‘એક એક ઈંટની કિંમત અમે વસૂલ કરીએ છીએ’
મહેશ્ર્વરી
વિશ્ર્વવિખ્યાત લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં નાટક ભજવવાની તક ત્રેવડના અભાવે ભલે ન મળી, પણ એ ભવ્ય થિયેટરની બહાર ઊભા રહી અમે લતા મંગેશકરનો શો જોવા આવેલા કલારસિકો સાથે વાતચીત કરી શક્યા. ‘લલ્લુ પરણ્યો લંડનમાં’ અને ‘વહુ ગમતી નથી’ એ બે અમારાં નાટકો જોવા પધારવા માટે આગ્રહ કરી શક્યા એનો અનેરો આનંદ હતો. કોન્સર્ટમાંથી બહાર નીકળેલા પ્રેક્ષકોના મુગ્ધ ચહેરા પરના ભાવ કાર્યક્રમ કેવો હતો એની પાવતી હતા. કોઈ ‘હમ પ્યાર મેં જલનેવાલોંકો ચૈન કહાં’ ગણગણી રહ્યું હતું તો કોઈના મોઢે ‘એહસાન તેરા હોગા મુજ પર’ સંભળાઈ રહ્યું હતું તો વળી કોઈ ‘સત્યમ શિવમ સુન્દરમ’થી રસતરબોળ થયું હતું. હોલની બહાર પણ લતા દીદી છવાયાં હતાં. કલા અને કલાકારનું ઉચ્ચતમ શિખર એ દિવસે અમે બધાએ જોયું. કલાકારે આવી ઊંચાઈ પર પહોંચવું જોઈએ એવી લાગણી મેં અનુભવી. અમારા નાટકોની જાણકારી આપતા પેમ્ફલેટ અને નાટક જોવા આવવાના અમારા મૌખિક આગ્રહની કલારસિકો પર અસર પડી હશે કે કેમ એ વિશે ખાતરીપૂર્વક કહી શકાય એમ નહોતું. રોયલ આલ્બર્ટ હોલમાં નહીં, પણ ફિલ્મ થિયેટરમાં આગળ પડદો પાડી અમે નાટકો ભજવ્યાં. માત્ર શનિ – રવિ જ ભજવતા આ નાટકોને પ્રેક્ષકોનો સારો રિસ્પોન્સ મળ્યો. કલાકાર ખુશ, નિર્માતા ખુશ અને સ્પોન્સર પ્રાણલાલ વ્યાસ પણ
રાજીના રેડ.
અઠવાડિયામાં માત્ર બે જ દિવસ શો હોવાથી બાકીના દિવસોમાં આસપાસના વિસ્તારોમાં ફરવાની બહુ મજા આવી. રંગેચંગે દિવસો વીતી રહ્યા હતા ત્યાં એક દિવસ મને દાઢમાં સખત દુખાવો ઉપડ્યો. એકાદ બે દિવસ તો મેં પીડા સહન કરી લીધી, પણ સહનશક્તિની હદ આવી ગઈ અને નિર્માતા મને ડૉક્ટર પાસે લઈ ગયા. પણ ગોરો ડૉક્ટર દાંતનું મારું દરદ ચકાસવા કે દવા આપવા તૈયાર નહોતો. બીજા બે ત્રણ ડેન્ટિસ્ટ પાસે ગયા તો ત્યાં પણ આ જ હાલત. હું જાણે અછૂત ક્ધયા હોઉં એવી લાગણી મને થવા લાગી. શનિવારે શો હતો અને આ દુખાવા સાથે તો હું પરફોર્મ નહીં કરી શકું એવી સ્પષ્ટતા મેં કરી દીધી. જયંત ભટ્ટ મૂંઝાયા. શોની ટિકિટો વેચાઈ ગઈ હતી અને જો એ કેન્સલ કરીએ તો નેગેટિવ પબ્લિસિટી થવાના ભય – આશંકા હતી. જયંતભાઈની ભાણી યુકેમાં જ રહેતી હતી. એને બોલાવી અને એની સાથે ચાર કલાકની મુસાફરી કરી એના ઓળખીતા ડેન્ટિસ્ટ પાસે લઈ ગઈ. પણ એ ડૉક્ટરે સુધ્ધાં મને ‘અછૂત’ જાહેર કરી દીધી. મને બહુ ગુસ્સો આવ્યો. આ તે કેવા ડૉક્ટર કે જે દર્દીની પીડાનો ઈલાજ કરવા જ તૈયાર નથી? બધા અકળાઈ ગયા હતા પણ પારકી ભૂમિ પર કોઈ કેટલું કરી શકે? છેવટના ઉપાય તરીકે જયંત ભટ્ટે પ્રાણલાલ વ્યાસને ફોન કરી વિગતવાર વાત કરી અને બે દિવસ પછી શો છે એ વાત પર ધ્યાન દોર્યું. જોકે, સ્પોન્સર હોવાથી તેમને શોની તો ખબર જ હતી. પ્રાણલાલ ભાઈએ અમને સધિયારો આપ્યો અને એમના ડૉક્ટર પાસે લઈ ગયા. એ ડેન્ટિસ્ટે મારી સારવાર કરી, મને દવા આપી અને મારો દુખાવો બંધ થઈ ગયો. પીડા દૂર થતા રાહતની લાગણીના અનુભવથી ત્રણ દિવસમાં પહેલીવાર મારી આંખોમાં ઠંડકનો અનુભવ થયો. જોકે, આ નાની અમથી સારવારનું ૭૦૦ પાઉન્ડનું બિલ જોઈ મારી આંખોમાં બળતરાં થવા લાગી. ડૉક્ટરોનું વર્તન અને સારવારનું બિલ જોઈ મને લંડન માટે નફરત થઈ ગઈ અને મનમાં ગાંઠ વાળી કે આ શહેરમાં ફરી નહીં આવું.
