ઉત્સવ

યુદ્ધ

ટૂંકી વાર્તા -રાઘવજી માધડ

બસમાંથી નીચે ઊતર્યા પછી ગોવિંદ ઊભો રહ્યો.

તેણે ઝડપથી ચારેય બાજુ જોઈ લીધું. અલપ ઝલપ પણ ઘણું ખરું નજરની ઉપરતળેથી પસાર થઈ ગયું. સારું લાગ્યું. ઊંડેથી શ્ર્વાસ લીધો અને ક્ષણભર આંખો બંધ કરી.

  • થયું કે સવિતા પોતાની અડોઅડ આવીને ઊભી રહી છે!

ગોવિંદની આંખો એકદમ ઉઘડી ગઈ. સડકની સામેના ખેતરમાં ઘઉં વાવેલાં હતાં. ઘઉં નીંઘલી ગયા હતા. શેઢે ઊગેલો રાયડો અને રાજગરો લાલ – પીળી પાઘડી પહેરીને વાસંતી વાયરે લહેરાતો હતો. ગોવિંદની નજર સ્થિર થઈ ગઈ. નજરમાં લીલા, પીળા અને લાલ રંગો ઘૂંટાવા લાગ્યા. થયું કે હમણાં જ સવિતા ખિલખિલાટ કરતી ઊભી થશે. ધોરિયામાંથી પાણીનો ખોબો ભરી છાલક મારશે…ને એ સાથે જ વસંતરાણીનું યૌવન હસી ઊઠશે.

પોતાના પર સાચે જ પાણીની છાલક ઊડી હોય એમ ગોવિંદથી ભીંજાઈ જવાયું. ચામડી ચચરવા લાગી.

સડકની પશ્ર્ચિમ દિશામાં હનુમાનની દેરી યથાવત્ હતી. જ્યાં પોતે સવિતાની રાહ જોઈને બેસતો હતો. સવિતા પોતાની રાહ જોઈને બેઠી હોત તો…

ખભા પરના થેલાને સરખો કરી ગોવિંદ ચાલવા લાગ્યો. કાચી સડકની બન્ને બાજુ પરદેશી બાવળની ઘટાટોપ રાંગ વળી ગઈ હતી. ગોવિંદની નજર વારંવાર બાવળની અડાઝૂડ ઝાડીમાં અટવાયાં કરતી હતી. કદાચ તેમાં સવિતા ઊભી હોય!

આમ ચાલતાં પહેલાં ગોવિંદે પગથી માથા સુધી જોઈ લીધું હતું. પગમાં હોલબૂટ, શરીર પર લશ્કરી ડ્રેસ, છાતીના ખૂણામાં નાનકડી નેઈમ પ્લેટ અને માથા પર હૅટ.

  • પોતે સૈનિક છે. માતૃભૂમિનો રક્ષક.

‘જોઈ લ્યે સવિતા, તારા ગોવિંદને!’

ગોવિંદ ઉબડખાબડ સડક વચ્ચે ઊભો રહ્યો. કૂંપળ જેવા વિચારો તેના મનમાં પોપડાં ઊંચકાવતા હતા. તેણે દક્ષિણ બાજુ જોયું. બાવળની રાંગ વચ્ચે પણ શેત્રુંજી નદીનો પુલ દેખાતો હતો.

  • સવિતા, છેલ્લે આ પુલ પાસે મન ભરીને મળી હતી. બળતણનો ભારો લેવાને બહાને આવી હતી. સાવ ઢીલી લાગતી હતી. પૂરું બોલી પણ શકતી નહોતી. ત્યારે લશ્કરમાં ભરતી થવા મન પાછું પડેલું, પણ છેલ્લી ઘડીએ મક્કમ થઈ ગયેલી.

‘તું જા. મારી ફકર રે’વા દે.’
સવિતા મન કાંઠુ કરીને બોલી હતી.
‘તું આવીહ ત્યાં લગણ તારી વાટ જોસ્ય.’
સડક પર સામેથી કોઈ ચાલ્યું આવતું હોય એવું લાગ્યું. ગોવિંદ ઝડપથી ચાલવા લાગ્યો.

માણસ અજાણ્યો હતો, છતાંય રામરામ કર્યા. ગોવિંદને ખૂબ જ સારું લાગ્યું. ગામડામાં વટ પડશે એવું સાથી સિપાઈઓ કહેતા હતા. તે વાજબી લાગ્યું. મનોમન હરખાતો ગોવિંદ લાંબા લાંબા ડગલાં ભરવા લાગ્યો.

