વસુધૈવ…!!
વાર્તા-વિશેષ -તેજસ જોશી
એક હતો કાગડો અને એક હતી કાગડી એટલે જ એમણે સહજતાથી સંસાર માંડવાનું નક્કી કર્યું. બન્નેએ એક સારા વૃક્ષ પર માળો બાંધવાનું નક્કી કર્યું. બન્ને દૂર દૂર સુધી ખૂબ રખડ્યા. એક વૃક્ષ ખૂબ જ ઘટાદાર હતું, પણ ત્યાં રોજ સ્ત્રીઓ આવી થડને સૂતર બાંધી જતી. કાગડીને સ્ત્રીઓની આટલી અવરજવર પસંદ ન પડી. થોડે દૂર ગયા ત્યાં એક સરસ લીલુંછમ્ વૃક્ષ આવ્યું. કાગડીને વૃક્ષ પસંદ આવી ગયું. આ વખતે કાગડાએ ના પાડી. આ વૃક્ષ આંબાનું છે. ઉનાળામાં જ્યારે આને કેરીઓ આવશે ત્યારે માણસો આવી પથરા મારશે. એકાદ પથરા જો આપણા માળાને વાગશે તો આખા વરસની મહેનત પાણીમાં. રહેવા દે, બીજે જઈએ. વધુ આગળ ગયા ત્યાં બીજું એક ઝાડ આવ્યું. આમ તો બધી રીતે સારું હતું. પણ ઝાડની બખોલમાં એક સાપ રહેતો હતો. કાગડી કહે, ભવિષ્યમાં આપણા બચ્ચાં થશે તો આ પીટ્યો સાપ એમને ખાઈ જશે. કાગડીએ તો ના જ પાડી. બન્ને જણ ફરી ઊડ્યા, ખૂબ દૂર સુધી. વાતાવરણમાં બર્ફીલી ઠંડક અનુભવાવા લાગી. ત્યાં જ એક ખળખળ વહેતી નદી હતી અને આસપાસ ગાઢ જંગલ હતું. ત્યાં જાતજાતનાં વૃક્ષો હતાં. માહોલમાં શાંતિ હતી. ત્યાં બીલીના વૃક્ષ પર કાગડા અને કાગડીએ પોતાનો માળો બનાવવાનું અને સંસાર માંડવાનું નક્કી કર્યું.
જંગલમાં સૂકી ડાળખીઓની, ઘાસની અને સળીઓની કમી નહોતી. બન્નેએ પોતાનો સપનાંનો મહેલ ઊભો કરી દીધો. છેલ્લે કાગડીએ બીલીપત્ર તોડીને માળામાં મૂક્યું અને ગૃહપ્રવેશ કર્યો. દિવસો આનંદમાં પસાર થવા લાગ્યા. આસપાસનાં વૃક્ષો પર હજી કોઈ રહેવા આવ્યું નહોતું એટલે શાંતિ હતી. પણ જેમ જેમ દિવસો વિતવા લાગ્યા. ત્યાં જ બાજુના વૃક્ષ પર એક કબૂતર યુગલે માળો બાંધ્યો. ભોળા હતાં બિચારાં. જરાક અમથો અવાજ થાય તો ફફડી ઉઠતાં. પાછળના ઝાડ પર એક ચકો ચકી રહેવા આવી ગયા. પણ બન્નેમાંથી કોઈને ખીચડી બનાવતા નહોતી આવડતી. સાંજ પડ્યે બન્ને ચીં ચીં કરી ઝગડતાં. પાડોશીઓને મજા પડતી. થોડા દિવસો પછી બે વૃક્ષ છોડીને એક કોયલ એકલી રહેવા આવી. રોજ સવારે જ્યારે કોયલ કૂહૂ કૂહૂ ગાતી, ત્યારે કાગડો એને મીઠી નજરે જોયા કરતો. એક દિવસ કાગડી આ જોઈ ગઈ અને કાગડા સાથે ખૂબ મોટો ઝગડો કર્યો. માળો છોડીને જતા રહેવાની ધમકી પણ આપી. કાગડાએ ભારે વિનંતી કરી એને મનાવી લીધી. એ દિવસથી કાગડાએ કોયલ સામે જોવાનું બંધ કરી દીધું પણ ભારે તો ત્યારે થઈ જ્યારે જંગલમાં એક મોર રહેવા આવ્યો. કાગડી, કબૂતરી અને ચકી બપોરે ભેગી થઈ ગુસપુસ અવાજે મોરના વખાણ કરવા લાગી. કાગડો, કબૂતર અને ચકો તેમની માદાઓને શંકાની નજરે જોવા લાગ્યા. મોર ભલે ઊંચે ઊડી નહોતો શકતો, પણ સુંદરતામાં એનો જવાબ નહોતો. આમ ને આમ પંખીઓના સુખના દિવસો પસાર થવા લાગ્યા.
