વલો કચ્છ: કચ્છની સ્વાદિષ્ટ દાબેલી
-ડૉ. પૂર્વી ગોસ્વામી
ટંકના ભોજનની ગરજ સારતી દાબેલીની કચ્છ જ નહીં પરંતુ કચ્છ બહાર પણ કચ્છીઓએ જ્યાં પોતાનું અલગ કચ્છ ઊભું કર્યું છે ત્યાં પણ બોલબાલા છે. આ દાબેલીનો સ્વાદ લાવવા ભલભલા હાથ અજમાવે પરંતુ જો એ કચ્છી ન હોય તો તે દાબેલીનો સ્વાદ ઉપજાવી નથી શકતા, કારણકે એક કચ્છી જ જાણે છે ‘
ડબલરોટી’ (દાબેલી)નો અસલ સ્વાદ. પાંઉ (બ્રેડ)ને વચ્ચેથી કાપીને તેમાં ચટણી, મસાલાવાળા બટાટાનું શાક, મસાલાવાળા સીંગદાણા ભરો એટલે બની ગઈ દાબેલી. આમ, બનાવવામાં સાદી સરળ છતાંય પણ સ્વાદપારખું પહેલા જ કોળિયે પારખી જાય કે આ અસલ કે નકલ! બે રૂપિયામાં મળતી દાબેલી હવે 20 થી 60 રૂપિયામાં અવનવી વેરાયટી સાથે મળવા લાગી છે.
કચ્છના અમુક દાબેલીવાળા તો એટલા પ્રખ્યાત છે કે લારી લાગે એથી પહેલાં દસેકની તો લાઈન લાગેલી હોય અને વળી વેપારીઓ પણ અમુક તો 2 થી 5 કલાક દાબેલી પીરસે એટલામાં તો એમની આખા દિવસની કમાણી થઇ જાય અને માલ પણ ખતમ. માત્ર દાબેલીના આ લારી વેપારમાં ગાડી -બંગલા બનાવી લીધાના અનેક ઉદાહરણો અહીં જોવા મળે છે.
અને અમુકે તો એવા તૈયાર સૂકાં મસાલા બનાવ્યાં છે જે બટાકાના શાકમાં નાખીને પાંઉ પર લગાવીને કોઈ પણ ઘરે દાબેલી બનાવી શકે છે પરંતુ લારી પરની દાબેલીની લિજ્જત માણવાની મજા જ કંઈક ઔર છે!
માયાળુ માંડવીના મોહનભા બાવાજીનું નામ લેવાય એટલે તરત કચ્છીના મોઢે સૂર રેલાય કે આ તો દાબેલીના જનક. શરૂઆતમાં મોહનભા માંડવીમાં જી. ટી. હાઈસ્કૂલ પાસે થાળીમાં મસાલાવાળા બટાટા વેંચતા. સમયાંતરે આ બટાટા બ્રેડની અંદર દાખલ થયાં અને નવું સ્વરૂપ આવ્યું ‘દાબેલી’ તરીકેનું. જ્યારે એક નિરાશ્રિત હિન્દુ સિંધીએ માંડવીમાં બેકરી કરી હતી એમણે મોહનભાને બ્રેડથી અવગત કરાવ્યા અને મસાલો ભરીને મોહનભા દ્વારા નાસ્તા તરીકે લોકો સમક્ષ જે અજમાયસ થઇ તે આજે ધૂમ મચાવે છે.
ભુજમાં માંડવી ડબલરોટીવાળા તુલસીદાસ, પહેલાં માંડવીમાં પસ્તીનો ધંધો કરતા હતા. પછી ભુજ ગયા અને દાબેલીમાં જામી ગયા. તેના ભાઈ વિઠ્ઠલદાસે મુંબઈમાં સૌપ્રથમ મુલુન્ડમાં દાબેલીની ગાડી કાઢી. પછી ઘાટકોપરમાં શીરવાના નાનજીએ અને વડગાડીમાં મહેશે શરૂ કરેલી. ભાજીરોટી, મસાલા પાંઉ, ડબલ રોટી અને ફરાળી દાબેલી જેવા વિવિધ નામો અને સ્વાદ સાથે દાબેલીએ એક સ્વતંત્ર ઓળખ નાસ્તા બજારમાં ઊભી કરી દીધી છે.
