હેં… ખરેખર?! : વિશ્વની સૌથી મોટા પક્ષીની પ્રતિમા ભારતના કેરળમાં છે…

-પ્રફુલ શાહ
મોટા ભાગના દુબઇ, સિંગાપોર, થાઇલેન્ડ કે કાશ્મીર-કાશ્મીર કર્યા કરે પણ ભાઇ તમે પૂરું કે બાકીનું ભારત જોઇ લીધું ખરું? દુનિયામાં પક્ષીની સૌથી મોટી પ્રતિમા ભારતના કેરળમાં છે. આ પ્રતિમા ગરુડ જટાયુની છે. માત્ર વિક્રમ કે સ્થાપત્યની બાબત નથી, એ ભારતીય સંસ્કૃતિ સંસ્કારનું તોતિંગ પ્રતીક છે.
જટાયુનો સંબંધ ઉલ્લેખ આપણા મહાગ્રંથ ‘રામાયણ’માં છે. આ મહાકાવ્ય મુજબ લંકાપતિ રાવણ જયારે માતા સીતાનું અપહરણ કરીને શ્રીલંકા લઇ જવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે જટાયુ બહાદુરીપૂર્વક રાવણ સાથે લડયા હતા. જટાયુ વૃદ્ધાવસ્થામાં હોવાથી રાવણે તેમને હરાવી દીધા, અને પાંખ કાપી નાખી. અને જટાયુ ચાદ્યમંગલમ પહાડની ટોચ પર પડી ગયા. સીતાજીની ખોજમાં નીકળેલા રામ અને લક્ષ્મણને રાવણની જાણકારી આ જટાયુએ આપી હતી. જટાયુ જયાં પડયા હતા એ ચાદ્યમંગલમ પર્વતની ટોચ પર રચાયેલી વિશાળ પ્રતિમા માત્ર આ કિંવદંતીનું પ્રતિનિધિત્વ જ નથી કરતી પણ નારી સન્માન અને સુરક્ષાનું પણ પ્રતીક છે.
ગિનીઝબુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનારા જટાયુ રોક સેન્ટર કે જટાયુ નેચર પાર્કમાં અનેક વિશિષ્ટતા છે. જટાયુ અર્થ સેન્ટરમાં સલામતી રક્ષકો તરીકે માત્ર મહિલાઓને જ રખાયાં છે. ચાર પર્વતો પર બનેલું જટાયુ અર્થ સેન્ટર વિશ્વનું
સૌથી મોટું પક્ષી મૂર્તિ સેન્ટર પણ ગણાય છે.આ જટાયુ અર્થ સેન્ટરમાં રખાયેલી પક્ષીની મૂર્તિ 200 મીટર લાંબી છે અને 65 એકરમાં ફેલાયેલી છે, ને પહોળાઇ 150 ફૂટ સમુદ્રની સપાટીથી 350 મીટર (1200 ફૂટ)ની ઊંચાઇએ આવેલું આ કેન્દ્ર પર્યટકોને ખૂબ આકર્ષે છે.
જટાયુ અર્થ સેન્ટર, જટાયુ નેચર પાર્ક અને જટાયુ રોકને નામે ઓળખાતું આ વિશિષ્ટ સ્થળ કેરળના કોલ્લમના ચાદ્યમંગલમમાં આવેલું છે. આ રૉક-થીમ પ્રકૃતિ પાર્ક કેરળ સરકારના પહેલાં બી.ઓ.ટી. (બિલ્ડ-ઓપરેટ ટ્રાન્સફર) મોડલનો સરકારી-ખાનગી ભાગીદારીનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ કેરળની રાજધાની તિરુવનંતપુરમથી 46 કિલોમીટર અને નિકટતમ શહેર કોલ્લમથી 38 કિલોમીટરના અંતરે છે. રાજીવ આંચલની કલ્પના અને ડિઝાઇન મુજબનો આ પાર્ક 2018ની ચોથી જુલાઇએ આમ જનતા માટે ખુલ્લો મુકાયો હતો. પાર્કમાં જવા માટે કોઇ વિશેષ વાહનની જરૂર નથી પણ પર્યટકોએ કેબલ કારનો ઉપયોગ કરવાનો રહે છે. અહીં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરાઇ છે. મુલાકાતીઓને કેમેરા સિવાય કંઇ જ અંદર લઇ જવાની છૂટ નથી.
આ પાર્કની બહાર એક શિલાલેખમાં પહાડ પર પટકાયેલા જટાયુને શ્રદ્ધાંજલિ આપતી કવિતા કોતરાઇ છે. રસપ્રદ બાબત એ છે કે કેરળ સરકારે ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ, નારી-સુરક્ષા અને પંખીને એક 100 કરોડના પ્રોજેક્ટમાં સામેલ કર્યા છે. આને માત્ર અભ્યાસ કે જ્ઞાનનું કેન્દ્ર બનાવવાને બદલે એને પર્યટન, સાહસનું, પર્યાવરણ અને પક્ષી-પ્રેમને સમજાવતું આકર્ષણ બનાવ્યું છે. જટાયુ નામના વિશાળ ગરુડની મૂર્તિ ચાર-ચાર પર્વત પર બને એવી કલ્પના કરવી, એને સાકાર કરવી અને લોકપ્રિય બનાવવી એ નોંધપાત્ર બિના ગણાય જ. આપણે પશ્ર્ચિમના આંધળા અનુકરણ અને અંગ્રેજી માધ્યમના વળગણમાં પોતાની ભાષા, સંસ્કૃતિ અને સંસ્કારને સદંતર ભૂલી રહ્યાં છીએ, ત્યારે કેરળમાં કરેલો પ્રયાસ એકદમ આવકાર્ય, અનિવાર્ય અને આનંદપ્રેરક જ ગણાય.
આપણ વાંચો : હેં… ખરેખર?!: દુનિયાનો સૌથી મોટું મંદિર કૉરીડોર રામેશ્વરમમાં છે…