એક મતથી શું ફરક પડી શકે?
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
‘મારા એક મતથી શું ફરક પડવાનો છે?’
જ્યારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આવો સવાલ અચૂક સાંભળવા મળે છે. એમની દલીલ હોય છે કે મારા એક મતથી વળી શું ફરક પડી જવાનો છે! કેટલાક મતદારો વળી એવું કહે છે કે ‘બધા ઉમેદવારો ચોરના ભાઈ ઘંટીચોર સમા છે’ એમને મત આપવા શું કામ જવું જોઈએ? તો કેટલાક મતદારો રજા મળે એનો ફાયદો ઉઠાવીને ક્યાંક ફરવા ઊપડી જાય છે. એમાંય વળી લાંબુ વેકેશન મળે (જેમ કે આ વખતે સોમવારે મતદાન છે) તો તો એમને જલસો!
આવી વિચારસરણી ઘણા માણસો ધરાવે છે એટલે જ ક્યાંક ક્યાંક તો અડધોઅડધ મતદારો મતદાન કરવા જ જતા નથી. આવા મતદારોએ અકબર-બિરબલની એક કથા વાંચવી જોઈએ. બાદશાહ અકબર અને બિરબલ એકવાર દરબાર વચ્ચે વાદવિવાદમાં ઊતરી પડ્યા.
અકબરે બિરબલને કહ્યું, ‘મારી પ્રજાની શું વાત કરું? આખા જગતમાં આવી પ્રજા ક્યાંય નહીં હોય. જાણે સ્વર્ગ જેવો માહોલ છે મારા રાજમાં’ અકબરે પ્રજાનાં વધુ પડતાં વખાણ કરી નાખ્યાં એટલે બિરબલથી રહેવાયું નહીં.એણે કહ્યું: હવે હાઉં કરો બાદશાહ,તમારી પ્રજાની વચ્ચે હું રહું છું. આ તો ભયની પ્રીતિ જેવું છે. તમારા રોષના ભોગ બનવું ન પડે એટલે પ્રજા તમામ નિયમોનું પાલન કરે છે અને તમારી ન ગમતી નીતિઓના ફતવાઓનાં પણ વખાણ કરે છે.’ બિરબલની આવી દલીલથી અકબરને બહુ ગુસ્સો આવી ગયો. એણે બિરબલને કહ્યું કે, તું તારા મનઘડંત ખ્યાલો વ્યક્ત કરે એથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. બિરબલે તરત જ કહ્યું, નામદાર,આપના પ્રત્યે પૂરા માનની લાગણી સાથે મારે કહેવું પડે છે કે તમે જે વિચારી રહ્યા છો એ તમારા મનના ખ્યાલ છે, જ્યારે હું જે કહી રહ્યો છું એ વાસ્તવિકતા છે. બિરબલની આવી સાફ વાતથી અકબરના દિમાગનો પારો સાતમા આસમાને પહોંચી ગયો.
અકબરના દરબારની શાન સમાન હતો બિરબલ. અકબરને બિરબલ સાથે બહુ આત્મીયતા હતી, પણ આખા દરબારની વચ્ચે બિરબલે અકબરને ખોટો સાબિત ઠેરવવાની કોશિશ કરી એટલે અકબરને ભયંકર ગુસ્સો આવી ગયો. એણે બિરબલને કહ્યું: ‘તું જે કહી રહ્યો છે એ વાસ્તવિકતા હોય તો તું સાબિત કરી બતાવ. અને તું મારી વાત ખોટી સાબિત નહીં કરી શકે તો હું મારી પ્રજાની વચ્ચે જ તને જાહેરમાં શૂળીએ ચડાવી દઈશ.’ અકબરનો આદેશ માન્યા વિના બિરબલે છૂટકો નહોતો. આવા આદેશથી બિરબલના વિરોધી એવા દરબારીઓ ટેસમાં આવી ગયા : આ વખતે બિરબલ બરાબર ભેરવાયો!’
બાદશાહ અકબરની પ્રજા સારી નથી અને અકબરને ખરા દિલથી ચાહતી નથી એવું બિરબલ કોઈ કાળે સાબિત કરી નહીં શકે અને છેવટે તેણે જાહેરમાં શૂળીએ ચડીને મરવાનો વારો આવશે એવું વિચારીને વિરોધી દરબારીઓ પુલકિત થઈ ઊઠ્યા. જો કે, બિરબલ બડો ઉસ્તાદ હતો. એણેઅકબરપાસે બે મહિનાની મુદત માગી. એ દરમિયાન અકબરને કહીને એક વિશાળ હોજ બંધાવ્યો. એ હોજ શા માટે બનાવામાં આવ્યો છે એ કોઈ જાણતું નહોતું.
