વેલકમ ટુ એપલ પાર્ક
‘ડિજિટલ દુનિયાના સ્વર્ગ’ તરીકે ઓળખાતી ક્યારેય ન જોઈ હોય એવી અનોખી કોર્પોરેટ ઓફિસ

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
રવિવારના દિવસે આમ તો કોઈને કામ કરવું ન ગમે. મોટા ભાગની કોર્પોરેટ ઓફિસમાં રવિવાર એટલે રજા, પણ કોઈ એવું કહે કે ઓફિસના કોઈ જ પરિસરમાં બેસવાની જરૂર નથી, જ્યાંથી મન પડે ત્યાંથી કામ કરજો. આવું કોઈ કહે તો? તો આ આનંદને એક જ વાક્યમાં લખી શકાય કે ઐસી આઝાદી ઔર કહાં…?!
અમેરિકાનું કેલિફોર્નિયા સિટી એટલે આઈટી ઈન્ડસ્ટ્રીના માઈલસ્ટોન ગણાતા લોકોની અનોખી દુનિયા, જ્યાં આવેલી છે ડોલરોમાં કરોડો કમાતી આઈટી કંપનીઓ.
ગૂગલનું હેડક્વાર્ટર જોયા બાદ હવે આપણે શબ્દોના સથવારે આવી પહોંચ્યા છીએ એપલ પાર્કમાં. આ એપલ કંપનીની મુખ્ય કચેરી છે. ખાસ વાત એ છે કે આખી ઓફિસ વર્તુળાકારમાં છે, પણ આ ઓફિસ એટલી મોટી છે કે ચાલીસ ફૂટબોલના ગ્રાઉન્ડ ભેગા થાય ત્યારે એક ઓફિસ બને…!
એક રિપોર્ટ એવું કહે છે કે ૫૦૦ કરોડ અમેરિકન ડોલરનો ખર્ચ આ ઓફિસના નિર્માણ માટે થયો છે, જેને લોકો ‘હાઈટેક ફ્યુચરિસ્ટીક સિટી’ તરીકે પણ ઓળખે છે.
આ ઓફિસ નથી પણ એ તમામ વસ્તુનું કેન્દ્ર છે જે દરેક માણસને જીવવા માટે જરૂરી છે. કાફેથી લઈને મિની ક્લબ સુધી બધું જ છે આ પરિસરમાં. કાફે, જિમ, મેડિકલ સેન્ટરથી લઈ પાર્કિંગ સુધી તમામ વસ્તુ. ખાસ અને વિશેષ વાત એ છે કે આ વર્તુળાકારમાં ઓફિસની વચ્ચે મસ્ત-મોટું પ્લે ગ્રાઉન્ડ છે. આ ઓફિસ પર ભૂકંપની પણ કોઈ જ પ્રકારની અસર થતી નથી. અસર તો ઠીક તિરાડ પણ પડે એમ નથી. સમગ્ર ઓફિસના ધાબે (અગાશી પર) સોલાર પેનલ મૂકવામાં આવી છે. એટલે કે બધું જ રિન્યુએબલ એનર્જીથી ચાલે છે. અમેરિકાના હવામાનને ધ્યાનમાં રાખીને આખી ઓફિસ તૈયાર કરવામાં આવી છે. ઓફિસમાં આખું વર્ષ રહેશો તો પણ ૯ મહિના સુધી ન તો ગરમી લાગશે કે ન ઠંડી. આવું કેવી રીતે શક્ય છે? સવાલ થવો સ્વાભાવિક છે. જવાબ એટલો જ મજેદાર છે.
વર્ષ ૨૦૦૪માં સ્ટીવ જોબ્સ પોતાના કર્મચારીઓને એક એવી દુનિયામાં લાવવા માગતા હતા જે સંપૂર્ણપણે હાઈટેક હોય, જેમાં વ્યક્તિને કર્મચારી નહીં એક વેલ ટ્રેન બ્રેઈન માનવામાં આવે. પડકાર એ હતો કે સ્ટિવને આ બધું કોઈ પ્રકૃતિના ભોગે કરવું ન હતું. ગેઝેટની જેમ ઓફિસ પણ એવી બનાવવી હતી કે આવનારી પેઢીને વર્ષો સુધી તે પ્રેરણા આપતી રહે, પણ આ આખી બનાવવી એમનું સપનું હતું. આ સપનું સાકાર થાય એ પહેલાં તેમણે આ દુનિયા છોડી દીધી. નજર સામે સપનાની હકીકત એ જોઈ ન શક્યા. આપણે ત્યાં કોઈ કોર્પોરેટ ઓફિસ બનતાં મહત્તમ ત્રણથી ચાર વર્ષ લાગે છે. એક વર્ષમાં તો પુલ તૈયાર થઈ જાય છે પણ એપલ પાર્ક બનતાં આઠ વર્ષ લાગ્યાં હતાં. જે રીતે એપલના ફોન અને ગેઝેટની સિક્યોરિટી સિસ્ટમ ખૂબ જ ટાઈટ છે. એ જ રીતે સ્ટિવ પણ સમગ્ર કચેરીનું સિક્રેટ કોઈ પાસે ખોલવા માગતા ન હતા. હરીફ કંપનીને ખબર ન પડે એવી રીતે એમણે જમીન લીધી અને પછી પણ એમાં કોઈ જ નામ કે બેનર છેક સુધી ન લગાવ્યું. અહીં પણ ૧૬૦ બિલિયન ડોલરનો ફટકો પડ્યો, કારણ કે જે ખર્ચનો અંદાજ હતો એ ખોરવાઈ ગયો હતો. ૧૭૫ એકરમાં ફેલાયેલી આ કંપની માટેની જમીન ૨૦૦૮ પહેલાં જ બુક હતી. વર્ષ ૨૦૧૩માં બાંધકામ કરવા માટેની મંજૂરી મળી. આપણા જેવું નહીં કે જમીન લીધા બાદ ગણતરીના દિવસોમાં મંજૂરીની મહોર લાગી જાય.
