ઉત્સવ

ઝબાન સંભાલ કે: ઉપાધિ: શોક કરાવે ને આનંદ પણ આપે…

-હેન્રી શાસ્ત્રી

શબ્દ એક અર્થ અનેક અને અર્થ એક શબ્દ અનેક જેવી પરિસ્થિતિ જ્યારે ભાષામાં જોવા મળે છે ત્યારે જ્ઞાન સાથે ગમ્મત આપે છે. કાળ એટલે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ સમયના અર્થ જાણીતા છે. કાળ એટલે સમયનો એક હિસ્સો – દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસને દિવસ અને રાતમાં વિભાજિત કરી બંનેનાં ચોઘડિયાં બનાવ્યાં છે જેમાં એક ચોઘડિયું કાળ ચોઘડિયું છે જે અશુભ માનવામાં આવે છે. આજકાલ મુંબઈમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં કાળનો અર્થ નુકસાન કે હેરાનગતિ કરનાર એવો થાય છે. દુકાળમાં કોદરા મોંઘા – કાળમાં કોદરા વહાલા લાગે એ કહેવત જાણીતી છે. તંગીને વખતે ખરાબ અથવા હલકી વસ્તુ પણ સારી લાગે એ એનો ભાવાર્થ છે. અહીં કાળ મુશ્કેલ સમય દર્શાવે છે. ઉપાધિ શબ્દની લાક્ષણિકતા જોઈએ. અચાનક ઉપાધિ આવી પડતાં પરિવારની મુશ્કેલી વધી ગઈ. અહીં ઉપાધિનો અર્થ મુસીબત થાય છે. સંતાનને ડૉક્ટરની ઉપાધિ મળતાં માતા-પિતાના હરખનો કોઈ પાર ન રહ્યો. અહીં ઉપાધિ એટલે પદવી-ડિગ્રી એ અર્થ છે. ભાષાની મજા કેવી છે કે ઉપાધિ આવે તો શોક અને મળે તો આનંદ. મત શબ્દ પણ વિવિધ અર્થ ધરાવે છે. વાર્તા વિશે તમારો મત જણાવો. અહીં મત એટલે અભિપ્રાય કે મંતવ્ય એ અર્થ અભિપ્રેત છે. ચૂંટણી વખતે પૂછવામાં આવતું હોય છે કે તમારો મત કયા પક્ષને આપશો? એમાં સમર્થન કે ટેકો એવો મતનો અર્થ છે. ભેદ કરવો કે ભેદ રાખવો એટલે કોઈ બે વ્યક્તિ સાથે ઓછું-વત્તું વર્તન કરવું. ભેદભાવ કરવો કે ભેદભાવ રાખવો એમ પણ કહેવાય છે. માનવ સમાજમાં જાતિલક્ષી ભેદભાવ સદીઓથી ચાલતા આવ્યા છે. ભેદ ઉઘાડો પાડવો કે ભેદ ખોલવો એટલે રહસ્ય છતું કરી દેવું એવો અર્થ થાય છે. સસ્પેન્સ ફિલ્મનો ભેદ ઉઘાડો પડી જાય તો એ જોવામાં રુચિ રહે નહીં. દિવાળીના દિવસોમાં કેવી ભાત ભાતની રંગોળી જોવા મળે છે. અહીં ભાત એટલે છાપ અથવા ડિઝાઇન એવો અર્થ છે. હવે આ જ ભાત થાળીમાં પીરસાય એટલે ખાણું બની જાય છે. ભાત વગરનું ભોજન અધૂરું લાગે. અહીં ભાત એટલે રાંધેલા ચોખા એ અર્થ છે. ધન એટલે દ્રવ્ય, નાણાં, પૈસા, વિત્ત, અર્થ પ્રચલિત છે. આ બધા સમાનાર્થી શબ્દો છે. વિદેશ વ્યાપારમાં એ સારું ધન કમાયો એમાં નાણાંનો અર્થ સમાયેલો છે. જોકે, આ શબ્દ ધન ભાગ, ધન ઘડી પ્રયોગમાં સારો સમય, મંગળ અવસર એવો અર્થ ધારણ કરે છે.

Also read : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ બ્રાન્ડને જીવંત બનાવે છે રંગ હર કલર કુછ કહેતા હૈ..!

One Word Many Meanings
શબ્દ અનેક અર્થ ધરાવતો હોય ત્યારે વાપરતી વખતે ખૂબ સજાગ રહેવું અનિવાર્ય છે. અન્યથા અર્થનો અનર્થ થવાની સંભાવના ભારોભાર હોય છે. એવું બની શકે કે NEED CHANGEમાં તમે બદલાવની વાત કરતા હો અને સામેની વ્યક્તિ છૂટા પૈસા સમજી બેસે. DATEનો બહુ જ જાણીતો અર્થ છે તારીખ. What is your DATE of birth? મતલબ કે તમારી જન્મ તારીખ કઈ છે? જોકે, આ જ DATE રણ પ્રદેશમાં ફળ – ખજૂર બની જાય છે. People cherish DATES in winter. શિયાળામાં ખજૂર ખાવાનો આનંદ લેવા જેવો છે. ખજૂર ખાવામાં બહુ આનંદ આવે તો દિલમાં વસી ગયા એમ કહો ને? આજના સમયમાં DATEનો અર્થ યંગ બોય્ઝ અને ગર્લ્સની રોમેન્ટિક મુલાકાત તરીકે વધુ જાણીતો છે. Nowadays children talk to their parents about their DATE. આજકાલ છોકરા – છોકરીઓ પોતાની રોમેન્ટિક મુલાકાતની વાત પેરેન્ટ્સ સાથે શેર કરવા લાગ્યા છે. શ્લેષ અલંકાર અંગ્રેજીમાં PUN તરીકે ઓળખાય છે. અંગ્રેજી શબ્દ ‘ડેટ’ના સંદર્ભમાં એક બહુ જાણીતું ઉદાહરણ છે. What does a Palm tree says to another Palm tree? How about a Date with me? અહીં ડેટ શબ્દ પર શ્લેષ કરવામાં આવ્યો હોવાથી ખજૂર અને રોમેન્ટિક મુલાકાત એ બંને અર્થ વણી લેવામાં આવ્યા છે. અલબત્ત આ જ DATE જૂનવાણી પણ બની જાય છે. Not to DATE myself, but I remember radio shows when I was young. હું જૂનવાણી નથી, પણ જુવાનીમાં રેડિયો કાર્યક્રમ મને સાંભળવા બહુ ગમતા હતા. The dress you are wearing is dated. તમે પહેરેલો પોશાક જુનવાની છે

शब्द एक अर्थ अनेक
હિન્દીમાં પણ એવા અનેક શબ્દો છે જેના એકથી અધિક અર્થ એના વપરાશ અનુસાર નક્કી થતા હોય છે. ये शब्द अनेकार्थी शब्द कहलाते है. उदाहरणार्थ ‘रहिमन पानी राखिए, बिन पानी सब सून. पानी गए न ऊबरै, मोती, मानुष, चून.’ અહીં પાનીના (હિન્દીમાં પાની, ગુજરાતીમાં પાણી) ત્રણ અર્થ છે. પહેલો અર્થ મનુષ્યની વિનમ્રતા વિશે છે. મનુષ્યમાં કાયમ વિનમ્રતા ( પાની) હોવી જોઈએ. પાનીનો બીજો અર્થ છે આભા, તેજ કે ચમક. તેજ વિના મોતીનું કોઈ મૂલ્ય નથી. ચૂન એટલે કે લોટ પાણી વિના બંધાઈ નથી શકતો એ ઉદાહરણથી પાણી વિના લોટના અસ્તિત્વનો કોઈ અર્થ નથી એ સમજાવ્યું છે. ભાવાર્થ એવો છે કે પાણી વિના લોટનો અર્થ નથી, તેજ વિના મોતી નકામું છે એમ વિનમ્રતા વિનાના માનવીનું કોઈ મૂલ્ય નથી. બીજું ઉદાહરણ. ‘चली चंचला, चंचला के घर से, तभी चंचला चमक पड़ी’. અહીં ચંચલા શબ્દ ત્રણ અલગ અલગ અર્થ ધારણ કરી ભાષાની લાક્ષણિકતા સમજાવે છે. ચલી ચંચલામાં લક્ષ્મી એવો અર્થ છે, ચંચલા કે ઘર એમાં સ્ત્રી એવો અર્થ છે અને ચંચલા ચમક પડી એમાં વીજળી એવો અર્થ છે. આખી પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી જ્યારે સ્ત્રીનું ઘર છોડીને નીકળી ત્યારે વીજળી ચમકી એવો અર્થ છે. ચોંકાવનારી કે ચમત્કારિક ઘટના બની એવો ભાવાર્થ છે.

Also read : ટૅક વ્યૂહ: ટેક જાયન્ટના કેટલાંક મેગા ફેલ્યોર: કરોડો રૂપિયાનું આંધણ પાણીમાં ધોવાયું

शब्द एक, अर्थ वेगळे
દરેક ભાષાની લાક્ષણિકતા હોય છે. ભાષામાં શબ્દનો વપરાશ કઈ રીતે કરવામાં આવ્યો છે એના પરથી અર્થ નક્કી થતો હોય છે. મરાઠી ભાષાના એવા શબ્દો જોઈએ અને સમજીએ. એક શબ્દ છે मान જેનો એક અર્થ થાય છે પ્રતિષ્ઠા કે આબરૂ. समाजात आपला मान वरचा असावा असं अनेकाना वाटतं। સમાજમાં પોતાનું સ્થાન ઊંચું હોય એટલે કે આદર ધરાવતું હોય એવી ઈચ્છા અનેક લોકોની હોય છે. એનો અન્ય અર્થ થાય છે ડોક. જોકે, આ અર્થના પણ પાછા બે અર્થ કરવામાં આવે છે. मान खाली करणे એટલે શરમથી નીચું જોવું. બીજું વાક્ય છે जिराफची मान खूप लांब असते. જિરાફની ડોક ખૂબ લાંબી હોય છે. સૂક્ષ્મ ભાવ અને સ્થૂળ ભાવ જેવો ફરક છે. આવો જ ફરક चाल શબ્દમાં પણ ડોકિયાં કરે છે. ચાલવાની શૈલી કે સ્ટાઈલ એ ચાલનો જાણીતો અર્થ છે. चित्रपट अभिनेता राजकुमार यांचा अभिनय व्यतिरिक्त त्यांची चाल लोकांना आवडायची. રાજ કુમારની એક્ટિંગ ઉપરાંત તેમની ચાલવાની સ્ટાઈલના લોકો ફૅન હતા. સંગીતના સંદર્ભમાં આ શબ્દ વપરાય ત્યારે સાવ નિરાળો અર્થ જોવા મળે છે. आर. डी. बर्मन यांच्या अनेक गाण्यांची चाल अविस्मरणीय आहे. સંગીતકાર રાહુલ દેવ બર્મનના અનેક ગીતોની ધૂન યાદગાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button