ઉત્સવ

વેલેન્ટાઇન્સ ડેટોકન ઓફ લવ, ટ્રેઝર ઓફ પ્લેઝર

કેન્વાસ -અભિમન્યુ મોદી

વેલેન્ટાઇન્સ ડે. ઠુઠવી નાખતી ઠંડી ગઈ અને સેન્સુઅસ સ્પ્રીંગ સજીધજીને આવી. વસંત. તહેવારોની ઋતુ અને ઋતુઓનો તહેવાર. વસંતોત્સવ. વસંતપંચમી. વેલેન્ટાઇન્સ ડે. ફાગ-હોળી-ધુળેટી. પ્રેમ, લાગણી, રોમાન્સના ઘૂંટડા પીવડાવતી ઋતુ. ફેબ્યુલસ ફેબ્રુઆરી.

વેલેન્ટાઇન્સ ડે એટલે મલ્ટી લેયર્ડ તહેવાર. એક ધાર્મિક તહેવાર. એક માર્મિક તહેવાર. એક પરંપરાગત તહેવાર. દિલી તહેવાર. એક ઐતિહાસિક તહેવાર. વૈશ્ર્વિક તહેવાર. એક ને એક રૂટિનથી કંટાળેલા પતિને કંઈક ઈન્ટીમેટ ચેન્જનો ગુલદસ્તો આપતો ઉત્સવ. ગર્લફ્રેન્ડને રીઝવવા માટે પૂરા ગુમાનથી લટ્ટુડા-પટ્ટુડા કરી આલાતરીન ખુશી આપવાનો તહેવાર. મનગમતા પાત્રને દિલના શબ્દો કહી શકવાની છૂટ આપતો તહેવાર. બાળકોને (હા, બાળકોને) ખીલખીલાટ હસાવવાનો પર્વ. પરણેલાઓનો પર્વ અને કુંવારાઓનો કામણોત્સવ.

વર્ષોથી જેની અભિલાષા હોય એ ગમતું પાત્ર ‘હા’ પાડી દે તો ઝિંદગી સિતાર હો ગઈ, રીમઝીમ મલ્હાર હો ગઈ કેમ થઇ જાય છે. અને પૈસો, પદ, પ્રતિષ્ઠા બધું હોય પણ પ્રેમ ના હોય તો તર ગયા તું સાત સમંદર, ફિર ભી સુખા મન કે અંદર રહી જવાય છે. સાલું, પ્રેમ સાથમાં તો જગ હાથમાં-ની લાગણી કેટલી આત્મવિશ્ર્વાસપ્રેરક હોય છે.

