મિજાજ મસ્તી: કયા ખોયા ક્યા પાયા? જીવતરની ભુલભુલૈયામાં…
-સંજય છેલ
ટાઈટલ્સ:
સૌથી અઘરી શોધ, ખુદની છે. (છેલવાણી)
મેળામાં એક સુંદર સ્ત્રી પાસે જઈને એક પુરુષ કહે છે: ‘તમે બે ઘડી મારી એકદમ નજીક આવીને વાત કરશો?’
પેલી તો ભડકી: ‘એક્સક્યૂઝ મી! તમે કહેવા શું માગો છો?’
‘બહેન, ખોટો અર્થ ના કાઢો. શું છે કે મારી પત્ની ક્યારનીય ખોવાઈ ગઈ છે, મળતી નથી, પણ હું જેવો કોઈ બીજી સ્ત્રીની નજીક દેખાઈશ તો એ ક્યાંયથીય સૂંઘતી સૂંઘતી આવી પહોંચશે!’
‘ખોવાઇ જવું’ કમાલની વાત છે. તમે કોઈના ખયાલમાં ખોવાઈને સમય-સ્થાન ભૂલીને ભરરસ્તે ટ્રાફિકમાં ભાગતી-દોડતી ગાડીઓની વચ્ચે ઊભા રહી ગયા છો? ખોવાયેલ ચાવીનો ઝૂડો, ચશ્માં કે ડાઇમંડ રિંગ ખૂબ શોધો, પણ એ તમારી સામે જ પડી હોય, એવું થયું છે? લાઇફનાં સુખોનુંય એવું જ છે.
તમે આખી જિંદગી પૈસા, નામના કે સાચા પ્રેમમાં સુખ શોધો ને એ બધું પછી અચાનક ખોવાઈ જાય પછી? જુવાનીમાં લખેલા પ્રેમપત્રો એક વાર ખોવાઈ જાય તો કરોડો ખર્ચીને પણ પાછા નથી મળતા. તમને થશે રવિવાર સવાર સવારમાં આ શું ફિલોસોફી માંડી છે? પણ થોડી ‘ખોવાવા’ વિશે વાતો વાંચીને અમે ખોવાઈ ગયા છીએ.
કવિગુરુ ટાગોર લંડન પ્રવાસમાં ‘ગીતાંજલિ’ પુસ્તકના અંગ્રેજી અનુવાદની હસ્તપ્રત ખોઈ બેઠેલા ને ખૂબ શોધતાં પણ ના મળી તો હતાશ થઈ ગયા કે વરસોની મહેનત પાણીમાં…આખરે એમના પુત્ર રથીંદ્રનાથને લંડન મેટ્રો-સ્ટેશનના ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ ડિપાર્ટમેન્ટમાંથી ટાગોરની બૅગ મળી આવી, જેમાં એ નોટબૂક સહીસલામત હતી. વિચાર કરો, નહીંતર ભારતને ૧૯૧૩માં પહેલું નોબેલ પ્રાઇઝ ના મળ્યું હોત, ને એય પાછું સાહિત્યમાં!
Also read: ૬૪ વર્ષમાં ૨૧૦ ફૂલલેન્થ નાટક ને એ બધાં ભજવાયાં!: પ્રવીણ સોલંકી (નાટ્યલેખક)
થોડાં વરસ અગાઉ યુ.પી.ના બરેલી શહેરમાં એક બાપ મૃત્યુ પામેલી નવજાત બાળકીને દફનાવવા ગયો ને જમીન ખોદતાં એક ઘડો મળી આવ્યો. સામાન્ય રીતે, દટાયેલ ઘડામાંથી સોનાનાં સિક્કા કે ઘરેણાં મળી આવે, પણ પેલા બાપને ઘડામાંથી જીવતી નવજાત બાળકી મળી આવી! કોઈ નરાધમે દીકરીને જન્મતાંવેંત દફનાવી દીધી હશે ને પાછી એ દીકરી એના જ હાથમાં આવી કે જેની પોતાની દીકરી મરી ગઈ છે. કલ્પના કરો, એક બાપ મરેલ દીકરી લઈને કબ્રસ્તાનમાં આવેલો ને જીવતી દીકરી લઈને પાછો ફર્યો.
૧૧મી સદીની જગતની સૌથી જૂની નવલકથા ‘ધ ટેલ ઑફ ગેંજી’નું એક ખોવાયેલું પ્રકરણ છેક ૨૦૧૯માં જાપાનના ટોક્યોમાંથી જડી આવ્યું. જાપાનીઝ રાજકુમાર ગેંજી, ‘મુરાસાકી’ નામની સ્ત્રીને કઈ રીતે મળે છે, પ્રેમ થાય છે, પરણે છે….એવી નોવેલને લખી છે મુરાસાકી શીકીબુ નામની લેખિકાએ એટલે કદાચ મુરાસાકીની પોતાની સત્યકથા પણ હોય. એ ખોવાયેલ પ્રકરણ સાથે બીજી ઇંટરેસ્ટિંગ વાત એ મળી આવી કે જગતની પહેલી નવલકથા એક સ્ત્રીએ લખેલી. તાલિયાં…!
