ઉત્સવ

સાયબર અપરાધીઓ સામે સતર્કતા એ જ એક નક્કર ઉપાય

સાયબર અપરાધ વધી રહ્યા છે એ માટે લોકો પણ જવાબદાર ગણાય, કારણ કે રિઝર્વ બેંકથી લઈ વિવિધ સરકારી એજન્સીઓ તરફથી સતત અપાતા સૂચન - સૂચનાની લોકો ઉપેક્ષા કરે છે

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

દેશમાં સાયબર ક્રાઈમ્સનું પ્રમાણ સતત એકધારું વધી રહયું છે, જેને પગલે આ સાયબર જગતમાં નવી કંપનીઓ, નવી ટેકનોલોજીસ, નવી ટેલેન્ટ અને નવી જોબની સંભાવના સતત વધી રહી છે.

યુવા જગતમાં પણ સાયબર સિકયુરિટીના અભ્યાસનું આકર્ષણ પણ વધતું રહ્યું છે. વિધાર્થીઓ આ વિષયમાં વધુ માસ્ટરી મેળવવા વિદેશ જાય છે અથવા તો દેશમાં પણ તેના સ્ટડી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

બીજી બાજુ, ‘સાયબર અપરાધો સામે સામાન્ય પ્રજાએ, વેપારી વર્ગે, મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ખાસ સાવધ રહેવાની જરૂરિયાત પણ સતત વધી રહી છે’
બ્લોક કરાતા મોબાઈલ
અપરાધોની દુનિયામાં આજે સૌથી ટોચ પર કોઈ અપરાધ હોય તો એ છે સાયબર ક્રાઈમ. જેટલાં હાથમાં ઈન્ટરનેટ કનેકશન સાથેના મોબાઈલ છે તેટલી સંખ્યામાં અપરાધની શક્યતા છે. સીધી અને તાજી વાત પર આવીએ તો તાજેતરના અહેવાલ મુજબ સરકારે ટેલિકોમ ઓપરેટર્સને ૨૮૦૦૦ થી વધુ મોબાઈલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, કેમ કે આ મોબાઈલનો ઉપયોગ સાયબર ક્રાઈમમાં થયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ સાથે સરકારે ટેલિકોમ કંપનીઓને આ મોબાઈલ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા ૨૦ લાખ મોબાઈલને રિ-વેરીફાઈ કરવાનો આદેશ પણ આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (ડીઓટી) , મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને પોલીસ વિભાગ એકબીજા સાથે હાથ મિલાવી સાયબર ક્રાઈમ્સને ડામવા કમર કસી રહ્યા છે.

થોડો વખત પૂર્વે સરકારે ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું, જે તમામ સંબંધિત વિભાગો સાથે કોઓર્ડિનેટ કરે છે. જેના દ્વારા સરકારી તંત્રોના હાથ વધુ મજબૂત થાય છે. સાયબર ક્રિમિનલ્સને વધુ સહાય કોણ કરે છે?

છેલ્લાં બે વરસના આંકડા કહે છે કે કોરોનાના સમયકાળથી સાયબર ક્રાઈમ વધતા રહ્યા છે. એકલા મુંબઈમાં ૨૦૧૮-૨૦૧૯માં સાયબર ક્રાઈમની સંખ્યા માત્ર ૧૭૮૪ હતી, તે ૨૦૨૦- ૨૦૨૧માં વધીને ૨૩૭૪ થઈ. હાલ આ સંખ્યા કુદકે અને ભુસકે વધી રહી છે.

આવા અપરાધ વધવાનાં ચોકકસ કારણો એ કે આ અપરાધનો ભોગ બનેલી વ્યક્તિ જલદીથી ફરિયાદ કરતી નથી અથવા ફરિયાદમાં વિલંબ કરે છે. એમને પોતાને આજની ટક્નોલોજીની પૂરતી સમજ હોતી નથી, એમને થાય છે કે આ ફરિયાદ બાદ વારંવાર સાયબર સેલમાં જવું પડશે.

એક કર઼ુણતા એ પણ ખરી કે સાયબર સેલ તરફથી આવા અપરાધોના ડિટેકશન અને સોલ્યુશનની સંખ્યા બહુ ઓછી છે. સાયબર અપરાધીઓને ઝડપવાનું કામ કઠિન છે. આમાં મોટાભાગના અપરાધીઓ ટેક્નોલોજીમાં જબરદસ્ત એકસપર્ટ હોય છે. આ ક્રાઈમ દેશના કે દુનિયાના કોઈપણ ખૂણેથી થઈ શકતા હોવાથી સાયબર સેલ માટે વધુ આકરી પરીક્ષા બને છે. સાયબર અપરાધીને વધુ તક લોકો આપે છે. મોટાભાગના સાયબર અપરાધ એસએમએસ, ઈ-મેઈલ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ,સોશ્યલ મીડિયામાં રહેતા લોકોના પ્રોફાઈલને માધ્યમ બનાવીને થાય છે. જેના નામે છેતરપિંડી કરવાની હોય છે તેની વિગતો મેળવવી હવે તો બહુ સરળ છે. લગભગ દરેક વ્યક્તિની પ્રોફાઈલ- ફોટો- સરનામું – નોકરી-ધંધા, પ્રોફેશન, હોબી, પારિવારિક વિગતો, વગેરે જેવી અનેક અંગત માહિતી જાહેર હોય છે. અનેક લોકો તો સામે ચાલી પોતાની એવી વિગતો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે, જે સાયબર અપરાધીનું કામ સરળ બનાવી દે છે.