લંડનમાં રહેતા કેટલાક ભારતીય લોકોના પરિચયમાં આવી અને તેમની માનસિકતાનો પણ પરિચય થયો. એક વ્યક્તિનો ખાસ ઉલ્લેખ કરવો છે અને તેમની વાત જાણી એ યોગ્ય કે અયોગ્ય એનો નિર્ણય લેવાનું હું તમારા પર છોડું છું. આજની તો ખબર નથી, પણ ત્યારે બ્રિટનમાં એવો કાયદો હતો કે કોઈ રોજગાર વિના બેકાર હોય તો સરકાર તેને ‘બેકારી ભથ્થુ’ આપે. રહેવા માટે જગ્યા ન હોય તો એની પણ સગવડ કરી આપે. અમે રહેતા હતા એ ફ્લેટમાં અમારા પાડોશી હતા અરવિંદ પટેલ નામના ભાઈ. આ ભાઈ કામધંધો કર્યા વિના પલાંઠી વાળી ઘરે બેઠા રહેતા. તેમનાં પત્ની કશુંક કામ કરતાં હતાં. અરવિંદભાઈ ક્યારેક અમારે ત્યાં આવતા અને ગપાટા મારતા.
એક દિવસ એમની સાથે વાતચીતમાં મેં તેમને પૂછ્યું કે ‘તમે કામકાજ નથી કરતા તો ધનજીભાઈ (પૈસા)નો બંદોબસ્ત કેવી રીતે થાય છે?’ તો કહે કે ‘મને બેકારી ભથ્થું મળે છે, અઠવાડિયાના ૫૦ પાઉન્ડ. ગાડું ગબડી જાય છે.’ મેં લાગલો સવાલ કર્યો કે ‘તમે તો સાજા સારા છો. પ્રયત્ન કરો તો કામ મળી જાય. તમારે બેકારી ભથ્થું ન લેવું જોઈએ.’
મારી વાત સાંભળી એમના ચહેરા પરના ભાવ એકદમ બદલાઈ ગયા. આક્રોશ – કરડાકી એમના મોઢા પર ડોકિયું કરવા લાગ્યા. હું સહેજ ચોંકી ગઈ. મારી સામે તીક્ષ્ણ નજરે જોઈ સહેજ ઊંચા અવાજે બોલ્યા કે ‘હા, પણ તમને ખબર છે? આ ઈંટ તમને જે દેખાય છે એ આપણા હિન્દુસ્તાનની છે અને એક એક ઈંટની કિંમત અમે વસૂલ કરીએ છીએ.’ એમનો ખુલાસો સાંભળી મને પહેલા તો બહુ હસવું આવ્યું પણ પછી એમની વાત પર વિચારવા લાગી. આ વાત સાંભળી અન્ય કલાકારોમાંથી કોઈ એમની સાથે સહમત પણ થયું. લંડનનો બે મહિનાનો પ્રવાસ લંબાઈને ચાર મહિનાનો થયો અને એ મજેદાર પ્રવાસ પૂરો કરી અમારો રસાલો મુંબઈ જવા નીકળ્યો. મુંબઈ પહોંચ્યા પછી ફરી એ જ મૂંઝવણ કે હવે શું? એવામાં જયંત ભટ્ટ નવી પ્રપોઝલ લઈને મારી પાસે આવ્યા.
ગુણવંતરાય આચાર્યનું ‘અલ્લાબેલી’…
‘ઈપ્ટા’ તરીકે વધુ જાણીતું ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન પ્રારંભમાં હિન્દી અને મરાઠી નાટ્ય વિભાગ ધરાવતું હતું. ત્યારબાદ મુંબઈમાં ગુજરાતી કેન્દ્રની સ્થાપના થઈ હતી. ૧૯૪૮માં જશવંત ઠાકરે ગુણવંતરાય આચાર્યના ‘અલ્લાબેલી’ નાટકની ભજવણી કરી હતી. ઓખાના પદભ્રષ્ટ માણેક કુળના અંતિમ વારસ મુળુભા માણેક અને તેમના બાળપણના ગોઠિયા દેવોભા નાટકના કેન્દ્રવર્તી પાત્રો હતાં. રક્ષણ માટે જાનની પરવા ન કરવી અને કુરબાનીના મૂલ્યોને પ્રાધાન્ય આપતી આ કથાને અંતે મૂળુભા તથા દેવોભા મૃત્યુ પામે છે. સ્થળ કાળ અને કથાનું સુંદર સંયોજન ધરાવતા આ નાટકને રંગભૂમિના સંદર્ભમાં ખૂબ નોંધપાત્ર માનવામાં આવે છે. લેખકની કલમનું સામર્થ્ય કથાવસ્તુ, પાત્રાલેખન ઉપરાંત લોકબોલી અને લોકગીતોમાં પ્રભાવ પેદા કરે છે. તખ્તા પર નાટકની રજૂઆત પણ પ્રભાવી સાબિત થાય એ માટે છ મહિના સુધી રિહર્સલ ચાલ્યા હતા. વાઘેર લોકોના (ઓખામંડળના શૂરવીર લોકોના) જીવનની વાસ્તવિકતા સમર્થપણે રજૂ થઈ શકે એ માટે કેટલાક વાઘેરોને છેક દ્વારકાથી મુંબઈનાં રિહર્સલમાં બોલાવી હાજર રાખવામાં આવ્યા હતા. આવી કોશિશ પોણો સો વર્ષ પહેલાં થતી હતી એ રંગભૂમિ માટે ગર્વ લેવા જેવી અને ગૌરવ અનુભવવા જેવી વાત છે. (સંકલિત)