ઉત્સવ

પોર્ન લાઈફસ્ટાઈલના ભરડામાં ફસાઈ રહ્યા છીએ આપણે..!

‘પોર્ન ’ એટલે હવે અશ્ર્લીલના અર્થમાં નહીં, પણ કોઈ વાત કે વિષયની અજાણી બાજુ વિકૃતરૂપે રજૂ કરતી જીવનશૈલી, જેનું ગાંડપણ પણ હવે બેકાબૂ બની રહ્યું છે.

કેનવાસ -અભિમન્યુ મોદી

ઓગણીસમી સદીના અંત સુધી અમેરિકાની સ્કૂલોનાં બાળકોને ભણાવવામાં આવતું કે દારૂ ચાખવા માત્રથી અંધાપો આવી શકે છે. ફક્ત એક વખત દારૂ ચાખવાના કારણે માણસ પાગલ થઇ શકે અને શરીરમાં અચાનક આગ લાગવાની શક્યતા પણ વધી જાય! .

અમેરિકાના વિદ્યાર્થીઓ દારૂથી દૂર રહ્યા, પણ યુરોપિયન પ્રજા સાથે સતત સંપર્કમાં રહેવાના કારણે અમેરિકન પ્રજાની દારૂની તલપ વધી ગઈ. ‘વી વોન્ટ બિયર’નાં પ્લે કાર્ડ સાથે રેલીઓ નીકળતી.

અમેરિકન સરકારે દારૂ પરનો પ્રતિબંધ ચાલુ રાખવા માટે દારૂમાં ઝેર ભેળવવાનું શરૂ કર્યું અને ૧૯૩૦ સુધીમાં તેના કારણે દસેક હજાર વ્યક્તિઓનાં મોત થયાં. થોડા સમય પછી અમેરિકામાં દારૂ ઉપરથી પ્રતિબંધ હટી ગયો. પછી શું પરિણામો આવ્યા? ખબર નહિ, પરંતુ અમેરિકન સ્કૂલોમાં છેલ્લે ૧૯૮૧નું વર્ષ જ એવું હતું જ્યારે કોઈ વિદ્યાર્થીએ બંદૂક વડે ફાયરિંગ ન કર્યું હોય.

મા-બાપ દારૂ પીવે અને બચ્ચાઓ સ્કૂલમાં માસ શૂટિંગ કરે એ બંને વચ્ચે કનેક્શન સમજાવવા માટે ફક્ત લોઅર આઈકયુના લોકો માટે એક સંશોધનાત્મક નિબંધ લખવો પડે. ફક્ત
સાધારણ સમજ ધરાવતા માણસો પણ સમજી જશે. વાત અહી દારૂની બિલકુલ નથી. માણસનું દૂષણો પ્રત્યેનું આકર્ષણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ વધતું જાય છે. મોટો વર્ગ તેને સ્વતંત્રતા માને છે અને તેનાથી વધુ મોટો વર્ગ તેને મોડર્ન જમાનાની પારાશીશી ગણે છે. અપરાધભાવની લાગણી દૂર ન થઇ શકે તો તેને મંદ કરવા માટે મનુષ્ય પ્રયત્નશીલ રહે છે માટે પાપનો ભાગીદાર શોધે, જેથી ગિલ્ટી ફિલિંગને જાકારો આપી શકે. અત્યારે જુદા જુદા દેશના માનવ સમુદાયો કોઈ જ લીડર વિના સંગાથે આ પ્રક્રિયા કરી રહ્યા છે, જેમાં તંત્રનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર છે.

ટીવીની સામે કલાકો સુધી બેસીને સમય વેડફનાર માટે ‘કાઉચ પોટેટો’ શબ્દ યુગ્મ એક સમયે પ્રચલિત હતો. એના પછી ઇન્ટરનેટ વત્તા સોશ્યલ મીડિયા આવ્યું અને સ્ક્રીન એડિક્ટ લોકો
કરોડોની તાદાદમાં ઊભરી આવ્યા. હવે સોશ્યલ મીડિયા વત્તા હજારો એપ્લિકેશન આવી. વીડિયો એડિટિંગના ટૂલ સરળ થયા. હીરો કે હીરોઈન બનવા માટે અને વીડિયોમાં ડાન્સ માટે મુંબઈ કે લોસ એન્જલસ જવાની જરૂર ન રહી. ગામડે બેઠા બેઠા લોકો આ બધું કરી શકે છે. તેની સાથે સાથે વીડિયોમાં બીજી વિકૃતિ પણ આવી. ‘ફેન્સ-ઓન્લી’ નામની સેમી-પોર્ન એપ્લિકેશન પર યુવાન-
યુવતીઓ સ્વેચ્છાએ જાય છે. એક સમયે ગમ્મત ખાતર મનોરંજન પૂરું પડનારી એપ ઉપર અત્યારે એવા કરોડો લોકો બેસી ગયા છે , જે સાવ નકામા છે, દેશના વાર્ષિક ઘરેલું ઉત્પાદનમાં જેમનું યોગદાન
શૂન્યમાં નહિ પણ માઈનસમાં છે અને જેને પોતાની કે પોતાના ફેમિલીની પડી નથી.

