ઉત્સવ

જો ગવર્નર જ ન હોય તો?

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

એ જ તો ખોટું છે કે લોકો જ્યારે પોતાના રાજ્ય વિશે વિચારે છે ત્યારે એ બીજાં રાજ્ય વિશે વિચારતા નથી. તમારું સુખ બીજાનું દુ:ખપણ હોય શકે ને?

એકવાર ૧૯૮૦ના દાયકામાં દંતકથા સમાન સાક્ષાત દેવતાની જેમ પૂજાતા આંધ્રના નેતા-અભિનેતા સુપરસ્ટાર એન.ટી.રામારાવે કહેલું: ‘રાજ્યોમાં ગવર્નરનું પદ જરૂરી નથી. ગવર્નરનું પદ કાઢી નાખવું જોઈએ…’
વાતમાં લોજિક છે કે આ સરકારી નકલી પદ છે, પણ અરે ભાઈ, એ તો વિચારો કે નવી બનેલી સરકાર માટે શરૂઆતમાં શપથ લેવા માટે કોઈ તો અડ્ડો હોવો જોઈએને? રામારાવજીને શું લાગ્યું હશે કે આગામી ચૂટણીમાં જીત્યા પછી કોઈ મુખ્યમંત્રી શું મંદિરમાં શપથ લેશે?

શું છે કે ગવર્નર હોય તો રાજ્યોની શોભા બની રહે, પછી ભલે ને એ
શોભાનાં ગાંઠિયા જેવા હોય. શહેરના લોકો જ્યારે ફરવા નીકળે ત્યારે ગર્વથી આંગળી ચીંધીને બતાવે છે કે જુઓ આ ‘ગવર્નર હાઉસ’ છે!’
વળી, અમુક સરકારી કાર્યક્રમો એટલા બધા બોરિંગ હોય છે કે બિઝી મુખ્યમંત્રી સમયના અભાવે એમાં જઈ નથી શકતા તો એવા આયોજનોનાં ઉદ્ઘાટન સમારંભ માટે જો ગવર્નર નહીં હોય તો જશે કોણ?

એ જ રીતે, વિરોધપક્ષને પોતાના વિરોધ અને વૈચારિક જુસ્સા કે ગુસ્સાને બહાર કાઢવા માટે કોઈ તો જોઈશેને? ગવર્નર હાઉસ નહીં હોય તો વિરોધ પક્ષના નેતાઓ પગ પછાડતા પછાડતાં ટંટો કરવા જશે ક્યાં?

દરેક વસ્તુ, ઉપયોગી છે કે નથી એ જોવાનું નહીં હોય. કાલથી તમે ચર્ચા
કરવા લાગશો કે પત્તાંની રમતમાં જોકરનું શું મહત્ત્વ છે? અરે, વરસોથી જે પરંપરાગત રીતે આજ લગી ચાલતું આવ્યું છે એમાં સળી કરવામાં લોકોને શું મજા આવતી હશે? આજે દેશના મોટા મોટા શેફ અને રસોઈયાઓ ગવર્નર હાઉસમાં રહે છે. ઘણા કવિઓ અને કલાકારો ગવર્નર દ્વારા સન્માનિત થાય છે. ગવર્નર હાઉસ નહીં રહે તો રસોઇ-કળાથી લઈને કાવ્યકળા સુધી, કલાકારોને પ્રોત્સાહન કેવી રીતે મળશે?

સ્વ.એન.ટી.રામારાવ ત્યારે માત્ર એમના જ રાજ્ય વિશે વિચારતા હશે. એમણે મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ વિશે કેમ ના વિચાર્યું હોય? આ બધાં રાજ્યની ધરતી એવા નેતાઓ પેદા કરે છે જે ભલે બીજી કોઈ પણ રીતે ઉપયોગી નહીં હોય પણ એ બધા હંમેશાં ગવર્નર બનવા માટે તો સક્ષમ હોય જ છેને?

દરેક રાજ્યના નિષ્ફળ નેતાઓમાં ગવર્નર બનવાના મૂળભૂત ગુણો અને લક્ષણો તો હોય જ છે. રાજ્યના નેતાઓ માત્ર કહેવા પૂરતા રાજ્યના હોય છે. હકીકતમાં એ દિલ્હીના અત્યંત આજ્ઞાકારી અને કેન્દ્રની કે દિલ્હીની ઇચ્છા અને ઈરાદા મુજબ ચૂપચાપ કામ કરવાવાળા હોય છે. આમ કરતાં કરતાં ધીમે ધીમે એ પોતે જ ગવર્નર બનવા તૈયાર થઇ જાય છે.

૮૦ ના દાયકામાં મધ્ય પ્રદેશે આ દેશને શંકરદયાલ શર્મા અને અર્જુન સિંહ એેમ બે ગવર્નર આપ્યા હતા. ત્યાર પછી કેન્દ્ર સરકાર જો વધુ એક ગવર્નર વિદ્યાચરણ શુક્લાને બનાવી દેત તો તો મધ્યપ્રદેશની રાજકીય સમસ્યાનો અંત જ આવી જતે.

ખેર, જો રામારાવજીના શબ્દો સાચા પડે અને ગવર્નરનું પદ જ ન રહે તો આપણા રાજ્યના બેકાર લાચાર નેતાઓ કરશે શું? મુખ્યમંત્રી પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપનાર કે એમને પછી કાઢી મૂકવામાં આવ્યા હોય એવા નેતાઓ આખરે કરશે કરશે શું ? એમને ક્યાંક તો બેસાડવા પડશેને?

આજે કેન્દ્રની પાસે રાજ્યોમાં બે આજ્ઞાકારી વ્યક્તિ હોય છે. એક ગવર્નર અને બીજા મુખ્યમંત્રીઓ, જે કેન્દ્રનો ટેકો મેળવીને નિમાય છે. જો ગવર્નરપદ નીકળી જાય તો પછી દેશમાં માત્ર અમુક જ આજ્ઞાકારી
નેતાઓ સી.એમ. બચશે. એમાં પણ આંધ્ર જેવા રામારાવના પ્રદેશમાં તો એક પણ નહીં બચે. ત્યારે શું થશે?

આ દેશમાં, ગમે તેની સરકારો બનાવવા કે ગમે ત્યારે એને પાડવા, કમસેકમ એક ગવર્નર તો જોઇએ જ ને?!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress