ઉત્સવ

વલો કચ્છ : લોકગીતોમાં હાસ્ય રસ

-ડૉ. પૂર્વી ગોસ્વામી

દરેક વ્યક્તિને હસતો ચહેરો ગમે છે. એવું પણ કહેવાય છે કે હાસ્ય એ શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓનો વિકાસ કરે છે. માનવજીવનનું આ સુખદ ટોનિક છે જે દુ:ખ, પીડાને ભુલાવવા કે દૂર કરવા ઉપયોગી સાબિત થાય છે. શોકગ્રસ્ત હૃદયનો ભાર હળવો કરતા હાસ્યનો સમાવેશ કચ્છી લોકગીતો મજા પડે એ રીતે થયેલો છે.

વિવાહ એ જીવનનો સૌથી રોચક મુદ્દો છે. વિવાહ પહેલા અને પછી બંને અવસરે અનેક ભાવો ઉત્પન્ન થતા હોય છે જેનાથી આપણને લાગે કે જીવન ખરેખર રંગીન છે. ક્યારેક અંધારિયા' ભાવો તો ક્યારેકઉજ્જવળ’ ભાવો. અમુક પ્રકારનાં લોકગીતોમાં વિવિધ પ્રકારની રમૂજ કે કટાક્ષ હોય છે જેમકે, પતિ-પત્નીના ઝઘડા, સ્ત્રી કે પુષના મોહ, ઘરમાં સમસ્યાઓ, કોઈ ચોક્કસ વસ્તુ મેળવવા માટે બહાના બનાવવા, ગીતો અભિનય વગેરે દ્વારા હાસ્યથી પરિપૂર્ણ ગીતો ગવાતાં હોય છે. એવો જ એક ફટાણાને માણીએ,

મો મંઢરો તા ન્યાર, પટ્યો ગારીયું તો ડે
જ વિઞાઅં ભજાર ત કરે વિઠો આજાર…. મંઢરો તા
જિત વિઞા પાણી ત કરે વિઠો જાણી…. મંઢરો તા
જ ખણા હાંઢો ત જોરે વજે ભાંઠો …. મંઢરો તા
જ આવઇયું ફુઇયું ત હણે વિઠો સુઇયું …. મંઢરો તા
જ આયા મામા ત ખાઇ વ્યો આમા…. મંઢરો તા
-રામબાઈ નથુ, કાઠડા- માંડવી પાસેથી મેળવેલ ગીત


આ હાસ્ય ગીતમાં, એક પરિણીત બેમેલ થયેલા લગ્નના દુ:ખને દૂર કરવા માટે આવાં ગીતો ગાય છે. આ ગીતમાં મંઢરો મતલબ લંગડો પતિ કઈ રીતે પત્નીને પરેશાન કરે છે તેનું વર્ણન છે. તેને બજાર જવું છે તો પરોક્ષ બહાના હેઠળ રોકી લે છે. પત્નીને પાણી ભરવા જવું છે તો એની કમર તોડી નાખે છે. તેની ફઈ મળવા આવે છે તો મેણાં મારે છે અને મામા આવે છે તો સઘળા આંબા ખાઈ જાય છે. મતલબ પરોક્ષ હરકતો દ્વારા તે પત્નીને કઈ રીતે પજવે છે તેનું વર્ણન જોવા મળે છે. કોઈનાથી પરેશાન થવું એ પણ પ્રેમનું એક સ્વરૂપ માનવામાં આવે છે. અને એ મીઠો સંઘર્ષ કચ્છના લોકગીતોમાં હાસ્યની લહેર ઉપજાવે છે.

ક્યારેક સ્વપ્નમાં કંઈક સાં (મીઠાઈ) ખાવાનું મન થાય છે. તે સ્ત્રી કદાચ સાસુ પાસેથી આવી સ્વાદિષ્ટ મીઠાઈ માગતા ન આપે તે ડરથી તે પોતાની સાસુ પાસે પેટના દુખાવાના બહાને મીઠાઈ કે બજારનું સાં ખાવાની માગણી ગીતમાં રજુ કરે છે. `પેટસુર’ એટલે કે પેટમાં દુખાવો.

આઇયલ મા, પેટ ડુખે, ધોરો પી ધોરો
જીંજલ મા, પેટ ડુખે, ધોરો પી ધોરો
હુ ચેતી ધોરો ખા, કોઈ નતી ચે જલેબી ખા
કોઇ નતી ચે હલવો ખા, આઇયલ મા, પેટસૂર ધોરો પી….
-મારિયાબાઈ હાજી વાઘેર, કાઠડા માંડવી પાસેથી મેળવેલ ગીત.

