
અબળા નારી હોય છે. અબળા પુરુષ નથી હોતો. પુરુષને નમાલો કહેવામાં આવે છે. અબળા અને નમાલો-આ બંને વિશેષણ અલગ અલગ કુળનાં છે. અબળા વિશેષણ જ્યારે પણ પ્રયોજવામાં આવે ત્યારે બોલનાર અને સાંભળનાર વ્યક્તિના મનમાં જે તે સ્ત્રી માટે દયા ભાવના પેદા થાય છે.
સહાનુભૂતિ પ્રગટે છે. સ્ત્રી માટે મદદ કરવાની ભાવના જાગે છે,
પરંતુ જો કોઈ પુરુષને નમાલો કહેવામાં આવે તો તેમાં તિરસ્કારની ભાવના ભળે છે. એ વિશેષણમાં એની નિષ્ફળતાની હાંસી ઉડાડવાનો અર્થ ગર્ભિત છે. તેમાં પુરુષને નક્કામો કહેવાની બેશરમ ચેષ્ટા છે. આ આપણો સમાજ છે અને આ છે માતૃભાષામાં વપરાતા શબ્દોમાં રહેલો ભેદભાવ.
નમાલો એક પુરુષવાચક શબ્દ છે. નિષ્ફળ કે નિર્બળ સ્ત્રીને શું કહેવાય એ આપણને ખબર નથી અથવા તો એના માટેનો શબ્દ બહુ પ્રચલિત નથી. પુરુષને સાબિત કરવું પડે છે. એક વાર નહીં, વારંવાર સાબિત કરવું પડે છે. એ બાળકની વાલી મીટિંગમાં મોડો પહોંચે તો ખરાબ બાપ સાબિત થાય છે.
એ ઑફિસથી ઘરે મોડો પહોંચે તો ખરાબ પતિ સાબિત થાય છે. એ ઑફિસ મોડો પહોંચે તો ખરાબ કર્મચારી સાબિત થાય છે. એ સાહેબની સામે રડી નથી શકતો. આમ તો એ કોઈની સામે રડી નથી શકતો. પુરુષનું કોઈ પિયર નથી હોતું. એ ક્યાં જાય?
પુરુષાર્થ શબ્દમાં જે ‘અર્થ’ છે એ વારંવાર માપવામાં આવે છે. અર્થસભર જીવન અને અર્થ કમાવાના સંદર્ભમાં પણ એણે સાબિત કરવું પડે છે કે એ જે કરે છે એ બધુ સાર્થક છે. માપનના વિવિધ એકમથી એણે પૌરુષ સાબિત કરવાનું હોય છે. દરેક ‘કાઉન્ટ’માં ખરા ઊતરવાનું હોય છે.
એણે બૅન્ક ઍકાઉન્ટમાં અને પાસબુકમાં સાબિત કરવું પડે છે. એ પત્નીને હનીમૂન પર ક્યાં લઈ જાય છે અને બાળકને કઈ સ્કૂલમાં બેસાડે છે, કેવી કાર લઈ આપે છે એના પરથી સમાજ એની ઓકાત માપે છે.
જીવનભર સાબિત કરવા કરવાની આ પ્રક્રિયામાં પુરુષ પર એક પ્રેશર બનતું જાય છે. એ સતત આ પ્રેશર વચ્ચે જીવે છે.
એના પર પરિવાર માટે ભોજન લાવવાનું પ્રેશર હોય છે. પરિવારને ખુશ રાખવાનું પ્રેશર હોય છે. એના પર માછલી વીંધવાનું પ્રેશર હોય છે. એ રાજા હોય તો પ્રજાને ખુશ રાખવાનું પણ પ્રેશર હોય છે. અરે, ભગવાને શારીરિક સંરચના પણ એવી બનાવી છે કે બેડમાં પણ એણે સાબિત કરવાનું હોય છે.
