ભારત-તિબેટ વચ્ચેનો ભવ્ય ઇતિહાસ અડીખમ ઊભેલું કુદરતી વંડર- સ્પિતિ…

ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી
આંખો પર વિશ્વાસ ન બેસે એવા ઉત્તુંગ પહાડો અને ધરતીના કેનવાસ પર જાણે કોઈ ખૂબ જ ઉમદા કલાકારે આર્ટવર્ક કર્યું હોય એમ એકસાથે અનેક વાંકાંચૂકાં વહેણોમાં વહેતી સ્પિતિ નદી અને એક તરફ પિન નદી, બહુ જ ધ્યાનથી નાનું બાળક દરિયા કિનારે એના કોમળ હાથોથી રેતીનું ઘર બનાવે એ રીતે જ માટીમાંથી સર્જાયેલા ખડકો અને એ બધા જ વચ્ચે આપણા ઝીણકા અમથા અસ્તિત્વનું ભાન થાય એવા સૂક્ષ્મ આપણે કુદરતના વિશાળ સર્જનની વચ્ચે ફરી રહ્યા હોઈએ ત્યારે હિમાલયમાં આવેલી આ ‘મિડલ લૅન્ડ’ સ્પિતિની સુંદરતાનો એહસાસ થાય અને સાથે કુદરતની મહાનતાનો પણ. સ્પિતિ એ માત્ર સ્થળ નહિ, પણ એક એહસાસ છે.
Also read : સનાતન ધર્મ સામે દ્રાવિડિયનોને કેમ વાંધો છે?
એક આધ્યાત્મિક ઊર્જા છે અને જાતને મળવા માટેની એક ક્ષણ છે. શૂન્ય ડિગ્રીથી નીચું તાપમાન હોય છતાં પણ સૂર્યનાં કિરણો દઝાડતાં હોય, પરસેવો ન વળે એ પ્રકારની ગરમી, આંખો પહોંચે ત્યાં સુધી સફેદ વૃક્ષવિહીન ગગનચુંબી માટીનાં ડુંગરાઓ તો વળી ક્યાંક બરફની સફેદ ચાદર ઓઢેલા પહાડો, દૂર ઊડતી માટીની ડમરીઓ… આ બઘી જ વિષમ પરિસ્થતિઓ વચ્ચે લાલ કપડાં પહેરેલાં નિખાલસ હાસ્ય વેરતાં નાનકડા લામાઓને જોઈને એક નવી જ ઊર્જાનો સંચાર થાય એવી આ બૌદ્ધ ભૂમિ પર પગ મૂકતાં જ જાણે કોઈ નવા જ ગ્રહ પર આવ્યા હોઈએ એવું અનુભવી શકીએ.
અહીંનું નાનકડું નગર કાઝા એ સ્પિતિનું મુખ્ય મથક છે. 4270 મીટરની અધધ ઊંચાઈએ આવેલું કાઝા ખૂબ જ ભાવુક બૌદ્ધ ધર્મ ધરાવતા માણસોનું નગર છે. સ્પિતિ વેલીમાં કાઝા જ એવું સ્થળ છે જ્યાં પેટ્રોલ, ATM અને જીવનજરૂરિયાતનું માર્કેટ છે. અહીંની માર્કેટમાં આપણે ઘણી બધી લોકલ વસ્તુઓ જેમ કે પ્રેયર માને, નવ ધાતુઓના બનેલા તિબેટિયન પ્રેયરબાઉલ, રંગબેરંગી પ્રેયર ફ્લેગ્સ વગેરે જેવી ઑથેન્ટિક વસ્તુઓ ખરીદીને સ્થાનિક લોકોને રોજગારી આપી શકીએ. કાઝામાં ઘણા એવા હોમસ્ટે અને એકમાત્ર હોસ્ટેલ છે જ્યાં સસ્તા દરે રહેવાની સુવિધા અને લોકલ તિબેટિયન ફૂડ મળે છે.