આ દરમિયાન વિરોધી દરબારીઓ તો બે મહિનાની મુદત પૂરી થવાની ચાતકડોળે રાહ જોઈ રહ્યા હતા. હોજ બંધાઈ ગયો એટલે બિરબલેઅકબરને કહ્યું, ‘નામદાર,હવે તમારી પ્રજાને ચકાસવા માટે તમારે એક ઢંઢેરો પિટાવવાનો છે કે આવતી અમાસની મધરાતે તમામ નગરજનોએ આ હોજમાં એક-એક કળશિયો દૂધ ઠાલવી જવાનું છે. અકબરને હસવું આવી ગયું : આ શું પાગલપન છે? ’
બિરબલે કહ્યું, અમાસની મધરાતે પ્રજાજનો મારી વાતની સાબિતી આપી દેશે. હું ખોટો પડું અને આ હોજ દૂધથી ભરાઈ જાય તો મને શૂળીએ ચડાવી દેજો. અમાસની રાત આવી પહોંચી. બિરબલે બંધાવેલા હોજ તરફ જવાનો રસ્તો અકબરના મહેલ પાસેથી પસાર થતો હતો. અકબર પોતાના મહેલના ઝરૂખામાં ગોઠવાઈ ગયો. અમાસની રાતનું અંધારું હતું એટલે સ્પષ્ટ દ્રશ્ય જોવું તો અશક્ય હતું, પરંતુ મધરાત થઈ એટલે હોજમાં દૂધ ઠાલવવા માટે નગરજનો ઉમટી પડ્યા.અકબરે મૂછ પર તાવ દીધો. પોતે સાચો પડ્યો એ વાતને કારણે તે ગર્વ અનુભવવા લાગ્યો. સવાર પડી એટલે અકબરે તો હરખભેર બિરબલ અને બીજા દરબારીઓને લઈને હોજ પાસે પહોંચી ગયો, પણ હોજમાં જોઈને અકબરની હાલત કાપો તો ય લોહી ન નીકળે એવી થઈ ગઈ. હોજમાં નર્યું પાણી ભર્યું હતું! બિરબલે કોઈ ચાલાકી કરી હોય એ તો શક્ય નહોતું, કારણ કે હોજ ફરતે સંત્રીઓનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયેલો હતો. અકબરે પ્રશ્ર્નાર્થ નજરે બિરબલની સામે જોયું. બિરબલ મલકાઈ રહ્યો હતો. અકબરને સમજાઈ ગયું કે રાતે શું બન્યું હશે. દરેક નગરજને એવું વિચાર્યું કે આવડા મોટા હોજમાં હું એકલો કળશિયો પાણી નાખી આવીશ તો ક્યાં કોઈને ખબર પાડવાની છે!
આ તો એક કથા છે, પણ મતદાન કરવા જવાનું ટાળતા મતદારોએ આ વાત યાદ રાખવી જોઈએ. અકબરના વખતમાં રાજાશાહી હતી એટલે ડરના માર્યા લોકો પાણી તો નાખી આવ્યા હતા. બાકી લોકશાહી હોય અને એક કળશિયો પાણી નાખવા માટે કહેવાયું હોત તો કદાચ એ હોજ ખાલી જ હોત!
પોતાને જે પક્ષ ગમતો હોય એના માટે મત આપવા જવું જોઈએ. તમામ ઉમેદવારો ખરાબ હોય તો પણ મતદાન તો કરવું જોઈએ. બધામાંથી ઓછા ખરાબ ઉમેદવારને મત આપવો જોઈએ.
‘મારા એક મતથી શું ફરક પાડવાનો છે?’ એવો સવાલ ઊઠતો હોય એવા લોકો માટે બે ઉદાહરણ સાથે વાત પૂરી કરીએ.
૨૦૦૮માં રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીઓ વખતે કૉંગ્રેસ નેતા સી.પી. જોશી નાથદ્વારા બેઠક પરથી ભાજપના કલ્યાણ સિંહ ચૌહાણ સામે ચૂંટણી લડ્યા હતા. કૉંગ્રેસ સત્તામાં આવે તો સી.પી. જોશી મુખ્ય પ્રધાન બનશે એ નક્કી હતું, એ ચૂંટણીમાં જોશીને ૬૨,૨૧૫ મતો મળ્યા અને એમના હરીફ ચૌહાણને ૬૨, ૨૧૬ મત મળ્યા. કૉંગ્રેસના પાવરફૂલ નેતા જોશીએ પક્ષને વિજયી બનાવી દીધો, પણ પોતે માત્ર એક મતથી હારી ગયા! જોશી માટે આઘાતજનક, પણ એમના હરીફ ઉમેદવાર માટે મજેદાર વાત એ હતી કે એ ચૂંટણીમાં જોશીના ડ્રાઈવર, જોશીની માતા અને બહેને મત નહોતા આપ્યા! એમણે મત આપ્યા હોત તો જોશી બે મતથી જીતી ગયા હોત!
જોશી હરીફ ઉમેદવાર સામે કોર્ટે ચડયા. એમણે કહ્યું કે ચૌહાણે બે પોલિંગ બૂથમાં મતદાન કર્યું છે. જોશી સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, પણ એ એ કેસ હારી ગયા.
આનાથી પણ વધુ રસપ્રદ કિસ્સો કર્ણાટકનો છે. ૨૦૦૪માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓમાં સંથેમરાહલ્લી બેઠક પરથી જનતાદળ (સેક્યુલર)ના નેતા એ. આર. કૃષ્ણમૂર્તિ કૉંગ્રેસના ઉમેદવાર આર. ધ્રુવ નારાયણ સામે ચૂંટણી લડ્યા હતા. કૃષ્ણમૂર્તિના ડ્રાઇવરે કહ્યું કે મને મતદાન કરવા જવા માટે થોડા સમય માટે છુટ્ટી આપો.’ કૃષ્ણમૂર્તિએ કહ્યું, આજે મતદાનના દિવસે તું આવું વિચારી પણ શી રીતે શકે? કૃષ્ણમૂર્તિએ ડ્રાઇવરને મત આપવા ન જવા દીધો. એ પછી પરિણામ આવ્યું ત્યારે કૃષ્ણમૂર્તિએ કપાળ કૂટવું પડ્યું. એમને ૪૦,૭૫૧ મત મળ્યા હતા અને હરીફ ધ્રુવનારાયણને ૪૦, ૭૫૨ મત મળ્યા હતા!