બોયફ્રેન્ડ થવું છે? આ ટર્મ્સ- કન્ડિશન્સ ફોલો કરો !
વ્યંગ -ભરત વૈષ્ણવ
તમે કદાચ લેખનું શીર્ષક વાંચીને ચમકી ગયા હશો. કવિ રઇશ મણિયાર ફરમાવે છે કે ‘દરિયાનું મોજું રેતીને પૂછે… તને ભીંજાવું ગમે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ.’
પૂછીને પ્રેમ થાય કે ન થાય,પણ છોકરી પ્રેમી કે બોયફ્રેન્ડ બનાવવા માટે કેટલાંક ધારાધોરણ અપનાવે છે. જેમકે…. છોકરો ટોલ, હેન્ડસમ, પાણીની જેમ રૂપિયા અને લાગણી વહેવડાવે (કે વેડફે ?!) કેરિંગ હોય, લવિંગ હોય વગેરે વગેરે! છોકરી કોઇ બોચિયા કે બબૂચકને ધાસ નાખતી નથી. હવે બોય ફ્રેન્ડ બનવા માટે છોકરી તરફથી ટર્મ્સ એન્ડ કંડીશન્સ મુકવામાં આવે છે. સબૂર કરો. હું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કહું છું….નન પ્રેમ અને જમાના વચ્ચે લવ અને હેટ રિલેશન રહેલ છે. પ્રેમનું સમર્થન કરનારા કરતાં વિરોધીની સંખ્યા મોટી તાદાદમાં છે. વિરોધ કરનારને પણ પ્રેમરસનો પ્યાલો કો પયમાનો ઢીંચવો હોય છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે સોળ વરસની સુંદરી તો શું સત્યાંશી વર્ષની યૌવના પણ પ્રેમ વિરોધીને સૂકું કે લીલું ઘાસ નિરતી નથી. જો કે એનો અર્થ એ નથી કે મનની વાતની જેમ મનકા પ્રેમ ન કરી શકાય, નહિંતર મનમાં પરણે અને મનમાં રાંડે એવી કહેવત અસ્તિત્વમાં આવી જ ન હોત. પ્રેમ કરવા માટે ટનબંધ પાપડ વણવા પડે છે. પ્રેમીના મિલન માટે સલામત જગ્યા શોધવા કોલંબસની જેમ સાહસ કરવું પડે છે.તાંબાની તાવડી તેર વાના માંગે એમ પ્રેમિકાની માંગણીનું લિસ્ટ પ્રલંબ હોય છે. કેન્ડલ લાઇટ ડિનર, ડ્રેસ, ગિફટ ,પીવીઆરમાં સિનેમા જોવા જવું , મોબાઇલ રિચાર્જ કરાવવો , મોબાઇલમા બેલેન્સ કરાવવું, ટેડીબેર, કાર્ડ, ચોકલેટ, કેક વગેરે.હરિ અનંત હરિ કથા અનંતની જેમ પ્રેમિકાની ડિમાંડ અનંતા હોય છે. પેટ કરાવે વેઠ’ એવી કહેવત છે, પરંતુ પ્રેમિકા વેઠ કરાવે એવું કોઇ લેખક કે શાયરે કહ્યું નથી. પ્રેમમાં પડેલ વ્યક્તિ પણ પ્રેમિકાના ગાલના કાળા તલ પર સમરકંદ-બુખારા ન્યૌચ્છાવર કરવાની વાત કરે છે, પરંતુ આ શહેરની માલિકીના કાગળ પ્રેમીના નામ પર છે કે કેમ તેની કોઇ પૃચ્છા કરતું નથી.