ઉત્સવ

ઊડતી વાત : રાજુ રદીને ફિલ્મમાં મળ્યો એક ‘સુપરહિટ’ રોલ !

ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, મોં મીઠું કરો.’ રાજુએે મને કાજુ કતરીના પેકેટમાંથી બે- ચાર કાજુ કતરી મારા મોઢામાં ઠુંસી દીધા. કાજુ કતરી ગળે ઉતારતા ઓતરાશ આવી ગઇ. મે ખાંસી પર ખાંસી ખાધી.

‘ રાજુભાઇ, શેની મીઠાઇ છે? તમે ડાળે વળગ્યા એની છે? ‘ રાધારાણીએ રાજુની દુખતી રગ પર હાથ મૂક્યો.

Also read : સ્પોટ લાઈટ : ‘મહેશ્વરીએ સરિતા જોશીને ટક્કર આપી’

‘શું તમે પણ ભાભી, લગ્ન સિવાય બીજા ઘણા કામ દુનિયામાં છે.’ રાજુએ એરંડિયું પીધું હોય તેવું કટાણું મોં કરી ઉતરેલ કઢી જેવો જવાબ આપ્યો.

‘રાજુ, શું વાત છે? કાજુ કતરીનું આખું પેકેટ અમને આપે છે તો તોતિંગ સરપ્રાઇઝ હશે, ખરું ને?’ મેં રાજુનો ખભો થાબડી હરખ વ્યક્ત કર્યો.

‘ગિરધરલાલ, આઇ એમ સો એકસાઇટેડ’ મારા ઘરે આવેલા રાજુએે સોડોવોટરની જેમ લાગણીનો ઉભરો ઠાલવ્યો . મને પકડીને ગોળ ગોળ ઘુમાવ્યો. મને આવેશથી જોરદાર ભેટયો. મને લાગ્યું કે મારી એક-બે પાંસળીઓ તૂટી ગઇ હશે.
‘રાજુ મને છોડ. મને વર્ટિગોની બીમારી છે. મને શ્વાસ લેવા દે.’ મેં હાંફતા હાંફતા રાજુને રિકવેસ્ટ કરી.

‘ગિરધરલાલ, ખબર એવી છે કે તમે હલી જશો.’

‘ રાજુ, જે વાત હોય એ કહી દે. વાતવાતમાં મોંણ ન ખા ’ .

‘ગિરધરલાલ, મારી જિંદગીનું મહાન સ્વપ્ન પૂરું થયું. હવે હું સડસડાટ પ્રગતિ કરીશ. હું પાછું વળીને જોઇશ નહીં મારી કેરિયરને પાંખ લાગી જશે. તમે ય કહેશો કે ‘રાજુ, તુ તો સાલા સાબ બન ગયા.’ રાજુના શબ્દે શબ્દે ઉમળકો ઊભરાતો હતો. ‘રાજુ, તારી પ્રસ્તાવના સંપન્ન થઇ હોય તો મૂળ વાત કર.’ મેં રાજુ સમક્ષ ધ્યાનાકર્ષક પ્રસ્તાવ રજૂ કર્યો.

‘ગિરધરલાલ અને ભાભી મને હિન્દી ફિલ્મમાં મોટો રોલ મળી ગયો છે. મારી હીરોઇન કુંભમેળામાં માળા વેચીને ચર્ચાના ચાકડે ચડેલ પેલી નીલી આંખોવાળી મોનાલીસા છે. ‘યશરાજ’નું બેનર છે.કિરણરાવ દિગ્દર્શક છે. જતિન લલિતનું મ્યુઝિક અને જાવેદ અખ્તરના સંવાદો છે.’ દેવ આનંદની અદામાં રાજુ ઝૂલતો હતો.

હરેક વ્યક્તિનું ખ્વાબ કચકડામાં કંડારાઇને થિયેટરના પર્દે રજૂ થવાનું હોય છે. મુંબઇ માયાવી નગરી છે. સ્વપ્ન પૂર્તિ માટે ઘણા લોકો મુંબઈની વાટ પકડે છે. સ્ટ્રગલ કરે છે. નાની મોટી ભૂમિકા કરે છે. પછી ઓળખાણ વગરનો એકસ્ટ્રા કલાકાર બની રહે છે. સ્વપ્ન સેવવા એ અલગ વાત છે. સ્વપ્ન સિદ્ધિ માટે ઝઝૂમવું એ અલગ
વાત છે.

રાજુ રદી કોલેજથી તખ્તા પર અભિનયના અજવાળા પાથરતો હતો. રાજુએ ‘એનએફએસડી’ માંથી ડિગ્રી લીધેલી. નાટકનો લાંબો અનુભવ. ઇપ્ટા અને આઇએનટીના એકાંકી કરતો હતો. અર્બન ગુજરાતી ફિલ્મોમાં પણ રોલ કરવા ઓડિશન આપતો હતો. પણ ક્યાંય ફાઇનલ સિલેકશન થતું ન હતું. તમે રણજી ટ્રોફીમાં છસો વિકેટો લો કે ત્રીસ હજાર રન કરો અને ઇન્ડિયન ક્રિકેટમાં રમવાની ડેબ્યુ કેપ ન મળે તો દિલને કેવી ચરચરાટી થાય? તેવી રાજુની સ્થિતિ હતી.

