ઉત્સવ

આજે આટલું જ : આર્ષદ્રષ્ટા! હે કવિ! છે કર્મ તારું…

ગયા રવિવારના આટલા બધા ઉત્સાહજનક પ્રતિસાદ બદલ ધન્યવાદ .
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે
– મરીઝ

આજે કવિતાના ચરણ ધોવા છે, તમારી સાથે. બહુ મોટું અસ્તિત્વ છે કવિનું. કવિનાં ગરિમા અને મોભાને અસ્તિત્વ સાથે એકમેવ કરનાર કવિ એટલે પૃથ્વીનું સૌથી દરજ્જાદાર જીવન. કવિ તો છે / હોવો જોઈએ આર્ષદ્રષ્ટા… એટલે કે ત્રિકાળ જ્ઞાની… ત્રણ કાળના વિશ્ર્લેષણાત્મક અભિગમને કવિ તર્ક અને કરુણાની વસ્ત્રસજ્જા સાથે પૃથ્વીના પટ પર ઉતારે અને જાગૃતતા જ્યાં જ્યાં એને આંખમાં ઝીલે, એ એ ધરતી પાવનીમાં પરિર્તિત થાય થાય ને થાય જ.

બોલકો બનીને વાત કરું તો ભાવ અને ભાષાનું પંખી અને કંઠના સાયુજ્યથી જે કલરવપણું રચાય છે, સ્વાતિ નક્ષત્ર અને ચાતકની પ્યાસનું જ્યાં ઊસંવનન રચાય છે; કાલિદાસ ત્યારે બનાય છે, નરસિંહ ત્યારે બનાય છે, ગાલિબ ત્યારે બનાય છે, રવીન્દ્રનાથ ત્યારે બનાય છે.

અને શું છે આ કવિતા…
કવિતા છે સ્વગતોક્તિ કહેણીની…
આવે ભલે લખાઈને અક્ષર-શબ્દ પંક્તિ સ્વરૂપે… જાત સાથેનો સંવાદ છે કવિતા…

કલમ તો રોજની, કરોડોની સંખ્યામાં ઉત્પાદિત થઈ રહી છે વિશ્ર્વભરમાં… માહાત્મ્ય છે કવિના અવાજનો… અને એ અવાજ સાથે એકાકાર થવા ઉત્સુક, માનસપટ પર હિલોળા લેતું એક વિરાટ પુદ્ગલ…
ના, ના… હજી કશું જ નથી… માત્ર ઝાકળ પુષ્પ પર મૂકી ઓગળી જતા પરોઢી ધુમ્મસથી વિશેષ કશું જ નથી બીજું…

અને અચાનક એક ગતિ વગરના સળવળાટની માનસગર્ભમાં અનુભવાતી સૂક્ષ્મતમ ચેતના…

આહા… આ તો…

કાવ્યના અવતરણની ક્ષણ એટલે તો કેવી ક્ષણ! કાનમાં ધીમી ઘૂઘરીઓ ધમકવા માંડે… વાયુમંડળનાં વૃત્તો શિર પર ચકરાવા લેવા માંડે… આંખ ઊર્ઘ્વગામી બને ને પછી ચોમેર દિગંતો સુધી ચકળવકળ ભમવા માંડે…
અને હું… કલમ મૂકું કાગળ પર અને ઢંઢોળું મારો અવાજ…

ભાન તો ગાયબ… સાવ અભાનપણે કાગળ પર સ્વયંભૂ રમતી કલમ હું નર્યા સાક્ષીભાવ સાથે નીરખતો હોઉં…

અને અચાનક ભાન આવે પાછું… કલમ અટકે અને કાનમાં કોઈ ટહુકતું હોય… લે! તારો અવાજ મેં કાગળ પર મઢી આપ્યો…

હું મારામાંથી નીકળી આવું બહાર…

અસ્તિત્વ જાણીતું થતું જાય કાગળ-કલમના આ સંવનનથી અને કવિતા પથરાવા માંડે સૌંદર્યના પટ પર…

આત્મઅનુભૂતિની, સ્વસંવાદના અક્ષરવસ્ત્રથી સજાવટ એટલે કવિતા…

હું જેટલો નીકળું બહાર આ સંવાદથી, એટલો હું ભૂંસાતો-છેંકાતો-સ્વ નકારાતો…

કવિતા પહેલાંનો ઉપાડ શ્રોતા સમક્ષ મૂકતા હું કહું: એક તાઝા ગઝલ કહી હૈ… ના જી: ‘એક તાઝા ગઝલ લીખી હૈ’ નહીં…

અને…

સ્વ સમક્ષ સ્વ રજૂઆતની પ્રસન્નતા એ તો પરમ ઐશ્ર્વર્ય…

અણુમાત્રથી સર્વસ્વ ફક્ત હું જ… અસ્તિત્વ નિર્વાસના મારે… હું નિર્વેર, નિર્દ્વન્દ્વ… કોની સાથે રાખું દ્વૈતભાવ! હું જ પાતાળ અને હું જ આકાશગંગા… હું નવજાત આંખનો પહેલો ઉઘાડ… ઝાડ-પથ્થર-મકાન-રંગ-સ્ત્રી-પુરુષના ભેદ વગરનો… ભાષાના ઉપદ્રવની ન કોઈ જાણ, ન કોઈ જરૂર…

વૃક્ષની વ્યસ્ત વાતાયનીય વાતચીતનો શ્રોતા, ચાંદતારાની ચમક, સૂર્યની ઊર્જા, પહાડોની ખીણ અને ટોચ, જળની ભીનાશ, ઋતુનો પડાવ, ટહુકાદાર ઉડાનની પારમિતા… કોને શેનાથી જુદા કરું! હું જ છું આ સર્વ અને બધું જ વૈષમ્ય…

મને મારાથી હું મુક્ત કરું અને હું મને ઊજવું…

જરૂરી તો નથી રહું પ્રાર્થનામય અને તારું જ કાયમ નામ આવે
જરૂરી છે તો કેવળ એટલું કે જીવન મારું બીજાને કામ આવે
નથી મેં ખેપ મસ્જિદની લગાવી, નથી મેં આશકા માથે ચઢાવી;
જીવું હું રોકડી લઇ માણસાઈ ને ઘરમાં રોજ ચારે ધામ આવે.
રટીને રામ જીવન ના તરી જઉં, જીવું એવું કે જગ મારું કરી જઉં;
નજરથી સૌની હું જ્યારે સરી જઉં, મને તેડી જવા ખુદ રામ આવે
બસ આજે એટલું જ.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker