વલો કચ્છ : એક ખાલી કોરું પેટથી એક ભરપૂર જીવન સુધીની કચ્છી યુવતીની અનોખી યાત્રા…

ડૉ. પૂર્વી ગોસ્વામી
ડો. કાયનાત
આજે ડો. કાયનાતનો દીકરો જેહાન ત્રણ વર્ષનો છે પણ વાત એના જન્મ પહેલાની છે. કાયનાતના ગર્ભધારણના સાડા ચાર મહિનામાં મિસકેરેજનો કારમો કાળ જાણે આથા દંપતી પર વરસી પડયો. હજુ પૂર્ણત: એ બાળકીનો ઘાટ ઘડાય એ પહેલાં એને કુદરતે પોતાની સેવામાં સમેટી લીધી. કાયનાતના ગર્ભધારણ કર્યા પછીના દિવસો સામાન્ય રીતે પસાર થઈ રહ્યા હતા અને ત્યાં જ અંધારી રાતનું અધુરો સપનું એ માતાના કાળજાને કંપાવી ગયું. કાયનાતની વાત માંડું એ પહેલા જરૂરી વાત, આજકાલ મિસકેરેજના વધતા કિસ્સામાં માતાએ સભાનતા કેળવવી પડશે.
ડગમગેલું માતૃહૃદય સાવ સુનપમાં દિવસો પસાર કરી રહ્યું હતું. રડતા – રડતા કાયનાત આ કિસ્સો જણાવતા બોલ્યા, ‘મારું પેટ ખાલી થઈ ગયું તો જાણે મારું જીવન પણ ખાલી થઈ ગયું, એવું લાગતું હતું.’ એ બોલ્યા, ‘હું પથારી પર પડી રહેતી, અચાનક રડવા મંડી જાઉં તો અચાનક બાથરૂમમાં જઈને ટોયલેટ ક્લીનરથી સફાઈ કરવા લાગી જતી. આ પરિસ્થિતિમાં મને જોઈને મારા પતિ રવીશ ખૂબ રડી પડ્યા. મારી જિંદગીમાં પહેલીવાર મેં તેમને રડતા જોયા હતા. બસ, પછી તો થોડી ક્ષણો પછી મને અહેસાસ થયો કે મારા લીધે સૌ તૂટી ગયા છે. આ પ્રસંગે કુદરતી રીતે જ મારામાં સાહસ આવ્યું અને હું ઉદાસીનતામાંથી બહાર નીકળતા પોતાને અને રવીશને સંભાળવા લાગી.’ એક માની દુનિયામાંથી જાણે તમામ રંગો ઊડી ગયા હતા પણ નિસંદેહ પતિની મનોદશાએ આપોઆપ એ સ્ત્રીને હિંમતવાન બનાવી દીધા. જીવનમાં આવા અનેક પ્રસંગોમાં સ્ત્રીના સાહસના, સમર્પણના કે વાત્સલ્યના કિસ્સાઓ ઘટિત થાય છે. એ પછી તો કાયનાતે બમણી હિંમત સાથે જાતને અને કામને સંભાળ્યું. નિર્મલ ભાસતું, હિંમતી હૃદય પણ નારી વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. એ પછી તો ઈશ્વરકૃપાથી જેહાને આ ખોટ પૂરી કરી દીધી છે. એક રડતી રાતમાંથી ઊગે છે સૂરજ, માતા બનેલી સ્ત્રી છે સાહસનો પુરજોશ કરજ.
