સ્પોટ લાઈટઃ મને સવા શેર લોહી ચડ્યું…

-મહેશ્વરી
ગયા હપ્તાહમાં હેમા દીવાન નામની અભિનેત્રીએ અચાનક છોડી દીધેલા નાટકમાં કામ કરવાની તક મને મળી એની વાત કરી હતી. કાંતિ મડિયાનું એ નાટક ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ તેમના શ્રેષ્ઠ સર્જનમાંનું એક ગણાય છે. દસેક વર્ષ પહેલાં ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ પણ પ્રવીણ સોલંકી લિખિત આ નાટકના શો કર્યા હતા એની જાહેરખબર જોઈ હતી. સાચું કહું છું મને બહુ આનંદ થયો હતો. આવું નાટક આજના સમયમાં ભજવવા માટે હિંમત જોઈએ અને રંગભૂમિ માટે લગાવ હોય એવી જ વ્યક્તિ આવી કોશિશ કરે.
Also read : વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે સ્વદેશી કલ્ચરનો પવન?
મારું નાટક ઑપન થયું અને પહેલા જ શોમાં નાટકને જબરદસ્ત આવકાર મળ્યો અને મારા રોલની, મારા અભિનયની પણ પ્રશંસા થઈ. આ આનંદનો ગુણાકાર થયો જ્યારે ખુદ કાંતિભાઈ મોઢામાં આંગળાં નાખી ગયાં અને ‘મહેશ્વરી બહેન, તમે બહુ જ સારાં આર્ટિસ્ટ છો’ એવું સર્ટિફિકેટ આપી દીધું.
શો પત્યા પછી મળતાં કવર (શોમાં કામ કરવાનું મહેનતાણું)થી કલાકાર રાજી તો થતો જ હોય છે, પણ પ્રેક્ષકોની દાદ અને ડિરેક્ટર પીઠ થાબડે ત્યારે એને શેર લોહી ચડતું હોય છે. એ દિવસે મને સવા શેર લોહી ચડ્યું. મારી નાટ્યસફરનું એ અનોખું સંભારણું છે.
‘આ રોલમાં કોઈ દમ નથી’ એવું કહી આ નાટક એક અભિનેત્રીએ છોડી દીધું હતું અને એ જ નાટકના એ જ રોલમાં હું દીપી ઊઠી એ મારે મન બહુ મોટી વાત હતી. નાટકના 100 કરતાં વધુ શો થયા હતા. આવી સફળતાથી અમે બધાં પોરસાઈ ગયાં. આ નાટકની એક રસપ્રદ વાત એ હતી કે મુંબઈમાં જે સફળતા મળી એની સરખામણીમાં સુરતમાં વધુ સફળતા મળી હતી.
આશ્ચર્યની વાત તો એ છે કે મુંબઈના પ્રેક્ષકોને ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ સિરિયસ નાટક લાગ્યું હતું જ્યારે સુરતના પ્રેક્ષકો નાટક જોતી વખતે ખડખડાટ હસતા હતા. આ પ્રતિક્રિયાની મને જ નહીં બધાને નવાઈ લાગી કારણ કે નાટકનો મુખ્ય થીમ ‘બ્રેઈન ટ્રાન્સફર’નો હતો. પ્રેક્ષકને ક્યારે શું અને કેમ ગમી જાય એની કોઈ વ્યાખ્યા કે માપદંડ નથી હોતાં એ અનેક વાર સાંભળેલી વાત ઘણી વાર સાચી પડતી જોઈ છે અને ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ વખતે પણ એની પ્રતીતિ થઈ.
નાટકની સફળતાના આનંદમાં હું રાચતી હતી ત્યારે મારું ઘર તૈયાર થઈ જતાં હરખ બેવડાઈ ગયો. 1986માં મને ઘરનું પઝેશન મળી ગયું. બિલ્ડરે મને ફ્લૅટની ચાવી આપી ત્યારે મારી આંખોમાં આનંદનાં અશ્રુ ઊભરાઈ આવ્યાં. આપણે ત્યાં જ્યારે સંયુક્ત પરિવારની પ્રથા હતી ત્યારે પરણીને ઘરે આવેલી વહુની દરેક આવડત સાસુ ચકાસતાં. રસોઈથી માંડી એની ઘરસજાવટ અને પરિવારના સભ્યોની રખાવટ જેવી બાબત સાસુની નજરમાં જોખાઈ જતી અને હા, એની વ્યવહારકુશળતા પર પણ ચાંપતી નજર રહેતી.
આ બધામાં જો એ સાંગોપાંગ ઊતરે તો સાસુ વહુને ચાવીનો ઝૂડો આપે જે વહુ માટે બહુ મોટું સન્માન કહેવાતું. એ ચાવીનો ઝૂડો કમરમાં ખોસ્યા પછી વહુના કદમમાં, એની ચાલમાં એક અલગ જ પ્રભાવ આવી જતો અને એ જવાબદારી સુપેરે નિભાવવા એ તૈયાર થઈ જતી. એવો જ આનંદ બિલ્ડર પાસેથી ચાવી લેતી વખતે થયો. સપનાંનાં વાવેતરને જ્યારે કૂંપળ ફૂટે ત્યારે આખું આકાશ આપણી મુઠ્ઠીમાં આવી ગયું હોય એવી લાગણી થતી હોય છે.
Also read : ઈકો-સ્પેશિયલ : મ્યુચ્યુઅલ ફંડ સલાહકારો-વિતરકોએ સોશિયલ મીડિયા પર શું કરવું – શું ન કરવું?
સજાવટ એ સ્ત્રીના સ્વભાવનું અંતરંગ પાસું છે. શરીરની સજાવટ, ઘરની સજાવટ અને જીવનની સજાવટ એ ત્રણ બાબત દરેક નારીને મનગમતી વાત હોય છે. અનેક કષ્ટ વેઠીને તેમ જ અથાક પ્રયત્નો પછી તૈયાર થયેલા ઘરની-મારા ઘરની મારી રીતે સજાવટ કરવી હતી. મને ફૂલ પ્રત્યે અત્યંત અનુરાગ રહ્યો છે. શોભા અને એની સુગંધ એ બે તત્ત્વ ફૂલને ઊંચે આસને બેસાડે છે. સુકુમારતા, કોમળતા અને સૌંદર્ય ફૂલના એવા ગુણ છે જે અવર્ણનીય અને અમૂલ્ય છે.
ઘરનો કબજો મળ્યા પછી સૌ પ્રથમ પ્રાધાન્ય મેં ફૂલોની સજાવટને આપ્યું. અનેક લોકોને ગુલાબનું ફૂલ સૌથી વધુ ગમતું હોય છે. પછી ચંપો અને મોગરાનો વારો એની સુગંધને કારણે આવે. જોકે, મને પહેલેથી જ પારિજાત ફૂલ માટે લગાવ રહ્યો છે. અગાઉના એક એપિસોડમાં મેં મરાઠી નાટક ‘પારિજાત’ ભજવ્યું હતું એની વાત કરી હતી. પારિજાત વિશે શ્રીકૃષ્ણ, રુક્મિણી અને સત્યભામાની કથા પણ જાણીતી છે. એટલે જ કદાચ એ સ્વર્ગીય ફૂલ તરીકે પણ નામના ધરાવે છે.
પારિજાતનાં ફૂલની એક ખાસિયત એ પણ છે કે એ રાત્રે જ ખીલે અને સૂર્યોદય પહેલાં ખરી પડે. એક એવી પણ કથા છે કે પારિજાત નામની રાજકુમારી સૂરજને ખૂબ ચાહતી હતી, પણ તે સૂર્યદેવનું હૃદય ન જીતી શકી. એવી લોકવાયકા છે કે પારિજાતનું વૃક્ષ રાજકુમારીના અસ્થિની રાખમાંથી ઉદ્ભવ્યું હતું. સૂર્યોદય પહેલાં ખરી પડી બધાં ફૂલ જાણે સૂર્યદેવ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં હોય એવું લાગતું હોવાનું કહેવાય છે. એટલે આ વૃક્ષ ‘વેદનાનું વૃક્ષ’ તરીકે પણ ઓળખાય છે.
આ વાત મારા સબ કૉન્શિયસ માઈન્ડમાં ધરબાઈ પડી હશે એટલે જ કદાચ પારિજાત માટે મને પ્રીતિ થઈ હશે એવું હું માનું છું. ઘરમાં રહેવા લાગ્યા પછી સૌથી પહેલાં મેં મારા બિલ્ડિંગ સામેના બગીચાની રખેવાળી કરતા માળી પાસે પારિજાતની રોપણી કરાવી. બાળકનું સ્કૂલમાં પહેલું એડમિશન થાય ત્યારે માને કેવી લાગણી થાય, બસ એવી જ લાગણી પારિજાતની રોપણી વખતે મેં અનુભવી. આ સિવાય ઘરની બાલકનીમાં પણ કેટલાંક ફૂલનાં કૂંડાં વસાવ્યાં. ઘર મઘમઘતું રહેવું જોઈએ.
