ઉત્સવ

વિનુભાઈએ નવી રંગભૂમિનું નાટક કર્યું

સ્પોટ લાઈટ -મહેશ્વરી

નાટ્ય સફર દરમિયાન અનેક નાટકોમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરવાનો લ્હાવો મને મળ્યો છે. ક્યારેક હુરિયો બોલ્યો છે તો ક્યારેક હારતોરા પણ થયા છે. દરેક કલાકારને અભિનય યાત્રામાં આવા અનુભવ થાય અને એ સ્વાભાવિક કહેવાય. સાથે એવાં પણ કેટલાંક નાટકો- કેટલીક ભૂમિકાઓ એવી હોય જેને વ્યાવસાયિક સફળતા મળે કે ન મળે, એની સાથે સંકળાયા હોવા બદલ ગર્વનો અનુભવ થાય. કાંતિ મડિયાના નાટકો અને એ નાટકોના રોલ આ શ્રેણીમાં બિરાજે.

મહેન્દ્ર જોશી દિગ્દર્શિત ‘મોજીલા મણિલાલ’ અને મરાઠી નાટકનું ગુજરાતી રૂપાંતર ‘બેરિસ્ટર’ પણ એવાં જ નાટક હતા. આ બંને નાટક ટિકિટબારી પર કમાલ નહોતા કરી શક્યા, પણ મારા જેવા કલાકારો તેમજ જેમણે પણ એ નાટકો જોયા હશે એ દર્શકોના ચિત્તનું વલોવવામાં જરૂર સફળ થયા છે. વલોવવાથી-મંથન કરવાથી જ મોતી મળે એ આપણે બધા જાણીએ છીએ. એમાંય જ્ઞાનના સાગરને વલોવવાથી જે મોતી હાથ લાગે એ તો અમૂલ્ય હોય છે.

‘મોજીલા મણિલાલ’ નાટક કેટલાક શો પછી બંધ પડી ગયું અને વિજયા મહેતાના ‘બેરિસ્ટર’ નાટકનું ગુજરાતી સંસ્કરણ પણ હાંફી ગયું. નવા નાટકની ઓફર જલદી આવે તો સારું એવું વિચારતી હતી. ત્યાં જ વિનુભાઈ (વિનયકાંત દ્વિવેદી)નું નવા નાટક માટે કહેણ આવતા હૈયું હરખાઈ ગયું.

મારું મલકાતું મોઢું જોઈ દીકરા શાંગ્રિલએ ‘મમ્મી લોટરી લાગી?’ એવો સવાલ કર્યો હતો. આમ પણ કલાકાર માટે દરેક નવું નાટક એક લોટરી જ હોય છે. અલબત્ત કોઈ ટિકિટ ફેંકી દેવી પડે તો કોઈ ટિકિટમાં મામૂલી ઈનામ લાગે તો કોઈમાં બેડો પાર થઈ જાય એવુંય બને. જોકે, ઉપર જણાવેલા બંને નાટક કરવાથી એક કલાકાર તરીકે મને એક પગથિયું ઉપર ચડવા મળ્યું એ હકીકત છે.

વિનુભાઈ સાથે અગાઉ ‘માલવપતિ મુંજ’ કર્યું હતું. પ્રભુલાલ દયારામ દ્વિવેદીએ ઐતિહાસિક ત્રિઅંકી નાટક ‘માલવપતિ મુંજ’ 1924માં લખ્યું અને એ જ સાલમાં શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ દ્વારા એની ભજવણી થઈ હતી.

આ નાટકના સંવાદો ખાસ્સા લોકપ્રિય થયા હતા. પ્રભુલાલ દ્વિવેદીએ આ નાટક લખતી વખતે કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ અને અન્ય કૃતિઓનો આધાર લીધો હતો. નાટક પહેલી વાર ભજવાયું ત્યારે માસ્ટર અશરફખાનનો મુંજના પાત્રમાં અભિનય અને એમની ગાયકીનું નાટકની સફળતામાં મહત્ત્વનું યોગદાન હતું.

નાટકના ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે’ અને ‘એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ જેવાં ગીતો લોકજીભે રમતા થયાં હતાં. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં આ નાટકને સિદ્ધિ અને સન્માન મળ્યા તેમ જ આ નાટકે કંપની, લેખક અને નટને ખૂબ યશ અપાવ્યો. પ્રેક્ષકોના અપાર પ્રેમને પગલે નાટકના 500થી વધુ શો થયા હતા. આવા સમૃદ્ધ નાટક સાથે જોડાવાની અને એમાં સહભાગી થવાની તક મળી એનો મને હરખ થયો.