કોસ્મેટીક ફીઝીશિયન ‘લેઝર લેડી’ તરીકે જાણીતા ડો કાયનાત અન્સારી આથાનું જીવન ખરેખર રોમાંચથી ભરેલું છે. માતા હરિયાણાના જાટ ને પિતા મધ્ય પ્રદેશના મુસ્લિમ છે. તો તેના પતિ કચ્છી લોહાણા અને જેઠાણી જૈન. જાણે મિની ભારત વસે છે તેમના પરિવારમાં. કોમી એકતાની મિસાલ તો જુઓ કે, તેના ઘરમાં ચાતુર્માસ ચાલતા હોય ત્યારે સૌ ચોવીઆર કરી લે, અને કાયનાતે રમજાનના રોજા રાખ્યા હોય ત્યારે તેમના જેઠાણી જ ખજૂરનું પાણી બનાવીને રોજા છોડાવતા હોય. ખુદ કાયનાત જ ઘરમાં દરરોજ સવારે મનની શાંતિ માટે હનુમાન ચાલીસા સાંભળે છે, તો તહેવારોમાં નમાજ પણ પઢે છે. વિવિધ જગ્યાએ અભ્યાસ અને નોકરી કર્યા પછી 2014માં આ દંપતી, પોતાના પરિવાર અને વતન ગાંધીધામમાં કાયમી સ્થાયી થયાં છે. અહીં તેમણે પોતાનું કોસ્મો સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ઊભું કર્યું છે. આ હોસ્પિટલ સેટ અપ કરવામાં કાયનાતે ખૂબ મહેનત કરેલી. મિસીસ ઇન્ડિયા પ્રતિયોગીતામાં પણ કાયનાતે ટોપ -8 માં સ્થાન હાંસલ કર્યું હતું. ડિસેમ્બર, 2025ના રોજ ગુડગાંવ ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેમણે મિસિસ ઇન્ડિયા સેન્ટ્રલ ઝોન, મિસિસ બ્યુટીફુલ સ્માઇલ, મિસિસ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ, મિસિસ બ્યુટીફુલ હેર સહિતના ચાર ટાઇટલ પોતાના નામે જીતીને ગાંધીધામ અને કચ્છનું નામ રોશન કર્યુ હતું. ખુશમિજાજી, હાજરજવાબી વ્યક્તિત્વ ધરાવતી કાયનાતે છેલ્લાં થોડા સમયથી પોતાને સમાજસેવાનાં વિવિધ કાર્યોમાં વ્યસ્ત કરી દીધી છે.
આપણ વાંચો: કરિયર: જોબ માર્કેટ 2025 અત્યાર જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી!
અન્ય એક માતૃત્વનો દાખલો કાયનાતના ઘરેથી તેના સાસુમાનો છે. ડો રવીશ અને કાયનાતે 2010માં આર્ય સમાજની વિધિથી લગ્ન કર્યા હતા. શરૂઆતમાં તો અબોલા બનેલા બંનેના પરિવારે સમય વીતતાં દંપતીને ખુશ જાણી લગ્ન અને બાળકો બંનેને સ્વીકારી લીધા અને આજે તેઓ સંયુક્ત પરિવારમાં એકસાથે રહે છે. આનો તમામ શ્રેય કાયનાત તેના સાસુ પુષ્પાબેનને આપે છે. કારણકે ઘણીવાર સંકુચિત માનસિકતા પરિવારમાં ગૃહિણી થકી જ પુરુષોના નિર્ણયમાં છલકતી હોય છે, પરંતુ અહીંયાં પુષ્પાબેનનો વિચાર એવો હતો કે, મારા જ્ઞાતિની આવીને મારા ઘરમાં સુખ-ચેન રહેવા દેશે જ, એવું ક્યાં નક્કી છે? દીકરા અને પરિવારની શાંતિને સર્વોપરી માનીને તેમણે બંને વહુઓને સ્વીકારી લીધા. માત્ર જન્મ આપવું માતૃત્વ નથી, પણ સંતાનસુખમાં આશા ઉગાડવી, એ છે સાચી મૉં. એક તરફ જૈન મહિલા કાંદા લસણ પણ ખાતી નથી અને બીજી તરફ બીજી વહુ માંસાહારનું સેવન કરતી હોય એ દિનચર્યા કેવી નમૂનાદાર હશે નહીં!