  • મા કાગડોળે રાહ જોતી હશે.

ગોવિંદને થયું કે ટપાલ જ નહોતી લખવી. આમ એકાએક આવવું જોઈએ, જેથી માને નવાઈ લાગે. ઘડીભર માને નહિ, પણ ટપાલ દ્વારા ખરેખર તો સવિતાને જાણ કરવાની હતી ને!
ગામનું પાદર આવી ગયું. ત્રણ વરસમાં તો કેટલુંય બદલાઈ ગયું હતું. જે ધરતીની ધૂળમાં આળોટીને મોટો થયો હતો. એ ધૂળ સાવ જુદી જ લાગતી હતી.

સૌ ગોવિંદ સામે જોતા હતા, પણ ગોવિંદ કોઈને ઓળખતો ન હોય એમ ચાલતો રહ્યો. આમ કરવામાં એક પ્રકારનો સંતોષ અનુભવાયો. જાણે વેર વાળ્યું!
ગોવિંદ, સવિતાને કારણે ગામમાં ખૂબ જ વગોવાયો હતો. બદનામ થઈ ગયો હતો, પણ એને હતું કે હવે તો એ સઘળી બદનામીને ધોઈ નાખશે.

  • સવિતાને પોતે વાજતે-ગાજતે લઈ જાશે.

‘અરે ગોવિંદ…!’
‘મઝામાં…’ ગોવિંદ ઊભો રહેવાને બદલે મોં મલકાવીને ચાલતો રહ્યો. એક મિનિટ પણ મોડું કરવું નહોતું. ઘેર મા વલખતી હશે અને સવિતા તો…
ઘરના ફળિયામાં આવીને ગોવિંદ ઊભો રહ્યો. ઘર સામે જોયું. ઘર અવાવરું અને સૂનું સૂનું લાગ્યું. જાણે કોઈ ખંડિયેર વાડો!

પોતે કોઈ અજાણી જગ્યાએ તો આવી નથી ગયો ને? એવું ગોવિંદને લાગ્યું.

‘ટપાલ નહિ મળી હોય?’

અધીરાઈ અનુભવતો ગોવિંદ પારોઠ ફરીને કોઈને પૂછવા જાય ત્યાં, શેરીના વળાંક પર માથા પર પાણીનો ઘડો મૂકીને માને આવતી જોઈ.
‘મા, થોડા દિ’ પાણી ભરી લે. પછી તો તારા દીકરાની વહુ સવિતા…’ તે આગળ બોલી શકયો નહિ.

મા સાવ ઉરાઉર આવી ગઈ.

‘મા! તને ખબર હતી તોય…’
‘પાણી ભરવા તો જાવું પડે ને દીકરા…’
પાણીનો ઘડો પાણિયારે મૂકયો. પછી ઓસરીની કોરે બેસતાં ગોવિંદની મા બોલી: ‘દીકરા…’
થોડીવરે તેમની આંખો ડબડબવા લાગી.

‘મા!’ ગોવિંદથી હળવું ચિત્કારી જવાયું.

ને પછી તો માની હેત વરસાવતી આંખો જ બોલતી રહી.

સાંજે વાળુમાં બાજરાનો રોટલો અને રીંગણાનું ભડથું હોવા છતાંય ખાવાનું ભાવ્યું નહિ. ગોવિંદની આંખોના માળામાં સવિતા નામનું પંખી પાંખો ફફડાવ્યા કરતું હતું. તે મનને અકળાવ્યા કરતું હતું અને સ્થિર થવા દેવું નહોતું.

  • હતું કે મા સામેથી સમાચાર આપશે, પણ તેમનું મૌન વધુ ને વધુ અકળાવતું હતું. ગોવિંદનું મન એને મળવા તરફાડિયાં મારી રહ્યું હતું. એક એક ક્ષણ વરસ જેવી લાંબી લાગતી હતી.
    વાળુ કર્યા પછી ગોવિંદ ફળિયામાં ઢાળેલી ખાટલીમાં લાંબો થયો. અંધારું છવાઈ ગયું હતું. ખૂલ્લા આભમાં તારોડિયા ટમટમતા હતા.