‘માલવપતિ મુંજ’ના રિહર્સલ શરૂ થઈ ગયા. એ સમયે રંગભૂમિ તીવ્ર વિરોધાભાસમાંથી પસાર થઈ રહી હતી એમ કહી શકાય. આવી દલીલ કરવા પાછળનું કારણ એ છે કે એક તરફ ‘મોજીલાલ મણિલાલ’ જેવા આધુનિક શૈલીના નાટકની ભજવણી થઈ રહી હતી તો બીજી તરફ 60 વર્ષ પહેલા મંચન થયેલા તેમજ ઐતિહાસિક પાર્શ્વભૂમિ ધરાવતા ‘માલવપતિ મુંજ’ જેવા નાટકની ભજવણી સુધ્ધાં થઈ રહી હતી.

નાટક ઓપન થયું અને પહેલા શોમાં પ્રેક્ષકોનો પ્રતિસાદ જોતા નાટક ચાલશે એનો અણસાર આવી ગયો અને અમારી ધારણા સાચી પડી. નાટક જૂનું હતું, પણ મુંજની વીરતા અને વાક્પટુતા પર પ્રેક્ષકો ઓવારી ગયા હતા. વચ્ચે વચ્ચે ‘સંભારણા’ના શો પણ થયા કરતા હતા. મારું ગાડું ગબડ્યા કરતું હતું. જોકે, એક વાત મને સમજાઈ ગઈ હતી કે જૂની રંગભૂમિના નાટકો હવે વધુ સમય રસિકોને જકડી નહીં રાખે. નાટકમાં કોઈ નવા તત્ત્વની જરૂરિયાત અંદરખાને બધાને લાગતી હતી.

મને આવ્યો એવો વિચાર કદાચ વિનુભાઈને પણ આવ્યો હોવો જોઈએ એવું મારું માનવું છે. એમણે મને એવું કહ્યું નહોતું પણ એમની કોશિશ પરથી મેં તારણ કાઢ્યું. વિનુભાઈનો ફોન આવ્યો પછી હું મળવા ગઈ ત્યારે ખબર પડી કે જૂની રંગભૂમિના પિતાશ્રીએ (પ્રભુલાલ દ્વિવેદી) લખેલા નાટકો કે પછી ‘સંભારણાં’ના શોને વધુ મહત્ત્વ આપતા વિનુભાઈએ નવી રંગભૂમિનું નાટક કરવાનું નક્કી કર્યું હતું.

એ સમયે કલકત્તામાં ‘મલ્લિકા’ નામનું બંગાળી નાટક ચાલતું હતું, એના પરથી ગુજરાતીમાં ‘પળના પ્રતિબિંબ’ નામનું નાટક કરવાનો નિર્ણય વિનુભાઈએ લીધો હતો. એનું રૂપાંતર પણ તેમણે જ કર્યું અને ડિરેક્શનની જવાબદારી પણ તેમણે જ સંભાળી. મને નવાઈ તો લાગી, પણ મેં જાણવાની કોશિશ ન કરી. નાટકનો વિષય બહુ સારો હતો. અલગ જ હતો. ગામડાની એક ક્ધયાના લગ્ન થવાના હોય છે, પણ વિવાહ સંપન્ન થાય એ પહેલા વરરાજાનું મૃત્યુ થાય છે.

લગ્ન માણવા આવેલો વરરાજાનો મિત્ર જ કન્યા સાથે પરણી જાય છે. વાર્તા વળાંક લે છે અને ક્ધયા પર બળાત્કાર થાય છે અને પછી એ બાળકને જન્મ આપે છે. સમસ્યા અને ગેરસમજનો ગુણાકાર થાય છે અને મનોરુગ્ણ બની ગયેલી ક્ધયા પોતાના જ સંતાનની હત્યા કરી નાખે છે. અનોખા વિષયની ટ્રીટમેન્ટ પણ સારી આપવામાં આવી હતી. મને નાટક કરવાની બહુ જ મજા આવી.

વિનુભાઈ નાટકમાં સરિતા જોશીને લેવા માગતા હતા. પણ મેં કહ્યું કે જો તમે સરિતા બહેનને લેશો તો માતાનો રોલ હું નહીં કરું. જોકે, છેવટે હિરોઈનનો રોલ મારે જ કરવાનો આવ્યો. નાટક ઓપન થયું અને પહેલો જ શો હાઉસફુલ. એટલે અમારા બધાનો ઉત્સાહ ખૂબ વધી ગયો.