ભારતમાં એક કુટેવ એ જોવા મળે છે કે આપણું ‘ભારત્વ’ પૂરેપૂરું સમજ્યા વિના, બીજા દેશોની (ખાસ તો પશ્ર્ચિમી દેશોની) નબળી અને અધૂરી નકલ કરવાની અને પછી એનો વિરોધ કરવાની. બાકી વેલેન્ટાઇન્સ ડે, અલબત્ત બીજા નામે, વધુ ઉત્તેજનાત્મક રીતે ભારતમાં એ સમયે ઉજવાતો જ્યારે પાંચમી સદીમાં સંત વેલેન્ટાઇન જ્યાં હયાત હતા તે રોમ આવી ઉજવણી બાબતે પ્રમાણમાં જુનવાણી હતું, ઓર્થોડોક્સ હતું. બાકી જે પ્રખ્યાત ઈતિહાસ છે એ મુજબ તો સંત વેલેન્ટાઇન ચોરી-છુપીથી લશ્કરમાંના સૈનિકોના લગ્ન કરાવી આપતા કારણ કે તે સમયનો સમ્રાટ ક્લોડીયસ દ્વિતિય એવી ઘુરિયલ વિચારસરણી ધરાવતો કે પરિણીત સૈનિકોમાં પૂરતી વતનપરસ્તી ના રહે! અને સંત વેલેન્ટાઇનનું એ પાક ‘કૃત્ય’ પકડાયું ત્યારે એમને ફાંસીએ ચડવું પડ્યું. હવે આપણું ભારત વધુ સમજદાર અને ‘ફોરવર્ડ’ લાગ્યું? એની પહેલાથી વસંતોત્સવ ને વસંત ઋતુના બીજા તહેવારો ખૂબ ‘ઈરોટીકલી’ ઉજવાતા. ‘પશ્ર્ચિમી’ લોકો તો માંડ અમુક-તમુક દિવસો આવી ઉજવણી કરતા જ્યારે ભારત પ્રેમ વ્યક્ત કરવાની બાબતમાં જરા પણ છોછ ન અનુભવતું. વસંતમાં તો ‘કામદેવ’ હાજર થતા. મુખ્યત્વે ચાર તહેવારો ઉજવાતા, વસંત ખેલ, ધમર ખેલ, ફાગ ખેલ અને હોળી ખેલ. અને ચારે તહેવારો ૧૦-૧૦ દિવસ. હા, ચાલીસ દિવસો વસંતની ધમાકેદાર ઉજવણી. (પૂરક માહિતી: વસંત ઋતુ અને કામદેવ બેસ્ટ ફ્રેન્ડસ ગણાય.)
કુદરતે જ વસંતને પ્રેમની ઋતુ બનાવી નાખી. ફૂલોનો પ્રજનન કાળ. પ્રાણીઓનો મેટિંગ પિરિયડ. અને વિવિધ દેશો વચ્ચે કોઈ જોડાણ ના હોવા છતાં આ જ સમયમાં જુદા જુદા દેશોમાં સાથે ઉજવાતી આ પ્રેમઋતુ. રોમન દંતકથા પણ કેટલી રસપ્રદ છે કે પ્રેમ અને સુંદરતાની દેવી વિનસનો પુત્ર ક્યુપીડ જ્યારે મનુષ્ય એવી સાયકીના પ્રેમમાં પડે છે ત્યારે વઢકણી સાસુની જેમ વિનસ ઈર્ષ્યાભાવથી સાયકીને ક્યુપીડ સામું આજીવન જોવાની ના પાડે છે પણ પેલીથી રહેવાતું નથી અને ક્યુપીડ સામું જોવાઈ જાય છે તો સજા રૂપે આપેલી ટાસ્કમાં તે મરી જાય છે. ક્યુપીડને અફસોસ થતા તે પત્નીને જીવિત કરે છે અને પછી સાયકીને અભયજીવન પ્રાપ્ત થાય છે. આ પણ ફેબ્રુઆરી મહિનામાં. આપણાં પ્રેમસભર વસંતના ઉત્સવો વસંત ઋતુમાં. સંત વેલેન્ટાઇનને ફાંસી મળી ૧૪ ફેબ્રુઆરીએ. એકસામટું વિવિધ દેશોમાં એક જ સમયે કેટલી બધી સુઘટનાઓ ઘટી જેના પરિણામ રૂપે વેલેન્ટાઇન્સ ડેની આપણને ગિફ્ટ મળી.

ક્રિસમસ પછી સૌથી વધુ કાર્ડ્સ અપાતા હોય તો વેલેન્ટાઇન્સ ડેમાં. અને ક્રિસમસમાં સાન્તા ક્લોસ બાળકોને ગિફ્ટ આપે એ ક્ધસેપ્ટ આવ્યો એની પહેલાં વેલેન્ટાઇન્સ ડે ઉપર ફક્ત ગરીબ બાળકોને રમકડાં અને મીઠાઈઓ આપવાનો ક્ધસેપ્ટ હતો અને આજની તારીખે બ્રિટનના નોરફ્લોક વિસ્તારમાં ‘જેક’ નામનું કેરેક્ટર વેલુન્ટાઇન્સ ડેની રાતે ગરીબ બાળકોને ભેટસોગાદો દ્વારા ખુશ કરીને જાય છે. એક હજુ વધુ શોકિંગ વાત. વેલેન્ટાઇન્સ ડે પર એકલા અમેરિકામાં જ ૨૦ કરોડ ગ્રીટિંગ કાર્ડ્સની આપ-લે થાય છે એના અડધોઅડધ એટલે કે ૧૦ કરોડ કાર્ડ્સ કોણ મેળવતું હશે? પ્રિયતમાઓ? પત્નીઓ? બોયફ્રેન્ડ્સ? જી ના. માનો ય ના માનો, દસ કરોડ કાર્ડ્સ ફક્ત શિક્ષકોને જાય છે એમના વિદ્યાર્થીઓ તરફથી. હા, હેપી વેલેન્ટાઇન્સ ડે લખેલા કાર્ડ્સ સ્કૂલના સ્ટુડન્ટસ એના ટીચર્સને આપે અને લાખો પેરેન્ટ્સ એના બાળકોને તહેવાર નિમિતે ભેટ આપે. વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમનો તહેવાર, અને પ્રેમ એ કોઈ એક જ સંબંધના વાડામાં થોડીને ફીટ બેસે?

