ઉત્સવ

આહિરાણીયુંનો વિક્રમી મહારાસ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

૩૭ હજારથી વધુ આહીરાણીઓએ કૃષ્ણનગરી દ્વારકા ખાતે મહારાસ દ્વારા કૃષ્ણભક્તિથી વિશ્વ વિક્રમ સર્જી દીધો. આશરે પાંચ સદી જુની વ્રજરાસ પરંપરાને ઉજાગર કરતા આ આયોજનની ગુજરાતભરમાં સવિશેષ નોંધ લેવાઇ. ખુશીની વાત તો એ છે કે મહારાસ સાથે દ્વાપર યુગ પછી વ્રજવાણીનો ઇતિહાસ સીધી રીતે જોડાયેલો છે. ભગવદ ગીતા અનુસાર પ્રભુ શ્રી કૃષ્ણએ ત્રણ મહારાસ રમ્યા પછી બાકી રહી ગયેલ ચતુર્થ રાસ કચ્છના વ્રજવાણી ખાતે પુર્ણ કર્યો હતો એની સાબિતી રજુ કરતું વ્રજવાણી ધામ પર્યટન સ્થળ તરીકે પ્રચલિત છે.

પૌરાણિક ઉલ્લેખો જેની ઉત્પત્તિના મૂળ યદુકુળના યાદવો સાથે જોડે છે એવા આહીરોનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં છે. શ્રીકૃષ્ણ સાથે મથુરા છોડીને સૌરાષ્ટ્રમાં જતા કેટલાક આહીરો કચ્છના વાગડ વિસ્તારમાં રોકાઈ ગયા અને વૃજવાણી નામે ગોકુળીયું જેવું જ ગામ વસાવ્યું હતું. વૈરાટનગરી ગેડીથી બેલા જવાના રસ્તા પર રણને કિનારે આવેલા આ ગામમાં ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરની અંદર જાઓ તો બીજાં બધાં તીર્થસ્થાનો કરતા અહીં એકદમ અલગ નજારો જોવા મળશે. અલગ એટલા માટે કે અહીં તમને કચ્છની આહિરાણીઓની ગોળ કુંડાળામાં મૂર્તિઓ અને બહાર ચોગાનમાં એક ઢોલીનો પાળિયો જોવા મળશે! એક કે બે નહીં પણ સાત વીસુ એટલે કે (૭*૨૦) ૧૪૦ જેટલી અહીરાણીઓ વ્રજવાણી ખાતે ઢોલ પર રાસ રમતાં સતી બની ગઈ હતી! ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, સાત વીસુ સતીયું રમે આહિરાણી! લોકગીતની આ પંક્તિઓ વ્રજધામ રાસની પાંચ સદી જુનાં ઇતિહાસની યાદ અપાવતા વ્રજવાણીની સાક્ષી પૂરે છે. આવો જ એક રાસ લાખોની મેદની વચ્ચે શ્રી કૃષ્ણનગરી દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા ૩૭ હજારથી વધુ આહીરાણીઓએ આભૂષણો અને પરંપરાગત વસ્ત્રો પરિધાનમાં સજજ થઇ મહારાસ રમી અને સદીઓ જૂની પરંપરાના દ્રષ્યો જીવંત કરી વિશ્વ વિક્રમ સર્જી દીધો.

જ્યાં કૃષ્ણની વાત હોય ત્યાં કૃષ્ણલીલા અને તેને ઝીલતી નિખાલસ ગોપીઓની રાસલીલા તો સૌને હૈયે રમે. કૃષ્ણ પ્રત્યેના મૃત્યુલોકના માનવીઓના પ્રેમનું આ યથાર્થ ઉદાહરણ છે. સોનાનાં વજનદાર જાડા ચૂડલાવાળા એમના હાથની તાળીઓ પણ ઢોલના અવાજ સાથે રમઝટ મચાવી દૂરદૂર સુધી સંભળાતી હતી. પગે પહેરેલા કાંબીને કડલાનો મીઠો રણકાર વાતાવરણમાં કંઈ નવી જ જાતનો ઝણઝણાટ ભરી દેતો હતો. એમના લાલ સુઘડ વસ્ત્રોમાં ભરેલી તારા-ટપકીઓ પણ જાણે સૂર્યના પ્રકાશમાં સાથે રમી રહી હતી. ઉત્સવમાં આનંદમગ્ન વ્રતધારી આહિરાણીઓ જ્યારે સંગીતમય બનીને ધ્રોસટ રાસ રમી ત્યારે સમગ્ર કૃષ્ણનગરી ઉત્સવનગરી બની ગઈ હોય તેવો અદ્ભુત અનુભવ લોકોએ કર્યો.