આ સમગ્ર ઓફિસ બનાવવાની જવાબદારી દુનિયાના સૌથી જાણીતા આર્કિટેક્ટ નોર્માન ફોસ્ટરને સોંપાઈ. વર્ષે ૨૦૧૭માં જ્યારે આ ઓફિસનું ઑપનિંગ થયું ત્યારે સતત ૬ મહિના સુધી એપલ પાર્કની સ્ટોરીની ચર્ચા હતી. લોકોએ તેનું નામ ‘રિંગ’ અને ‘સ્પેસશિપ’ પણ નક્કી કરીને રાખી દીધું. ચાર ફ્લોરની આ ઓફિસમાં એક સાથે એક જ ફ્લોર પર ૧૨૦૦૦થી વધારે કર્મચારીઓ કામ કરી શકે છે. ૩૦૦૦ ગ્લાસ પેનલ એવી રીતે ફીટ કરવામાં આવી છે કે ડે લાઈટ આવે પણ ક્યાંયથી તડકો શરીર પર હાવી ન થાય. ઓફિસની અંદરની બાજુ અને બહારની બાજુ એક વોક-વે ગેલેરી બનાવવામાં આવી છે જેથી કર્મચારીઓ ત્યાં વોક કરતાં કરતાં આખી ઓફિસનો વ્યુ જોઈ શકે. આપણે ત્યાં તો બહારથી ફોટો કોઈ ક્લિક કરે તો પણ ચોકીદાર બૂમબરાડા પાડતો હોય.
આ કોઈ માત્ર ઓફિસ જ નથી. ટેકનોલોજી પર રિસર્ચ કરનારાઓ માટે સાક્ષાત પૃથ્વી પરનું ડિજિટલ સ્વર્ગ છે. અંદરની બાજુ બે મોટી ઈમારત છે. ઊંચાઈમાં મોટી નહીં પહોળાઈમાં મોટી, જેને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામ અપાયું છે. અહીં એક સાથે ૨૦૦૦ કર્મચારી સાથે બેસીને કામ તો ઠીક જમી શકે છે.
એપલમાં કામ કરવું હોય તો કોઈ પણ એક સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેમ હોવો અનિવાર્ય છે. જિમ કરો કે યોગા કરો. ફૂટબોલ રમો કે સાયકલ રેસ કરો. પણ કોઈ એક સ્પોર્ટ્સ ફરજિયાત. દર અઠવાડિયે અહીં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શકે. એની સાથે કસરત પણ કરી શકે, ગેમ રમી શકે. આપણે ત્યાં આવી કોઈ કંપની હોય તો? આગે બઢતે હૈ. આટલું જાણ્યા બાદ કેટલાક એવું પણ કહેશે કે રિસેપ્શન એરિયા નથી. ના, અહીં એક વિઝિટિંગ સ્ક્વેર સેન્ટર છે, જ્યાંથી જેતે વિભાગ કે સેક્ટરની પૂરતી અને ચોક્કસ માહિતી મળે છે. કર્મચારીના સ્વજન હશો તો સિક્યોરિટીવાળા ભેગા આવશે અને કર્મચારી સુધી મૂકી જશે.
આ ઓફિસ એવી છે કે એના પર એક લેખ કરતા આખી ૨૦૦ પાનાંની બુક તૈયાર થઈ શકે. છેલ્લી અને ધબકારા હલાવી દે એવી વાત. ઓફિસ ભલે વર્તુળાકાર રહી પણ એમાં કોઈ પિલર નથી!
આઉટ ઓફ ધ બોક્સ:
સફળતાને વધાવનારા સો લોકો મળી આવશે, પણ પ્રયાસને પોંખનારા બહુ ઓછા મળશે.