આ દાબેલીની પ્રસિદ્ધિ એટલી છે કે એકવાર માંડવીના સુરેશભાઈ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગાભા રોટીવાળાને ગાંધીનગર બોલાવી આ દાબેલીનો સ્વાદ ત્યાંના અનેક ધારાસભ્યોને ચખાડેલો. (સાભાર: નારાયણ શનિશ્વરા)
ભાવાનુવાદ: હિકડ઼ો ટકજે જિમણજો ગરજ સારંધી ડબલરોટી કચ્છ જ ન પ કચ્છ બારા પ જિત કચ્છી પિંઢજો આઉગો કચ્છ ઊભો ક્યો આય ઉત બોલબાલા આય. હી ડબલરોટીજો સવાડ ગ઼િનેલા ભલે કો પ હથ અજમાઇયે પ અગર ઇ કચ્છી ન વે ત ડબલરોટીનો સવાડ ઉપજાય નતો સગ઼ે, કુલા ક હિકડ઼ો કચ્છી જ જાણેતો ‘ડબલરોટી’જો અસલ સવાડ. પાંઉ (બ્રેડ)કે વિચ મિંજાનુ કપીને તેમેં ચટણી, મસાલેવારા ભાટાસેજો સાગ, મસાલેવારા સીંગા ભરીયું ઇતરે ભની વિઈ ડબલરોટી. હીં ભનાયમેં સાવ સરડ઼ ત પ સ્વાડપારખું પેલે જ ગટેમેં પારખી વિઞે ક ઇ અસલ સવાડ આય ક નકલ! બ રૂપિયેમેં જુડંધી ડબલરોટી હાણે 20 સે 60 રૂપિયેમેં નિડારી નિડારી વેરાયટીમેં મિલેતી.
કચ્છજા અમુક ડબલરોટીવારા ત ઇતરા પ્રિખ્યાત ઐં ક લારી લગે હુન પેલા ત ડોયારોકજી લાઈન લગી વિઇ વે વરી વેપારી પણ કોક ત બો-પંજ કલાક ડબલરોટી પિરસે ઇતરેમેં ત ઇનીજી સજ઼ે ડીંજી કમાણી થિઇ વિઞે ને માલ પણ ખતમ. ખાલી ડબલરોટી જે હી લારીવેપારમેં ગાડી -બંગલા ભનાઇ ગિનેજા કિઇક ધાખલા હિત ન્યારેલા મિલેંતા.
માયાલુ મડઇને મોહનભા બાવાજી નાંલો ગ઼િનાજે તીં ભેરો કચ્છીએંજે મોઢેતે સૂર રેલાજે ક હી ત ડબલરોટીજા જનક. સરુમેં મોહનભા મડઇમેં જી. ટી. હાઈસ્કૂલ વટે થારીમેં મસાલાવારા ભટાકા વકીંધા હોઆ નેં સમય નિકરંધે હી ભટાટા બ્રેડમેં મસાલે તરીકે ધાખલ થ્યા નેં નઉં રૂપ આયો ‘ડબલરોટી’ તરીકેજો. મડઇજા હિકડ઼ા હિન્દુ સિંધી બેકરી ચાલુ કિઇ હૂઇ ઉ મોહનભાકે બ્રેડસે વાકેફ કરાયોં નેં મસાલો ભરેને મોહનભા ભરાં નાસ્તા તરીકેં માડૂ સામે જુકો અજમાયસ થિઇ ઇ અજ ધૂમ મચાયતિ. ભુજમેં માંડવી ડબલરોટીવરા તુલસીદાસ પેલા પસ્તીજો ધંધો કરીંધા વા. પોય હી ભુજ વ્યા નેં ડબલરોટીમેં જામી વ્યા. ઇનીજા ભા વિઠ્ઠલદાસ મુંભઈમેં પેલીવાર મુલુન્ડમેં ડબલરોટીજી ગાડી કઢઇ.
Also read: ઊડતી વાત: બર્ગરમાંથી નીકળેલી ઇયળનો એક્સક્લ્યુસિવ ઇન્ટરવ્યૂ
પોય ઘાટકોપરમેં શીરવાજા નાનજી નેં વડગાડીમેં મહેશ સરુ કેં. ભાજીરોટી, મસાલા પાંઉ, ડબલરોટી અને ફરાડ઼ી દાબેલી જેડ઼ે નિડારે નાંલે નેં સવાદ સેં ડબલરોટી હિકડ઼ી આઉગી છાપ નાસ્તાભજાર મેં ઊભી કેં આય. હી ડબલરોટી ઇતરી પ્રિખ્યાત ક હિક્યાર મડઇજા સુરેશભા મહેતા ગુજરાતજા મુખ્યમંત્રી હોઆ તેર ગાભો રોટીવારેકે ગાંધીનગર કુઠાઇ ડબલરોટીજો સવાડ હુતેજે ધારાસભ્યકે ચખાયવે.