અહીંના મોટા ભાગનાં હોમ સ્ટેની વિશેષતા એ છે કે કોઈ પણ રૂમની બારીમાંથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે પહાડોમાં રમાતી કુદરતની સોનેરી ચાદર અને વાદળોમાં રંગોનો મેળાવડો જોઈ શકાય. સાંજ ઢળે કે કાઝામાં આવેલી મોનેસ્ટરીમાં ઇવનિંગ પ્રેયરમાં ભાગ લઈ શકાય જે જીવનમાં મેડિટેશનનો એક આગવો અનુભવ રહેશે.
અહીંની રાત ઠંડી પણ ક્યારેય ન વીસરી શકાય એવી હોય છે. ખાસ તો કૃષ્ણ પક્ષ હોય તો જ્યાં નજર કરો ત્યાં સુધી ચમકતા સિતારાઓ તો વળી ક્યાંક ખરતા તારાઓનાં શેરડા, નરી આંખે સ્પષ્ટ રીતે નજર સમક્ષ તરવરતી તેજસ્વી આકાશગંગા, અવનવા તારામંડળો એ આ નાનકડા નગરની રાત્રિને દિવસ કરતાં વધુ મહત્ત્વની બનાવે છે.
વહેલા ઊઠીને કાઝાથી સવારે સૂરજની રોશની ધરતીને સ્પર્શે કે કુદરતી નજારાઓને જોવા નીકળી પડવું. સ્પિતિ નદીની આંગળી પકડીને થોડે દૂર સ્પિતિની જાહોજલાલીની ચાડી ખાતી એક ખૂબ જ જૂની અને ભવ્ય સભ્યતા અહીંના એક નાનકડા એવા ગામડાં ધનકારમાં વસે છે.
અહીં આવેલા ધનકારનો કિલ્લો એ એક એવી ઇમારત એટલે કે ઇમારતનું ખંડેર કહી શકાય જેનું અસ્તિત્વ એક સમયે એટલું સમૃદ્ધ હતું કે આખાય સ્પિતિની એ સદીઓ સુધી રાજધાની રહી હતી. ધનકારનો કિલ્લો કોઈ પક્ષીના માળા જેવી રચના ધરાવે છે જે વિશ્વના સહુથી ઊંચા કિલ્લાઓમાંનો એક કિલ્લો છે. કિલ્લાની સાથે સાથે અહીં જૂની મોનેસ્ટરી પણ છે જે આજે ર્જીણ ખંડેર અવસ્થામાં છે અને આજે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં શામેલ થયા બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગની દેખરેખ હેઠળ છે.
મધપૂડા માફક વિશાળ પહાડો પર દેખાતો ધનકાર ફોર્ટ એક સમયે સ્પિતિની જાહોજલાલી હતી. આશરે 12774 ફૂટ ઊંચાઈ પર આવેલા સ્પિતિ અને પિન નદીના સંગમ સ્થળે હિમાલયના પવનો સામે ઝીંક ઝીલીને આજે પણ ર્જીણ અવસ્થામાં ઊભા રહેલા આ અદ્ભુત સ્થળ સાથે બે ઘડી બેસીને કરેલી ચર્ચાઓમાં એનું અસ્તિત્વ માટીમાં મળી જશે એનું દુ:ખ સ્પષ્ટપણે વર્તાઈ આવતું હતું. ઘનકાર ફોર્ટ જેટલું અદ્ભુત સ્થળ મેં આખા સ્પિતિમાં ક્યાંય પણ નથી જોયું. ધનકારનો કિલ્લો અને વહેતી સ્પિતિ નદી સાથે ભૂખરા ધૂળિયા પહાડો જોઈને એના અસ્તિત્વ સામે સવાલ થાય કે આવા ધૂળિયા પહાડો અડીખમ કઈ રીતે ઊભા હશે?