ઇન્ટરવલ:
હર ફૂલ મહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે. (ઘાયલ)
વિચાર કરો, સદીઓ પછી કોઈ નોવેલનું ખોવાયેલું ચેપ્ટર મળી આવે ને એનાથી આખી વાર્તા જ બદલાઈ જાય તો? ધારો કે ગુજરાતીની ૪ ભાગની મહાન નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નો અચાનક પાંચમો ભાગ મળી આવે ને એમાં લખ્યું હોય કે સરસ્વતીચંદ્ર ને કુમુદસુંદરીનું લગ્ન પછી ફરી અફેર થયું હોય તો?
ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માંથી કોઈ ખોવાયેલ પ્રકરણ મળી આવે કે ગાંધી ને ગોડસે એક જમાનામાં ખાસ મિત્ર હતા તો? જોકે, આજકાલ તો મનમાં પણ આવું વિચારાય નહીં, કારણ કે કોઈ ગોડસેપ્રેમી રાતોરાત આવું લખીને, ગાંધીજીની નવી આત્મકથા છપાવીય નાખે, કંઇ કહેવાય નહીં!
રાજકારણ છોડો, ‘મુગલ-એ-આઝમ’ જેવી ફિલ્મની ખોવાયેલી રીલ મળે ને એમાં ક્લાઇમેક્સ એવો નીકળે કે શહઝાદા સલીમની રાજ-નર્તકી પ્રેમિકા અનારકલીને જે દીવાલમાં ચણવામાં આવેલી ત્યાંથી એ છટકીને બાદશાહ અકબર સાથે ભાગીને થાઇલૅન્ડ જતી રહેલી તો..?! આપણને કેવો જબરો ઝટકો લાગે ને? અંગ્રેજીના મહાન નાટ્યકાર શેક્સપીઅરના કોઈ નાટકનું ખોવાયેલું દૃશ્ય મળી આવે ને એમાં આપણને સંસ્કૃત સંવાદો વાંચવા મળે ને એ આપણા મહાકવિ કાલિદાસે લખ્યા હતા એમ ખબર પડે તો કેવો હરખનો હુમલો આવે?!
બોલિવૂડની જૂની ફિલ્મોમાં સંતાનો, મેળામાં વિખૂટાં પડી જાય ને અંતે પાછાં મળે એવી ‘લોસ્ટ-એન્ડ-ફાઉન્ડ’ની ફોર્મ્યુલાવાળી વાર્તા બહુ ચાલતી. એમાંય ગુજ્જુ સ્ટાર-ડાયરેક્ટરની મનમોહન દેસાઈની ફિલ્મો – ‘અમર અકબર એન્થની’, ‘પરવરિશ’ વગેરે ફિલ્મો તો અચૂક હિટ જતી, પણ ખરેખર તો છેક ૧૯૪૩માં સમગ્ર ભારતમાં સુપરહિટ ફિલ્મ થયેલી પહેલી ફિલ્મ અશોકકુમારની ‘કિસ્મત’માં પણ ખોવાયા-મળ્યાની જ વાર્તા હતી!
એક ગરીબ સ્ત્રી પહેલીવાર અમીરોની પાર્ટીમાં જવા માટે પોતાની પૈસાદાર સખી પાસે મોંઘો હીરાનો હાર ઊછીનો માગે છે, પણ પાર્ટીમાં એ હાર ખોવાઈ જાય છે. પેલી સ્ત્રી ને એનો વર, કરજો કરીને લાખોનો નવો હાર ખરીદીને અમીર બહેનપણીને પાછો આપે છે, પણ કરજના એ પૈસા ભરવા પાછળ પતિ-પત્ની, બેઉ શારીરિક-માનસિક રીતે ઘસાઈ જાય છે. વરસો પછી પૈસાદાર બહેનપણી મળે છે ત્યારે પૂછે છે, ‘તું આમ મુરઝાઈ કેમ ગઈ? તબિયતને કંઈ થયું?’ ત્યારે પેલી ગરીબ સ્ત્રી સત્ય કહે છે કે- ‘તેં જે હાર આપેલો એ તો ખોવાઈ ગયેલો ને અમે દેવું કરીને નવો હાર તને પાછો આપેલો… પછી તો એ કરજના પૈસા ભરવામાં વરસોથી એક ટંક ખાઈને અમારે સખત મજૂરી કરવી પડે છે.’
ત્યારે પૈસાદાર સ્ત્રી કહે છે, ‘અરે ગાંડી, એ હાર તો સાવ નકલી હતો!’ મોપાંસાની આ વાર્તાની જેમ જ આપણનેય મોડી મોડી ખબર પડે છે કે જે ખોવાયેલાં સુખ પાછળ આપણે દિન-રાત દોટ મૂકીને શોધીએ છીએ એ બધુંય આખરે તો નકલી ને વ્યર્થ જ છેને?
એન્ડ – ટાઇટલ્સ:
આદમ: હું ખોવાઈ જાઉં તો?
ઈવ: હું ચમત્કારોમાં નથી માનતી.