આપણે એકલા શું કરી શકીએ?
ક્યારેક સામાન્ય વ્યક્તિ પણ લાંબા સમયથી થતા અન્યાયને દૂર કરાવવામાં નિમિત્ત બનતી હોય છે
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
ફેબ્રુઆરી ૪, ૧૯૧૪ના દિવસે અમેરિકાના અલબામા રાજ્યના ટસકેજીમાં જન્મેલાં અને ઓકટોબર ૨૪, ૨૦૦૫માં, ૯૨ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલાં રોઝા પાર્ક્સનું નામ મોટા ભાગના વાચકોએ નહીં સાંભળ્યું હોય, પણ એ મહાનારી વિષે જાણવા જેવું છે.
૧૯૫૫માં રોઝા પાર્ક્સ એક બસમાં ચડી. બસમાં ચડી ત્યારે નજીકની જ એક ખાલી સીટ પર તે બેસવા ગઈ. એ જોઈને કંડક્ટર રોઝાની પાસે ધસી આવ્યો. ‘એણે રોઝાને કહ્યું કે, તું એ સીટ પર બેસી નહીં શકે.’ રોઝાના મનમાં કિશોરાવસ્થાથી જ કોઈ પણ પ્રકારના અન્યાય સામે આક્રોશ જાગતો હતો. જ્યાં પણ અન્યાય થતો હોય ત્યાં એ અવાજ ઉઠાવતી હતી અને અન્યાય વિરોધી ચળવળોમાં પણ ભાગ લેતી. જો કે, અમેરિકાના લોકો ૧૯૫૫ સુધી એને જાણતા-ઓળખતા નહોતા, પણ ડિસેમ્બર ૧, ૧૯૫૫ના દિવસે એક એવી ઘટના બની કે થોડા સમયમાં આખું અમેરિકા રોઝાને ઓળખતું થઈ ગયું.
એ દિવસે રોઝા અલબામાના મોન્ટગોમરીમાં એક બસમાં બેઠી. તે બસનાં ‘કલર્ડ’ સેકશન એટલે કે અશ્ર્વેત લોકો માટેની અનામત જગ્યામાં બેઠી. એ વખતે શ્ર્વેત લોકો અશ્ર્વેત લોકો સાથે બહુ ભેદભાવ રાખતા હતા (આજની તારીખે પણ એ ભેદભાવ જોવા મળે છે, પણ એ વખતે તો અકલ્પનીય ભેદભાવ રખાતો હતો અને અશ્ર્વેતોને ખૂબ અન્યાય કરાતો હતો).
બન્યું એવું કે શ્ર્વેત (ગોરા) લોકો માટે રખાયેલી બેઠકો ભરાઈ ગઈ. એટલે બસ ડ્રાઈવર જેમ્સ એફ. બ્લેકે એને આદેશ આપ્યો કે તારી સીટ પરથી ઊભી થઈ જા અને ત્યાં આ શ્વેત ઉતારુને બેસવા દે.
‘રોઝાએ પૂછ્યુ : કેમ?’
ડ્રાઇવરે કહ્યું : ‘તને સવાલ કરવાનો અધિકાર નથી. હું કાયદા પ્રમાણે તને આ બેઠક પરથી ઉઠાડી શકું છું. તું અશ્ર્વેત સ્ત્રી છે. એટલે તારે આ શ્ર્વેત ઉતારુ માટે સીટ ખાલી કરી આપવી જ પડશે.’ રોઝા પાર્કસે કહ્યું કે, હું તમારો આદેશ માનવાની નથી. હું આ સીટ પરથી ઊભી નહીં થાઉં. અમેરિકા જેવા દેશમાં કાળા-ગોરાનો ભેદ હોય એ શરમજનક છે. અને અન્યાયજનક પણ છે. ‘હું આવા અન્યાયી કાયદાનો ભંગ કરું છું.’ ડ્રાઇવરે કહ્યું : ‘તું મારો આદેશ નહીં માને તો મારે તને પોલીસના હવાલે કરી દેવી પડશે.’
રોઝાએ કહ્યું : ‘હું જેલમાં જવા તૈયાર છું, પણ તમારો આદેશ નહીં માનું. હું આ અન્યાય સામે ઝુકીશ નહીં.’
ડ્રાઇવરે પોલીસને ફરિયાદ કરી. પોલીસે રોઝાની ધરપકડ કરી.
રોઝાની ધરપકડના સમાચાર ફેલાયા અને અશ્ર્વેત લોકોમાં રોષ ફેલાઈ ગયો. રોઝાની ધરપકડ વિષે ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગને જાણ થઈ. એમણે એક સભા બોલાવી અને સંબોધન કર્યું કે શ્ર્વેત અને અશ્ર્વેત – બધા માણસોને ઈશ્ર્વરે બનાવ્યા છે. એમની વચ્ચે ભેદભાવ રાખવો એ તો ભગવાનના અને માનવજાતિના અપમાન બરાબર ગણાય. ‘આપણે આ અન્યાયી કાયદાની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.’ રોઝા સામે અમેરિકાની કોર્ટમાં કેસ ચાલ્યો. એ દરમિયાન રોઝાની ધરપકડને પગલે અશ્ર્વેત લોકોમાં ખૂબ રોષ ફેલાયો અને એમણે મોન્ટગોમરીની બસ સર્વિસનો બહિષ્કાર કર્યો. એ બહિષ્કાર એક વર્ષ સુધી ચાલ્યો.
આ દરમિયાન રોઝાની ધરપકડને લીધે ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગે શ્ર્વેત-અશ્ર્વેત વચ્ચેનો ભેદભાવ મિટાવવા આંદોલન શરૂ કર્યું. અમેરિકા આખું એ આંદોલનથી ખળભળી ઊઠ્યું. છેવટે અમેરિકા સંસદે એ આંદોલન સામે ઝૂકી જવું પડ્યું અને કાળા માણસો પ્રત્યે ભેદભાવ રાખતો કાયદો રદ કરવો પડ્યો. જો કે , એ આંદોલન શરૂ કરાવવામાં નિમિત્ત એક સામાન્ય મહિલા રોઝા પાર્ક્સ બની હતી.એ પછી તો અમેરિકન સંસદે રોઝાને ‘ધ ફર્સ્ટ લેડી ઓફ સિવિલ રાઇટ્સ’ અને ‘ધ મધર ઓફ ફ્રીડમ મૂવમેન્ટ’નું બહુમાન આપીને એનું સમ્માન કર્યું.
આમ ઘણીવાર સામાન્ય વ્યક્તિ પણ અન્યાય દૂર કરાવવા માટે નિમિત્ત બની જતી હોય છે. રોઝા પાર્કસનું જીવન એ વાતનો પુરાવો છે.
રોઝા પાર્કરનો ફોટો આ સાથે હું મોકલું છું..