ઉત્સવ

જ્યાંથી અંગ્રેજ મુંબઈમાં આવ્યા તે સમુદ્ર પર પહેરો કરવા આપણે શ્રી ટિળકને ઊભા રાખ્યા છે: તાત્યાસાહેબ કેળકર

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

‘સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું સૂત્ર આપનાર લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની પ્રતિમા ચોપાટી ખાતે આજે ઊભી છે ત્યાં એક સમયે ભરતીનાં પાણી આવી ચઢતા હતાં. અહીં ટિળકની પ્રતિમા ઊભી કરવાનો પણ એક નિરાળો ઈતિહાસ છે.

મુંબઈ પોલીસ કમિશનરરની ઓફિસ સામે સરદારગૃહ આવ્યું છે, ત્યાં ૧૯૨૦ના જુલાઈની ૩૧મી તારીખે રાતે શ્રી ટિળકનું અવસાન થયું. ધોબીતળાવથી જ્યોતિબા ફૂલે માર્કેટ સુધીનો આખો માર્ગ અંતિમદર્શન દર્શન માટે લોકોથી ઊભરાઈ ગયો હતો. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, શૌકતઅલી વગેરે નેતાઓ ત્યાં ઉપસ્થિત થયા હતા, ત્યારે શ્રી ટિળકના અગ્નિસંસ્કાર ચોપાટીના સાગરકિનારે કરવાની સર્વ પ્રથમ કલ્પના બેરિસ્ટર શ્રી ભુલાભાઈ દેસાઈને આવી હતી. શ્રી ભુલાભાઈ દેસાઈ, સર દિનશા વાચ્છા અને અન્ય નેતાઓ પરવાનગી મેળવવા ગવર્નર સર જ્યોર્જ લોઈડ પાસે ગવર્નર હાઉસ પર પહોંચી ગયા. ગવર્નર ત્યારે સર દિનશા વાચ્છા જેવા મહાનુભાવને જોઈને જરા વિચારમાં પડી ગયા. સર જ્યોર્જ લોઈડે પરવાનગી તો આપી પણ બે શરત રજૂ કરી કે હવે પછી બીજા કોઈ નેતાના અગ્નિસંસ્કાર આ સાગરકિનારે કરવા દેવામાં આવશે નહિ અને આ સ્થળે શ્રી ટિળકની પ્રતિમા કે અન્ય સ્મારક માટે પરવાનગી આપવમાં આવશે નહિ.

શ્રી ટિળકના અગ્નિસંસ્કાર પછી તો મોટા મોટા નેતાઓ પોતાને ગામ પહોંચી ગયા અને શ્રી ભુલાભાઈ દેસાઈ અને સર દિનશા વાચ્છા પણ એ વાત ભૂલી ગયા ત્યારે ચોપાટાની રેતીમાં ‘હુતુતુ’ની રમત નિયમિત યોજનાર એક ‘શ્રીકૃષ્ણ હુતુતુ સંઘ’ હતો. આ સંઘના કાર્યકર્તા શ્રી દાંડેકરે ટિળકના અગ્નિસંસ્કાર જ્યાં થયા હતા ત્યાં રોજ રેતીનું શિવલિંગ બનાવી પૂજા-પ્રાર્થના યોજવા માંડી. દિવસે દિવસ્ો લોકોનું આકર્ષણ વધવા માંડ્યુ. રાતે સાગરની ભરતી રેતનું શિવલિંગ ઘસડી જતી, પણ શ્રી દાંડેકર દિવસે બીજું નવું શિવલિંગ સ્થાપી દેતા હતા. શ્રી દાંડેકરે ચાર-ચાર વર્ષ સુધી આ કાર્યક્રમ નિયમિત રાખ્યો. ત્યાં કૉંગ્રેસી કાર્યકર શ્રી સત્યાજીરાવ સિલમનું ધ્યાન એ પ્રત્યે ખેંચાયું. તેમણે વર્તમાનપત્રોમાં ચોપાટી પર શ્રી ટિળકની પ્રતિમા સ્થાપવી જોઈએ એવી રજૂઆત કરી. ૧૯૨૫ના ઑગસ્ટની પહેલી તારીખે એ માટે એક સમિતિની સ્થાપના થઈ. વગદાર વ્યક્તિઓની મધ્યસ્થીથી ચોપાટી પર પ્રતિમા સ્થાપવાની પરવાનગી અંગ્રેજ સરકાર પાસે મેળવવામાં આવી. શિલ્પકાર શ્રી રા. કૃ. ફડકેએ પ્રતિમા તૈયાર કરી અને વડોદરા ખાતે શ્રી કોલ્હટકરે એ પ્રતિમાને ધાતુંમાં ઢાળીની તૈયારી કરી.

