ઉત્સવ

માંદો પરહેજ ન રાખે તો શો લાભ દવા લઈ? માંદો પરહેજ જો રાખે તો શો લાભ દવા લઈ!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ભાષા અને ભાર્યા પાસેથી જે પ્રેમ પામે છે એનું જીવન તરબતર હોય છે. મૃત્યુ પછી સ્વર્ગની કોઈ કામના નથી રહેતી, કારણ કે ભાષા અને ભાર્યાનો પ્રેમ સદેહે સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. જીવનની અનેક બાબતો સરળ ભાષા દ્વારા જે રીતે કહેવાઈ છે એ જાણ્યા પછી જગતમાં કશું જટિલ નથી એવું માનવાનું મન થાય છે. આરોગ્યની જાળવણી માટે શું કરવું અને શું ન કરવું એ વિશે અનેક ભાષણ સાંભળ્યા હશે, લેખ વાંચ્યા હશે, ચર્ચા સુધ્ધાં કરી હશે. ભાષાના પટારામાં એવાં કિંમતી રત્નો સચવાઈને પડ્યાં છે જે સ્વસ્થ આરોગ્યની સમજણ સરળ શબ્દોમાં અને બરાબર સમજાઈ જાય એ રીતે રજૂઆત કરે છે. માંદગી અને દવાનો સંબંધ જાણીતો છે. માંદા પડીએ એટલે દવા લેવી પડે અને દવાના નિયમિત સેવનથી માંદગી ભાગી જાય. આ વાત બે પંક્તિઓમાં કેવી વેધક રીતે વ્યક્ત થઈ છે: માંદો પરહેજ ન રાખે તો શો લાભ દવા લઈ? માંદો પરહેજ જો રાખે તો શો લાભ દવા લઈ! માંદા પડ્યા હોઈએ ત્યારે પરેજી (ખાણીપીણીમાં સંયમ) ના પાળીએ તો ગમે એટલી દવા કરવાથી પણ કશો લાભ થાય નહીં, માંદગી જાય નહીં. પણ જો બીમાર વ્યક્તિ – દર્દી પરેજી પાળે તો દવા લેવાની પણ જરૂર ન પડે. અલબત્ત અહીં શબ્દાર્થ ન પકડવો. પરેજી પાળ્યા પછી દવા લેવાની જરૂર જ નથી એવું ન સમજવું. પરેજી પાળવાથી તબિયત જલદી સારી થાય અને દવાથી બહુ જલદી છુટકારો મળે એ ભાવાર્થ છે. ઉપચાર કરતાં સાવચેતી બહેતર છે એ અમથું નથી કહેવાયું. આ અદભુત પંક્તિઓનો ભાવાર્થ શારીરિક આરોગ્યથી વિસ્તાર પામી આપણા ભાવવિશ્ર્વ સુધી વિસ્તરે છે. આ જ વાત ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે શરીરનું નૂર! ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન દ્વારા પણ કહેવાઈ છે. અર્થમાં સમાનતા નથી, પણ બંનેનો ભાવ એક જ છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, ચિંતા વધે, પણ વધુ પડતી ચિંતા કરવાથી માનવીના શરીર અને મન પર વિપરીત અસર થાય છે. ચિંતા ઉધઈ જેવી હોય છે જે ધીરે ધીરે વધી આખા શરીરને ફોલી ખાય અને અને મૃત્યુ માટે નિમિત્ત બની જાય. ખૂંદી ખમે માતા ધરતી, વાઢી ખમે વનરાઈ, કઠણ વચન સાધુડા ખમે, નીર તો સાગરમાં સમાય. સ્વભાવની લાક્ષણિકતાઓ આ પંક્તિઓ દ્વારા બહુ સચોટ રીતે વ્યક્ત થાય છે. માનવ વસ્તી ધરતી – જમીન ગમે એટલી ખૂંદી નાખે તો પણ એ કોઈ ફરિયાદ વિના સહન કરી લે છે. વનમાં વૃક્ષોની લાંબી હાર – વનરાજી કે વનરાઈ મનુષ્ય ગમે એટલી વાઢી નાખે – કાપી નાખે તો પણ સહન કરી લે છે. સાધુ માણસ કડવા વેણ સહન કરી લે છે. સામે જવાબ નથી આપતા. આ ઉદાહરણ આપી અંતે માર્મિક રીતે કહેવાયું છે કે નીર એટલે કે જળ સરોવરનું હોય કે નદી – તળાવનું હોય કે આકાશમાંથી વરસ્યું હોય અંતે તો એ સાગરમાં જ સમાઈ જાય છે. શરૂઆત ભલે અલગ અલગ હોય અંત તો એક જ છે: ખાખ મેં મિલ જાના હૈ.