‘સવિતા કેમ ન આવી? તેની ભાળ કાઢવી જોઈએ.’

ગોવિંદ ખાટલીમાંથી એકદમ બેઠો થઈ ગયો અને ઊભો થવા જાય ત્યાં તેની મા પાસે આવીને ઊભી રહી. કંઈક કહેવું છે પણ બોલી શકાયું નહિ તે ધબ દઈને ખાટલીમાં પાયા પાસે બેસી ગઈ.
ઓસરીના કોરે મૂકેલા દીવાના પ્રકાશ સિવાય સઘળું ઠરી ગયેલું લાગતું હતું.

‘ટપાલ તો સવિતા પાસે જ વંચાવી હશેને?’

‘મા.’ ગોવિંદ ધીમેકથી બોલ્યો: ‘ટપાલ તો મળી ગઈ’તીને?’

‘હા’ ઊંડા બોગદામાંથી અવાજ નીકળતો હોય એવા અવાજે બોલી: ‘મામાને મેં વાત કરી છે. એક-બે દિ’માં આવશે.’
‘મામાને!’

‘હા’ તે બોલી: ‘તારી હગાય માટે.’

પછી સ્વગત બોલી: ‘ઘરમાં વવ આવી જાય એટલે નિરાંત્ય. ને હવે તો એકલી એકલીને બોય દકળું લાગે છે.’
‘સગાઈ નહિ મા, સાથોસાથ ઘડિયા લગ્ન પણ લઈ લે!’

ગોવિંદ બોલ્યો નહિ અને મા-દીકરાની અબોલતા ઘટ્ટ થવા લાગી.

મહા માસની ઠંડી ચાલી જવામાં હતી અને વસંતના વધામણો કરતો ફાગણિયો પવન મજરો મજરો વાંઈ રહ્યો હતો.

ત્યાં, ગામમાંથી ગળાઈ ગળાઈને આવતાં લગનગીત સંભળાયાં…
‘વનરાતે વનમાં ઝાડવાં ઝાઝાં.

મીંઢળ પરણેને ઝાડવાં બાળ કુંવરાં…’
ગોવિંદથી રહેવાયું નહિ એટલે બોલ્યા: ‘કોઈનાં લગ્ન છે મા?’

‘લગનગાળો છે તે ગામમાં લગ્ન હોય ને!’ પણ પછી વાતને ફેરવી મૂળઠેકાણે લાવવી હોય એમ બોલ્યાં: ‘કેટલા દિ’ની રજા છે?’
‘પૂરા દોઢ મહિનાની!’

મા કશું જ બોલ્યા વગર મોનમન ગણતરી કરવા લાગી. ગોવિંદના મનમાં લગ્નનાં ગીત ઘૂંટાતાં હતાં. તેને થયું કે, સાવ પછવાડેથી સંભળાઈ રહ્યા છે તે ખરાઈ કરતો આવું. તે ઊભો થયો.
‘ના એવું તો નો બને?’

‘બાર્ય જાવું છે?’
ગોવિંદે કશું બોલ્યા વગર તેની મા સામે જોયું.

‘ઈ બાજુ જા તો ચાંદલો લખાવતો આવજ્યે!’

  • ઈ બાજુ એટલે? ગોવિંદ વિચારમાં પડી ગયો.

‘નાતરિયું ઘર છે તે વે’વારમાં તો રે’વું જ પડે ને!?’
‘કોની વાત કર્ય છો મા તું?’
વળી પાછી મૌન બની ગઈ.

‘મા…! બોલ્યને, બોલતી કેમ અટકી ગઈ??’

‘હું શું બોલું મારા પેટ!’ ગોવિંદની મા આગળ બોલી શકી નહિ. તેના ગળે ડૂમો બાઝી ગયો અને તે ઢગલો થઈને નીચે બેસી ગઈ.

‘મા…!’ વાતને સમજતાં વાર ન લાગી એટલે ગોવિંદથી લગભગ ચીસની માફક બોલાઈ ગયું. તે ધબ દઈને ખાટલામાં બેસી પડ્યો. તેની આછી ચીસ ફળિયાના અણુએ અણુમાં અંગારાની માફક સળગવા લાગી. ગોવિંદે ખાટલીમાં લંબાવ્યું. ગોદડીની ઠાંસોઠાસ સોડ તાણી કાનને બળપૂર્વક દબાવ્યા. થયું કે કાનમાં ગીત નહિ પણ દુશ્મનની ગોળીઓની ધાણી ફૂટે છે.