૧૯૩૩ના ઑગસ્ટની પહેલી તારીખે શ્રી ટિળકની પ્રતિમાનું ઉદ્ઘાટન થયું અને તે વખતે મૌલાના શૌકતઅલી, શ્રી જમનાદાસ મહેતા, બોમ્બે ક્રોનિકલના તંત્રી શ્રી બી. જી. હોર્નિમેન વગેરેનાં પ્રવચન થયાં હતાં. તાત્યાસાહેબ કેળકરે તે વખતે કહ્યું કે ‘જ્યાંથી અંગ્રેજ મુંબઈમાં આવ્યા તે સમુદ્ર પર પહેરો કરવા આપણે શ્રી ટિળકને ઊભા રાખ્યા છે.’

મુંબઈમાં આધુનિકતાનો પાયો નાખનાર અંગ્રેજ ગવર્નર સર બાર્ટલે ફ્રીઅર છે. એમણે મુંબઈમાં નવાં નવાં ભવ્ય મકાનો બંધાવવાનો જ માત્ર આગ્રહ ધરાવ્યો નથી, પરંતુ મુંબઈનાં લોકો સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતા થાય એ માટે પણ એમણે સક્રિય પ્રયાસો કર્યા છે. મુંબઈમાં કેળવણીનો પાયો નાખનાર ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટોન છે, તો શિક્ષણનું ક્ષિતિજ અધિક વ્યાપક બનાવનાર સર ફ્રીઅર છે. સર ફ્રીઅર કહેતા હતા કે લખવું-વાંચવું એ કંઈ શિક્ષણ નથી. શિક્ષણથી માણસની સ્વતંત્ર વિચારશક્તિ અને તેના વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ. એટલે જ એમણે સ્થાનિક ભાષામાં શિક્ષણ માટે આગ્રહ ધરાવવાની સાથે ક્ધયાઓ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે મુંબઈમાં નાગરિકોને ઉત્તેજન આપ્યું. એમના ઉત્તેજનથી મુંબઈના અગ્રગણ્ય નાગરિક શ્રી માણેકજી ખરશેદજીએ ૧૮૬૩ના જૂનની ૩૦મી તારીખે મુંબઈમાં ઈંગ્લિશ ગર્લ્સ સ્કૂલની સ્થાપના કરી હતી. એ સ્કૂલ આજે એલેકઝાન્ડ્રા ગર્લ્સ સ્કૂલ તરીકે ઓળખાય છે, પણ એનું મૂળનામ ‘એલેકઝાન્ડ્ર નેટિવ ગર્લ્સ ઈંગ્લિશ ઈન્સ્ટિટયૂશન’ હતું. સર ફ્રીઅરે શ્રી માણેકજી ખરશેદજીને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ સ્કૂલનું સંચાલન ભારતીય નાગરિકોએ જ કરવું જોઈએ. આ સ્કૂલ સંચાલન અને શિક્ષણમાં શ્રી માણેકજીને તેમની સુશિક્ષિત પુત્રીએ મદદ કરી હતી. સર ફ્રીઅરનાં પત્ની અને પુત્રી પણ આ સ્કૂલની વારેઘડીએ મુલાકાત લઈ ઉત્તેજન આપતાં હતાં. સર ફ્રી અરના આ પ્રકારના ઉત્તેજનથી માત્ર મુંબઈમાં જ નહીં, પણ સમસ્ત મુંબઈ ઈલાકામાં ક્ધયાકેળવણી મોટા પ્રમાણમાં વિકસવા પામી. ૧૮૬૨માં લગભગ ૨૦ ક્ધયાશાળાઓ હતી તે વધીને ૧૮૬૭માં ૯૦ થઈ હતી. આ ૯૦ ક્ધયાશાળાઓમાં ૬૧ ક્ધયાશાળાઓ સરકાર તરફથી ચલાવવામાં આવતી હતી. સર બાર્ટલે ફ્રીઅર પોતે પણ ઊંડા અભ્યાસી હતા અને મરાઠી, ગુજરાતી, ઉર્દૂ, ફારસી વગેરે ભાષાનું જ્ઞાન ધરાવતા હતા.

