ઉત્સવ

શું આપણા બધા ભગવાન આલ્ફા મેલ હતા?

કેનવાસ -અભિમન્યુ મોદી

‘એનિમલ’ ફિલ્મ રજૂ થઈ પછી સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આલ્ફા મેલ’ શબ્દયુગ્મ ટ્રેન્ડીગમાં છે. સૌથી વધુ જે વિજ્ઞાનીનો ઉલ્લેખ થતો હોય એવા દુનિયાના શ્રેષ્ઠ વિજ્ઞાનીઓમાં જેમનો સમાવેશ થાય અને આજની દુનિયાને જોવા માટે તદ્દન નવો દ્રષ્ટિકોણ આપનારા જગતના શ્રેષ્ઠ પચાસ જીવિત બૌદ્ધિકોમાં જેની ગણના થાય છે એવા અમેરીકાના યુવાન સાયન્ટિસ્ટ સ્કોટ બેરી કૌફમેન આલ્ફા મેલ’ની વ્યાખ્યાને પોતાના સંશોધન સાથે સાંકળીને એવું કહે છે કે ડેટિંગ માટે કે રોમેન્ટિક પાર્ટનર માટે આદર્શ માણસ એ છે જે અડગ, આત્મવિશ્વાસથી ભરપૂર, સરળ – સહજ અને સંવેદનશીલ હોય ,પણ કારણ વિનાનો ઘમંડી-ગુસ્સાબાજ કે સરમુખત્યાર, કે પછી ફરિયાદી – ચૂપ કે શરમાળ કે તાબે થઈ જનાર ન હોય એવો જ પુરુષ દરેક સ્ત્રીને આકર્ષે છે, પછી એ કામચલાઉ અફેર હોય કે આખી જિંદગીનો સંબંધ…

હવે આલ્ફા મેલની આ સ્પષ્ટ સમજણમાં ક્યાંય સ્ત્રીદ્વેશ કે અત્યાચાર કે વિકૃતિ આવ્યા? નાએટલે જે પુરુષમાં આવા તકલીફદાયક લક્ષણો હોય એ ક્રિમિનલ કહેવાય, આલ્ફા મેલ નહી. …આલ્ફા મેલ તો એના કુટુંબનું કોઈ પણ ભોગે રક્ષણ કરે, એના સ્વજનો માટે જીવ આપી દેતા પણ અચકાય નહી અને પરિવાર પર હુમલો કરનાર પર સામો હુમલો પણ કરી શકવાનું જોમ ધરાવે.

આલ્ફા મેલ એ નથી જે ગુજરાતના દરેક શહેરના રખડતા કૂતરાઓની જેમ કારણ વિના સ્કૂટરની પાછળ પડે અને બટકું ભરી લે. સાદી સમજ પણ ન હોય અને વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામમાં વાંચીને બોલીવુડને બોયકોટ કરવા નીકળી પડેલા લોકો ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. ’કબીર સિંહ્’ વખતે પણ અડધા દેશને કડક જવાબ આપનારા સંદીપ રેડ્ડી વાંગા સિનેમાના પડદે અને શાહરૂખ ખાન ટ્વિટર – એક્સ ઉપર ટ્રોલરને જ ટ્રોલ કરી નાખી ને માનસિક રીતે અધમૂઆ કરી નાખે છે, પણ આપણા દેશમાં નક્ટાઓની સંખ્યા પણ ઓછી નથી.

આપણે એવા સુંવાળા થઈ ગયા છીએ કે કોઈ મર્દ પણ હવે આપણને આપણી સંસ્કૃતિ માટે જોખમી લાગે છે. સમલિગી કોમ્યુનિટી સામે આપણને લગીરે વાંધો નથી. બધાને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા મુબારક, પણ આ વેસ્ટર્ન વોક કલ્ચરનો ત્રાસ પણ એવો વધી ગયો છે કે જે માણસ ગે કે લેસ્બિયન નથી એ પણ એવો કે એવી બનવા પ્રેરાય એવું વાતાવરણ ઉભુ થઈ રહ્યું છે.

(ગુજરાતમાં તો આવી પ્રજા’ના સ્નેહમિલનો યોજાવા લાગ્યા છે !.) અમેરીકામાં તો એ લોકોને નોકરી આપવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં પણ અનામત રાખવાનો નિયમ છે! આ પ્રકારના વોક કલ્ચર ( કાર્ય સંસ્કૃતિ ) ને કારણે આપણે સુષ્ઠુ ને ફિક્કો સમાજ બનાવી રહ્યા છીએ કે શું? કે પછી સ્ક્રીન પરની વાર્તામાં કોઈ મર્દનું ચિત્રણ આવે તો પણ સમાજ બગડી જશે એવી બીક લાગવા માંડી છે આપણને? એક ફિલ્મથી આવી બીક પેસી જાય તો એ માનસિકતા કાયરોની કહેવાય.

બાપ ઉપર હુમલો કરનારને માફ ન કરતો વાર્તાનો હીરો ખરાબ લાગે છે. આપણી કથાઓ અને સાહિત્યમાં તો સસરાએ યજ્ઞમાં નાની દીકરી અને જમાઈને બોલાવ્યા ન હોય તો અપમાનના બદલામાં સસરાનું માથું વાઢી નાખવાના દાખલા છે. (એ જ સસરાને માફ કરીને બકરીનું માથું ફીટ કરીને જીવતદાન પણ દીધું હોય.) એ નૃત્ય પણ કરે, તાંડવ પણ કરે, ઘોર તપસ્યા પણ કરે, ચંદ્રને પોતાના માથે સજાવે, કામદેવને ભસ્મીભૂત કરી શકે, પત્નીના વિલાપમાં બ્રહ્માંડ ધ્રુજી ઉઠે એવો વિલાપ પણ કરે — આ થયા એક પ્રમાણિક, આત્મવિશ્વાસથી ભર્ફપૂર-બળવાન અને બહાદુર પુરુષનાં -આલ્ફા મેલની લાક્ષણિકતાઓ.

લગ્નની સીઝન ચાલે છે. આપણે ત્યાં નવદંપતીઓને શંકર-પાર્વતી જેવું લગ્નજીવન જાય એવા આશીર્વાદ આપવામાં આવે છે. આપણે જે ભગવાન અને દેવોને પૂજીએ છીએ એ બધામાં તો સવાયા આલ્ફા – મેલના લક્ષણો હતા.

કૃષ્ણ… જ્યાં ગોકુળમાં જન્મ થયો ત્યાં બીજી વખત જઈ શક્યા? ઘરત્યાગ કર્યો પછી આખી જિંદગી સતત સ્થળાંતર કરતા રહ્યા. પોતાની આં ખે બહુ મોટા યુદ્ધમાં નરસંહાર જોયો. યાદવાસ્થળી જોઈ. પોતાના જ લોકોને એકબીજાને મારતા જોયા. તો પણ ચહેરા ઉપર સ્મિત…. બધા દુ:ખો સહન કરતા ગયા. શું આ એક હિંમતવાન પુરુષનું લક્ષણ નથી? આ છે આલ્ફાપણું.

હિન્દુ ધર્મમાં તો આવા મબલખ ઉદાહરણો મળી આવશે. બીજા ભારતીય ધર્મો જુવો તો એમાં પણ એવું જ. રાજપાટ છોડીને જંગલ તરફ પ્રયાણ કરવાની હિંમત છે? ભગવાન બુદ્ધમાં હતી. પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરવાનું હામ છે? એમનામાં હતું. જૈન ધર્મના વર્તમાન ચોવીસીના બધા તીર્થંકરો રાજગાદી છોડીને દીક્ષા લઈને ખૂબ તપ કર્યું પછી તીર્થંકર પદને પામ્યા. કાનમાં ખિલ્લા જડાઈ ગયા હોવા છતાં સહેજ ઉંહકારો પણ ન કરવો એના માટે કેટલી હિંમત જોઈએ?

ભારતે જ આ દુનિયાને આલ્ફા મેલ શું છે એ બતાવ્યું છે. આખી દુનિયા જીતનાર સિકંદર ભારતની સરહદેથી પાછો ફરે છે. છત્રપતિ શિવાજીની ઊંચાઈ બહુ ન હતી તો પણ એ લડતા તો
દુશ્મનોના હાંજા ગગડી જતાં. બાજીરાવ પેશવા એક પણ યુદ્ધ હાર્યા નહી અને દુશ્મન વિચારી ન શકે એટલી ઝડપથી આગેકૂચ
કરતા.

ગાંધીજી એક પોતડી પહેરીને બ્રિટનના રાજાને ખુલ્લી છાતીએ મળવા જતા અને દુનિયાના મીડિયા સમક્ષ અંગ્રેજોના ભારતીયો ઉપરના અત્યાચારને ખુલ્લો કરતા. ભારતનો ઇતિહાસ તો આવા અનેક આલ્ફા મેલોથી ખીચોખીચ ભરેલો છે, પણ અત્યારે આ સોશ્યલ મીડિયાનો અંગુઠો ચુસતી અને ડાયેટમાં રોજની ને કલાક જેટલી રિલ જોતી પબ્લિક એટલી શારીરિક – માનસિક રીતે નબળી પડી ગઈ છે કે એમને આલ્ફા મેલ ટોક્સિક લાગવા લાગે છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button