SHOPPING IDIOMS

પ્રવાસે નીકળતા સહેલાણીઓને એક જુઓ અને એક ભૂલો એવા રમણીય સ્થળ જોવા ઉપરાંત સરસ મજાના ભોજન અને ખરીદી – શોપિંગ માટે વિશેષ દિલચસ્પી હોય છે. છુટ્ટીની મોસમ ચાલી રહી છે અને લોકો બેગ અને બેકપેક લઈ ફરવા નીકળી પડ્યા છે. જોરદાર શોપિંગ ચાલી રહ્યું છે. આજે શોપિંગ સાથે સંબંધ ધરાવતા કેટલાક અંગ્રેજી રૂઢિપ્રયોગથી વાકેફ થઈએ. ભાવતાલ કરવામાં ગુજરાતીઓને કોઈ ન પહોંચે. એ માટે પ્રયોગ છે Bargain Hunting. દુકાનદારે કીધેલા ભાવથી સસ્તા દામમાં વસ્તુ મેળવવા હડિયાપાટી કરવી એ એનો ભાવાર્થ છે. Break the Bank પ્રયોગને બેંકમાં ધાડ પાડવી કે ખાતર પાડવું સાથે કોઈ સંબંધ હશે એવું માની લેવાની ઉતાવળ નહીં કરતા. The expression break the bank means to spend or lose all your money, or to buy something that costs more than you can afford. કોઈ વસ્તુ ખરીદવા જતા બધી મૂડી ખર્ચાઈ જવી કે પોસાતું ન હોય એવી વસ્તુ ખરીદવી એ એનો ભાવાર્થ છે. એ જ રીતે Buy a Lemon પ્રયોગમાં લીંબુ – કોથમીર લેવા સાથે નાહવા નિચોવાનો સંબંધ નથી. If you buy something, especially a car, that is defective, unsatisfactory, constantly gives trouble or stops running after a short time, you buy a lemon. જો તમે કાર જેવી કોઈ મોંઘી વસ્તુ ખરીદી હોય અને એ ખરાબ નીકળે કે એનાથી તમને સંતોષ ન થાય કે સતત તમે હેરાનગતિ અનુભવતા હો તો એ દર્શાવવા બાય અ લેમન પ્રયોગનો વપરાશ થાય છે. અંગ્રેજી ન જાણતા ગુજરાતીઓ પણ Window Shopping રૂઢિપ્રયોગથી પરિચિત હશે. When people go window shopping, they look at things in shop windows, without actually purchasing anything. વિન્ડો શોપિંગ એટલે વસ્તુ ખરીદવા દુકાનના પગથિયાં ચડ્યા વિના રસ્તા પરથી દુકાનમાં રાખેલી વસ્તુ નીરખીને આનંદ લઈ લેવો. મોટેભાગે મોંઘી કે પહોંચ બહારની ચીજવસ્તુઓ માટે વિન્ડો શોપિંગ થતું હોય છે.