લગભગ બધા દેશોના ચર્ચમાં વેલેન્ટાઇન્સ ડે ઉજવાય છે. સામ્યવાદી વિચારસરણી વાળા ચીનમાં પણ વેલેન્ટાઇન્સ ડે ઉજવાય છે, અલબત્ત જુદા સમયે અને જુદા નામે. અરે ઈરાન જેવા કટ્ટરપંથી ગણાતા દેશમાં તો ૧૭ મી ફેબ્રુઆરીએ જાહેર રજા રાખવા માટે ૨૦૦૬થી ચળવળ ચાલે છે, તેઓ વેલેન્ટાઇન્સ ડે (અલબત્ત, જુદા નામે) ઉજવી શકે. ઈરાન કે સાઉથ કોરિયા જેવા દેશોમાં પણ પ્રેમનો તહેવાર, વહેવાર સહિત ઉજવાતો હોય તો ફ્રાંસ કે ફિનલેન્ડ જેવા ઓલરેડી રોમેન્ટિક દેશની શું વાત કરીએ.

સારું છે કે ’૯૨ થી ભારતમાં વેલેન્ટાઇન્સ ડે વધુને વધુ લોકપ્રિય થતો જાય છે. હવે તો જો કે ચોકલેટ્સ અને કાર્ડ્સ કરતાં પણ નવો જ ટ્રેન્ડ આવ્યો છે. એક સર્વે પ્રમાણે ૭૮% છોકરીઓને એના પાર્ટનર (બોયફ્રેન્ડ કે હબી) તરફથી બોટોકસની ગિફ્ટ જોઈએ છે! લો બોલો. એ જવા દો. આજની યુવાન પેઢી સિંગલ હશે કે મિંગલ, વેલેન્ટાઇન્સ ડે સેલીબ્રેટ કરશે જ, પણ તમો, આ વખતે પત્નીને કંઈક આપો. લગ્નના ૧૫-૨૦ વર્ષમાં ભલે હસીને આ નિમિતે ખાસ કશું ના આપ્યું હોય, છાપાંમાં વેલેન્ટાઇન્સ ડે નિમિતે ટચૂકડો સંદેશ લખાવી જાહેરમાં પ્રેમ વ્યક્ત કરો. એક નાનકડી ચોકલેટ કે નાનકડું અ૪ સાઈઝનું કાર્ડ આપો અને પછી એમના ચહેરાની ખુશી જુઓ. આંખોની ઠંડક અનુભવો. સોશ્યલ મીડિયાની બહાર પણ એક દુનિયા છે તે અનુભવો અને લાઈફની આખી રીધમ જ ચેન્જ થતી માણો. હેપી વેલેન્ટાઇન્સ ડે. બાય ધ વે, જન્મદિવસ, દિવાળી, સંક્રાંત જેવા ખાસ તહેવારો પર અનાથાશ્રમ-વૃદ્ધાશ્રમમાં જઈને બાળકો-વૃદ્ધ દંપતીઓને દાન અને ખુશી આપી શકાય છે તો આવું જ કંઈક વેલેન્ટાઇન્સ ડે પર કેમ ના થઇ શકે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…