ઉત્સવ

વલો કચ્છ : સમર્પણનું પ્રતીક: સજણકુંવરબા

-ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છની પવિત્ર ભૂમિ અનેક શૂરવીરો અને સતી સ્ત્રીઓની ગાથાઓથી સમૃદ્ધ છે, જે પાળિયાઓના રૂપમાં અમર થઈ છે. આવા જ એક પાળિયા પાછળની કથા છે, મેડતાની રાજકુમારી સજણકુંવરબાની, જે પ્રખ્યાત સંત કવયિત્રી મીરાંબાઈની ભત્રીજી હતાં, અને કચ્છના કુંવર જિયોજી (જેહોજી) સાથે જોડાયેલી છે.

કચ્છના મહારાવ ભારમલ્લજી પહેલાને તેમના સંતાનોના બાલ્યાવસ્થામાં અવસાનનું દુ:ખ સતાવતું હતું. એક યોગનિષ્ઠ બ્રહ્મચારીના માર્ગદર્શન અનુસાર, તેમને પુણ્ય કર્મો વધારવાનું કહેવામાં આવ્યું અને મહારાવે ભલાઈના વિવિધ કામો
સાથે સુવર્ણરાયનું મંદિર પણ બંધાવ્યું. જેના શુદ્ધ પ્રભાવથી તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જેનું નામ જિયોજી રાખવામાં આવ્યું. ઘણી જગ્યાએ જેહોજી નામ તરીકે પણ ઉલ્લેખ કરાયો છે. જિયોજી તેમના દાનશીલ સ્વભાવ અને કીર્તિ માટે બાળપણથી પ્રસિદ્ધ બન્યા હતા, જેની ખ્યાતિ મેડતાના શાસક જેમલજી રાઠોડ સુધી પહોંચી. જેમલજીએ પોતાની પુત્રી સજણકુંવરબાના લગ્ન જિયોજી સાથે નક્કી કર્યા.

રાવ જોધાના પુત્રો અને તેમના શાસનો વિશેની માહિતી ઐતિહાસિક સ્ત્રોતોમાં ઉપલબ્ધ છે. રાવ જોધાના ચાર પુત્રો: બિકાજી (બિકાનેરના સ્થાપક), સતલ (મારવાડના શાસક), બીડા (બિડાસરના શાસક), અને રાવ દુદાજી (મેડતાના શાસક) તરીકે ઓળખાય છે. રાવ દુદાજીના પુત્ર વિરમદેવ બાદ તેમના વંશજ જયમલ્લ સિંહ રાઠોડ મેડતાના શાસક બન્યા હતા. સંત કવયિત્રી મીરાંબાઈ, જે રાવ દુદાજીના અન્ય વંશજ હતા, તેઓ જયમલ્લ સિંહ રાઠોડના પિતરાઈ બહેન હતા.

આ પણ વાંચો: વલો કચ્છ: જાગીને જો ‘તેજ’, સુખ એટલે તારામાં તું

લગ્નની આણાની વેલ કચ્છ તરફ આવી રહી હતી ત્યારે જિયોજી અચાનક ગંભીર બીમારીથી ગ્રસ્ત થયા અને પધ્ધર નજીક તેમનું અવસાન થયું. આ દુ:ખદ સમાચાર સાંભળ્યા બાદ, સજણકુંવરબાએ રાજપૂત પરંપરા અનુસાર સતી થવાનું નક્કી કર્યું અને છતરડી ખાતે સતી થઈ. (પુસ્તક: સ્વ. દુલેરાય કારાણીનું ‘કચ્છ કલાધર’) આ ઘટનાની સ્મૃતિરૂપે છતરડીમાં પાળિયો સ્થાપિત કરવામાં આવ્યો, જેમાં લખાણ છે: ‘સંવત 1677 વર્ષ ચૈત્ર સુદ 13 સોમવારે કુઅર શ્રી જેહોજીની ભાર્યાબાઇ સજણકુંવરબાઈ રાઠોડ મેડતાના શ્રી જેમલજી સુત મેડતા દુદાજીની દીકરીએ સહગમન કીધું.’ આ પાળિયો આજે પણ તૂટેલી હાલતમાં છે, પરંતુ અંદર ચાર પાળિયા જોવા મળે છે, જે આ ઘટનાની સાક્ષી
આપે છે.

સજણકુંવરબાનું સતી થવું, સ્ત્રીઓની પતિ પ્રત્યેની અખંડ ભાવના અને સમર્પણનું ઉદાહરણ છે. આ ઘટના કચ્છ અને રાજસ્થાન વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોની ઝાંખી પણ કરાવે છે, જેમાં રાજપૂત પરિવારોએ પરસ્પર સંબંધો સ્થાપિત કર્યા હતા. સજણકુંવરબાનું આ ત્યાગ અને સમર્પણ આજે પણ સન્માન અને સ્મૃતિમાં જીવંત છે.

ભાવાનુવાદ: કચ્છજી પવિતર ભુમિ તે કિઇક સુરવીર નેં સતીએંજી ગાથાઉં સુણાયમેં અચેત્યું, જુકો કિતક પારીયેંજે રૂપમેં અમર થિયું ઐં. એડ઼ા જ હિકડ઼ે પારીયે પૂંઠીયાજી કથા આય, મેડતાજી રાજકુમારી સજણકુંવરબાજી, જુકો પિરખ્યાત સંત કવયિત્રી મીરાંબાઈજા ભાતરઇ હોઆ, નેં કચ્છજા કુંવર જિયોજી (જેહોજી) ભેરી જુડ઼લ આય.

આ પણ વાંચો: વલો કચ્છ : લોકગીતોમાં હાસ્ય રસ

કચ્છજા મહારાવ ભારમલ્લજી પેલેકે ઇનીજે બારેંજા નિંઢપણમેં જ ગુજરી વિઞેંજો ડુખ પીંછો ન છડંધો નં વો, તડેં હિકડ઼ા સાધુજે ચે અનુસાર, ઇનીકે પુન વધારેજો ચેં મેં આયો નેં રાવ ભલાઈજે કમેં ભેરો સુવર્ણરાયજો મિંધર પ ભનારાયો હો. ઇનીજે ડાનપુનસે રાણીજો ખોરો ભરાણો નેં પુતરજો નાંલો જિયોજી રખેમેં આયો. કિતક જેહોજી નાંલો ગિનાજેતો. જિયોજી નિંઢપણનું જ ડાતારી જે લિધે પિરખ્યાત ભની વ્યા વા, નેં હી વખાણ ઠેઠ મેડતાજા રાજા જેમલજી રાઠોડ તઇં પુજંધે ઇની પિંઢજી ધી સજણકુંવરબાજા વીંયા જિયોજી ભેરા કરેજો નિકી ક્યોં હો.

રાવ જોધાજે વંસવેલેજી નોંધ ઇતિયાસજે પનેતેં નોંધલ ઐં. ઇનીજા ચાર પુતર: બિકાજી (બિકાનેરજા થાપક), સતલ (મારવાડજા શાસક), બીડા (બિડાસરજા શાસક), ને રાવ દુદાજી (મેડતાજા શાસક). દુદાજીજા કુંવર વિરમદેવ નેં ઇનીજા પુતર સે સજણકુંવર્બાજા પે જયમલ્લસિંહ રાઠોડ પૂંઠીયાનું મેડતાના શાસક ભન્યા વા. સંત કવિયત્રી મીરાંબાઈ, ઇ પણ દુદાજીજા ધીયારુ ઇતરે જયમલ્લસિંહજા ભેંણ.

આણેજી વેલ કચ્છ કુરા અચી રિઇ હૂઇ તેર ઓચીંધે જિયોજી ભિમાર પ્યા નેં પધ્ધર ગોઠ દીયે ઇનીજો અવસાન થ્યો. હિન ડુખ કે સોણંધે જ, સાંવરે વારેકે સમાચાર ડિઇ વેલ પાચી ખને વિઞે જો ચેમેં આયો પ સજણકુંવરબા પાછા વિઞેંસે ના ક્યોં નેં કુંવર પૂંઠીયા સતી ભન્યા. (પુસ્તક: સ્વ. દુલેરાય કારાણીનું ‘કચ્છ કલાધર’) સજણકુંવરબાજો સતી થીણું, બાઇયેંજી પિંઢજે વર લા કરે સમર્પણ હી વડો ધાખલો આય. હી કિસ્સો કચ્છ નેં રાજસ્થાન વિચ સાંસ્કૃતિક ને સામાજિક સંબંધેજી જાંખી કરાયતો. સજણકુંવરબાજો હી ત્યાગ ને સમર્પણ અજ પ સન્માન ને સમરુતિમેં જીવંત આય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button