गुजराती कहावत हिंदी में

આપણા જીવનમાં અનેક એવી ઘટના બનતી હોય છે જે જોઈને ક્યારેક વિસ્મય થાય તો ક્યારેક આંચકો પણ લાગે. સમજ બહારની ઘટના – પ્રસંગ બનતા હોય છે. આ બધું ભાષાની કહેવતો અને રુઢિપ્રયોગો મારફત બહુ આસાનીથી સમજી શકાય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે દોષ કોઈનો હોય પણ એની સાથે નિર્દોષને પણ સજા થઈ જતી હોય છે. ગુજરાતીમાં આ વાત પાડાને વાંકે પખાલીને ડામ કે પછી સૂકા ભેગું લીલું બળે કહેવત દ્વારા આબાદ પ્રગટ થાય છે. આ પરિસ્થિતિ સમજાવતી હિન્દી કહેવત છે गेहूं के साथ घुन पिसता है. ઘુન એટલે ધનેડું, એક પ્રકારની જીવાત. ઘઉં દળાય ત્યારે જો એમાં ધનેડાં રહી ગયા હોય તો એ પણ ભેગા દળાઈ જાય. સોબત તેવી અસર કહેવત તમે જરૂર સાંભળી હશે. જેવી સંગત તેવી અસર એવો એનો ભાવાર્થ છે. મીઠું મીઠું બોલતા પોપટ ગુનેગારોના સહવાસમાં રહી અપશબ્દો બોલતા શીખી જાય એવા ઉદાહરણ જોવા મળ્યા છે. આ વાત હિન્દીમાં कोयले की दलाली में हाथ काला કહેવત મારફત સુપેરે પ્રગટ થાય છે. इस कहावत का अर्थ है कि आप जो भी काम करेंगे आपको उसका फल भी भुगतना पड़ेगा और यहाँ इशारा गलत काम या धंधे की ओर है। ગજા પ્રમાણે ખર્ચ કરવો, હેસિયત અનુસાર હોંશ કરવી એ વિશેષ તો લગ્ન પ્રસંગમાં ત્રેવડ કરતા વધુ ખર્ચ કરી પરેશાન થતા વર્ગના સંદર્ભે વપરાય છે. એ માટે ગુજરાતી કહેવત છે સોડ પ્રમાણે સાથરો કરવો. સાથરો એટલે ઘાસની સાદડી. આ જ વાત હિન્દીમાં चादर देख कर पाँव पसारना કહેવત દ્વારા પ્રગટ થાય છે.

विस्मृतीत गेलेल्या म्हणी

ગુજરાતી જ નહીં, મરાઠી અને હિન્દી ભાષાની પણ અનેક કહેવતો કે રૂઢિપ્રયોગ આજે વિસરાઈ ગયા છે. પરિણામે આજની ભાષામાં લાલિત્ય અને લાઘવનો અભાવ જોવા મળે છે. કહેવત કે લોકોક્તિમાં એ શક્તિ છે કે ટૂંકાણમાં ઘણી લાંબી વાત પ્રભાવીપણે સમજાવી શકાય, વ્યક્ત કરી શકાય. વિસ્મૃતિમાં ધકેલાઈ ગયેલી એક બહુ જ સુંદર મરાઠી કહેવતનું ઉદાહરણ જાણી વાત સમજીએ. आई भेरी, बाप पडघम आणि संबळ भाऊ કહેવતમાં સંગીતપ્રેમી પરિવારનું વર્ણન છે. ભેરી એટલે પિપૂડી અથવા શરણાઈ જેવું લાંબું અને ફૂંક મારીને વગાડવાનું વાદ્ય. પડઘમ એટલે નગારા જેવું ચર્મ વાદ્ય અને સંબળ એટલે તબલાને મળતું આવતું ગ્રામ્ય વિસ્તારમાં મહદઅંશે વપરાતું ચર્મ વાદ્ય. ભેરી, પડઘમ અને સંબળ એ ત્રણેય મહારાષ્ટ્રના લોક વાદ્ય તરીકે ખ્યાતિ ધરાવે છે અને ત્રણેય ભેગા મળી મંગળ સ્વરનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. સાત શબ્દની આ કહેવતમાં પરિવારના સભ્યો વચ્ચેનો તાલમેલ અને પરિવાર કેવો રસિક છે એ આબાદ પ્રગટ થાય છે. વાદ્યની ઉપમા પરિવારના સભ્યને આપી કહેવતને મનોરંજક અને ચોટદાર બનાવી છે. પરિવારના દરેક સભ્યના સ્વભાવ, દરેકની લાક્ષણિકતા ભલે અલગ હોય, પણ જો એમની વચ્ચે આપસી તાલમેલ હોય તો જીવન સૂરમય બની જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button