ગુજરાતના અલગ અલગ ૨૪ જિલ્લાઓમાંથી પાણીના કલશ લઈને તેઓ દ્વારકા આવી અને સમસ્ત આહિર જ્ઞાતિએ એકલોહીયા આહીર’ તરીકે પોતાની ભક્તિ સાથે એકતાનો પ્રેરક સંદેશો સમાજને આપ્યો. કચ્છના લોકગાયિકા સભીબહેન આહિર, અંજારના અરુણાબહેન સોરઠીયા, યુવા લોકગાયક દીકરો અનિરુદ્ધ આહિર તથા આહિર સમાજના મોભીઓ આ બે ક્લાકથી વધુ સમય ચાલેલા મહારાસને હૈયે વધાવતા જોવા મળ્યા. આ સમાજ દ્વારા ગ્રાઉન્ડથી વાજતેગાજતે ભવ્ય શોભાયાત્રાની સાથે જગત મંદિરે ધ્વજારોહણ, ડાયરો, બિઝનેસ એક્સ્પો, હસ્તકલા પ્રદર્શની જેવી પ્રસ્તુતિથી કૃષ્ણનગરી દીપી ઉઠી હતી. કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજે ક્યાં હશે?

ભાવાનુવાદ: ૩૭ હજાર કનાં વધુ આયરાણીયું કૃષ્ણનગરી દ્વારકા તે મહારાસ રમે નેં કૃષ્ણભક્તિજો વિશ્વ વિક્રમ ભનાય વિંધો. પંજ ખન સધિ પેલાજી વ્રજરાસ પરંપરાકે ઉજાગ઼ર કરીંધે હિન આયોજનજી ગુજરાત સજેમેં ખાસ નોંધ ગ઼િનાણી. રાજીપો ત હિન ગ઼ાલજો આય ક મહારાસ ભેરો દ્વાપર જુગ પોય પાંજે વ્રજવાણીજો ઇતિયાસ જુડલ આય. ભગવદ ગીતા પિરમાણે શ્રી કૃષ્ણ ત્રે મહારાસ રમે પૂંઠીયા બાકી રિઇ વેલ ચોથો રાસ કચ્છજે વ્રજવાણી ખાતે પુરો ક્યો હો ઇનજી સાબિતી સરુપેં વ્રજવાણી ધામ પર્યટન થલ તરીકેં વખણાજેતો.

