મૃત્યુને સમજવું છે? અરુણ શૌરીને વાંચો!
મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી થતી યાત્રાઓ અને ધાર્મિક વિધિ કઈ રીતે મૃત્યુને સમજવામાં મદદ કરે છે ? આપણાં ધાર્મિક પુસ્તકોથી માંડીને યોગ પુરુષો પાસેથી શું જાણવું જોઈએ ? સંથારા જેવી મૃત્યુ સ્વીકારી લેવાની જૈનોની પરંપરા કેવી છે ?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
કોરોના વાયરસના આક્રમણ પછી આપણામાંથી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે આ વાઈરસને કારણે, કોઈએ સ્વજન કે મિત્ર ગુમાવ્યા નહીં હોય. કોરોનાકાળ પહેલા પણ આપણે યેનકેન કારણોસર મૃત્યુને નજીકથી જોયું જ છે. ફિલસૂફોથી માંડીને આધ્યાત્મિક ગુરુઓ સુધીનાઓએ મૃત્યુ વિશે અઢળક લખ્યું છે, પરંતુ અરૂણ શૌરી જેવા પત્રકાર-લેખક મૃત્યુની તૈયારી વિશે લખે ત્યારે એમાં અલગ જ પ્રકારનો એમનો દ્રષ્ટિકોણ ફ્લેવર હોય. અરૂણ શૌરીએ લખેલું છેલ્લુ પુસ્તક: ‘પ્રિપેરિંગ ફોર ડેથ’ પ્રકાશિત થઈ ચૂક્યું છે. લગભગ ૬૦૦ પાનાં અને ૬૦૦ રૂપિયાની કિંમતના આ પુસ્તકમાં ઢગલાબંધ ક્વોટેશન્સ-અવતરણ્-ઉદાહરણો અને જાત અનુભવનો ઉપયોગ શૌરીએ બખૂબી કર્યો છે. રામકૃષ્ણ પરમહંસથી માંડીને ગૌતમ બુદ્ધ જેવા મહાનુભાવો મૃત્યુ માટે કઈ રીતે તૈયાર હતા એની વાતો પણ શૌરીએ કરી છે.
મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી થતી યાત્રાઓ અને ધાર્મિક વિધિ કઈ રીતે મૃત્યુને સમજવામાં મદદ કરે છે ? આપણાં ધાર્મિક પુસ્તકોથી માંડીને યોગ પુરુષો પાસેથી શું જાણવું જોઈએ ? સંથારા જેવી મૃત્યુ સ્વીકારી લેવાની જૈનોની પરંપરા કેવી છે ? જેવા અનેક સવાલોના જવાબો આ પુસ્તકમાંથી મળે છે. આજે આપણે અહીં અરૂણ શૌરી જેવી પ્રખર હસ્તિને જાણી-સમજી લઈએ..
હાલનું જનરેશન તો કદાચ અરૂણ શૌરીને નરેન્દ્ર મોદીના વિરોધી અને યશવંત સિંહા તેમજ વકીલ પ્રશાંત ભૂષણના સાથીદાર તરીકે જ ઓળખતા હશે. ૨૦૧૪માં એનડીએ કેન્દ્રમાં સત્તા પર આવ્યું ત્યાર પછી અરૂણ શૌરી નરેન્દ્ર મોદીના ટીકાકાર થઈ ગયા એ હકીકત છે. કેટલાક એમ માને છે કે એ સરકારમાં અરૂણ શૌરીને નાણાપ્રધાન નહીં બનાવ્યા એટલે નારાજ થઈને એમણે ભાજપ છોડી દીધું. જો કે, અરૂણ શૌરીને નજીકથી ઓળખનારાઓ આ વાત નહીં માને. અરૂણ શૌરી વાજપેયી સરકાર વખતે ડિસ-ઇન્વેસ્ટમેન્ટ મંત્રી રહી ચૂક્યા છે. એક જમાનામાં એ દેશના સૌથી નામાંકિત પત્રકાર પણ હતા. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી ત્યારે અરૂણ શૌરી દૈનિક ‘ઇન્ડિયન એક્સપ્રેસ’-ના તંત્રી હતા અને કટોકટી સામે લડનાર પત્રકારોમાં અગ્રેસર હતા.