રાજુને મોટા બેનરની ફિલ્મ મળે તો મને તો આનંદ થાય જ ને? અમેય કોલર ઊંચો કરીને કહીશું કે ‘મિલિનિયમ સ્ટાર આર. કુમાર અમારો યાર છે ! ’

Also read : સાવ નવરા ધૂપ છો? -તો આ ધંધો કરીને કમાવ કરોડ રૂપિયા !

રાજુને એવો રોલ મળેલો કે ફિલ્મનો પ્રથમ શોટ એના પર ફિલ્માવવાનો હતો. રાજુ હવે લઘરવઘર કેવી રીતે રહી શકે? રાજુએ થ્રી પીસ સૂટ ઠઠાડવાનું ચાલુ કરેલ. બેન્ડ વાજાવાળાએ સૂટ પહેર્યો હોય પરંતુ, પગમાં શૂઝને બદલે હવાઇ સ્લિપર પહેરેલી હોય. રાજુએ તેના ખર્ચે ડાયરેકટરને કરગરીને તેના શૂટિંગના સમયે મને, રાધારાણી અને બખડજંતરના સર્વેસર્વા બાબુલાલને હાજર રહેવાની પરમિશન અને પાસ માગી લીધેલા.

અમે સ્ટુડિયો પહોંચી ગયા. અમારી પાસે વેલિડ પાસ હતા એટલે દરવાને સલામ ઠોકી અમને એન્ટ્રી આપી. આપણે કદી ફિલ્મોના શૂટિંગ કર્યા હોય નહીં અને શૂટિંગ જોયા હોય નહીં એટલે બાઘી નજરે ચકળવકળ દ્રષ્ટિએ બધું જોવાનું હોય. કેમેરા ટ્રોલી પર હોય કે ડિરેક્ટર ખાસ પ્લેટફોર્મમાં બેસીને ફિલ્મનું શૂટિંગ કરતા હોય તેની ખબર ન હોય. ક્લેપર લોડર, જે ક્લેપ બોર્ડ સાથે કેમેરાની સામે પહેલેથી જ હોય છે..ફિલ્મ શૂટિંગની શરૂઆતમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પિકચર ચાલુ છે એમ મોટેથી બોલે એટલે ‘સાઈલેન્સ કેમેરા..સાઉન્ડ એન્ડ એકશન’ના પોકાર ..છેલ્લે શૂટ પૂરું થાય કે ડિરેક્ટર ‘કટ’નો આર્ડર આપે. એટલે શૂટિંગ પૂરું !! જરૂર જણાય તો રિ-ટેક થાય એવું એકાદ એકસ્ટ્રા કલાકારે એમને સમજાવ્યું.

અમે લાંબે લાંબે નજર દોડાવી. એક બેડ પર સફેદ કપડાંમાં લપેટાયેલી કોઇ વ્યક્તિ સૂતેલી. એના શરીર પર કેમેરો ફોકસ થયેલો. એક કલેપ બોયે કહ્યું કે ફિલ્મનો આ પહેલો સીન છે. રાજુ રદીનો દાવો સાચો હતો. આ પિકચરનો પહેલો શોટ એટલે પહેલું દૃશ્ય. મડદા તરીકે જેને સૂવડાવેલો તે ચાલુ શૂટિંગે છીંક ખાવા માંડે. મરેલો માણસ કંઇ છીંક ખાય? એટલે રિ-ટેઇક જયાં સિન પરફેકટ થાય કે બેડ પર રહેલી કીડી ચટકો ભરે. મૃતદેહનો હાથ જયાં કીડી કરડી હોય તે ભાગ વલૂરવા માંડે. મૃતદેહ હાઇપર થઇને હલહલ કરે તો શૂટિંગ આગળ કેવી રીતે વધે? એટલે ડિરેક્ટરે તમામ મૃતદેહને ફિલ્મમાંથી કાયમ માટે પડતા મૂકયા, જેમાં એક આપણો રાજુ રદી પણ હતો.!

યુ મિન રાજુ રદીને ડેબ્યુ ફિલ્મમાં ડેડ બોડીનો રોલ મળેલો? શું કહ્યું રાજુ રદીને ડેડબોડીનો સોલો રોલ મળેલો નહીં. રાજુ રદી સાથે બીજી 9,99,999 એકટરોને પણ ડેડ બોડીનો ઇન્ટ્રેસ્ટિંગ અને એકસાઇટિંગ રોલ મળેલો!

Also read : કેન્વાસ : બોલિવૂડને હવે કોણ બચાવી શકે?

આ પછી તો અમારા રાજુ રદીને ડેડ બોડીના ઢગલાબંધ રોલ ઓફર થયા છે અને રાજુ રદી ડેડ બોડીના રોલ પણ જાનદાર
કરે છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button