સર બાર્ટલે ફ્રીઅર મુંબઈના ગવર્નરપદે ૧૮૬૨થી ૧૮૬૫ સુધી રહ્યા હતા. મુંબઈના મોટા ભાગના અંગ્રેજ ગવર્નરો કદાવર બાંધાના હતા ત્યારે સર બાર્ટલ ફ્રીઅર તેમની સરખામણીમાં દૂબળા-પાતળા હતા. એમના વખતમાં મુંબઈના કોટ વિસ્તારમાં ઠેર ઠેર કોટની ભાંગેલી-તૂટેલી દીવાલો ઊભી હતી. સર ફ્રીઅર મુંબઈના રસ્તાઓ અધિક પહોળા બનાવવા ઈચ્છતા હતા અને ખુલ્લી જગ્યા મેળવવા માગતા હતા. આથી એમણે સહુની વિરુદ્ધ જઈને કોટની તમામ દીવાલો ૧૮૬૪-૬૫માં તોડી પડાવી હતી. કોટની દીવાલો તોડવી એમણે ૧૮૬૩માં શરૂ કરાવી હતી.

કોટની દીવાલો તોડી પાડતાં એસ્પ્લેનેડ પરિસરમાં જે ખુલ્લી જગ્યા મળી ત્યાં તેમણે નિવાસ અને ઓફિસો માટે મકાનો બંધાવવાનો નિર્ણય કર્યો. જમીનના પ્લોટોના વેચાણ માટે જાહેર લીલાંઉ યોજવામાં આવ્યું હતું અને તેમાંથી સરકારને અડધો કરોડ રૂપિયા મળ્યા હતા. તે વખતે જમીનની કિંમત ચોરસવાર દીઠ રૂા. ૭૦થી ૧૦૫ હતી. એસ્પ્લેનેડ પરિસરમાં ચોમાસા દરમિયાન રસ્તા પર ઘૂંટણ સુધીનો કાદવ થઈ જતો હતો ત્યાં ૬૬ ફૂટ પહોળી પાકી મેટલની સડક ફૂટપાથ સાથે બનાવવામાં આવી અને ૧૮૬૪-૬૫ દરમિયાન મુંબઈમાં મેટલની સડકો ત્રણ માઈલ, પાંચ ફર્લાંગ અને ૮૮ વાર જેટલી હતી. કોલાબા કોઝવે પહોળો કરીને ફરીથી બાંધવામાં આવ્યો હતો. આ સડકોની બન્ને બાજુ વડ-પીપળાનાં વૃક્ષો રોપવા ૧૮૬૫ના નાણાકીય વર્ષ માટે રૂા. ૭૫૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે રીતે રૂા. ૮૧૨૦ ખર્ચાયા હતા.

મુંબઈને મનોહર મકાનોથી રમ્ય બનાવવાનો ખ્યાલ સર ફ્રીઅરનો હતો અને એવાં મકાનોની ડિઝાઈન બનાવવા ઈંગ્લેન્ડથી મી ટુબશો નામના આર્કિટેક્ટને ખાસ મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. આ આર્કિટેક્ટે ગોથીક શૈલીથી એલ્ફિન્સ્ટન કોલેજના મકાનની ડિઝાઈન તૈયાર કરી હતી. આ મકાન માટે સર કાવસજી જહાંગીરે રૂા. બે લાખનું દાન આપ્યું હતું અને બાકીના બે લાખ સરકારે આપ્યા હતા.

સર ફ્રીઅરે બોમ્બે યુનિવર્સિટી લાઈબ્રેરી માટે રૂા. ૨ લાખ અને રાજાબાઈ ટાવર માટે રૂા. ૨ લાખ તે વખતના મુંબઈના મોટા શ્રીમંત શેઠિયા શ્રી પ્રેમચંદ રાયચંદ પાસેથી મેળવ્યા હતા. સર કાવસજી જહાંગીરે રૂા. ૧ લાખ બોમ્બે યુનિવર્સિટી લાઈબ્રેરી બિલ્ડિંગ માટે આપ્યા હતા.

સર બાર્ટલે ફ્રીઅરના સમયમાં મુંબઈમાં ઓલ્ડ સેક્રેટરિયેટ, યુનિવર્સિટી લાઈબ્રેરી, યુનિવર્સિટી કોન્વોકેશન હોલ, હાઈ કોર્ટ, જનરલ પોસ્ટ ઓફિસ, એલ્ફિન્સ્ટન કોલેજ, ગોકુલદાસ તેજપાલ હૉસ્પિટલ, ભાયખલા પોલીસ કોર્ટ વગેરે બંધાવ્યાં હતાં. સર ફ્રીઅરે જે મકાનો માટે આયોજન કર્યું હતું તે માટે મુંબઈ સરકારે ૧૮૬૬-૬૭માં લગભગ ૪૦ લાખ પાઉન્ડ મંજૂર કર્યા હતા.

મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના તો ૧૮૫૭માં જ થઈ હતી, પણ એ સંસ્થા માત્ર ડ્રોઈંગ સ્કૂલ બનીને રહી ગઈ હતી. સર ફ્રીઅરને આ જોઈને ઘણું લાગી આવ્યું અને તેમણે સાચા અર્થમાં પૂર્વની કલા-સંસ્કૃતિ માટે કલા વિદ્યાલય બનાવવાનો નિર્ણય કર્યો. એમણે ઈંગ્લેન્ડથી મોટા મોટા આર્ટિસ્ટોને બોલાવ્યા અને તેઓ કેવી રીતે પેઈન્ટિંગ્સ-શિલ્પ કરે છે તે જોવાની અને શીખવાની તક ઉપલબ્ધ કરી આપી. આર્ટિસ્ટ વેનડાઈકને ચાર્લ્સ પ્રથમ અને તેમના દરબારનું પેઈન્ટિંગ બનાવવાનું કામ સોંપાયું હતું. તેમને મુંબઈ જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં બોલાવવામાં આવ્યા. તેમણે અહીં આવીને આ પેઈન્ટિંગ તૈયાર કર્યું તે વિદ્યાર્થીઓને જોવા મળ્યું. ૧૮૬૪માં રૂસ્તમજી જમશેદજી જીજીબાઈએ ઈંગ્લેન્ડથી વિવિધ કળાના અગ્રગણ્ય કલાકારોને આ સ્કૂલ માટે બોલાવવા નાણાંની જોગવાઈ કરી આપી હતી. મુંબઈમાં સર બાર્ટલે ફ્રીઅરના વખતમાં શેરનું ગાંડપણ ચડયું હતું. ૧૮૬૫માં મે મહિનામાં શેરસોદામાં મુંબઈમાં મોટા વેપારી શ્રી બેરામજી હોરમસજી કામા પહેલા પાયમાલ થઈ ગયા હતા અને એમના ભાંગી પડવાની વાત સાંભળતાં જ બજારમાં ગભરાટ મચી ગયો હતો. એ વખતે જે ૠિીતવ સર્જાયો હતો. તેમાં સંડોવાયેલા શેરોની કિંમત ૭થી ૮ કરોડ રૂપિયાની હતી. બધી જ કંપનીઓએ એકબીજાના શેર ઉપર સોદા કર્યા હોવાથી છેલ્લે બધા રદ્દી કાગળિયાં જ નીવડ્યાં. સર ફ્રીઅર જાણતા હતા કે આ શેરોની તેજી લોકોને પાયમાલ કરી નાખશે એટલે એમણે એક સર્ક્યુલર બહાર પાડી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને શેરોના સોદામાં નહીં પડવા ફરમાવ્યું હતું. ૧૮૬૪ના ઑક્ટોબરની ૨૨મી તારીખે એલ્ફિન્સ્ટન સર્કલનો પાયો નાખતાં પોતાના પ્રવચનમાં પણ શેરસટ્ટાબાજી સંબંધી સર ફ્રીઅરે ચેતવણી ઉચ્ચારી હતી. એમણે કહ્યું હતું : ‘કોઈ પણ શાણો માણસ અણધારી સમૃદ્ધિની ભરતી ચઢતી જોવાનું પસંદ નહીં જ કરે, કારણ કે એ જાણે છે કે જેટલી વહેલી ભરતી ચઢે છે તેટલી વહેલી ઓટ આવે છે.’

અડધી મુંબઈના માલિક ગણાતા શ્રી દાદાભાઈ વાડિયાને તો સંપત્તિ વેચીને ખેતવાડી ખાતે નાના મકાનમાં જવું પડ્યું હતું.

રાજાબાઈ ટાવર બંધાવી આપનાર શ્રી પ્રેમચંદ રાયચંદ પણ એ વંટોળમાં ફંગોળાઈ ગયા હતા. મુંબઈમાં તેજીનો ભડકો તૈયાર કરનાર આગેવાન પણ શ્રી પ્રેમચંદ રાયચંદ હતા. એમણે બૅન્ક પાસેથી બધું મળીને રૂા. ૧.૩૮ કરોડ લીધા હતા અને પૈસા નહીં ભરી શકવાથી બૅન્ક ઓફ બોમ્બેને દેવળું ફૂંકવું પડ્યું હતું. મુંબઈ આવા ‘શેર ક્રશ’ સર્જવા માટે પહેલેથી જ જાણીતું છે. ૧૮૬૫માં પ્રેમચંદ રાયચંદ હતા તો ૧૯૯૨માં હર્ષદ મહેતા હતા. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો