ડાયનોસોરની જેમ આપણાં શાકભાજી અને ફળફળાદી પણ નાશ પામે તો?
કેનવાસ -અભિમન્યુ મોદી
ભવિષ્યવેત્તાઓ દ્વારા પૃથ્વીનાં વિનાશની આગાહીઓ કરવામાં આવતી હોય છે. ઘણી બધી વખત એવા સમાચારો પણ સામે આવતા રહે છે. વિવિધ પ્રકારે પૃથ્વી પર તબાહી થઈ જશે એવી આગાહીઓ કરવામાં આવતી હોય છે. જો પૃથ્વી પરનું તમામ પાણી સુકાઈ જશે, અથવા બધા ગ્લેશિયર્સ અચાનક પીગળી જશે, એલિયન્સ માણસો પર હુમલો કરશે કે પછી ભવિષ્યમાં માણસો પર રોબોટ્સનું રાજ હશે એવી અનેક કલ્પનાઓ ફિલ્મોમાં પણ કરવામાં આવી છે.
આવી બાબતોને સામાન્ય રીતે આપણે તો બહુ ગંભીરતાથી લેતા નથી, પરંતુ ઘણા બધા વૈજ્ઞાનિકો આવા તમામ ખતરાને ગંભીરતાથી લેતા હોય છે. અને વિશ્ર્વના ઘણા દેશોએ આંતરિક તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ભલે પ્રલય હજુ હજારો વર્ષો દૂર હોય, પણ સજ્જતા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.
દુનિયાનાં ઘણા બધા દેશોએ આ પ્રકારની એક તૈયારીનાં ભાગરૂપી ડૂમ્સડે વોલ્ટ બનાવ્યું છે. ડૂમ્સડે વોલ્ટ શું છે, તે શા માટે બનાવવામાં આવ્યું હતું? એ સમજવાનો પ્રયાસ કરીએ.
તેનાં નામ પરથી જ લાગે છે કે ડૂમ્સડે વૉલ્ટ એ પૃથ્વી પર આવનાર એક તબાહીનાં દિવસ માટે તૈયારીનાં ભાગરૂપે બનાવવામાં આવેલી તિજોરી છે.
પૃથ્વી પર છેલ્લી આવી આપત્તિ ૬.૫ કરોડ વર્ષો પહેલા આવી હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સમયગાળા દરમિયાન આપણે ડાયનાસોરની સાથે સાથે બીજી કેટલીક ખાદ્ય પ્રજાતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ પણ ગુમાવી દીધી. જો આપણી પાસે આ પ્રજાતિ હોત, તો તે મનુષ્યો માટે ખૂબ મદદરૂપ થઈ હોત, પણ તેમાંથી બોધપાઠ લઈને હવે જ્યારે આગામી પ્રલય આવશે, ત્યારે આવું ન થાય એ માટે એક પ્રકારની વૈશ્ર્વિક જીન બેંકમાં વિવિધ પ્રજાતિઓ સાચવવામાં આવી રહી છે. આ જીન બેંક ૧૦૦ દેશોની સરકારોના સહયોગથી બની રહી છે. તેને ડૂમ્સડે વૉલ્ટ નામ આપવામાં આવ્યું છે. ડૂમ્સડે વૉલ્ટ માટેનું સ્થળ નોર્વેના પર્વતોની તળેટીમાં પસંદ કરવામાં આવ્યું છે.
આ વૉલ્ટ બનાવવાની કામગીરી ૨૦૦૮માં જ પૂર્ણ થઈ હતી, પરંતુ વિશ્ર્વને તેના વિશે બહુ પાછળથી ખબર પડી હતી. જો કે, અહીં બાંધકામ ચાલુ છે અને ખાદ્ય પ્રજાતિઓનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે. જે જગ્યાએ ડૂમ્સડે વૉલ્ટ બનાવવામાં આવ્યું છે તે ઉત્તર ધ્રુવની સૌથી નજીક છે. જે કોઈપણ દેશ આ બેંકમાં તેના બીજ જમા કરવા માંગે છે તેણે નોર્વેની સરકાર સાથે ડિપોઝિટ કરાર પર હસ્તાક્ષર કરવા પડે છે. જો કે આ બેંકમાં જમા કરાયેલા બીજ પર માલિકી હક્કો માત્ર બીજ જમા કરનારા દેશોનો રહેશે અને નોર્વેની સરકારનો નહીં.
જમીનથી લગભગ ૧૨૦ મીટર નીચે બનેલા આ ભોંયરાના દરવાજા બુલેટપ્રૂફ છે, જેને મિસાઈલ દ્વારા પણ ભેદી શકાતા નથી. આ વૉલ્ટ પરમાણુ યુદ્ધ, રોગચાળો, પ્રલય વગેરે જેવી પરિસ્થિતિઓ પછી પૃથ્વી પર ખેતી ફરી શરૂ કરવામાં મદદ કરી શકે એટલા સક્ષમ છે. આ તિજોરીમાં વિશ્ર્વના લગભગ તમામ દેશોમાંથી ૮ લાખ ૬૦ હજારથી વધુ પાકના બિયારણ, કઠોળ, ઘઉં અને ચોખાના નમૂનાઓ જમા કરવામાં આવ્યા છે.
તિજોરીનો દરવાજો બરફના જાડા પડથી ઢંકાયેલો છે. તેની અંદર પણ તાપમાનને ઈલેક્ટ્રોનિક રીતે માઈનસ ૧૮ ડિગ્રી પર રાખવામાં આવે છે જેથી બીજ સુરક્ષિત રહે. આખી સિસ્ટમ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જો તિજોરીનો પાવર સપ્લાય બંધ થઈ જાય તો પણ બીજ કેટલાંક વર્ષો સુધી સુરક્ષિત રહેશે. અમેરિકા, યુરોપ, યુક્રેન અને ભારત જેવા દેશોની સાથે આ તિજોરીમાં પણ પોતાના પાકના બીજ સાચવી રાખ્યા છે.
તિજોરીમાં ૮ લાખ ૬૦ હજારથી વધુ જાતના બીજ રાખવામાં આવ્યા છે, જ્યારે તેની ક્ષમતા લગભગ ૪૫ લાખ અલગ અલગ જાતના બીજને સાચવવાની છે. તિજોરીમાં એક ચેમ્બર છે અને ચેમ્બરની અંદર ૩ તિજોરીઓ છે. દરેકમાં લાખો બીજ રાખી શકાય છે. હાલમાં માત્ર એક જ સેફ ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાની વાતો પ્રકાશમાં આવી ચૂકી છે.
તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે વીજળી ન હોય તો પણ બીજ ૨૦૦ વર્ષ સુધી બરફમાં સ્થિર રહી શકે છે. તિજોરીની ડિઝાઇન પણ અનોખી છે. તે ગ્રે કોંક્રીટનું બનેલું છે અને તે ૪૦૦ ફૂટ ઊંચું ટનલ માઉન્ટેન છે. જે સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું છે. ખાસ વાત એ છે કે આ સેફ વર્ષમાં માત્ર ૩ કે ૪ વાર બીજ એકત્રિત કરવા માટે ખોલવામાં આવે છે.
દુનિયાનાં અનેક વૈજ્ઞાનિકો માને છે કે આપણી પૃથ્વી પર ધીમે ધીમે જૈવવિવિધતા ઘટી રહી છે. હવે તે એટલી બધી ઘટી ગઈ છે કે હવે આશરે ૩૦ જેટલા પ્રકારના પાક જ આપણા કામમાં આવે છે.
ઉદાહરણ તરીકે, ચીન ૧૯૫૦ ના દાયકામાં અનાજ અથવા ફળો અને શાકભાજી ખાતું હતું, આજે ત્યાં ફક્ત ૧૦ જાતો બાકી વધી છે. દુનિયાના બાકીના દેશોની પણ આવી જ સ્થિતિ છે. આવી સ્થિતિમાં, વૉલ્ટે તે સમય સમાપ્ત થઈ ગયેલા પાકોને પણ સાચવી રાખ્યા છે જેથી તે અમુક સમયે ઉપયોગી થઈ શકે.
આપણું અને આપણી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું હશે તો આ વૉલ્ટ ભવિષ્યમાં એકમાત્ર અને સૌથી કારગત ઉપાય નીવડી શકે છે. શું ખબર એક દિવસ એવો પણ આવે કે આપણને ખૂબ ભાવતી શાકભાજીની જાત માત્ર ત્યાં જ સચવાયેલી પડી હોય!