એના પર પરફોર્મન્સ ‘પ્રેશર’ હોય છે. અહીં એ જૂઠું બતાડી શકતો નથી. પુરુષની હાર જાહેર થતી હોય છે. સ્ત્રીની હાર ઘણા અંશે પ્રાઇવેટ-ખાનગી રહેતી હોય છે.
ઘરમાં દીકરો અને દીકરી હોય તો બધા આવીને દીકરાના પરસેન્ટેજ ગંભીરતા સાથે પૂછે છે. એના પર કંઈક બનવાનું પ્રેશર હોય છે. જેણે આ બધું જોઈ લીધું એ બાપની આંખમાં આંખ નાખીને જોવા જેટલી રિસ્પેક્ટ કમાવાનું પ્રેશર હોય છે. વરાળ યંત્રની શોધ કરનારો એક પુરુષ હતો. પ્રેશર કુકરની શોધ કરનારો એક પુરુષ હતો. પ્રેશર માપવા માટે બેરોમિટર શોધનારો પણ એક પુરુષ હતો. પ્રેશરનો એકમ જેના નામ પરથી છે એ પાસ્કલ પણ પુરુષ હતો.
પુરુષ પર પુસ્તક લખવાથી કોઈ એવોર્ડ નથી મળતો. એના પર ફિલ્મ બનાવવાથી કોઈ નેશનલ એવોર્ડ કે વિદેશી એવોર્ડ નથી મળતો. અરે, ગાડી એટલી રિવર્સ ગિયરમાં જઈ રહી છે કે હવે બધા જ પુરુષને પથ્થરદિલ સમજવામાં આવી રહ્યા છે. જોકે, દુનિયાભરના કાર્ડિયૉલૉજિસ્ટ મળીને કહેશે કે પુરુષોને હ્રદય હોય છે અને આ પ્રેશર ઝીલી ઝીલીને નબળું થઈ જાય છે એના સૌથી વધુ પુરાવા એમણે જોયા છે.
અતુલ સુભાષનો જે કિસ્સો બન્યો તે બહુ દુ:ખદ છે. બેંગલુરુના એ આશાસ્પદ ટેકનોસેવી માણસે આપઘાત કરી નાખવો પડ્યો. પત્ની અને પત્નીના પરિવારના ત્રાસથી એટલો કંટાળ્યો હતો કે એ ભણેલગણેલ આધુનિક માણસને જીવન ટૂંકાવવું વધુ સહેલું લાગ્યું. કાયદો પણ તેની વહારે ન આવ્યો. ન્યાયાધીશે પણ એની મદદ ન કરી. એને વિશ્ર્વાસ બેસી ગયો કે આ દેશનું ન્યાયતંત્ર એને ન્યાય નહીં અપાવે.
Also Read – આઈટી ક્ષેત્રની કરિયર છોડી ઓર્ગેનિક ખેતી દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવે છે આ દંપતી
સ્ત્રીની સુરક્ષા માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ એ વિકૃતિ છે. તે વિકૃતિનો ભોગ ઘણા અતુલ ને ઘણા સુભાષ બનતા હોય છે, પરંતુ ત્યારે પુરુષ આ સમાજની સહાનુભૂતિ ભાગ્યે જ મેળવતા હોય છે.
બધો વાંક હંમેશાં પુરુષોનો હોતો નથી. એ જ રીતે આધુનિક સમાજની કે શહેરની બધી સ્ત્રી ખરાબ કે પ્રપંચી હોતી નથી. મુદ્દો એ છે કે આપણે એવા દેશનું નિર્માણ કરવાનું છે કે જ્યાં એક પણ નિર્દોષને સજા ન થાય અને જે દોષિત હોય એ છૂટી પણ ન જાય – પછી એ સ્ત્રી હોય કે પુરુષ – કાયદો, નિયમ, સિદ્ધાંત બધા માટે એકસમાન હોવા જોઈએ. આ આદર્શવાદ નથી – આ તો સમાજનો મૂળભૂત પાયો છે.