મિજાજ મસ્તી -: પ્રેમ ને પ્રેત: વાસી વેલન્ટાઇન્સ-ડેનું વહાલ

સંજય છેલ
ટાઇટલ્સ:
ઈશ્ક ને ઇબ્લિસ (શૈતાન) પીછો ના છોડે. (છેલવાણી)
સંબંધોનાં ભૂત જલ્દી મરતાં નથી. ચીકણા-ચૂપડા લેખકો, વેવલા વક્તાઓ ને પોકળ કવિઓએ, પ્રેમને ‘અમર-અમર’ કહીને જેટલા રોટલા રળ્યા છે એટલા તો ત્રણે લોકનાં તંદૂરમાં યે નહીં શેકાયા હોય. ખેર, પ્રેમ ને પ્રેત વચ્ચે એક જ અક્ષરનો ભેદ છે. વળી, પ્રેમ-અફેર-તૂટેલાં લગ્નોનાં પ્રેત તો જીવનમાં ને મોતની બાદ પણ પીછો છોડે નહીં.
બુએલ મુલેન નામની આંતરરાષ્ટ્રીય કલાકાર, સ્ટેનલેસ સ્ટીલ પર કોતરણીથી કલાત્મક છબીઓ બનાવતી. મુલેન એકવાર વેકેશન પર મિશિગનમાં બહેનપણી સેલેસ્ટ હોલ્ડનને ત્યાં રહેવા ગયેલી. સેલેસ્ટનું ઘર ખૂબ વિશાળ પણ આસપાસ કશું જ નહીં. છૂટાછેડાં લીધેલી સેલેસ્ટ, 4 મહિનાની દીકરી અને આયા સાથે ત્યાં સાવ એકલી રહેતી. પણ… પણ.. એ ઘરમાં આયા કે નોકરો, કોઇ રાત રોકાવા તૈયાર નહોતું થતું, કારણ કે સૌએ ત્યાં કોઇ ભૂતને ફરતાં જોયેલું. જો કે સેલેસ્ટ, આ બધામાં માનતી નહોતી.
એકવાર સેલેસ્ટે પોતાની કલાકાર મિત્ર મુલેનને કહ્યું, ‘તું તારા પતિને પણ અહીં રહેવા બોલાવને?’ પછી મુલેન પતિને પત્ર લખવા બેઠી. જ્યારે મુલેન પત્રમાં સેલેસ્ટનું સરનામું લખી રહી હતી ત્યારે એને લાગ્યું કે કોઈએ એનો હાથ પકડી રાખ્યો છે પછી અચાનક એક અદૃશ્ય હાથે મુલેનનો હાથ પકડીને પત્રમાં લખાવ્યું:
‘સાવધાન. જેકથી સાવધાન…’
જેક એ મુલેનની સખી સેલેસ્ટનાં ભૂતપૂર્વ પતિનું નામ હતું! મુલેન ચોંકી ગઇ કે એણે લખેલ પત્રમાં એના અક્ષર સાવ અલગ જ દેખાતા હતા. એણે આ વાત બહેનપણી સેલેસ્ટને કહી. સેલેસ્ટને થયું કે પ્રેત સાથે વાત કરાવે એવું કોઇ ‘મીડિયમ’-‘માધ્યમ’ને (આપણી ભાષામાં ભૂવા-ઓઝાને) મળીને આ વાતનો તાગ મેળવીએ. પછી સેલેસ્ટે અને મુલેન પેલો પત્ર લઈને પ્રેતવિદ્યા જાણનારાને ત્યાં ગયા. એ મીડિયમે ભૂતને પ્લેન-ચેટ પર બોલાવી આખી વાત પૂછી. સામે ભૂતે જવાબ લખાવ્યો:
‘સેલેસ્ટ અને એની દીકરીની હત્યા…સાવધાન!’
પછી પુરાવા શોધીને સેલેસ્ટને ભૂતપૂર્વ પતિ જેકને પોલીસમાં પકડાવી દીધો. ભૂતને કારણે નિ:સહાય ડિવોર્સી સ્ત્રી, સેલેસ્ટ અને દીકરીનો જીવ બચી ગયો… પણ એ ભૂત હતો કોણ?
એ તો હતો સેલેસ્ટનો કોલેજકાળનો અજ્ઞાત-અનામ પ્રેમી, જે પડછાયાની જેમ સેલેસ્ટને સાચવતો.
ઇન્ટરવલ:
મોતની યે બાદ તારી ઝંખના કરતો રહ્યો,
કે તું જન્નતમાં મળે, એવી દુઆ કરતો રહ્યો. (બેફામ)
‘ધ પેઇડ’ નામની સુપરહિટ ફિલ્મની સ્ટાર-અભિનેત્રી જૂલી સોમાર્સ એની બહેનપણી સાથે લોસ એંજેલસમાં જૂના સ્પેનિશ શૈલીનાં વિલામાં રહેતી હતી, પણ એમાં સૂર્યાસ્ત પછી બહુ જ અજીબ દુર્ગંધ આવતી.
એકવાર જૂલી સોમાર્સની બહેનપણી લોસ એંજલસથી બહાર ફરવા ગઈ. એ રાત્રે જૂલી સોમાર્સને નીંદરમાં લાગ્યું કે કોઇક એને ગાઢ આલિંગન આપી રહ્યું છે કે એની છાતીને વળગીને ચૂમી રહ્યું છે! ક્ષણભર તો જૂલીને ગમ્યું, પણ પછી એણે ખુદને એ બાહુપાશમાંથી છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એને લાગ્યું કે કદાચ એને હાર્ટ-એટેક આવ્યો છે કે કોઈ ખરાબ સપનું આવી રહ્યું છે. એટલામાં અચાનક એને લાગ્યું કે રૂમમાંથી પેલી રોજની દુર્ગંધ જતી રહી છે અને હવે તાજી સુગંધિત હવા આવી રહી છે. રોમાંસની રસ-સમાધિમાં, એ પછી સરી પડી. વરસો બાદ તલાકશુદા એ સ્ત્રીનાં જીવનમાં પ્રેમનો વરસાદ જાણે થવા માંડ્યો. જૂલી સોમાર્સ ખોવાઇ ગઇ. પોતે એકલી છે એ તર્ક, તરલ અને તીવ્ર આવેગના સમંદરમાં ભૂલાઇ ગયો.
પણ એવામાં અચાનક જૂલીનું ધ્યાન દીવાલ પરનાં અરીસા તરફ ગયું. જેમાં એને પ્રકાશનું એક તેજ-બિંદુ દેખાયું, જે એણે આજ પહેલાં ક્યારેય જોયું નહોતું. એને આ બધું ખૂબ વિચિત્ર લાગ્યું. પછી જોતજોતામાં તો એ તેજ-બિંદુ આખા અરીસાની આસપાસ ફરવા લાગ્યું. ક્યારેક એ ઉપર જાય, ક્યારેક નીચે જાય. ક્યારેય ડાબી તો ક્યારેક જમણી બાજુ. પછી અચાનક રહસ્યમય રીતે એ તેજ-બિંદુ અદૃશ્ય થઈ ગયું!
પછી જૂલીને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં તેણે જૂનાં મકાનોમાં રહેતા ભૂત વિશે પુસ્તક વાંચેલું, જેમાં લખ્યું હતું કે ઘણીવાર ભૂત, જીવંત વ્યક્તિઓને સ્પર્શ કરીને અથવા અરીસામાં તેજ-બિંદુ દર્શાવીને અથવા હવાને સુગંધિત કે દુર્ગંધમય બનાવીને પોતાનો અહેસાસ કરાવે છે.
એવામાં ફરીથી જૂલીને ધીમે ધીમે ગમવા લાગ્યું કે કોઇ એને ગાઢ આલિંગન આપી રહ્યું છે. કોઇ એને વળગીને પ્રેમ કરે છે, ચૂમે છે અને પળભર તે એમાં ખોવાઇ ગઇ! એને એ અજ્ઞાત પુરૂષત્વનું વળગવું, એ હાંફતી હૂંફ, એ સુંવાળો સ્પર્શ ગમવા માંડ્યો. એ ભાન ભૂલીને અગમ્ય અનુભવમાં ભીની ભીની થઇ ગઇ! પણ બીજી જ ક્ષણે એને ત્યાં કોઇ જ દેખાયું નહીં તો એ ડરી ગઇ અને પછી ખૂબ ગભરાઇને ચીસો પાડી પાડીને બેભાન થઈ ગઈ.
જૂલીને ભાન આવ્યું ત્યારે બહેનપણી રોઝી એની પાસે હતી. જૂલીએ રોઝીને પેલા અંધારિયા રોમેંટિક, ગાઢ-ગૂઢ અનુભવ વિશે કહ્યું. ત્યારે રોઝીએ ઠંડકથી કહ્યું, ‘લે! કાલે બેડરૂમમાં અદૃશ્ય ભૂતનાં આલિંગનને કારણે તું ડરી ગઈ? અરે, તું એક સ્ટાર-અભિનેત્રી છે ને એ તારો ફેન હતો. એણે મને ઘણીવાર તારાં પ્રત્યેનાં એનાં પ્રેમ કે વળગણ વિશે કહ્યું છે. એ મર્યા બાદ પણ તને ખૂબ ચાહે છે, તન ને મનથી! મેં તને આ વિશે કદી કહ્યું નહોતું, કારણ કે મને ઇર્ષ્યા થતી કે કોઇ તને મર્યા પછી યે પ્રેમ કરે છે ને મને તો કોઇ જીવતાં જીવત પણ નથી કરતું! તારે તો હરખાવું જોઇએ.’
જી હા, સંબંધોનાં ભૂત કદી મરતાં નથી. તો હે વાચકો, તમેય જીવનમાં કદીયે પ્રેમને મરવા ના દેતા. જોકે હમણાં જ વેલન્ટાઇન્સ-ડે ગયોને?!
એન્ડ-ટાઇટલ્સ:
ઇવ: વાસી વેલન્ટાઇન્સ-ડે પર શું આપું?
આદમ: મૌન.