ટિલટેપક નામના આ ગામમાં બધાએ આંખની રોશની કેમ કરીને ગુમાવી દીધી એનું રહસ્ય હજુ અકબંધ છે.
હેં… ખરેખર?! -પ્રફુલ શાહ
આપણી આસપાસથી લઇને સમગ્ર બ્રહ્માંડમાં અનેક એવી વાત છે કે જે આપણા જ્ઞાન, સમજ, તર્ક અને પરંપરાથી પર હોય એટલે જલદી માનવામાં ન આવે. આશ્ર્ચર્યથી આંખ પહોળી થઇ જાય, કયારેક મગજ બહેર મારી જાય. રોમેરોમ ચીસાચીસ કરી મૂકે: ઐસા ભી હોતા હૈ કયાં?
વિજ્ઞાન અને વિજ્ઞાનીઓને ય મૂંઝવીને દાઢી ખંજવાળતા કરી મૂકે એવું મેક્સિકોમાં આવેલું એક ગામ છે ટિલટેપક.આ જગ્યા ‘ભેદી ગામ’ તરીકે ઓળખાય છે. એનું કારણ ભલે બધા જોઇ શકે, પણ આ ગામમાં કોઇ જોઇ-દેખી શકતું નથી. હા, ટિલટેપકમાં એક-એક પુરુષ- સ્ત્રી અને બાળકો દ્રષ્ટિહિન છે. એટલું જ નહીં, અહીં વસતાં પ્રાણી ને પંખી સુધ્ધાં જોઇ શકતા નથી…!
‘વિલેજ ઓફ બ્લાઇડ પિપલ’ ગણાતા ટિલટેપકમાં અંદાજે ૭૦ ઝૂંપડામાં ૩૦૦ જેટલાં લોકો રહે છે. ઝાપોટેક સંસ્કૃતિના ઝેપોટિક લોકો દુનિયાના આ સૌથી ભેદી અને રહસ્યમય ગામમાં રહે છે. નવાઇની બાબત એ છે કે આ ગામમાં દરેક બાળક નોર્મલ એટલે કે દેખતું જન્મ છે, પરંતુ ગણતરીના દિવસોમાં જ અંધ થઇ જાય છે. અહીં કોઇ કંઈ જોઇ શકતું નથી એટલે એમના લાકડાના ઘર અર્થાત ઝૂંપડામાં માત્ર અવરજવર માટે દરવાજા હોય છે, પણ કયાંય બારીનું નામોનિશાન રહેતું નથી.
અહીંનો દરેક સૂરદાસ ઘરમાં લાકડાનાં હથિયાર ખાસ રાખે છે. પથ્થર પર ઊંઘવાનું પસંદ કરે છે. ખોરાકમાં મુખ્યત્વે બાજરો, મરચું અને વટાણા-પાપડી હોય છે. રાત્રિ ભોજન બાદ બધા નાચવાનું પસંદ કરે છે.
અહીં જન્મતાવેંત પંખી પણ નોર્મલ હોય છે, પણ ઝડપભેર આંખની રોશની ગુમાવી બેસે છે. હવામાં થોડું ઉડયા પછી તરત જમીન પર પટકાઇ પડે છે.
આખા ગામમાં સાગમટે દ્રષ્ટિહીનતાનું કાળું ડિબાંગ અંધારું ઊતરી આવે અને કાયમ માટે કેટલું ભયાવહ અને વિચિત્ર ગણાય?
અહીં બધા અંધ થઈ જાય છે એની પાછળ કારણ શું હશે?
આના કારણરૂપ ગામમાં પ્રવર્તતી લોકવાયકા જાણવા જેવી છે. ટિલટેપકમાં એક વૃક્ષ છે. લાવજુએલા નામનું આ ઝાડ શ્રાપિત છે. એને લીધે બધા જોવાની ક્ષમતા ગુમાવી બેસે છે એવી માન્યતા સૌના મનમાં ઘર કરી ગઇ છે.
આ વૃક્ષ જોનારાના આંખની રોશની ગાયબ થઇ જાય છે. તો પછી આ ‘શ્રાપિત વૃક્ષ’ને કાપી કેમ નાખવામાં આવતું નથી? આમ કરવાથી વધુ મોટી આફત ગામ પર ત્રાટકશે એવો ભય સૌને સતાવે છે.
મંગળ અને ચંદ્ર પર ઉતરાણ અને સૂર્યની નજીક પહોંચવાના જમાનામાં કોઇ વૃક્ષને લીધે દ્રષ્ટિ છીનવાઇ જાય ખરી ? એવો પ્રશ્ર્ન સહેજે થાય. અહીં રસપ્રદ વાત એ છે કે આ ગામની મુલાકાતે આવનારા પર્યટકો જો કથિત શ્રાપિત વૃક્ષને જુએ છે ત્યારે એમની આંખ ને નજરને લેશમાત્ર નુકસાન થતું નથી…!
કોઇ વૃક્ષ શ્રાપિત હોઇ શકે કે એનાથી ગામલોકો સૂરદાસ થઇ જાય એવી કોઈ વાત કે માન્યતા વિજ્ઞાનીઓ પણ સ્વીકારતા નથી તો પછી એમનું જ્ઞાન – વિજ્ઞાન શું કહે છે?
વિજ્ઞાનીઓ માને છે કે ગામમાં અમુક ઝેરી માખી અને જીવ-જંતુ છે. એમના ડંખથી માનવીના આખા શરીર પર માઠી અસર થાય છે, પણ સૌથી વધુ હાનિ આંખને થાય છે અને એનાથી દ્રષ્ટિહીનતા આવી જાય છે.
ટિલટેપક ગામ હકીકત છે. ત્યાંના સૂરદાસ પ્રજાજનો, પ્રાણી અને પંખીઓ પણ નક્કર વાસ્તવિકતા છે. વિજ્ઞાનીઓ કોરોના વાઈરસથી લઇને અનેક ભયંકર રોગને નાથી શકે છે. ચાંચડ-ઉંદર-મધમાખી-મચ્છરને નાથી-મારી શકે છે તો પછી ટિલટેપકની આંખનો કોળિયો કરી જતી ઝેરીલી માખી કે જીવ-જંતુનો ઇલાજ કેમ કરાતો નથી ? અને આ ઝેરીલા જીવડાં ટિલટેપકની આસપાસનાં ગામોમાં નહીં હોય?
કોયડો મોટો ને મૂંઝવનારો છે, કલ્પના-સમજ બહારની છે, પણ એ જ માનવીની બુદ્ધિમતા સામેનો પડકાર પણ છે. આ નિર્દોષ ૩૦૦ માનવી અને અનેક પશુ-પંખીના જીવનમાં ઘર કરી જતું અંધારું માનવીય શિક્ષણ- શોધ-સંશોધન- કૌવત અને કસબ સામે બહુ મોટો પડકાર નથી.
બાળક ઊગતો – આથમતો સૂર્ય, ચંદ્રમાની કળા, કળીનું ખીલવું, પંતગિયાનું ઊડવું, નદીનું વહેવું, વાદળોનું ઘેરાવું, વરસાદનું વરસવું, માતાનું સ્મિત અને પિતાનો હેત ન જોઇ શકે એ કંઈ થોડું ચાલે? એક યૌવના અરીસામાં ન જોઇ શકે. એક વૃદ્ધા મોઢા પરની કરચલી ન જોઇ શકે એવું થોડું ચાલે?
ટિલટેપકના લોકોની દ્રષ્ટિ- રોશની પાછી ફરવી જ જોઇએ.આ માત્ર મેકિસકોની, સમગ્ર વિશ્ર્વની જવાબદારી છે- ફરજ છે.