જ્ઞાનની ભેટ પર પ્રતિબંધ શેનો?!

‘અમને જે બૌદ્ધ જ્ઞાન મળ્યું છે તે નાલંદામાંથી આવ્યું છે..’ આ શબ્દો છે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના…
એક સમયે વિશ્ર્વનું સૌથી મોટું વિશ્ર્વવિદ્યાલય હતું નાલંદા…
કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ઈરાન, ગ્રીસ, મંગોલિયા સહિત અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નાલંદા વિશ્ર્વવિદ્યાલયમાં આવતા હતા….
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ1
ભારતની કોલેજો અને યુનિવર્સિટીઓ ભલે આજે વિશ્ર્વની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં ન હોય, પરંતુ એક સમયે વિશ્ર્વમાં આ દેશ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતો. વિશ્ર્વની પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી (ગુરુકુળ પદ્ધતિ) ભારતમાં શરૂ થઈ એ હતી ‘નાલંદા વિશ્ર્વવિદ્યાલય’.
આ યુનિવર્સિટીની સ્થાપના ૫મી સદીમાં થઈ હતી. નાલંદા યુનિવર્સિટીએ પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રખ્યાત કેન્દ્ર હતું. નાલંદા પટણાના દક્ષિણ તરફ અને લગભગ ૫૦ મિલ દૂર સ્થિત છે. અત્યંત પ્રાચીન કાળમાં આ બૌદ્ધધર્મનું કેન્દ્ર હતું તેના મુખ્ય શિષ્ય સારીપુત્રનો જન્મ અહી થયો હતો. કહે છે કે, અશોકે અહીં એક મંદિર બનાવ્યું હતું ,પરંતુ વિદ્યાકેન્દ્રના રૂપમાં તેનો ઈતિહાસ લગભગ ૪૫૦ ઈ.સ. થી પ્રારંભ થાય છે. ૪૧૦ માં ફાહ્યાને નાલંદાની યાત્રા કરી હતી. આ સમયે ભારતમાં કેટલી ધાર્મિક સહિષ્ણુતાનું પ્રમાણ મળે છે તે નાલંદા વિદ્યાપીઠના વિકાસ, સાધન -સામગ્રી, સંકલન વગેરે સર્વાધિક દાન ગુપ્ત રાજાઓએ આપ્યું હતું, જે હિંદુ હતા. શક્રાદ્રિત્ય – સંભવત : પ્રથમ કુમારગુપ્ત (૪૧૪-૪૧૫ ઈ.) એક વિહાર નિર્માણ તથા દાનથી નાલંદાની મહત્તાના શ્રીગણેશ કર્યા હતા. આ વિહારનું વિશાળ મંદિર સુદીર્ધ કાળ સુધી નાલંદા – સંઘનું મુખ્ય ઉપાસના – ગૃહ હતું. તથાગગુપ્ત, નરસિંહગુપ્ત બાલાદિત્ય( ૪૬૮-૪૭૨ ઈ.), તથા બુદ્ધગુપ્ત (૪૭૫-૫૦૦. ઈ.) પણ એક વિહાર બનાવ્યા હતા. બાલાદિત્યના ઉત્તરાધિકારી વજ્ર હતા જેમની ઓળખ હજુ સુધી થઇ નથી.
નાલંદાની સ્થાપના ૫મી સદીમાં ગુપ્ત વંશના સમ્રાટ કુમારગુપ્ત દ્વારા કરવામાં આવી હતી. તેને મહાન સમ્રાટ હર્ષવર્ધન અને પાલ શાસકોનું સમર્થન પણ મળ્યું હતું. નાલંદામાં ખોદકામ દરમિયાન આવા ઘણા સિક્કાઓ પણ મળી આવ્યા છે, જે પણ આ વાતની પુષ્ટિ કરે છે.
નાલંદા શબ્દનો અર્થ: ત્રણ સંસ્કૃત શબ્દોથી બનેલો છે, ના + આલમ + દા. તેનો અર્થ છે ‘જ્ઞાનની ભેટ પર કોઈ પ્રતિબંધ ન મૂકવો..’
ઉદેશ્ય: આ વિશ્ર્વવિદ્યાલયની સ્થાપનાનો હેતુ ધ્યાન અને આધ્યાત્મિકતા માટે એક સ્થળ બનાવવાનો હતો. એવું પણ કહેવાય છે કે, ગૌતમ બુદ્ધે ઘણી વખત આ સ્થળની મુલાકાત લીધી હતી અને અહીં ધ્યાન કર્યું હતું.
નગર નિવેશ અને ભવન: ખોદકામથી સ્પષ્ટ જણાય છે કે, નાલંદા વિશ્ર્વવિદ્યાલય ઓછામાં ઓછુ ૧ માઈલ લાંબુ, અને ૧/૨ પહોળું હતું. આયોજનબદ્ધ વિહાર અને તત્સમ્બ્ધ સ્તૂપોનું નિર્માણ થયું હતું. તેનું નિર્માણ એક પંક્તિમાં નિશ્ર્ચિત દૂર થયું હતું.
મુખ્ય વિદ્યાલય સંબંધી ૭ વિશાળ વ્યાખ્યાન મંદિર તથા અધ્યાપન માટે ૩૦૦ નાના રૂમ હતા. બધા ભવનો મોટા અને કેટલા માળના હતા. હુઈ લખે છે કે, વિહારોના શિખર ગગનચુમ્બી હોવાના, કારણે વરસાદમાં ચડીને વાદળો પોતાના આકાર કેવી રીતે બદલે છે એ પ્રવાસી જોઈ શકતા હતા. આપણે એટલું કહી શકીએ કે વિદ્યાલયો, મંદિરો અને વિહારોનાં શિખરો મોટાં હતાં.
ભોજન અને રહેઠાણની વ્યવસ્થા: ભિક્ષુ વિદ્યાર્થીઓના રહેઠાણ માટે આ વિહારોનું નિર્માણ થયું હતું અને તેઓ અહી જ રહેતા. આજ સુધી ૧૩ વિહાર ખોદકામ કરતા મળી આવ્યા છે,પરંતુ માનચિત્રના અવલોકનથી જાણી શકીએ કે તેની સંખ્યા વધુ હોઈ શકે છે. વિહાર ઓછામાં ઓછા બે માળ હતા. તેમને રહેવા માટે એક કે બે રૂમ હતા. રૂમમાં પુસ્તકો અને દીપક રાખવાની વ્યવસ્થા હતી. દરેક વિહાર પાસે એક કૂવો હતો. વિશ્ર્વવિદ્યાલયને ૨૦૦ ગામ દાનમાં મળ્યાં હતાં. અંત: અહી વિદ્યાર્થીઓના રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા માટે મફત શક્ય હતું.
વિદ્યાર્થીઓની સંખ્યા: જે સમયે ઇત્સિંગ (૬૭૫ ઈ.) નાલંદામાં વસવાટ કર્યો તે સમયે ૩૦૦૦ વિદ્યાર્થીઓ હતા. અન્ય એક મત મુજબ ૭ મી શતાબ્દીના મધ્યમાં નાલંદામાં વિદ્યાર્થીઓ ૧૦૦૦૦ અને ૨૭૦૦ થી વધુ આચાર્ય/અધ્યાપકની સંખ્યા હતી. પરંતુ આ વાતને સમર્થન કરનારની સંખ્યા ઓછી છે. નાલંદામાં વિદ્યાર્થીઓને સાહિત્ય, જ્યોતિષ, મનોવિજ્ઞાન, કાયદો, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન, યુદ્ધ, ઇતિહાસ, ગણિત, આર્કિટેક્ચર, ભાષા વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મેડિસીન સહિત ઘણા વિષયો શીખવવામાં આવતા હતા.
વિહાર અને વિશ્ર્વવિદ્યાલય: નાલંદા માત્ર વિહાર ન હતું. તેની કીર્તિ મુખ્યતયા વિદ્યા કેન્દ્રના રૂપમાં હતી. એક મુસાફર મુજબ વિહારમાં હજારો ભિક્ષુઓ હતા. તમામ વિદ્વાન અને પ્રગાઢ પંડિત હતા. એમાં કેટલાક તો પારંગત હતા. ભિક્ષુગણ વિનય અને નિયમોનું કડકથી પાલન કરતા હતા. જ્ઞાનાર્જન અને શાસ્ત્રાર્થ માટે અવિરત તત્પર રહેતા. એક બીજાના દોષો જણાવતા. એટલા માટે વિદેશી વિદ્યાર્થીઓ શંકાઓના સમાધાન માટે અહીં આવતા.