પુરાણેંમેં જેંજી હયાતીજા મૂર યદુકુલજે યાધવ ભેરા જોડ઼ેતાં ઍડ઼ે આયરેજી ગ઼ાલીયું ભાગવતમેં મિલેતી. કાનુડ઼ે ભેરા મથુરા છડીનેં સૌરાષ્ટ્રમેં વનંધલ કિતરાક આયર કચ્છજે વાગડ઼ વિસ્તારમેં રોકાઇ વ્યાવા નેં વૃજવાણી નાંલે ગોકુરીયો ગામ વસાયોં હો. વૈરાટનગરી ગેડ઼ીનું બેલા વનંધે રસતેતેં રિણજે કિનારે આવલ હિન ગામમેં વડો મિંધર આય. હિન મિંધરમેં મિંજારા વિઞોં ત બ્યે મિડ઼ે તીરથ થલ કનાં નિડારો નજારો ન્યારેલા મિલંધો. જુધો ઇતરેલા ક હિત આંકે કચ્છજી આહિરાણીએંજી ગોડ઼ કુંઢાડ઼ેમેં મૂર્તિયું નેં બારા ચોગાનમેં હિકડ઼ે ઢોલીજો પારિયો ન્યારેલા જુડંધો! હિકડ઼ી કે બો નં પણ સતવીયું ઇતરે ક (૭*૨૦) ૧૪૦ જિતરી આયરાણીયું વ્રજવાણી ખાતે ઢોલ તે રાસુડ઼ા રમંધે સતી ભની વિઈ હુઇ! ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, સાત વીસુ સતીયું રમે આહિરાણી! લોકગીતજી હી પંક્તિયું વ્રજધામ રાસજી પંજ સધિ જુને ઇતિઆસજી જાધ ડેરાઇંધે વ્રજવાણીજી સાક્ષી પૂરેંતા. હિડ઼ો જ હિકડ઼ો રાસ લખેજી મેધની વિચ્ચે દ્વારકામેં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન ભરાં ૩૭ હજારનું વધુ આહીરાણીયું ધાગીને તંઇ ડેસી પરિધાનમેં તૈયાર થિઇ મહારાસ રમિઇયું નેં સધિ જુની પરંપરાજે ચિતરકે વિશ્વ વિક્રમમેં ફેરવેં વિંધો.

જિત કૃષ્ણજી ગ઼ાલ હોય હુત કૃષ્ણજી લીલા નેં ઇનકે વરીંધલ સુંઠી ગોપીએંજી રાસલીલા ત મિણીંજે હીયેંમેં રમેત્યું. કાનુડ઼ેલા મૃત્યુલોકજા માડૂએંજે પ્રેમજો હી માતર ધાખલો આય. સોનજા વજનવારા જાડા ચૂડ઼્લેવારા ઇનીજે હથજી તાડ઼ીયું પ ઢોલજે અવાજ ભેરી રમઝટ બોલાઇંધી પર્યાંનું સોણાંધી હુઇ. પગ઼ેતેં પેરલ કાંભી નેં કડલેંજો મિઠો રિણકાર વાતાવરણમેં કિંક નઉં ઝણઝણાટ ભરીંધો હો. ઇનીજા રત્તા સુઘડ઼ કપડ઼ેમેં ભરેલ તારલા જકાં સૂરજજે અજ઼્વાડ઼ેમેં ભેરીયું રિમી રઇયું વિઇયું. ઓચ્છવમેં આનંદમગન વ્રતધારી આયરાણીયું જડે સંગીતમય ભનીને ધ્રોસટ રાસ રમીઇયું તડેં સજી નગરી ઉત્સવનગરી ભની વિઇ વે ઍડ઼ો સુંઠો અનુભવ માડૂએં ક્યોં.

ગુજરાતજે નિડારે નિડારે ચોવી જીલ્લેં મિંજાનું પાણીજા કલશ ખિઈને ઇની દ્વારકા આવઇયું નેં સજ઼ી આયર કોમ એકલોહીયા આહીર’ તરીકેં પિંઢજી ભક્તિ ભેરો એકતાજો પ્રેરક સંદેસો સમાજકે ડિનોં. કચ્છજી લોકગાયિકા સભીભેંણ આહિર, અંજારજા અરુણાભેંણ સોરઠીયા, યુવા લોકગાયક પુતર અનિરુદ્ધ આહિર તીં આહિર સમાજજા મોભી હિન બો ક્લાક કનાં વધુ સમય હલલ મહારાસકેં હિયેં વધાઇંધે ન્યારેલા જુડ઼્યા. હિન સમાજ ભરાં મેધાન તાનું વાજતેંગાજતેં ભવ્ય સોભાજાતરા નેં જગત મિંધરતેં ધજારોહણ, ડાયરો, બિઝનેસ એક્સ્પો, હસ્તકલા પ્રિદર્શન જેડ઼ી પ્રસ્તુતિસેં કૃષ્ણનગરી ચમકંધી હુઇ. કાનુડ઼ેજે પ્રેમજો ઇન્યાં સુંઠો ધાખલો બ્યો ક્યો હુઇ સગ઼ે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?