મારી જીવનસફરનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો. નાટકોમાં સતત કામ મળ્યા કરતું હતું એ એક સારી વાત હતી. ક્યારેક ગુજરાતી તો ક્યારેક મરાઠી નાટકની ઑફર આવ્યા કરતી હતી. બંને દીકરી પણ નોકરી કરતી હતી અને એટલે ઘર ખર્ચ પછી થોડી બચત પણ થતી હતી. એટલે સગવડ થાય એ પ્રમાણે થોડું થોડું ફર્નિચર વસાવી ઘરસજાવટ પણ શરૂ કરી દીધી.
Also read : હેં… ખરેખર?! : હિન્દુ સંસ્કૃતિ માટે વિદેશીનો 18 દેશમાં 6500 કિલોમીટરનો પગપાળા પ્રવાસ…
સંઘર્ષમય જીવનનો સૂર્યાસ્ત થઈ ગયો છે અને નવા પ્રભાતનાં કિરણો રેલાઈ રહ્યાં હોય એવું હું અનુભવી રહી હતી. એવામાં એક નવી વાત બની. મારી મોટી દીકરીને એના ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ યુવાન સાથે પ્રેમ થઈ ગયો અને જીવનમાં વધુ એક વળાંક પર આવીને હું ઊભી રહી ગઈ.
પ્રભાશંકર નાયક જ્યારે પ્રભાશંકર ‘રમણી’ બન્યા -બોક્સ
નામ હતું જયશંકર ભોજક, પણ બાપુલાલ નાયક પાસે અભિનયની તાલીમ મેળવનાર નટ ‘સૌભાગ્યસુંદરી’ નાટકમાં સુંદરીનું પાત્ર ભજવી નાટ્યરસિકો પર એ હદે છવાઈ ગયા કે એમનું નામ જ જયશંકર ‘સુંદરી’ પડી ગયું. આવું જ પ્રભાશંકર નાયકની બાબતમાં બન્યું.
મુંબઈ ગુજરાતી મંડળીના ‘કામલતા’ નાટકમાં જયશંકર ‘સુંદરી’ને અભિનય કરતાં જોઈ ગાયક પ્રભાશંકર નાયકને રંગભૂમિ પર અભિનયનાં અજવાળાં પાથરવાના અભરખા જાગ્યા. બાપુલાલ નાયકે લીધેલી સ્વર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 15 વર્ષના પ્રભાશંકરને મંડળીમાં રાખી લીધો. નાની નાની ભૂમિકા કર્યા પછી ‘ચંદ્રભાગા’ અને ‘નવલશા હીરજી’ નાટકમાં મહત્ત્વની ભૂમિકા ભજવી તેમણે નામના મેળવી.
પછી તો મોહનલાલ અને પ્રભાશંકરની જોડી જામી અને એ હદે લોકપ્રિય બની કે નાટકની તાલીમ (રિહર્સલ) પછી મોહન મારવાડી, જયશંકર ‘સુંદરી’ અને પ્રભાશંકર વગેરે નટ ભૂલેશ્વર જમવા જાય ત્યારે એમની સાથે હાથ મિલાવવા લોકોની ગિરદી થતી. નાટક કંપનીએ કલાકારોના રક્ષણ માટે ચોકીદાર રાખવા પડતા હતા.
Also read : ફોકસ : કાશ્મીરને પ્રદૂષણમુક્ત કરવાની ઝુંબેશ ફેરવાઇ ગઈ લાખો રૂપિયાના બિઝનેસમાં!
1920માં પ્રભાશંકર નાયકે ‘રોયલ નાટક કંપની’ના ‘એક જ ભૂલ’ નાટકમાં ‘રમણી’ની ભૂમિકા કરી. નાટક જોવા આવતા પ્રેક્ષકોને રમણીનું પાત્ર એ હદે પસંદ પડ્યું કે જયશંકર ‘સુંદરી’ની જેમ પ્રભાશંકર સાથે ‘રમણી’ જોડાઈ ગયું અને તેઓ પ્રભાશંકર ‘રમણી’ તરીકે ઓળખાવા લાગ્યા. (સંકલિત)