ટાઇટલ્સ:
ઈશ્ક અને વિક્સની ખૂશ્બુ છુપાવી ના શકાય. (છેલવાણી)
પુરૂષ ‘એકલો’ હોય ત્યારે અલગ હોય ને ‘બેકલો’ એટલે કે પત્ની-પ્રેમિકા સાથે હોય ત્યારે સાવ અલગ. નવા નવા પ્રેમી-પ્રેમિકા, પાર્ટીમાં જાય તો એકમેકને નીરખીને શરમાય, એકબીજાને કોળિયા ભરાવે, આપસમાં ‘સોના-જાનું-બેબી’ કહીને પુચકારે. પછી એ જ લોકો પરણીને ‘કપલ’ બન્યા પછી તો પત્ની વાત શરૂ કરે તો પતિ એમાં ‘હા’માં ‘હા’ ભરે ને પતિ વાત કરે તો પત્ની એનો કેચ પકડે. બેઉમાં ટેબલ-ટેનિસની જેમ આપ-લે ચાલ્યે જ રાખે.
આ પાગલપનની શરૂઆત એ બે પ્રેમમાં પડે ત્યારે સમી સાંજ જેવા ‘ગુલાબી રંગ’થી થાય. પછી એ જ ગુલાબી રંગ પરણતી વખતે પ્રખર તડકામાં નીકળેલા વરઘોડામાં સૂરજનાં ‘સોનેરી રંગ’માં બદલાઇ જાય, પણ વરઘોડાના ઘોડા પછી હિલસ્ટેશનમાં હનીમૂન પર ઘોડેસવારી પર વાત પહોંચે ત્યારે નવો રંગ ખિલે , જેમ કે-
નવપરિણીત કપલ હનીમૂનમાં ઘોડેસવારીએ નીકળ્યું, પણ નાનકડું ઝરણું ઓળંગતી વખતે પતિના ઘોડાનો પગ લપસી ગયો ને સ્હેજ આંચકો લાગ્યો. પત્નીએ ઘોડાને ગુસ્સામાં કહ્યું, ‘યાદ રાખ, આ તારી પહેલી ભૂલ!’. થોડે દૂર પથ્થર પર પતિના ઘોડાનો પગ અથડાયો ને પતિ સ્હેજ ઊથલ્યો.
પત્નીએ ફરી ઘોડાને વઢીને કહ્યું, ‘લિસન, આ બીજી ભૂલ!’ પછી આગળ વધતાં પતિના ઘોડાએ એક ફેણ ચઢાવેલ નાગ જોયો એટલે ભડકીને બે પગ ઊંચા કર્યા એટલે પતિ નીચે પડકાયો. પત્ની પોતાના ઘોડા પરથી નીચે કૂદીને પતિના ઘોડાને કહ્યું, ‘આ ત્રીજી ને ફાઇનલ ભૂલ.’ અને રિવોલ્વર કાઢીને ઘોડાને ગોળીએ દીધો. આ જોઇ ચોંકી ગયેલ પતિ બરાડ્યો :
‘આ શું કર્યું? આટલી વાતમાં મૂંગા જાનવરને મારી નખાય પાગલ છે?’
પતિ તરફ તાકીને પત્નીએ કહ્યું, ‘આ તારી પહેલી ભૂલ!’
ઇંટરવલ:
મહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા. (શેખાદમ આબુવાલા) ટૂંકમાં, લગ્ન પછી જ સાચું કેરેક્ટર બહાર આવે ને પછી એકમેકને એડજસ્ટ કરવાની રમત શરૂ થાય. લવ-અફેર, જો ૨૦-૨૦ ની ક્રિકેટ મેચ હોય તો લગ્ન ટેસ્ટ મેચ છે. આવા જૂના પરણેલા કપલ્સને પાર્ટીમાં મળો ત્યારે સૌ એક પછી એક લગ્નજીવનનાં કિસ્સાઓ કહેવાની કવ્વાલી શરૂ કરે.
તમારી કસોટી ત્યારે થાય કે તમારી સ્ટોરી, લાસ્ટ કપલ સ્ટોરી કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ હોવી જોઈએ. જો કપલ નંબર.૧નો પતિ કહે કે-‘અરે, હું બેંગકોક ગયેલો ત્યારે મારી ગર્લફ્રેંડ અને પાસપોર્ટ બેઉ ખોવાઈ ગયેલા, બોલો? ત્યાંથી માંડ પાછો આવ્યો ને પછી આ કવિતાને પરણ્યો!’
હવે તમારે આ વાર્તાને ટપી જવા માટે કહેવું પડે: ‘અરે, અમેરિકામાં મારો સામાન, પાસપોર્ટ ને વાઇફ તો ખોવાઈ ગયેલા પણ સાથે સાથે મારો નાનો બાબો પણ ખોવાઈ ગયેલો!’ (પણ આના માટે તમારે કમસેકમ એક દીકરો હોવો જોઈએ, નહીંતર પકડાઇ જાવ) પછી લગ્નનાં ૧૦-૧૫ વરસ બાદ એ જ કપલ-લોકોની એ જ વાતો રિપીટ થયે રાખે. એ છે- સ્નેહ-સંબંધનો આથમતા સૂરજનાં તડકાવાળી સાંજનો ‘કેસરિયો રંગ’.
ત્યારે એજ લોકોની પાર્ટીમાં પતિ કહેશે પાંચ વરસ પહેલાં અમે કુંભનાં મેળામાં છૂટાં પડી ગયેલા૩-૩ દિવસ સુધી એકબીજાને મળ્યાં જ નહીં! છેક ચોથે દિવસે મેં છીંક ખાધી ત્યાં તો મારી પાછળથી અવાજ આવ્યો, દવા લીધી?’ ને મેં જોયું તો આ તમારી ભાભી ઊભી હતી પણ એ ૩ દિવસ એકબીજા વિના અમે જે એન્જોય કર્યું કે પૂછો નહીં. હેંને, ડાર્લિંગ?! ’
‘યેસ! એ અમારી આજ સુધીની બેસ્ટ કપલ-ટ્રીપ હતી’ પત્ની ટાપશી પુરાવશે
પણ હવે તમે જ્યારે આવી ખાટી-મીઠી સ્ટોરીને નકલી રોમાંચક અદામાં સંભળાવતા હો ત્યારે અચાનક જ તમને ખબર પડે કે પાર્ટીમાં તો તમને કોઇ સાંભળી જ નથી રહ્યું. બધાં વેઇટરને બિલ આપવામાં કે પોતપોતાનો મોબાઇલ ચેક કરવામાં બિઝી છે, કારણ કે સૌએ આ કિસ્સો અનેક વાર સાંભળ્યો છે. તમે પત્ની તરફ લાચારીથી જોશો, પણ એ પબ્લિકમાં તમારું દિલ તોડવા નથી માગતી. હવે એ તમને અટકાવીને ધીમેથી કહેશે:
‘બહુ થયું હવે, કોઈ નથી સાંભળતું આ એકનું એક! અને હવે મને ઇમ્પ્રેસ કરવાની રહેવા જ દો. મને તો સાવ મોઢે છે. ઉપડો.’
આમને આમ, સમય જતાં થાકેલ લગ્નજીવનમાં બીજા મિત્ર કપલ્સ તો શું પણ પતિ-પત્ની પોતે પણ એકમેકની વાતો સાંભળવાનું ધીમે ધીમે બંધ કરવા લાગે છે. બેઉની વાતો ટૂંકી થઇ જાય છે ને દિવસ લાંબો લાગવા માંડે છે. સાવ સાથે હોવા છતાં અંદરનું અંતર વધે રાખે છે. એકમેકથી અંતર બાદ અબોલા આવે ને પછી અલગ અલગ જીવન! આજકાલ ૫૦-૬૦ વરસે બાળકો મોટાં થયાં બાદ, સાથે રહીને પણ અલગ અલગ જીવીને, ‘ગ્રે-ડિવોર્સ’ લેવાની ફેશન છે. એક જ છતમાં છૂટાછેડાં વિના પણ છૂટ્ટા!
Also Read – મારે પણ એક વર્ષા હોય…વર્ષા અડાલજા (નવલકથાકાર)
એક ૬૫ વરસના વડીલ નવી મર્સિડીઝ કાર ખરીદીને, સીટી મારતા મારતા હાઇ-વે પર ૧૫૦ કિલોમીટરની ઝડપે હંકારતા હતા. એટલામાં જોયું કે પોલીસની કાર સાઇરન વગાડીને પીછો કરે છે! હવે વડીલે કારની સ્પીડ ઓર વધારી દીધી. પોલીસે પણ સખત પીછો કર્યો. આખરે વડીલે એકબાજુએ કાર રોકી. પોલીસે વડીલને પૂછ્યું, ‘કેમ ભૈ?આટલી સ્પીડમાં ગાડી શું કામ દોડાવો છે?’
વડીલે ડરીને કહ્યું, ‘શું છે કે વર્ષો પહેલા, મારી વાઇફ પોલીસવાળા સાથે ભાગી ગયેલી. મને લાગ્યું કે તમે એને પાછી લાવી રહ્યા છો! ’
વેલ, આ ‘બ્લેક-હ્યુમર’વાળા જોકમાં છુપાયેલો છે: ‘પ્રેમના પ્રેતનો કાળો ડિબાંગ રંગ’
એંડ-ટાઇલ્સ:
આદમ: યાદ છે આપણે પહેલીવાર મળેલા ત્યારે..
ઇવ: એ જ તો ભૂલવા માગું છું.