Also read : જસવંત સિંહની સલાહની અવગણના, દુર્ગાદાસને અનન્ય પ્રેમ-લાગણી
ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો સ્પિતિ એક સમયે પશ્ચિમ તિબેટનાં સામ્રાજ્યનો એક હિસ્સો હતું. 11મી સદીના તિબ્બેતના શાસકે એના બે દીકરાઓ માટે ઝંસ્કાર અને સ્પિતિ એમ બે વિસ્તારો સ્થાપ્યા જેમાં સ્પિતિ એ સમયે નોનો નામથી ઓળખાતું હતું. અજોડ સુરક્ષાનાં ઘેરા વચ્ચે બનેલો ધનકારનો કિલ્લો તેના સ્થાનના લીધે જ ભેદવો ખૂબ જ મુશ્કેલ હતો.
પિન અને સ્પિતિ નદીની સપાટીથી લગભગ 1000 ફૂટ ઊંચાઈ પર માટીના પહાડ પર સ્થિત આ કિલ્લો ઊંચી પહાડીઓ અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પોતાનો ભવ્ય વારસો સાચવીને ર્જીણ અવસ્થામાં પણ અડીખમ ઊભેલો છે. કિલ્લા પાસે આવેલી ધનકાર મોનેસ્ટ્રીમાં કંઈક અલગ જ અનુભવ થાય છે.
પહાડોમાં નાની ગુફા જેવું કોતરીને મેડિટેશન રૂમ બનાવેલ હોઈ, એ સ્થળ કંઈક અલગ જ વાઈબ્સ આપે છે. મોનેસ્ટ્રીની આસપાસ કમળના આકારના આઠ પહાડો છે જે માટીથી સર્જાયા છે. એ માટીથી સર્જાયેલા પહાડો જ ધનકાર કિલ્લાનો મુખ્ય સુરક્ષા ઘેરો બની ગયા. ગામમાં જવાનો એક માત્ર રસ્તો એટલે ધનકારનો કિલ્લો.
એ સમયે ફેલાયેલા 7500 સ્કવેર કિ.મી.ના વગડામાં ફેલાયેલા સામ્રાજ્યને સાચવવા માટે ધનકાર એકમાત્ર સ્થળ રાજા માટે બધી જ રીતે યોગ્ય હતું. વેરાન વગડામાં હોવા છતાં આ સ્થળ હિન્દુસ્તાન અને ઓલ્ડ સિલ્ક રૂટ સાથે જોડાયેલું હતું.પશ્ચિમ તિબ્બેતથી આવતા વેપારીઓ મહિનાઓ સુધી બરફ ઓગળે ત્યાં સુધી પ્રતીક્ષા કરતા.અહીંના લોકો મીઠું તથા કીમતી રત્નો લઈને યાકનાં દૂધનું ચીઝ અને ઊનનો વ્યાપાર કરતા હતા. આશરે 900 વર્ષ પહેલાં અહીં તિબ્બેતના રાજકુમારનું શાસન હતું.
સ્થાનિક લોકો અનુસાર આઠસો વર્ષ જૂનો ધનકારનો કિલ્લો 70ના દાયકામાં આવેલા ભયંકર ભૂકંપ પછી લગભગ પડી ભાંગ્યો અને ઇમારતનો મુખ્ય હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો છતાં પણ માટી, પથ્થર અને લાકડીથી બનેલા એ શાનદાર કિલ્લાના ત્રણ માળ ખંડેર અવસ્થામાં આજે પણ યથાવત્ છે. ધ વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા આ સ્થળ વિશ્વનાં 100 સંકટગ્રસ્ત અવસ્થાનાં સ્થળોની યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે. કિલ્લાની છત પરથી દૂર દૂર સુધી પિન અને સ્પિતિ નદીનો પ્રવાહ અને રસ્તાઓને જોઈ શકાય છે.