આમ, જલેબી કે હલવા જેવી સ્વાદિષ્ટ વાનગીઓના નામ રાખીને ગીત લખાયું છે. ગીતનો અર્થ આ પ્રમાણે છે કે, એક સ્ત્રી તેની સાસુને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ધોરો (દહીં) પીવાનું કહેવામાં આવે છે. તેને આ ઈલાજ પસંદ નથી. તે કહે છે કે, સહુ મને ધોરો પી, ધોરો પી કહે છે કોઈ મને જલેબી કે હલવો ખાવાનું કહેતું નથી. અંતે નણંદ કહે છે કે ભલે હલવો ખાવાની છૂટ મળે છતાંય દહીં તો ખાવી જ પડશે. આમ, બે પેઢીઓ વચ્ચેના વૈચારિક મનોભાવનો ફરક સ્પષ્ટ થાય છે.

આનંદ કે ઉજવણીના સમયમાં, સ્ત્રીઓ ક્યારેક અભિનય પણ કરી લેતી હોય છે. તેમની સામાજિક મર્યાદાને ધ્યાનમાં રાખીને એ ઈચ્છે છે કે આનંદના ઉત્સવને શાંતિથી માણે. આવી ઘટનાઓ ખાસ કરીને રાત્રિ જાગરણના પ્રસંગે અને લગ્ન સમયે જોવા મળે છે. શું રાત કોઈ આનંદપ્રદ વસ્તુ વિના પસાર થઈ શકે? આ અભિનય ગીત એ પ્રસંગો દીપાવી દે છે. એક સુંદર ગીતમાં સ્ત્રી પોતાના બાળક (જે જવાબદારીના ભાગરૂપ છે) ને સંબોધીને ગાય છે.

સુમી રો મુંજા હબીબડ઼ા રે, અજ મુંજો આનંધજો ડીં આય
સુમી રો મુંજા છપ્પર પગા રે, અજ મુંજો આનંધજો ડીં આય
તોજી ફુઇ અચીંધી ને ફુયાડો ગઞિ અચીંધી,
વાલા તોકે રે પેરાઇંધી, સુમી રો મુંજા છપ્પર પગા રે.
તોજી માસી અચીંધી ને માસીયાડો ગઞિ અચીંધી
મીઠા તોકે પેરાઇંધી, સુમી રો મુંજા ગુગરિયારા રે.
તોજી કાકી અચીંધી, રમકડા ગઞિ અચીંધી,
વાલા તોકે રમાઇંધી, સુમી રો મુંજા છપ્પર પગા રે.
તોજી માસી અચીંધી, મોસારો ગઞિ અચીંધી
ચાગલડા તોકે પેરાઇંધી, સુમી રો મુંજા લખણ્વારા રે…
-ઝુલેખાબાઈ અબદુલ્લા લંઘા, ભુજ દ્વારા મેળવેલ ગીત

આ એક અભિનય ગીત હોવાથી, તેને અભિનય સાથે ગાતા હોવાથી લગભગ નાટક જેવો અનુભવ થાય છે. લગ્નોમાં મજાકનો સતત પ્રવાહ ચાલુ રહે છે. આખી રાત જાગતા રહેવા માટે સ્ત્રીઓ કોઈને કોઈ પ્રયાસો કરતી હોય છે જેથી રાત હાસ્યપૂર્વક પસાર થાય. વિશેષત: મુસ્લિમ જ્ઞાતિમાં લગ્નની આગલી રાત્રે ગીતો દ્વારા સમય પસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે લંઘા જ્ઞાતિની સ્ત્રીઓ આ અભિનય બખૂબી કરતી હોય છે. અહીં બાળકોને અલગ અલગ ઉપમા આપીને વેળાસર સૂઈ જવા કહેવામાં આવે છે જેનાથી તે રાત્રિની હાસ્ય રમઝટને સારી રીતે માણી શકે. છપ્પરપગા જેવી ઉપમાઓ લોકોને હસાવવા માટે આપવામાં આવી છે. તે તેના બાળકને સૂતા રહેવાનું કહે છે તો જ તે પોતાનું ઘર અને બહારનું કામ પૂર્ણ કરી શકશે. બાળકના જન્મની ખુશીમાં, સગાંવહાલા જેમકે કાકી, માસી, મામી વગેરે બાળકને તેના જન્મની ખુશીમાં કંઈકને કંઈક આપે છે. જેમાં બાળકના ઘરેણાં, રમકડાં, કપડાં વગેરે ભેટ તરીકે અપાય છે.

આપણ વાંચો:  ભુજના રામમંદિરમાં રામનવમીની ધામધૂમઃ કલાકારો કેન્સવાસ પણ ઉતારે છે આ મંદિરને

આવાં લોકગીતોમાં, સૂક્ષ્મ સામાજિક વર્ણન દ્વારા હાસ્ય અને વ્યંગનું સ્વરૂપ ઊભરી આવે છે. જે રમૂજ કે વ્યંગ દ્વારા વ્યક્તિના પાત્રને અકુદરતી બનતા અટકાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button