વિવિધ
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો અનેક વખત ભારે અફવાઓ ગરમ રહેતી હોય છે. ખંડન-મંડન ચાલ્યા કરતું હોય છે. આ જ બધી બાબતોની ચર્ચા આપણે અહીં કરવાની છે…
વિદેશોમાં શૂટિંગ
આજકાલ મોટા ભાગના નિર્માતાઓ વિદેશોમાં શૂટિંગ કરવા લાગ્યા છે. આનો ફાયદો બંને પક્ષે થતો હોય છે. નિર્માતાને કલાકારોની ડેટ્સ એકસાથે મળી જાય છે અને બીજી તરફ કલાકારોને નિર્માતાને ખર્ચે વિદેશ ફરવા, મોજ મસ્તી કરવાની તક મળી જાય છે.
ફિલ્મની કથા જો કોઈ શ્રીમંત નાયકની હોય તો નાયકને ફરવા માટે અથવા તો ભણવા માટે વિદેશ મોકલી દેવામાં આવે છે અને જો વાર્તા કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારની હોય તો સ્વપ્નમાં નાયક એક ગીત ગાવા માટે વિદેશ જતો રહે છે.
અહીં આપણા દિગ્દર્શકો એક ભૂલ કરી નાખે છે. તે સુંદર વિદેશી લોકેશન પર સુંદર નાયિકાના સ્વિમિંગ કોસ્ચ્યુમ અથવા ઓછા કપડામાં નાચતા શૂટ કરીને લાવે છે. હવે દર્શકોની નજર નાયિકાના શરીર પરથી હટે તો તેઓ ફિલ્મના સુંદર લોકેશનને જુએને. સુંદર લોકેશન અને અર્ધનગ્ન નાયિકામાંથી પસંદગીનો મોકો આવે તો આપણો ભારતીય દર્શક સ્પષ્ટ કહી દે છે કે ‘લોકેશન ગઈ ભાડમાં, આપણે તો નાયિકાને જોઈશું’. આવા સમયે નિર્માતાના વિદેશી લોકેશન પર કરવામાં આવેલો ખર્ચો પાણીમાં જતો
રહે છે.
ઈગો પ્રોબ્લેમ
આમ તો ઈગોનો પ્રોબ્લેમ સામાન્ય રીતે મોટા લોકોમાં જોવા મળતો હોય છે, પરંતુ ફિલ્મી સિતારાઓમાં તો આ પ્રોબ્લેમ થોડો વધારે જ હોય છે. આને પગલે જ તેઓ કેટલાક કલાકારો સાથે કામ કરતા નથી. આના પર પણ કોઈ સનકી નિર્માતા બે પરસ્પર વિરોધી કલાકારોને સાથે સાઈન કરી નાખે તો પછી તે નિર્માતાનુું, તે ફિલ્મની વાર્તાના અને છેવટે એ ફિલ્મનો ભગવાન જ માલિક હોય છે.
એક ફિલ્મમાં એક મોટા કલાકારને એક છ મહિનાના બાળક સાથે શોટ આપવાનો હતો. હવે બાળક તો બાળક જ હોય છે, બાળકના હસવાનો સીન લેવાનો હતો અને તેને હસવું આવતું નહોતું. તેને હસાવવાની કોશિશ કરવામાં આવી અને તેમાં એ બાળકે કલાકારના ખોળામાં સૂ-સૂ કરી નાખ્યું. એક્ટરના ઈગોને મોટો આઘાત લાગ્યો હતો. તેણે એ જ વખતે જાહેર કરી નાખ્યું કે હવે તેઓ આ બાળક સાથે કોઈપણ ફિલ્મમાં કામ કરશે નહીં. કલાકારના ઈગોને કારણે એક બાળકને ફિલ્મમાંથી કાઢી નાખવો પડ્યો હતો. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)