કુદરતની કરામત તો જુઓ, હજારો વર્ષો પહેલાં સર્જાયેલા માટીના પહાડોને જોઈને કોઈ પણ કહી શકે કે હમણાં કડડભૂસ કરતાં આ પહાડો નીચે આવશે, પણ વર્ષોથી એ તસુભાર પણ નથી હલ્યા. અહીં બેસીને સ્પિતિના ઠંડા અને સૂકા પવનોની લહેરખી કાનમાં સ્પિતિની ભવ્યતાનો ભૂતકાળ વર્ણવી જાય છે.
અનેક સદીઓ જોઈ ચૂકેલો ધનકારનો કિલ્લો પોતાના પાયામાં સદીઓથી અનેક રહસ્યોને સંગોપીને બેઠો છે. આ કિલ્લાના અંત સમયે આ કિલ્લા પર લૂંટારાઓ અને હુમલાખોરો તૂટી પડ્યા હતા અને બ્રિટિશ અમલદારોએ આ કિલ્લાને સંપૂર્ણ રીતે લૂંટી લીધો હતો. એ પહેલાં પણ એક સમયે લૂંટારાઓ કિલ્લાની તળેટીએ મોકાની રાહમાં ડેરો જમાવ્યો અને સમય પારખીને કિલ્લાના દરવાજા સુધી પહોંચી ગયા. કિલ્લામાં રહેતા લોકોએ આ હુમલાખોરોને પહોંચી વળવા એક અલગ જ વ્યૂહરચના ઘડીને તેઓને કિલ્લાની અંદર બોલાવી લીધા અને તેઓને ખવડાવ્યું-પિવડાવ્યું.
સામાન્ય રીતે બળદને, એમાં પણ હાલ તો આપણે ટ્રેક્ટર જ ખેતરમાં ચાલતા જોયા હશે, પણ સ્પિતિમાં આપણને ખેતર ખેડતા યાક જોવા મળશે. ખૂબ જ ઓછાં સંસાધનો, પ્રતિકૂળ વાતાવરણમાં પણ અહીંના લોકો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પોતાનો નિર્વાહ કરી જાણે છે. અહીં લીલા વટાણાંની ખેતી ઉનાળુ પાક તરીકે કરવામાં આવે છે.
Also read : પાબ્લો એસ્કોબાર, ઓસામા બિન લાદેન, ચાર્લ્સ શોભરાજ…કટ્ટર ગુનેગારોની માનસિકતા કેવી હોય છે?
સ્પિતિનું મુખ્ય આકર્ષણ છે અહીંની કી મોનેસ્ટ્રી. ત્યાં પહોંચતા રસ્તાઓના તીવ્ર વળાંકો, પહાડોના બદલાતા જતા રંગો અને વાદળો આપણને એકદમ રોમાંચિત કરી દેશે. કી મોનેસ્ટ્રી સ્પિતિની સૌથી જૂની અને સૌથી મોટા મઠમાંની એક છે. રસ્તામાં દૂરથી જ આપણે કી મઠને જોઈ શકીએ એટલી ઊંચાઈ પર સ્થિત છે અને મઠની નીચે જ તીવ્ર વળાંક લેતી સ્પિતિ નદી વહી રહી દેખાય છે. મોનેસ્ટ્રી પરથી પણ સ્પીતી નદીનો પ્રવાહ અને આસપાસનાં ગામડાં જોઈ શકાય છે અને એ દૃશ્ય પણ એટલું સુંદર હોય છે કે અહીં મે કલાકોના કલાકો વિતાવ્યા છે.
મોનેસ્ટ્રીથી થોડે ઉપર હાઈક કરીને ત્યાં જઈને બેસીને કી મઠ અને તેની પાછળ વહેતી સ્પિતિ નદીનું દૃશ્ય શબ્દોમાં ના વર્ણવી શકાય એટલું આશ્ચર્યજનક અને અનન્ય છે. સ્પિતિ ઉપરથી વહેતાં વાદળો જાણે સાગરને નદીઓના સંદેશાઓ આપવાની ઉતાવળમાં હોય એવા દૃશ્યમાન થયા છે.
