મુંબઇની સુંદરતામાં વધારો કરે છે વર્ટિકલ ગાર્ડન્સ ઉર્ફે ઊભા બગીચા
આવા ‘ઊભા’ ગાર્ડન મુંબઇની શકલ-સૂરત તો બદલશે જ સાથે સાથે હવાનું પ્રદૂષણ ઓછું કરવામાંય નિમિત્ત બની શકે
વિશેષ -નિધિ ભટ્ટ
જ્યાં એક એક સ્ક્વેર ફૂટના અધધધ ભાવ બોલાતા હોય ત્યાં ગગનચુંબી ઇમારતોના ઢગ ખડકાય તેમાં નવાઇ નથી. આ ઊભા અને આડા વિસ્તરી રહેલા સિમેન્ટ-કોંક્રિટના જંગલો ગીચતા અને પ્રદૂષણ ફેલાવે એમાં કોઇ નવાઇ નથી. હા, પણ આવા વાતાવરણમાં વર્ટિકલ ગાર્ડનનો વિચાર કંઇક રાહત આપે એવો છે.
મધ્ય રેલવે, મુંબઇના વિદ્યાવિહાર, સૅન્ડહર્સ્ટ રોડ તેમ જ વડાલા જેવા લગભગ ૧૫ રેલવે સ્ટેશનો પર વર્ટિકલ ગાર્ડન વૉલ્સ ઊભી કરવામાં આવી છે. આવી ઊભા બગીચાનો આભાસ આપતી દિવાલો અમૃત ભારત સ્ટેશન અપગ્રેડ સ્કિમનો એક ભાગ છે. લગભગ ૧૫ કરોડ રૂપિયા ખર્ચીને એક વર્ષની અંદર આ ગાર્ડનો વિકસાવવામાં આવશે. મધ્ય અને હાર્બર લાઇનોમાં સ્ટેશનો વચ્ચે શોભા વધારતા વૃક્ષો પણ ઉછેરવામાં આવશે. મધ્ય રેલવેના ૪૦ સ્ટેશનોની આસપાસની જગ્યાઓમાં ૧૦૦થી વધુ રોપાઓ વાવવાની યોજના અમલમાં મૂકાશે. આનાથી સ્ટેશન પરિસરોની શોભામાં અભિવૃદ્ધિ તો થશે જ સાથે સાથે આવી જગ્યાઓ પર અતિક્રમણ થતું હોય છે એ પણ અટકશે. આવા કામમાં અનેક એનજીઓ, ખાનગી કંપનીઓ અને સામાજિક સંસ્થાઓને પણ સહભાગી બનાવવામાં આવશે. વધતી વસતિને કારણે જમીન પરની જગ્યાનો અભાવ વધતો જાય છે ત્યારે આકાશ તરફ આગળ વધતા આવા બગીચાઓ લોકપ્રિય બનતા જાય છે. આજની ગીચ વસતિ જોતા આ શહેરમાં લગભગ ૧૧૦૦ મેદાનો, ક્રિડાંગણ અને નવીનતાસભર લીલાછમ બગીચાઓની હજી જરૂર છે. આવા સંજોગોમાં કોઇ ન વપરાતી નાનકડી જગ્યાોમાં વર્ટિકલ ગાર્ડનો ઊભા કરીને નવા મનોરંજન કેન્દ્રો ઊભા કરાશે. અત્યાર સુધી મુંબઇના અનેક ફ્લાય ઑવર બ્રિજની નીચે વાહનો પાર્ક કરાતા હતા, પણ હવે આવી જગ્યાઓમાંય વૉકિંગ કે જૉગિંગ કરી શકાય તેવા ટ્રેક્સ સહિત લીલોતરીથી ભરપૂર લૉન તૈયાર કરવામાં આવશે. આવી જગ્યાઓને કારણે નાગરિકો માટે અધિક મોકળી અને ખૂલી જગ્યાો ઉપલબ્ધ થાય છે જ્યાં જઇને તેઓ પોતાનો સમય વ્યતીત કરી
શકે છે.
મુંબઇ મહાનગરપાલિકા પણ આવી સૌંદર્યકરણની યોજનાઓ વિકસાવવા પર ભાર મૂકે છે. આજકાલ ઠેરઠેર મકાનોના બાંધકામ થઇ રહ્યા છે. આવા મકાનની આસપાસ લોખંડના પતરા જડી દેવામાં આવે છે તેની બદલે વર્ટિકલ ગાર્ડન ઊભા કરવા માટે પાલિકા પણ બિલ્ડર્સ -ડેવલપર્સને પ્રોત્સાહન આપી રહી છે. મકાનોની અગાશી પર રૂફ ટૉપ ગાર્ડન વિકસાવવાની પૉલિસી પણ વિકસાવાઇ રહી છે. આમ કરવાથી શહેરના સૌંદર્યમાં તો વધારો થશે જ સાથે વાયુ પ્રદૂષણમાં પણ ઘડાડો કરવાનો ઉદ્દેશ છે.
આવા વર્ટિકલ ગાર્ડનનો મૂળ પ્રેરણાસ્રોત એટલે બૅબિલોનના હેંગિંગ ગાર્ડન્સ. વધતા શહેરીકરણ અને ખુલ્લી જગ્યાની અછતને કારણે વર્ટિકલ ગાર્ડન્સની સંકલ્પના પુનર્જીવિત થઇ. આવા ગાર્ડનમાં ઓછી જગ્યાનો પણ યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.સુંદરતા વધવાની સાથે આસપાસના વાતાવરણની ધૂળ અને કાર્બન સહિતની અનેક અશુદ્ધિઓ શોષાય અને પ્રાણવાયુનું પ્રમાણ વધે એ નફામાં. આવા ગાર્ડનોમાં વિવિધ પ્રકારના પક્ષીઓને પણ આશરો મળે. એકંદર તાપમાન પણ ઓછું રહે. લોકોનું આરોગ્ય પણ જળવાય. સુંદરતાને આંખમાં ભરતા શાંતિ અને માનસિક સ્વાસ્થ્યમાં પણ વધારો થાય.
આવા ગાર્ડનોની વિશેષતા એ છે કે તેમને એક સ્થળેથી બીજા સ્થળે ફેરવી શકાય છે. વળી વર્ટિકલ ગાર્ડન જ નહીં, વર્ટિકલ ફાર્મિંગ કરીને શાકભાજી કે ફળો પણ ઉઘાડીને ખાનગી સોસાયટીવાળા લાભ મેળવી શકે. વર્ટિકલ ગાર્ડન વિકસાવવા ઑટોમેટેડ સિસ્ટમ, સ્માર્ટ મોનિટરીંગ વગેરેનો ખર્ચ પારંપરિક ગાર્ડન કરતા થોડો વધુ આવે છે, પણ તેના ફાયદા જોતાં આ ખર્ચા વ્યાજબી અને જરૂરી છે. આવા ગાર્ડન જે કોઇ પણ ઊભા કરવા માગતા હોય તેમને સરકારી પ્રોત્સાહન પણ મળી રહે છે.