માત્ર સાયબર ક્રિમિનલ્સ જ નહીં, વિવિધ પ્રોડકટસ-સર્વિસ ઓફર કરતી કંપનીઓની માર્કેટિંગ ટીમ પણ પોતાનો બિઝનેસ વધારવા આવા પર ડેટા ભેગા કરે છે. મહારાષ્ટ્ર સાયબર સેલના કહે છે કે તેમની પાસે ઓનલાઈન બેન્કિગ ફ્રોડ અંગે છેલ્લા એક વરસમાં ૫૮૦૦૦ ફરિયાદ આવી છે, જેમાંથી ૧૪૦૦૦ થી વધુ ફરિયાદ મુંબઈની છે. આમાંથી પણ માત્ર ૬૦૦ કેસમાં એફઆઈઆર બની હતી. સંખ્યાબંધ અરજીઓ તો હજી ક્રાઈમ રેકોર્ડમાં પણ સ્થાન પામી નથી. જયાં સુધી કોર્ટ ઓર્ડર તેમને ફરજ પાડે નહીં ત્યાં સુધી તેની તપાસ પણ થઈ શકે નહીં.

હેલ્પલાઈન વિશે સમજણ જરૂરી
સાયબર સેલની હેલ્પ લાઈનનો ઉપયોગ કરવાની પદ્ધતિ લોકોએ સમજવાની જરૂર વધી છે. આ હેલ્પલાઈનમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલી વ્યક્તિ પોલીસને ફોન પર પોતાની વિગતો આપી શકે છે, કયા નાણાંકીય વ્યવહારમાં આમ થયું તે જણાવી શકે. આ ફરિયાદને બેંકો સમાન ફાઈનાન્સિયલ મધ્યસ્થી સાથે શેર કરવામાં આવે છે. કેમ કે ફાઈનાન્સિયલ મધ્યસ્થી તે વ્યવહારને રોકી શકે છે. આ માટે ફરિયાદ ઝડપથી-તરત જ થઈ જવી જોઈએ. જયાં સુધી નાણાં બહાર ગયા નથી ત્યાં સુધી તેને અટકાવી કે સ્થગિત કરી શકાય છે. જો એ નાણાં બીજી બેંકને ચાલ્યા ગયા હોય તો તરત જ પહેલી બેંક બીજી બેંકને જાણ કરી દે છે અને જરૂરી એકશન લેવાય છે. અસરગ્રસ્ત વ્યક્તિને ફરિયાદ નોંધાવ્યા બાદ એસએમએસથી એકનોલેજમેન્ટ મળે છે. એ પછી વ્યક્તિએ ૨૪ કલાકમાં તેની વિગતો નેશનલ સાયબર ક્રાઈમ રિપોટિર્ંગ પોર્ટલને સુપ્રત કરવાની રહે છે.

સ્કેમસ્ટરની સ્પીડ
આ આખી પ્રક્રિયામાં સમયસરની એકશન- પગલાં બહુ મહત્ત્વનાં છે.. કૌભાંડી વ્યક્તિ ફટાફટ ચોરેલા નાણાં બીજે ટ્રાન્સફર કરવા લાગે ત્યારે બેંકની એકશન ઝડપી હોવી જોઈએ અને બેંક તે ફ્રોડસ્ટરના એકાઉન્ટને ફ્રીઝ કરે એ માટે પોલીસ ઓથોરાઈઝેશન આવશ્યક બને છે. સ્કેમસ્ટર આ ચોરેલા કે તફડાવેલા નાણાં બહુ ઝડપથી એકથી બીજી, બીજીથી ત્રીજી એમ મલ્ટીપલ બેંકોમાં ઝડપથી ટ્રાન્સફર કરવામાં કુશળ હોય છે. દેવામાં ઝડપ રાખે છે, જેથી બેનિફિસિયરીનું એકાઉન્ટ સ્થગિત કરવાનું મુશ્કેલ બને છે. એક કઠણાઇ એવી પણ છે કે મોટેભાગે લોકલ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લેતા નથી, જેમાં સમયનો વ્યય થાય છે. બેંકો પણ કોઈનું એકાઉન્ટ ફ્રીઝ કરવા જલ્દી તૈયાર થતી નથી. વધુમાં ઓનલાઈન એકાઉન્ટ ધરાવનાર આવા સ્કેમસ્ટર બેંક કંઈ કરે એ પહેલાં તો નાણાંની ઉચાપત કરી નાખે છે. જયારે કે જાણતા-અજાણતા ભુલ કરી બેસનાર ગ્રાહકો પાસે વધુ વિકલ્પ રહેતા નથી. આ વિષયમાં જાગૃતિ-એલર્ટનેસ એ જ સાર્થક ઉપાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