વલો કચ્છ: લતાજીને કચ્છી બોલી ખૂબ મીઠી લાગતી

-ડૉ. પૂર્વી ગોસ્વામી
છઠ્ઠી ફેબ્રુઆરી 2022ના સૂરોની રાણી લતા મંગેશકરજીની વિદાયથી સમગ્ર ભારત દેશ ગમગીન બન્યું હતું. કચ્છ સાથે એમની યાદો વાગોળતાં આજે લખવાનું નિમિત્ત બન્યું છે. લતાજીનાં માતા ગુજરાતી હોવાથી તેઓનો ગુજરાત સાથે તો નાતો હતો જ, કચ્છ સાથે પણ સીધા કોઈ સંબંધ ભલે ન હોય, પણ અનેક કચ્છીઓ સાથે એમનો ઘરોબો હતો.
તેમના ચાહનારાઓમાં સમગ્ર ભારત હોય તો કચ્છ કેમ બાકાત રહે! આ જ દીવાનગીના લીધે કચ્છ સાથે અનેક પ્રસંગો એવા હતા જેના થકી લતાજીએ કચ્છને પણ યાદ કરેલ. વિવિધ 35થી વધુ ભાષામાં ગીત ગાયાં બાદ કચ્છીમાં પણ એક ગીત ગાવાની એમની ગુપ્ત ઇચ્છા પૂરી ન થઈ શકી.
ભારતરત્ન લતાજીએ કચ્છના કુંદરોડી ગામના પણ પાછળથી મુંબઈમાં સ્થાયી થયેલ જૈન વણિક વ્યાપારી વીરજી પ્રેમજી શાહ અને હંસબાઈ વીરજી શાહના પુત્રો કલ્યાણજી આણંદજી સાથે 1956થી 1994 સુધીની હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. હિંદી ચલચિત્ર જગતની સંગીત-દિગ્દર્શક જોડી પૈકીના કલ્યાણજીએ કુમારાવસ્થામાં પાષાણ-તરંગ નામનું પથ્થરનું વાદ્ય બનાવીને કચ્છના મહારાજની પ્રશંસા મેળવી હતી.
વિનમ્ર અને નિરાભિમાની એવાં લતાજી સાથે સંગીતકાર બેલડીનો પચાસ વર્ષ જૂનો નાતો એ કચ્છ માટે ગૌરવપ્રદ યાદ છે. દીદીએ કોરા કાગઝ માટે જે ગીત ગયું હતું તેમાં બેસ્ટ સંગીત આપવા બદલ બેલડીને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો.
અન્ય એક કચ્છ મૂળના કલાકાર ઓસમાણ મીરને લતાજી કહેતાં કે, ‘આપ દિલ સે ગાતે હો. ઔર જો દિલ સે ગાતા હૈ ઉસકી આવાજ લોગો કે દિલ તક જરૂર પહોંચતી હૈં.’ ઓસમાણભાઈએ ‘બેદર્દી તેરે પ્યાર મેં દિવાના કર દિયા’ ગીત લતાજીને સમર્પિત કર્યું હતું. તેમનો કચ્છમાં કોઈ પ્રવાસ તો નથી થયો, પણ કળાના માધ્યમે કચ્છ દીદી સુધી પહોંચ્યું છે. જેમાં કચ્છના મડવર્કનાં કારીગર ફરીદાબહેન અબ્દુલ છડીદારને તેમણે વર્ષ 2015માં ફોન કરી મુંબઈ ખાતે રૂબરૂ મળવા બોલાવ્યાં હતાં.
ફરીદાબેન લતાજીના અદમ્ય ચાહક છે, તેમણે લતાજી વિશે અનેક કવિતા અને ગઝલો તૈયાર કરી છે. તેમણે પોતાની કળાના માધ્યમથી પણ લતાજી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરેલો જેને નિહાળી લતાજી ખૂબ ખુશ થયેલાં. ફરીદાબહેને લતાજીના ચિત્રવાળી તથા તેમના વિશે લખેલી કવિતાવાળી મડવર્કની ફ્રેમ તેમને આપી હતી જેને દીદીએ ઓટોગ્રાફ આપીને યાદગીરી સ્વરૂપે ફ્રેમ પરત કરી હતી. આ ફ્રેમ હજુ પણ ફરીદાબેને સાચવી રાખી છે.
ભાવાનુવાદ: છ ફેબ્રુઆરી 2022 જો સૂરજી રાણી લતા મંગેશકરજી વિડાયસે સજો ભારત ડેસ ગમગીન ભની વ્યો હો. કચ્છ ભેરી ઇનીજી જાધગીરીસેં અજ઼ લખેજો થ્યો આય. લતાજીજા મા ગુજરાતી હૂંધે જે કારણ ઇનીજો નાતો ગુજરાત ભેરો ત હો જ, કચ્છ ભેરા ઇનીજા સિધાં કો સંબંધ ભલે ન વે પ કિઇક કચ્છીએં ભેરો ઇનીજો અતૂટ નાતો હો. ઇનીજે ચાહકવર્ગમેં કચ્છ ભલા કીં બાકાત રેં! હિન લગાવ જે લિધે જ અમુક પ્રિસંગ એડ઼ા થ્યા વા જુકો લતાજીકે કચ્છજી જાધ ડેંરાય વે. પાંતરી કનાં વધુ ભાષામેં ગીત ગાતેવારા લતાજીકે કચ્છીમેં પ હિકડ઼ો ગીત ગાતેજી ઇચ્છા વિઇ જુકો પૂરી ન થિઈ.
કચ્છજે કુંદરોડી ગોઠ્મેં નેં પૂંઠીયાનું મુંભઈ સ્થાઇ થેલ જૈન વણિક વેપારી વીરજી પ્રેમજી શાહ ને હંસબાઈ વીરજી શાહજા પુતર કલ્યાણજી-આણંદજી ભેરા 1956 સેં 1994 તંઇ હિન્દી ફિલ્મોમેં સંગીત ડીંનોં હો. હિંદી ચલચિત્રજગતજી સંગીત-દિગ્દર્શક કલ્યાણજી નિંઢપણમેં ‘પાષાણ-તરંગ નાંલેજો પાયણેજો વાજો ભનાયને કચ્છજે મહારાવજા વખાણ કમાયા હોઆ. વિનમ્ર ને નિરાભિમાની એડ઼ા ભારતરત્ન લતાજી ભેરો સંગીતકાર બેલડીજો પંજા વરે જૂનો નાતો ઇ કચ્છજે માટે ગૌરવપ્રદ જાધ આય. દીદીજો ગાતલ ‘કોરા કાગજ…’ ગીતમેં બેસ્ટ સંગીત ડે ભદલ બેલડીકે રાષ્ટ્રીય એવોર્ડ જુડલ હો.
અનાં હિક઼ડા પ્રિખ્યાત કચ્છ મૂરજા કલાકાર ઓસમાણ મીરકે લતાજી ચેંવે ક, ‘આપ દિલ સે ગાતે હો. ઔર જો દિલ સે ગાતા હૈ ઉસકી આવાજ લોગો કે દિલ તક જરૂર પહોંચતી હૈ.’ ઓસમાણભા ‘બેદર્દી તેરે પ્યાર મેં દિવાના કર દિયા’ ગીત લતાજીકે અર્પણ કયો હો.
દીદીજો કચ્છમેં કો પ્રિવાસ ત નાય થ્યો, પણ કલાજે માધ્યમસેં કચ્છ દીદી તંઇ પુગ઼્યો આય. જેમેં ભુજ રોંધલ મડવર્કજા કારીગર ફરીદાભેંણ અબ્દુલ છડીદારકે ઇની વરે 2015મેં ફોન કરે મુંભઈ રૂબરૂ બોલાયા વા. ફરીદાભેંણ લતાજીજા વડા ચાહક ઐં, ઇતરે લતાજી વિશે કિઇક કવિતા ને ગઝલું લખ્યું ઐં. હિની પિંઢજી કલાજે માધ્યમસેં લતાજીલા પિંઢજો પ્રેમ વ્યક્ત કરલ હો જેંકે ન્યારી લતાજી ગ઼ચ રાજી થ્યા વા. ફરીદાભેંણ ઇનીજે ચિતરવારી તીં ઇની વિસેં લિખલ કવિતાવારી મડવર્કજી ફ્રેમ ભેટ કિઇ હુઇ જુકો ન્યારી દીદી પિંઢજો ઓટોગ્રાફ ડિઇને ફ્રેમ પાછી ઇનીકે ગિફ્ટ કિઇ હૂઇ. ઇ ફ્રેમ અનાં ફરીદાભેંણ વટ સાચવલ આય.
લતાજીની આસપાસ રહેતા લોકોમાં કચ્છીઓનો પણ સમાવેશ થતો હતો એટલે તેમને કચ્છી બોલી ખૂબ મીઠી લાગતી. અને અંતે ફિલ્મ ‘કિનારા’ના લતાજીએ જ ગાયેલા ગીતના શબ્દો સાદર,