જો કે પ્રેમિકા માટે આવી ન્યૌચ્છાવર કરવાની વાત કરનારો જુવાન રહેવા માટે સરકારની મકાન સ્કિમનું ફોર્મ ભરે છે એ વાત અલગ છે! કેટલાક ચાંદ- તારાને બોરડી સમજે છે. આપણે બોરડી પરથી બોર તોડીએ તેમ ચાંદ-તારા તોડવાની વાત કરે છે. એક ગીતમાં તેરે વાસ્તે ફલક સે ચાંદ લાયા હૂં સોલાસતરા સિતારે તોડ લાયા હૂં એવાં હળાહળ નરદમ જૂઠાણાં ચલાવે છે એ વાત અલગ છે. અલબત, લગ્ન કર્યા પછી પ્રેમી કમ પતિ લીલા વટાણા ફોલવા કે મેથીની ભાજી ચૂંટવામાં અખાડા જરૂર કરે છે..છોકરી પટાવવા પૈસા પાણી એ પણ મિનરલ કે બોટલ્ડ વોટરની જેમ વહાવવા પડે છે. બોપટી, લિપસ્ટિક, પરફયુમ, ડ્રેસીસ ઓફ કોર્સ લિંગરી પણ પ્રેમિકાને અપાવવા પડે છે. પ્રેમના મામલે મોઢું હસતું અને પાકીટ ખુલ્લું રાખવું પડે છે ત્યારે રહીમન પ્રેમ કા ધાગા સુંદરી નામની સોયમાં પરોવાઇ શકે છે. પ્રેમનો માર્ગ છે ખર્ચાનો , નહીં કંજૂસનું કામ જો ને… એમ અમસ્તુ કોઇ કવિ કહી ગયા છે ?! પ્રેમમાં પ્રેમિકાના ડમી બનીને પરીક્ષા આપવી પડે તેમ કોઇ પ્રેમીને કહીએ તો બાત હજમ હો પાયેંગી? એટલું જ નહીં પણ પ્રેમીએ લેડીઝવેર પહેરીને અદલોઅદલ મહિલા બનીને પરીક્ષા આપવી પડે તો પ્રેમીની વાટ લાગી જાય કે નહીં? અમારો રાજુ રદી કહે છે કે ગિરધરલાલ , તમારામાં દમ નથી. જગતમાં કેટલાક સ્ત્રૈણ વિરલાઓ છે કે પ્રેમમાં પડી પ્રેમિકા ખાતર પુરુષાતનનો લોપ કે ત્યાગ કરે છે એટલે ઇમ્તિહાનમાં ફૂલ્લી પાસ થવા પ્રેમિકા વતી મહિલાના વસ્ત્રો ધારણ કરી પરીક્ષા આપવાનું ડબલ મર્દાનગીવાળું કામ કરે છે. આવો ‘પ્યાર કિયા તો ડરના કયાં’ જેવો એક સ્પિરિટ દેખાડનારાના પ્રેમીનું આ કારનામું જાણી લઇએ… બાબા ફરીદ ‘યુનિવર્સિટી ઓફ હેલ્થ’ માં પ્રેમિકા માટે યુવતી બનીને યુવક એક યુવક પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં પહોંચી ગયો. પરીક્ષા આપવા ગયો એટલું જ નહીં, ગેરીરીતિ આચરવા આ યુવક મેકઅપ કરી યુવતી પણ બની ગયો. માથે બિંદી, હોઠે લિપસ્ટિક, લાંબા વાળ અને છોકરીના ડ્રેસમાં સજજ યુવકને તપાસ અધિકારીઓએ જ્યારે પકડ્યો ત્યારે તેઓ પણ ઘડીક આશ્ર્ચર્યમાં મૂકાઈ ગયા. પેલા/પેલી પાસેથી નકલી ઓળખપત્ર અને વોટર આઈડી મળી આવ્યા. પરીક્ષા આપવા એણે પ્રેમિકા પરમજીત કૌરના નામનું ખોટું ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું. પ્રેમિકા માટે અભૂતપૂર્વ જીગર બતાવનાર નકલી મહિલા કમ અસલી મર્દની ફિંગર મેચ ન થઇને અંગ્રેજસિંહ ઉર્ફે પરમજીતકોર પરીક્ષાની વેદી પર શહીદ થઇ ગઇ/ ગયો અને સમાજે આ મહાન બલિદાનની નોંધ સુદ્ધાં ન લીધી !