સ્પિતિ એની ધૂનમાં એકદમ નિર્મળતા સાથે વહેતી જતી હોય એવું દીસે અને આસપાસની ધારાઓ સ્પિતિ સાથે મૂક રીતે ભળી જતી લાગે. એમ લાગે જાણે તે ઉપર ઊડતા મેઘદૂતો મારફતે સાગરને સંદેશો પાઠવતી હોય. સ્પિતિ નદીના કિનારા પર બેસીને સાંભળેલું તેનું સંગીત તમને અભિભૂત કરી દેશે.
આપણે મોટા ભાગે શહેરોમાં ફૅક્ટરીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડા જોતાં આવ્યા છીએ. અહીં કોઈ પડાહી પર ઊભા રહી હાથ લાંબા કરી તો જુઓ વાદળો તમને દોડીને ગળે લગાવી લેશે. સ્પિતિની કોઈ પહાડી પર બેસીને સૂર્યાસ્તના રંગો જોવા એ જીવનભરનું સંભારણું બની જશે. એમાં પણ કોઈ ગમતી કંપની હોય, હાથમાં ગરમ ચાનો કપ હોય, ધીમે ધીમે પહાડીઓ પાછળ સૂર્ય લપાતો જતો હોય અને તે સમયના રંગો – દુનિયાના કોઈ ચિત્રકારની એવી આવડત નહીં હોય કે એ રંગોને હૂબહૂ કેનવાસમાં કંડારી શકે એટલા અદ્ભુત, સૂર્યપ્રકાશની લાલિમા વાદળોને વીંધીને પહાડીઓ અને નદી પર પડે ત્યારે તમામ જાણે તેના રંગે રંગાયું હોઈ એવું દૃશ્ય ખડું થાય.
જીવનમાં શ્રેષ્ઠ ક્ષણો આપોઆપ આવતી નથી, એને અથાગ પ્રયત્નોથી લાવવી પડે છે અને જાળવવી પણ પડે છે. જેમ છોડને પાણી આપીએ એમ એ ખીલે છે એ જ રીતે જિંદગીને ફુરસદની ક્ષણોમાં એક અલગ માહોલ આપવો પણ જરૂરી છે. દેશનાં એવા સ્થળો જે ઓછાં જોવાયાં છે અથવા તો છૂટાછવાયા લોકો જ જ્યાં રહે છે તેઓને મળવાની ઇચ્છા મને ઘણા સમયથી હતી.
Also read : ચાલો આજે કુદરતને નવા અંદાજમાં મળીએ અલિપ્ત એવા તરાઈના જંગલ દુધવા-કિશનપુરમાં ફરીએ
મિડલ લૅન્ડ તરીકે ઓળખાતા સ્પિતિમાં ફુરસદની ક્ષણો એ રીતે વિતાવવાનું નક્કી કર્યું કે હું ત્યાંનો જ રહેવાસી હોઉં. સ્થળને સ્થળ તરીકે નહીં પણ મારા પોતાના ઘર તરીકે અપનાવીને મેં કાઝામાં આવેલી કી મોનેસ્ટરીને નજીકના પહાડ પર ચઢીને નિહાળી. માટીના બનેલા વિશાળકાય પહાડો, આકાશમાં ઊડાઊડ કરતા હિમાલયનાં પંખીઓ, શાંતિ અને સૌમ્યતા ફેલાવતા પ્રેયર ફ્લેગ્સ, એકસાથે અનેક પ્રવાહોમાં વહેતી સ્પિતિ નદી અને દૂર ક્યાંક પહાડોમાંથી ઊડતી ધૂળ આ બધું જ એકસાથે મનમાં એ રીતે વસી ગયું જાણે હું સ્પિતિનો નહીં, સ્પિતિ મારું છે.