી લેવામાં આવી છે.

આનો લાભ ફર્ટિલાઈઝર કંપનીઓને મળી શકે. કોરોમંડલ ફર્ટિલાઈઝર,
ગોદરેજ એગ્રોવેટ પર ધ્યાન અપાય.

ઊર્જા
‘પીએમ સૂર્યઘર યોજના’ અંતર્ગત સવા કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. અણુભઠ્ઠીઓના સંશોધન અને વિકાસ કાર્યો પણ હાથ ધરાઈ રહ્યા છે.

આનો લાભ વિદ્યુત ઉત્પાદન કંપનીઓ તેમજ ઊર્જા ક્ષેત્રના ફાઈનાન્સર્સને મળી શકે.

માર્કેટનો દ્રષ્ટિકોણ મુજબ રિફોર્મ લિન્ક્ડ ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ માટેનો મૂડીખર્ચ ૨૧ ટકા વધારવામાં આવ્યો છે. આને લીધે પાવર ઈક્વિપમેન્ટ ઉત્પાદકો અને ઈપીસી કોન્ટ્રાક્ટરોને લાભ થવાની ધારણા છે. એનટીપીસી, પાવર ગ્રિડ, ટાટા પાવર પર ધ્યાન આપી શકાય.

ખાસ સૂચના:
અહીં એક વાત ખાસ નોંધવી જરૂરી છે કે ઉપરોકત વાત કે મુદ્દા માત્ર ધારણા છે, જેથી રોકાણકારે પોતાનો રોકાણ નિર્ણય સમજી-વિચારીને અભ્યાસ કરીને લેવામાં સાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button