૧૯૪૧ની બીજી નવેમ્બરે જન્મેલા અરૂણ શૌરીએ કારર્કીદીની શરૂઆત અર્થશાસ્ત્રી તરીકે કરી હતી. શરૂઆતમાં એમણે વર્લ્ડ બેન્કમાં કામ કર્યું હતું. ત્યાર પછી ભારત આવીને ‘પ્લાનિંગ કમિશનર ઓફ ઇન્ડિયા’ ના સલાહકાર તરીકે કાર્યરત રહ્યા હતા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ના માલિક રામનાથ ગોયંકાએ છાપાની સંપૂર્ણ જવાબદારી અરૂણ શૌરીને સોંપી દીધી હતી. શૌરીને એ પોતાનો દીકરો જ માનતા હતા. ૭૦ના દાયકાના અંત અને ૮૦ના દાયકાની શરૂઆતમાં પત્રકાર તરીકે અરૂણ શૌરીએ ભલભલાને ભૂ પીતા કરી દીધા હતા. પક્ષ માટે ભંડોળ ઊઘરાવવા માટે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એ વખતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અબ્દુલ રહેમાન અંતુલેએ મહારાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગપતિઓ પર દબાણ લાવીને આ ટ્રસ્ટ માટે નાણાં ઉઘરાવ્યાં હતાં. અરૂણ શૌરીએ પુરાવા સહિત આ કૌભાંડના અહેવાલો પ્રકાશિત કર્યા પછી દેશભરમાં એટલો મોટો ઊહાપોહ મચ્યો કે અંતુલેએ રાજીનામું આપવું પડ્યું હતું.
રાજીવ ગાંધી સત્તા પર આવ્યા ત્યારે શૌરીના સરકાર વિરોધી સ્ટેન્ડને કારણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ની ઓફિસ પર દરોડાઓ પાડીને અરૂણ શૌરીને હેરાન કરવામાં આવ્યા હતા. જો કે, શૌરી ડર્યા કે ડગ્યા નહોતા. ત્યાર પછી રામનાથ ગોયંકા સાથે કોઈ બાબતે મનદુ:ખ થતાં અરૂણ શૌરીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ છોડી દીધું હતું. તંત્રી પદ છોડ્યા પછી પણ એ વિવિધ અખબારોમાં નિયમીત કટાર લખતા રહ્યા હતા. એ વખતે અરૂણ શૌરીની વિચારસરણી જમણેરી અને હિન્દુવાદી હતી. એમનાં લખાણોમાંથી વિદ્વતા ટપકતી હતી. કોઈપણ વિષય પર એ લખે તે પહેલાં ખૂબ ઊંડો અભ્યાસ કરતા. અત્યાર સુધીમાં શૌરીએ ૩૦ થી વધુ પુસ્તક લખ્યા છે. એમનું કોઈ પણ પુસ્તક લો,એ ઉપરછલ્લું નહીં લાગે. ઇસ્લામમાં બહાર પાડવામાં આવતા જાતભાતના ફતવાઓ ઉપર એમણે ‘ધ વર્લ્ડ ઓફ ફતવાઝ’ નામનું પુસ્તક લખ્યું હતું. કોર્ટની અવમાનનાનો ડર રાખ્યા વગર એમણે ‘કોર્ટ્સ એન્ડ ધેર જજમેન્ટ્સ’ નામનું અદ્ભુત પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની પણ ગંભીર ટીકાઓ કરવામાં આવી છે આમ છતાં એમણે દરેક ચુકાદાઓને એટલા સરસ રીતે મુલવ્યા છે કે કોર્ટ પણ એમને કઈ કરી શકી નહોતી. એમના બીજા જાણીતાં પુસ્તકોમાં ‘વર્સિપીંગ ફોલ્સ ગોડ’ ‘એમીનન્ટ હિસ્ટોરિયન્સ’ – ‘સેક્યુલર એજન્ડા’ અને ‘ડઝ હી નો અ મધર્સ હાર્ટ ?’ ખૂબ જ વખણાયા છે.
બીજી તરફ, અરૂણ શૌરીનું અંગત જીવન ખાસ્સું તકલીફવાળું રહ્યું છે. એમનો એક માત્ર પુત્ર બાળપણથી જ ‘સેરિબ્રલ પાલ્સી’ નામની બીમારીથી પીડાઈ છે. આજે એ પુત્રની ઉંમર ૪૪ વર્ષ થઈ છે. રાબેતા મુજબની દરેક -ક્રિયા – પ્રક્રિયા માટે એણે બીજા પર આધાર રાખવો પડે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી શૌરીનાં પત્ની અનિતા પાર્કિન્સનથી પિડાઈને પથારીવશ છે.
દીકરાની તકલીફોને કેન્દ્રમાં રાખીને એમણે ‘ડઝ હી નો અ મધર્સ હાર્ટ?’ નામનું પુસ્તક લખ્યું હતું. તમામ ધર્મનો અભ્યાસ કરીને પોતાની તકલીફોનો જવાબ મેળવવાનો એમણે જે પ્રયત્ન કર્યો હતો એનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. શૌરીના માનવા પ્રમાણે બૌદ્ધ ધર્મની ફિલોસોફી સૌથી શ્રેષ્ઠ ઉત્તર આપી શકે છે. થોડા સમય પહેલાં આજ અરૂણ શૌરી પર સીબીઆઇ કોર્ટે કહેવાતા ભ્રષ્ટાચારના મામલે વોરંટ કાઢ્યું હતું. જો કે , અરૂણ શૌરી વિશેના આવા વાહિયાત આક્ષેપો એમના કટ્ટર દુશ્મનો પણ નહીં માને!