પણ પછી એક દિવસ માણસોની અવરજવર શરૂ થઈ. સૌ પંખીઓ ફફડી ઉઠ્યાં. કેટલાંક ટોળાઓ ભગવા વસ્ત્રો પહેરી તો કેટલાક ઝુંડ સફેદ લૂગડા પહેરી ઉપર પર્વતની દિશા તરફ જવા લાગ્યા. કેટલાક શહેરી લોકો ઘોડાઓ ઉપર બેસી, તો કેટલાક ડોળીમાં બેસી પર્વત પર ચઢવા લાગ્યા. સૌ કહેતા હતા ઉપર પહાડ પર ભગવાનના દર્શને જઈએ છીએ. કાગડી પૂછવા લાગી, આ ભગવાન કેવા હોય? કોણ હોય ભગવાન? કાગડાએ ઉપર જોયું, પણ ત્યાં તો ફક્ત પહાડો જ દેખાતા હતા.
ભગવાન ક્યાં હશે એ એને સમજાયું નહીં. એવામાં એક યાત્રિકે પાણી પીને ખાલી બોટલ ત્યાં જ ફેંકી. કાગડાએ આ જોયું, એને થયું આ તો ગજબ કહેવાય, નદીમાં વહેતા પાણીને આ આવડી અમથી બોટલમાં ભરીને સ્થિર કરી શકાય. જો આ બોટલમાં પાણી ભરી મારા ઝાડ પર લટકાવી દઉં, તો વટ પડી જાય. એણે એ બોટલ ચાંચમાં પકડી એને નદી સુધી લઈ ગયો, અને જેવી નદીમાંથી પાણી ભરવા બોટલ ડુબાડી કે તરત જ નદીના પ્રવાહે બોટલ આગળ નીકળી ગઈ. કાગડો નિરાશ થઈ જોઈ રહ્યો. એને થયું આપણે ભલે પંખી હોઈએ, પાંખો વડે ભલે આસમાન માપી શકીએ, પણ આપણે કાળા માથાના માનવીની તોલે તો ન જ આવી શકીએ, જે બે હાથ વડે વહેતા પાણીને પોતાની જરૂરિયાત માટે બોટલમાં ભરી શકે.
ધીમે ધીમે કરીને માણસોની ભીડ ઓછી થતી ગઈ. શિયાળો આવ્યો. ઉપર પર્વત પર બરફ છવાઈ ગયો. નીચે નદી થીજી ગઈ. જંગલમાં પણ સન્નાટો છવાઈ ગયો. એક દિવસ કાગડીએ શુભ સમાચાર આપ્યા, અને ચાર ઈંડા મૂક્યાં. ચાંદના ટુકડા જેવા સફેદ ચાર ઈંડા જોઈ કાગડો ખુશખુશાલ થઈ ગયો. કાગડો દૂર દૂર જઈ કાગડી માટે નવું નવું ખાવાનું લઈ આવતો. કાગડી આખો વખત ઈંડાં સેવ્યા કરતી. ઈંડાં હવે ખાસ્સા મોટા થઈ ગયાં હતાં. બીજા દિવસે મોડી સવારે કેટલાક પીળા ટોપા પહેરેલા માણસો મશીનો લઈને જંગલમાં આવ્યા, અને વૃક્ષોને જડમૂળથી ઉખાડવા લાગ્યા.
બધા જ પંખીઓ ફફડી ઊઠ્યા. શોર બકોર કરવા લાગ્યા. પણ સાંભળે તો માણસ શાનો? જોતજોતામાં આખું જંગલ કપાઈ ગયું. એમાં કાગડા – કાગડીનો સંસાર પણ ઊજડી ગયો. ઈંડાઓ કસમયે ફૂટી ગયા. કાગડી રડી રડીને અડધી થઈ ગઈ.
કાગડાની આંખમાં ખૂન ઘસી આવ્યું. પણ આ માનવીઓને કઈ રીતે સમજાવવું. બીજા દિવસથી ત્યાં ચણતર શરૂ થઈ ગયું અને થોડા વખતમાં ત્યાં ચાર માળનું મકાન ઊભું થઈ ગયું. કાગડો આ બધું જોઈ રહ્યો. મકાનને નામ આપવામાં અપાયું.