  • સવિતાના એક જ શબ્દે, લશ્કરમાં જોડાયો અને આશાના તાંતણે, મોતની સામે પણ ઝઝૂમતો રહ્યો.

પણ… પણ… આ શું બની ગયું? બાવળનો લીલો સોટો બેવડ વળતો જાય એમ ગોવિંદ ખાટલીમાં બેવડ વળવા લાગ્યો.
પોતે મશીનગન ઉપાડે અને સવિતાની છાતીમાં એક સામટી અસંખ્ય ગોળીઓ ધરબી દે. ને પછી એવું તે અટ્ટહાસ્ય કરે કે ગામનાં ઝાડવે – ઝાડવાં થથરી જાય. અને ભવિષ્યમાં ક્યારેય કોઈ આવું પગલું ભરે નહિ.

‘દીકરા!’
માના અવાજે ગોવિંદ થથર્યો.

‘ધાર્યું ધણીનું થાય.’
તે ગોવિંદના માથા પર હાથ ફેરવવા લાગી.

‘પણ મા…’ તે રડવા જેવું બોલ્યો.

‘દીકરા! મારાથી અજાણ્યું થોડું છે!? હું હંધૂય જાણું છું. પણ…!’
‘પણ…’ કહેતો ગોવિંદ ફરી એકદમ બેઠો થઈ ગયો.

‘ઈં હંધાય ભાગ્યાના ખેલ છે. બાકી એવું થોડું થાય!’
ગોવિંદ કાંઈ બોલ્યો નહિ અને અનેક જાતના તર્કવિતર્ક કરવા લાગ્યો.

‘અને દીકરા, મોર હોય તો પીછડાં તો બીજાં આવે!’ થોડીવાર અબોલા રહ્યા પછી તેના મા બોલી: ‘જાજા વિચાર કરવા રે’વાદે. જે બન્યું તે બન્યું…’
‘લાંબા ગાળેથી આવ્યો છો તે થાકી ગ્યો હશ્ય. નિરાંતે હુઈ જા. બાકીનું હવારે…’

ગોવિંદ પથારીમાં પડખાં ઘસતો રહ્યો. પછી ક્યારે ઊંઘ આવી તેનો ખ્યાલ રહ્યો નહિ. સવારનું સઘળું પરવારી ને ગોવિંદ પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યો. એટલે તેની મા બોલી: ‘દીકરા!’
ગોવિંદે તેની મા સામે જોયું ન જોયું કર્યું.

‘તું તો લાંબી રજાનું કે’તોતોને!’
‘મા! એ તો તને સારું લગાડવા…’ ગોવિંદ મોં પર હાસ્યનું લીંપણ કરીને બોલ્યો: ‘બાકી તો રજા ક્યાં છે!’

‘પણ…’
‘મા, યુદ્ધ હાલે છે એટલે.’

મા ઓસરી વચ્ચ થાંભલી થઈ ગઈ.

થેલો સરખો કરતા ગોવિંદના હાથમાં ચૂડલો આવી ગયો.

  • કેટલી આશા સાથે ખરીદ્યો હતો. ગોવિંદથી ફરી નિ:શ્ર્વાસ નંખાઈ ગયો.

‘મા!’ આગળ શું બોલવું એ સૂઝયું નહિ એટલે અટકી ગયો.

બીજી બાજુ માની ડબડબતી આંખોની વેદના જીરવી શકયો નહિ એટલે આંખો ઢાળીને બોલ્યો: ‘મા, દિલ્લીનાં ચાંદની ચોકમાં આવી વસ્તુ ખૂબ મળે એટલે થયું કે લેતો જાઉં…’
મા તરફ હાથ લંબાવ્યો.

‘લે… થાય એને દઈ દેજ્યે!’
મા અબોલ રહી અને તેનો સણેથા જેવો હાથ લંબાયો.

ગોવિંદ માને પગે લાગ્યો. પછી ખભે થેલો વળગાડીને ઘડીભર ફળિયામાં ઊભો રહ્યો.

  • શરણાઈના સૂર ઢબકુતા ઢોલ સાથે સંભળાતા હતા. ગોવિંદે તેની મા સામે જોયું ન જોયું કરીને એકદમ પગ ઉપાડ્યા…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો