બ્રાન્ડ પ્રમોશનના શ્રી ગણેશ, બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે
સમીર જોશી
આપણે ત્યાં બ્રાન્ડ પ્રમોશનના શ્રી ગણેશ, ગણેશ ચતુર્થીથી શરૂ થઇ ઓણમ, નવરાત્રી, દુર્ગા પૂજા, દિવાળી સુધીમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટના મહત્ત્વના તહેવારોને આવરી લે છે. દરેક કેટેગરી માટે એક સિઝન હોય છે, જેમકે ઠંડાં પીણાં, અઈ, રેફ્રિજરેટર માટે ઉનાળો, ફાઇનાન્શિયલ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ માટે જાન્યુઆરી થી માર્ચ, ટૂર ઓપરેટર માટે વેકેશન ગાળો, સ્ટેશનરી પ્રોડક્ટ માટે સ્કૂલ ખૂલવાનો સમય, વગેરે.
આજ રીતે કોઈ પણ બ્રાન્ડ માટે પોતાનો માલ વેચવાની બીજી એક સિઝન છે, જેને આપણે તહેવારોની સિઝન કહીએ છીએ. આ સિઝનમાં બધી જ બ્રાન્ડ તહેવારલક્ષી કેમ્પેઇન
બનાવે છે, કારણ આ સિઝનમાં ઉત્પાદક વર્ષનો ૩૦- ૪૦% માલ સેલ કરી જાણે છે. આમ આ તહેવારો બધા વેપારીઓ માટે એવરગ્રીન સિઝન છે.
આપણે જાણીયે છીએ કે એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનના પ્રકાર હોય છે,જેમકે, અવેરનેસ કેમ્પેઇન, એજ્યુકેશનલ કેમ્પેઇન, ઈન્ફોરમેટિવ કેમ્પેઇન, સસ્ટેનન્સ કેમ્પેઇન તેવી રીતે સેલ્સ પ્રમોશન કેમ્પેઇન. તહેવારોમાં બ્રાન્ડનો એક જ હેતુ હોય છે- બને તેટલું વધારે વેચાણ કરો આથી આ સમયમાં ફક્ત અને ફક્ત સેલ્સ પ્રમોશન વ્યૂહરચના પર જોર આપવામાં આવે છે.
કંપનીઓ જ્યારે વર્ષની શરૂઆતમાં પોતાની બ્રાન્ડ માટે માર્કેટિંગ કેલેન્ડર બનાવે છે ત્યારે દિવાળી અને બીજા તહેવારોને પૂરતું મહત્વ આપી સ્પેશિયલ બજેટ તેના માટે ફાળવે છે. ફક્ત આપણે ત્યાંજ નહીં, દુનિયાના કોઈ પણ દેશમાં તહેવારો માટે અલગથી વ્યૂહરચના બને છે, જેથી વેપારને તે દરમિયાન ગતિ મળે.
જો તહેવારોમાં ડિસ્કાઉન્ટ આપવાના હોવ તો ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે : મોમેંટમ, તમારો સેલ પ્લાન કરો તેના ૮-૧૦ દિવસ પહેલા કેમ્પેઇન શરુ કરી લોકોને માહિતગાર કરો.
બીજું, સ્કેરસીટી ઊભી કરો અર્થાત્ સેલની અવધિ નક્કી કરો કે અમુક તારીખથી અમુક તારીખ સુધી ડિસકાઉંટ આપવામાં આવશે. સૌથી છલ્લું અને મહત્ત્વનું પાસુ એટલે ક્રેડિબિલિટી અર્થાત્ વિશ્ર્વસનીયતા તમે જે દિવસે સેલ બંધ કરવાનું નક્કી કર્યુ હોય તે દિવસે જ તેને બંધ કરો.
જેમ દિવાળી એક મોટો તહેવાર છે આખા દેશ માટે તેમ આજે બીજાં ઘણા તહેવારો છે જે રાજકીય સ્તરે ઉજવાતા હતા તે આજે બીજા રાજ્યોમાં પણ ઉજવાય છે. આનું મુખ્ય કારણ છે : કોસ્મોપોલિટન સોસાયટી અને ટેકનોલોજી. ઉદાહરણ: ગણપતિ આજે ફક્ત મહારાષ્ટ્રમાં નહી, પણ ગુજરાત અને બીજાં રાજ્યોમાં પણ તેટલા જ ઉમંગથી ઉજવાય છે.
દુર્ગા પૂજાના પંડાલો બધેજ શોભે છે. રાસ-ગરબાની રમઝટ ગુજરાતની સરહદ પાર કરી નોર્થ અને સાઉથ સુધી પહોંચી ગઈ છે. કર્વા ચૌથમાં આપણી ગુજરાતી યુવતી એની પંજાબી ફ્રેંડને કંપની આપવા ઉપવાસ રાખે છે અને પતિ પાસે ગિફ્ટની અપેક્ષા પણ. ! કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તહેવારો ક્રોસ બોર્ડર ઉજવવાના શરૂ થઈ ગયા ત્યારે તેનો ફાયદો બ્રાન્ડને વધારે થાય છે.
ઉત્પાદક -કંપની માટે નવી માર્કેટ, નવા ઘરાકો, નવા સેગમેંટ અને સૌથી મહત્ત્વનું નવી નવી તક બ્રાન્ડને પ્રમોટ કરવાની અને વેચવાની મળવા લાગી છે.
જેવી રીતે કોસ્મોપોલિટન સોસાઇટી, ક્રોસ બોર્ડર કલ્ચરે તહેવારોથી લોકોને પરિચિત કર્યા તેમ આવા તહેવારોને નવી સ્કિમ, કલેકશન, ડિસકાઉંટ્સ અને પ્રમોશન્સ દ્વારા વધારવા માટે બ્રાન્ડે મોટો ભાગ ભજવ્યો છે. જેવી રીતે બ્રાન્ડ નવા નવા તહેવારોને આપણી સમક્ષ લાવ્યા તેજ રીતે બ્રાન્ડે આપણી આદત, રૂઢિને પણ ધીરે ધીરે બદલી છે, જેને બિહેવિયર ચેંજ કહે છે.
અમુક વર્ષો પહેલા નવા કપડા, બૂટ-ચપ્પલ, મીઠાઈઓ કે કશૂક નવુ ઘરમાં વસાવવું એ દિવાળીની રુઢિ કે પરંપરા હતી. આજે બ્રાન્ડ પાવરે નવી ઘણી કેટેગરી આપણા જીવનમાં આણી, જેવી કે ગ્રૂમિંગ અને બ્યૂટિ સલોન્સ ફેસ્ટિવ સિઝનમાં સારા લાગવુજ જોઈયે, મીઠાઈઓનું સ્થાન ચોકોલેટે, ચા- કોફીનું સ્થાન ઠંડા પીણાએ લીધું, ટૂર ઓપરેટરો જે ફક્ત વેકેશનમાં સક્રિય થતા એ આજે ફેસ્ટિવ હોલિ-ડેમાંય એકટિવ થઈ રહ્યા છે.
પરિવાર સાથે એક બીજાની ઘરે જઈ મળવા જવું તેનું સ્થાન કોમન ગેધરિંગ રેસ્ટોરેંટ્સ કે બેંક્વેટ હોલ્સમાં થઈ ગયું છે, મોબાઇલ ફોન શુભેચ્છા પાઠવવાનું સાધન બની ગયા છે, સહ કુટુંબ સાથે જઈ ખરીદી કરતા અને આજે પોતપોતાની મનગમતી ચીજો ઓનલાઇન
પોતાના સમયે પોતાની રીતે શોપિંગ થઈ રહ્યું છે. ઘરમાં દિવાળીના નાસ્તા બનતા તેનું સ્થાન રેડી ટૂ ઈટ પેકેજ્ડ ફૂડ્સ અને રેડી નાસ્તાએ લીધું છે.
એક સમયે તહેવારોમાં બ્રાન્ડ પ્રમોટ થતી જ્યારે આજે બ્રાન્ડસ તહેવારોને પ્રમોટ કરે છે. આ તહેવારોમાં બ્રાન્ડ આપણા જીવનમાં પ્રવેશી આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની જાય છે. દિવાળી ઉપરાંત બીજા ઘણા નવા તહેવારો બ્રાન્ડ માટે એક મોટી વ્યૂહરચના અને તક ઊભી કરે છે.
આમ સમય સાથે તાલ મેળવવાનું, સમય સાથે બદલાવ લાવવાનો અને નવા ટ્રેંડ્સ લાવવાનું ઘણું મોટું શ્રેય બ્રાન્ડ કેમ્પેઇન અને બ્રાન્ડ વ્યૂહરચનાને જાય છે.
આ વર્ષે પણ આ એવરગ્રીન સિઝન બધાને ફળે અને આપનો વ્યાપાર તથા બ્રાન્ડ આવનારાં વર્ષોમાં સમૃદ્ધિ પામે ને આસમાનને આંબે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.