હોટલ શિવાઝ. ઉદ્ઘાટનના દિવસે શેઠિયા, વેપારીઓ આવ્યા. લાલ-લીલી બત્તીઓ વાળી ગાડીઓ આવી. સૌ ગ્લાસમાં રંગીન પ્રવાહી ભરીને પીતા હતા. સાથે ગરમાગરમ મટન પીરસાતું હતું. કાગડાનું મન આ બધું જોઈને ખિન્ન થઈ ગયું.
બીજા દિવસે સવારે ઊઠીને એણે ઊંચા ઉડાન ભરવાનું નક્કી કર્યું. એણે સાંભળેલું કે ઊંચા પહાડો પર ભગવાન રહે છે. એ પહાડો પર ઊડવા લાગ્યો. થાકતો – પોરો ખાતો તે એક ઊંચા પહાડની ટોચે પહોંચ્યો. ત્યાં એણે એક ત્રિકોણાકાર ગુંબજવાળું મંદિર જોયું. સૌ યાત્રાળુઓ કતારબંધ ઊભા હતા. સૌના હાથમાં પૂજાના ફૂલ અને બીલીપત્ર હતાં. એને પોતાનું વૃક્ષ, પોતાનો માળો યાદ આવી ગયો. એણે અંદર નજર કરી જોયું. લોકો ગોળાકાર લીંગને દૂધ ચઢાવતા હતા. નંદીને પગે લાગતા હતા.
એમાંના કેટલાક તો ગઈકાલે રાત્રે હોટલ શિવાઝમાં… અરેરેરે એના મોઢામાંથી ચિત્કાર નીકળી ગયો, હે ઈશ્ર્વર, જો ખરેખર તારું અસ્તિત્વ હોય તો ન્યાય કર. દેર અને અંધેર તારા દરબારમાં ન શોભે. તારી સ્તુતિ તો આ બોલકા માનવીઓ કરે. અમે મૂંગા જીવ તો નિ:સાસો નાખી શકીએ. મંદિરનો ચકરાવો લઈ કાગડો ફરી સાંજે નીચે આવી ગયો. એણે કાગડીને આ વાત કહી. કાગડીએ પૂછ્યું, ભગવાન કેવા હોય? કાગડાએ કહ્યું, તને નહીં સમજાય, તું સૂઈ જા. બન્ને જંપીને સૂઈ ગયા. મોડી રાતે વીજળીના કડાકા સંભળાવા લાગ્યા. મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. ઉપરવાળો પોક મૂકીને રડતો હોય એમ ગાજવીજ સાથે અનરાધાર વર્ષા થવા માંડી. નદી ગાંડીતૂર બની ગઈ, કાંઠાઓ તોડી નાખ્યા. ઉપરવાસથી વધુ પાણી વહેવા માંડ્યું. ત્યાં જ પ્રભાત થયું. આછા અજવાળામાં કાગડાએ જોયું કે હોટલ શિવાઝ પડખાભેર નમી ગઈ હતી. વીજળીના થાંભલાઓ વાંકા થઈ ગયેલા. મોટરગાડીઓ નદીમાં હોડી તરે એમ તરતી હતી. માણસોના શબ અથડાતા અફળાતા વહી રહ્યા હતા. આભમાંથી અવિરત જળધારાઓ વર્ષી રહી હતી. વાતાવરણ ધૂંધળું હતું. એવામાં એક મોટા કડાકા સાથે હોટલ શિવાઝ વિશાળ જળરાશિમાં તૂટી પડી. આ જોઈ કાગડો નાચવા લાગ્યો. કાગડીએ એને ટપાર્યો. આ શું ગાંડા કાઢો છો? શરમ આવે છે કે નહીં? માણસો તણાઈ રહ્યા છે ત્યારે તમે નાચી રહ્યા છો? કાગડો બોલ્યો, નાચવા દે મને, મારું ઘર બરબાદ થયું ત્યારે આ જ લોકોએ મિજબાની કરી હતી. નાચ્યા હતા. હવે મારો વારો છે. નાચવા દે મને. કાગડી બોલી, એ માણસો છે. એમને એવું બધું શોભે. આપણને એવી માણસાઈ ન શોભે. બંધ કરો નાચવાનું. એવામાં એક જટાધારી મૂર્તિ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતી, ડચકાં ખાતી નીચે તરફ જઈ રહી હતી. કાગડાએ કહ્યું, જો પેલા વહેતા જાય છે ને…? એ છે ભગવાન. કાગડી વિસ્ફારિત નજરે જોઈ રહી.