પવિત્રતા – પાંડિત્યનો અદ્ભુત સંગમ: નાલંદાના કુલપતિ પોતાના પાંડિત્ય માટે વિખ્યાત હતા તેઓ નિર્મલ ચરિત્ર અને જ્ઞાન માટે પ્રશંસા પાત્ર હતા. ધર્મપાલ અને ચંદ્રપાલ જેમણે તથાગતની શિક્ષાઓને સુવાસિત કર્યું હતું. ગુણમતિ, સ્થિરમતિ, જેમનું પાંડિત્ય અને કીર્તિ સર્વત્ર પ્રસ્તુત થઇ હતી. પ્રભામિત્ર જેમણે વિવાદોમાં ધાક જમાવેલ. જિનમિત્ર – સંભાષણ ઉચ્ચસ્તરનું છે. જિનચંદ્ર-આચરણ અને આદર્શ તથા બુદ્ધિ પ્રખર હતી તથા શીલભદ્ર- આદર્શચરણી વિદ્દદંત નાલંદાની કીર્તિમાં વધારો કરે છે.
પુસ્તકાલયની સુવિધા: નાલંદાના અધિકારીઓએ અનુભવ કરી લીધો હતો કે પુસ્તકાલય વગર વિહારનો વિકાસ શક્ય નથી.
વિભિન્ન વિજ્ઞાનો અને સંશોધનમાં રત શતશ: અધ્યાપકો તથા સહશસ્ત્રો વિદ્યાર્થીઓના લાભાર્થે એક પુસ્તકાલય બનાવ્યું હતું. ચીની વિદ્વાનો નાલંદામાં મહિનાઓ સુધી રહેવાનું કારણ પણ પુસ્તકાલયમાં બૌદ્ધ આગમો અને અન્ય પુસ્તકોની શુદ્ધ પ્રતિલિપિ ઉપલબ્ધ હતી. ઇત્સીન્ગે નાલંદામાં ૪૦૦ સંસ્કૃત પુસ્તકોની પ્રતિલિપિ તૈયાર કરી હતી જેમાં ઓછામાં ઓછા ૫ લાખ શ્ર્લોક હશે. પુસ્તકાલયના મહોલ્લાનું નામ ‘ધર્મગંજ’ હતું, જે મહત્ત્વપૂર્ણ હતું. તેમાં ત્રણ વિશાળ ભવનો હતા જેમાં ‘રત્નસાગર’, ‘રત્નોદધિ’, ‘રત્નરંજક’ કહેતા. અભ્યાસ માટે ૯ માળનું વિશાળ પુસ્તકાલય હતું. જેમાં એક સમયે ૩ લાખથી વધુ પુસ્તકો ઉપલબ્ધ રહેતાં હતાં.
ઈતિહાસ અનુસાર ૧૧૯૩માં બખ્તિયાર ખિલજીના આક્રમણ બાદ તેનો નાશ થયો હતો. આ આક્રમણમાં પુસ્તકાલયને આગ લગાવવામાં આવી હતી. તે સમયે નાલંદા યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં એટલા બધાં પુસ્તકો હતાં કે આગ કેટલાંક અઠવાડિયા સુધી બંધ થઇ શકી ન હતી. આ આક્રમણમાં અહીં કામ કરતા કેટલાક ધર્માચાર્યો અને બૌદ્ધ સાધુઓ પણ માર્યા ગયા હતા.
નાલંદાના વિદ્વાનો: આ વિશ્ર્વવિદ્યાલયમાં ઘણા મહાન વિદ્વાનોએ અભ્યાસ કર્યો હતો જેમાં મુખ્યત્વે હર્ષવર્ધન, ધર્મપાલ, વસુબંધુ, ધર્મકીર્તિ, આર્યવેદ, નાગાર્જુન સિવાય અનેક નામનો સમાવેશ થાય છે.
સુગત મુખર્જી પોતાના એક શોધ લેખમાં જણાવે છે કે, ખિલજીએ શિક્ષણના પવિત્ર મંદિર પર હુમલો કર્યો ત્યારે ભારતમાં બૌદ્ધ ધર્મનું પતન થઈ રહ્યું હતું આંતરિક પતન સાથે આઠમી સદીથી યુનિવર્સિટીને આશ્રય આપનાર બૌદ્ધ પાલ વંશનું પણ પતન થયું. આ કારણોને લીધે ત્રીજી સદીમાં બૌદ્ધ ધર્મનું પતન થઇ રહ્યું હતું. આ પછી નાલંદા આગામી છ સદીઓ સુધી ધીમે ધીમે વિસ્મૃતિમાં ડૂબી ગયું. ઇ.સ.૧૮૧૨ માં સ્કોટિશ સર્વેક્ષક ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટને તેની શોધ કરી અને પછીથી ઇ.સ.૧૮૬૧ માં સર એલેક્ઝાન્ડર કનિંગહામે આ અવશેષોને પ્રાચીન નાલંદા યુનિવર્સિટી તરીકે ઓળખાવી જે પહેલાં તે વિસ્મૃતિમાં ઢંકાયેલું હતું.