નોલાનની ફિલ્મ ‘ઇન્સેપ્શન’માં એવા લોકોની આખી કોમ્યુનિટી હતી, જે ડ્રગ્સ લઈને કલ્પનાની દુનિયાનાં સપનાંમાં જ રાચતી. ક્રૂર વાસ્તવિકતા એ છે કે એ સમય પસાર થતા કલ્પનાની દુનિયા જ આવા લોકો માટે હકીકત બની જાય છે. ઉંદરોને હવે કોઠી પાછળ લપાઈને નથી રહેવું પડતું, ભદ્ર ન કહી શકાય એવા બીજા અનેક વિડિયો-લખાણો સાંજ પડે આપણી પાસે આવે છે અને આપણને કઈ વાંધો નથી કે એનું સમર્થન નથી. વીસમી સદીમાં અમુક સુવાક્યોની જેમ અમુક ઉપદેશો પણ પ્રચલિત હતા જેમ કે નાની નાની ખુશીઓથી જિંદગી મોટી બને છે એટલે ખુશીની નાનકડી ક્ષણોને મહત્ત્વ આપવું. હવે આ ઉપદેશનું વિકૃતિકરણ થઇ ગયું છે.

જેટલી વખત થિએટરમાં મૂવી જોઈએ અને ટાઈટલ પડે એટલી વખત તેનું વિડિયો રેકોર્ડિગ કરીને ‘ઈન્સ્ટાગ્રામ’માં સ્ટોરી મૂકવી એ નાની ખુશીની ઉજાણી નથી. સંભારાથી લઈને પિઝ્ઝા સુધી કંઈ પણ બહાર આરોગવાનું થાય તો તેની સ્ટોરી અપલોડ થાય તે લાઈફની ઉજાણી નથી. મ્યુઝિકલી જેવી એપમાં રાગડા તાણીને પોતાની લાઈફને વલ્ગર બનાવવાની જહેમત ઉઠાવવી એ ખુશીની ક્ષણ નથી. આ પોર્ન લાઈફસ્ટાઈલ છે , જેમાં માણસ ઉઘાડો જ નથી પડતો, પોતાની અંદર રહેલી ઠોબારી પર્સનાલિટીને એ ઉછેરતો જાય છે.

પોર્ન એટલે ફક્ત અનાવૃત્તવીડિયો કે રતિક્રીડાનું ગંદુ શૂટિંગ માત્ર નહિ. પોએમ પોર્ન – વર્ડ પોર્ન- ફૂડ પોર્ન એવા શબ્દો હવે નેટ ઉપર ફરી રહ્યા છે. કોઈ વાત કે વિષયની અંદરની કે બીજી ન જોયેલી બાજુ ઉપર બહાર પાડવી એ સંદર્ભમાં હવે ‘પોર્ન ’શબ્દ વપરાય છે.

પોતાની લાગણીઓનું સાવ બેખૌફ કાવ્ય રૂપાંતર કર્યું હોય તો એ પોએમ પોર્ન કે વર્ડ પોર્નમાં આવે- લાઈક ધેટ.. પણ આવી અભિવ્યક્તિ કરતાં કરતાં હવેના લોકોની જિંદગી જ પોર્ન બનતી જાય છે. શૃંગાર રસના ફેલાવો સારી વાત હોય શકે, હવે તો લોકો-લેખકો-કલાકારો-વીડિયો સ્ટાર બીભત્સ રસ અને અશ્ર્લીલ રસના
પ્રદર્શન તરફ દોટ મૂકી રહ્યા છે અને આશ્ર્ચર્યની વાત છે કે પ્રજા આવું સ્વીકારી લે છે અને થોડા સમય પછી પોતે ખુદ એ બેન્ડવેગનમાં જોડાય છે.

અભિવ્યક્તિના વિષયોની ખોટને કારણે કદાચ હવે જગતના ચોરાહા ઉપર એવી એવી વાતો, માનવમનની એવી એવી અંધારી ગલીઓ ને મનમાં અનાયાસે ઊઠી જતા ભાવની એવી
એવી નગ્ન અર્થછાયાઓ ગ્લેમરનો પાશ ચડાવીને પીરસાઈ રહી છે કે દૂરના ભવિષ્યમાં સીસીટીવી કેમેરા મૂકવાની જરૂર જ ઊભી નહિ થાય, કારણ કે દરેક માણસ બીજા દરેક માણસને સાંગોપાંગ
ઓળખી ગયો હશે. વિકૃતિઓ મંદ થઇ ગઈ હશે, માટે સ્વીકાર્ય બની ગઈ હશે. પ્રગતિની પરિપાટી ઉપર નવા નકશા સર્જાશે જે માનવજાતને વિચિત્ર ત્રિભેટે લાવીને ઊભા રાખી દેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button