વલો કચ્છ : ઐતિહાસિક ભુજિયા પર ભારતનું અત્યાધુનિક સંગ્રહાલય
ડૉ. પૂર્વી ગોસ્વામી
ભૂકંપ દિવંગતોની શ્રદ્ધાંજલિ તરીકે ઊભું કરવામાં આવેલા સ્મૃતિવન સ્મારક એ કચ્છને વિશ્વકક્ષાએ ખ્યાતિ અપાવનાર રણોત્સવ પછીની બીજી ભેટ છે, જેને ઓગષ્ટ, 2022માં લોકાર્પિત કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ લોકો મુલાકાત લઇ ચૂક્યા છે. યુનેસ્કોના મુખ્ય મથક, પેરિસ ખાતે આયોજિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલથી સન્માનિત સ્મૃતિવન હવે સત્તાવાર રીતે વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમ તરીકે સાબિત થયું છે. વિશ્વભરની કેટલીક સૌથી નોંધપાત્ર સ્થાપત્ય અને સાંસ્કૃતિક સિદ્ધિઓની સાથે ઊભા રહેવું એ કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે સન્માનની વાત છે. એશિયાનું સૌથી મોટું સિમ્યુલેટર ધરાવતું આ મ્યુઝિયમ કચ્છના વિનાશથી વિકાસ તરફની ગતિને રજૂ કરે છે.
બે દાયકા પહેલા ભયાવહ ભૂકંપે દોઢ લાખથી વધુ લોકોને ઇજાગ્રસ્ત તથા 13000થી વધુ જીવોનો ભોગ લીધો હતો. પરંતુ રાખમાંથી ખુમારીથી બેઠા થવાની તાકાત કચ્છે વિકાસ તરફની ઝડપી હરણફાળ ભરીને બતાવી અને આ બાબતનું અદ્ભુત પ્રદર્શન ઐતિહાસિક કિલ્લા પર અત્યાધુનિક ઢબે તૈયાર કરવામાં આવેલ સ્મૃતિવન મેમોરિયલમાં રજૂ કરવામાં આવ્યું છે. જેની છેલ્લાં એક વર્ષમાં સાડા પાંચ લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી સોએક જેટલા કાર્યક્રમોનાં આયોજન થયા, જેમાં મ્યુઝિક ઓન માઇક, ફોટોગ્રાફી વર્કશોપ, લાઈવ પેઇન્ટિંગ, કચ્છ સાહિત્ય ઉત્સવ તથા આર્મી વેપન એક્ઝિબિશન મુખ્ય રહ્યાં. એ પણ નોંધવું ઘટે કે, G20 સમિટની યજમાની ભારતે મેળવ્યાની પ્રથમ ઇવેન્ટ કચ્છમાં થઈ હતી, જેમાં `સ્મૃતિવન’ સમિટના સભ્યો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મ્યુઝીયમ અનેક ખાસિયતો સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભૂકંપના દિવંગતોની યાદી રજૂ કરતાં 50 ચેકડેમ શ્રદ્ધાંજલિનાં પ્રતિકરૂપે બનાવવામાં આવ્યા છે. આ સિવાય પ્રાચીન લુની સોલાર કેલેન્ડર મુજબ તૈયાર થયેલ સનસેટ પોઈન્ટ અને વિજ્ઞાન પ્રાદેશિક કેન્દ્ર તથા મિયવાકી પદ્ધતિથી તૈયાર વન આકર્ષણનું કેન્દ્ર છે. વિવિધ થીમને આધારિત 7 ગેલેરી ઉપરાંત હેંડીક્રાફટ શોપ, પાંચ હજારથી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરી, પ્રોગ્રામ હોલ ઉપરાંત રેસ્ટોરન્ટ સાથે એશિયાનું સૌથી મોટું સિમ્યુલેટર ધરાવતું મ્યુઝિયમ કચ્છના વિનાશથી વિકાસ તરફની ગતિને રજૂ કરે છે. તે ભારતનું સંપૂર્ણકક્ષાનું સંગ્રહાલય છે જેમાં ઇતિહાસ આધુનિકતાનાં સુમેળ સાથે વેદના, વિકાસ અને વિશિષ્ટતા ખૂટી ખૂટીને ભરેલી છે. આશરે 400 કરોડના ખર્ચે, 175 એકરમાં આકાર પામેલુ આ સ્મારક જાણે ભારતના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પની પરિપૂર્તિ સાચા અર્થમાં સાબિત કરી રહ્યું છે.
મોદીજી ખુદ જયારે મેમોરિયલનું ઉદ્ઘાટન કરવા આવેલા ત્યારે બોલ્યા હતા કે, `કચ્છ કોઈ સ્થાન નથી એ તો જીવતી જાગતી ચેતના છે. મને તો કચ્છના રણમાં ભારતનું તોરણ દેખાય છે, તો બીજી બાજુ 9/11 અને હિરોશીમા જેવા દુનિયાના શ્રેષ્ઠ સ્મૃતિ સ્મારકોની હરોળમાં ઊભુ રહે તેવું સ્મારક અહીં બન્યું છે.’ સ્મૃતિવનની મુલાકાત માણી ગયેલા યાત્રિકોનો પણ પ્રતિભાવ રહ્યો છે કે, સંવેદનશીલ અનુભવો રજૂ કરતી મ્યુઝિયમની ગેલેરી રૂંવાડા ખડા કરી દે છે, જે આજ સુધી અન્ય કોઈ સંગ્રહાલયમાં અનુભવવા નથી મળ્યા. ભૂકંપ સમયે થયેલ તારાજીને અનેકગણા સફળ અંશે વિવિધ પ્રોમ્પ્ટ રજૂ કરીને તે સમયની વાસ્તવિકતાને રજૂ કરવાના પ્રયાસોથી તે સમયે કરછવાસીઓ પર શું વીતી હશે તેનો આબેહૂબ અનુભવ કરી શકાય છે. એક પ્રતિભાવ તો સંસ્કૃતમાં મળ્યો હતો, જ્યારે જૈન સાધુઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી ત્યારે એમના દ્વારા મળેલ.
આ પણ વાંચો : ઊડતી વાત : ચીની ઔર ચાયપત્તી કે ડિબ્બે મેં કયાં હૈ?
મ્યુઝિયમમાં હાલ ડાયરેકટર તરીકે શ્રી મનોજ પાંડે ફરજનિષ્ઠ છે. તેમના અનુભવોમાં જણાવ્યું કે, એક દિવસમાં અઢીથી ત્રણ હજાર મુલાકાતીઓને આ મ્યુઝિયમ દેખાડવાનો રેકોર્ડ અમે બનાવ્યો છે. દિવંગતના પરિવારવાળા પૂછે તો નિશ્ચિત ચેકડેમ તરફ જવાનો રસ્તો બતાવી શકાય તે માટે દિશા નિર્દેશનની યાદી અમે પાછળથી બનાવીને મૂકી છે તથા ભૂજિયાનાં બાકીના વિસ્તારોના વિકાસ માટેનું પ્લાનિંગ હવે પછી કરાશે.’
અંતમાં ચન્દ્રવદન ધોળકીયાના કચ્છી સબધથી પોંખણાં,
ઐરાવત જે પગ જેડો, શક્તિ સર્જન હાર,
ગુંડજી ઝાકળ જો ડીશે, શોભા જેજી અપાર,
કિલ્લો આય હી કચ્છ જો, નેધાર જેજો આધાર,
એડે ભૂજીયેજી તરેટીમેં, ભૂજ નામ જો ગામ,
પુત્તર પેજી સોડમેં, વિઠ્ઠો ડિશે બેફામ !