જોકે, પછી ખબર પડી કે આ નાટકનું રૂપાંતર અને દિગ્દર્શન કાંતિ મડિયા કરે એવી ઈચ્છા વિનુભાઈની હતી, પણ કોઈ કારણોસર કાંતિ ભાઈએ ના પાડી. કોણ જાણે કેમ પણ પહેલા શો પછી નાટક ધાર્યું ઉપડ્યું નહીં. પચાસ શો પછી બંધ થઈ ગયું. ‘પળના પ્રતિબિંબ’ પર પડદો પડી ગયો અને હવે શું? એવો વિચાર મનમાં ઘુમરાઈ રહ્યો હતો ત્યાં કાંતિ મડિયાનો મેસેજ આવ્યો કે…

આપણ વાંચો:  એક એવું મંદિર જ્યાં થાય છે પુસ્તકની પૂજા

પંડિત ઓમકારનાથ ઠાકુર – કવિ શ્રી મનસ્વી ‘પ્રાંતિજવાળા’
સંગીત સમ્રાટ, સંગીત માર્તંડ આદિ પદવી ધરાવતા તેમજ સંગીત કલા અને શાસ્ત્ર બંનેમાં નિપુણતા મેળવી પશ્ચિમના દેશોમાં પણ ભારતીય સંગીતનું ગૌરવ વધારનાર આપણા ગુજરાતના મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરને આપણે વિસરી ગયા છીએ એની નવાઈ નથી લાગતી.

આવા વિદ્વાન સંગીતજ્ઞને ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા નાટ્યકાર-ગીતકાર માટે અહોભાવ જાગે એ બહુ મોટી વાત કહેવાય. એ નાટ્યકાર – ગીતકાર હતા ચીમનલાલ ભીખાભાઇ જોશી જે કવિ મનસ્વી ‘પ્રાંતિજવાળા’ તરીકે ઓળખાયા. આર્યનૈતિક નાટક સમાજથી તેમણે નાટ્ય લેખનની શરૂઆત કરી.

1927માં મંચસ્થ થયેલા ‘વલ્લભીપતિ’ નાટક માટે કવિ મનસ્વી લિખિત ‘ઝટ જાઓ ચંદનહાર લાઓ’ ગીત અફાટ લોકપ્રિયતાને વર્યું. મનહર નટકળા મંડળના નંદલાલ નકુભાઈ શાહ લિખિત ‘માયા ને મમતા’ નાટક માટે કવિશ્રી લિખિત ગીતોની ઓપેરા બુક એક દિવસ પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુરના હાથમાં આવી.

પાનાં ફેરવતા ફેરવતા પંડિતજીની નજર એક ગીતની પંક્તિઓ પર અટકી: વિષ પણ અમૃત બની શકે છે, શ્યામ હૃદયમાં હોય તો… પંડિતજીને આખું ગીત વાંચવાની ઈચ્છા થઈ. અંતિમ પંક્તિ ‘મન મારુતિ લંકા બાળે, રામ હૃદયમાં હોય તો…’ વાંચી પંડિતજીનું હૃદય પુલકિત થઈ ગયું અને પ્રશંસાના પુષ્પો સરી પડ્યા. એમાંય નાયક-નાયિકાનું વર્ણન કરતી પંક્તિઓ ‘અભિસાર અભિનવ અંગ ધરી રસિકા રસપંથ જવા નિસરી, ગતિ ચંચળ છે, મન વિહ્વળ છે, રસધ્યાનમાં ભાન ગઈ વિસરી’ વાંચતાની સાથે પંડિતજીના મુખમાંથી ‘વાહ કવિ વાહ’ ઉદગાર સરી પડ્યા.

તરત પંડિતજીએ કહ્યું, કે ‘આ કોણ કવિ છે? મારે મળવું છે. તેઓ ભારત નાટ્યશાસ્ત્રના અને કાવ્ય તત્વના પ્રખર જ્ઞાતા લાગે છે. કલ્પના અને શબ્દ લાલિત્ય એમને સહજ સાધ્ય છે.’ નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદૈવ દૂર રહેલા કવિ શ્રી મનસ્વી પ્રાંતિજવાળાએ 27 નાટક લખવા ઉપરાંત 21 ચલચિત્ર અને અંદાજે ત્રણ હજાર ગીત લખ્યા છે. તેમના અનેક ગીતોની ગ્રામોફોન રેકોર્ડ પણ બહાર પડી છે.

નાટ્ય વિદ્વાન પ્રાગજીભાઈ ડોસાએ તેમની પાસે નાટક માટે ગીતો લખાવ્યાં ત્યારે સહજભાવે સવાલ કર્યો કે ‘કવિ, તમારા ગૃહ સંસાર વિશે જાણવું છે.’ કવિએ ટૂંકમાં પરિચય આપતા જણાવ્યું કે ‘પ્રાગજીભાઈ, સરસ્વતી મારી માતા, રંગભૂમિના કસબીઓ એ મારા ભાઈ-બહેન અને કલ્પના એ મારી વહુ, એને તો હું જોડે લઈને જ ફરું છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button