સુખનો પાસવર્ડ : મદદરૂપ થવા તત્પર માણસની કદર કરો…

-આશુ પટેલ
સુખના પાસવર્ડ જેવો બસ કંડક્ટર…
સંવેદનશીલ શિક્ષિકા અને લેખિકા જિજ્ઞા પટેલે એક સરસ મજાની પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. એ વાંચીને આ લેખ લખવાનો વિચાર આવ્યો પ્રથમ જિજ્ઞા પટેલની પોસ્ટ વાંચીએ થોડા શાબ્દિક સુધારા સાથે…..
આજે સાંજે ભૂજથી માંડવી આવતી બસમાં બેઠી. બસ ચાલુ થઈ અને બસ સ્ટેશન બહાર નીકળી કે અચાનક જ કંડકટરે ડ્રાઈવરને ઉદ્દેશીને ઓચિંતી રાડ પાડી: `એ… એ… બાપુ, સાઈડમાં ઉભી રાખો તો…’ અને એ સાથે જ એમણે દોરી ખેંચીને ટ્રીન….ટ્રીન કર્યું.
અમે બધા ડોક ઊંચી કરીને શું થયું!’ એવા આશ્ચર્યથી એના તરફ જોવા લાગ્યા. અને એ દરવાજો ખોલીને રસ્તા તરફ જોવા લાગ્યા. ડ્રાઈવરે હાકલ પાડી:એલા એય… હું સે પણ? ઝટ બોલ… આંય આઘડી ટ્રાફિક થઈ જાશે.’
`ઓલા બાપા ન’તા, ઘોડીવાળા. ઈ આઈવા નથ લાગતા. એનો થેલો તો મેં સીટમાં મૂકી દીધો’તો… પેશાપ જાવ એમ કઈ ને ગ્યા પણ આઈવા નઈ. ને આપણે (બસ) ઉપાડી લીધી. ઈ તો આ થેલો જોયો એટલે મને યાદ આઇવું.’ એમના ચહેરા પર અપરાધભાવ હતો. બારીમાંથી ડોકું કાઢી એ બહાર જોઈ રહ્યા. બીજા મુસાફરો પણ જોવા લાગ્યા.
`અરે! એને તો કેટલી વાર લાગી! ને આય એમ બસ કાંઈ બસ સ્ટેશન બાર ઊભી નો રે! આવશે પાછળ બીજી બસમાં… આંય ટ્રાફિક જામ થઈ જાશે…’ કહીને ડ્રાઈવરે બસ આગળ ચલાવી.
`એ માડુ મંઢો આય, બાપુ!’ કદાચ ડ્રાઈવર દરબાર હશે એટલે કંડકટર એમને બાપુ કહીને સંબોધન કરતા હતા. વળી એમણે કહ્યું: માણસ બિચારો પગેથી લંગડો છે… ક્યાં અટવાશે! અને પાછળ એક પછી એક બસોનો થપ્પો લાગવા માંડ્યો. હોર્ન… સિટીઓ… અવાજ… કોલાહલ… દેકારો… પણ બાપા દેખાય નહીં.
`આગળ જાવા દઉં સર્કલ બાજુ રાખીએ…’ એમ કહીને ડ્રાઈવરે ફરી એક પ્રયત્ન કરી જોયો, પણ ક્નડક્ટર એકના બે ન થયા.બાપુ! માણસ સાવ ઘરડો છે, હાં! ન ચાલી શકે એટલું… બે મિનિટમાં કોઈનું કાંઈ બગડી નહીં જાય…’ ફરી હોર્ન… સિટીઓ….હવે તો બસમાં બેઠેલા પણ ક્નડક્ટર સામે ઘુરકતા હતા.
`અરે ભાઈ, કેટલી વાર લાગશે?’આમ હોય કાંઈ…’
આમ સારો એવો સમય વીત્યો પછી દાદા દેખાયા… એટલે કંડકટર બસમાંથી ઊતરી ગયા. એમની સામે ગયા. હાથ પકડીને એને લાવ્યા. દાદા બસમાં ચડ્યા એટલે સૌ એને જોવા આતુર હતા. બંને પગ નહીં. ઘોડીના ટેકે ઉપર ચડ્યા. એંસી આસપાસની ઉંમર હશે દાદાની. દાદા ચડ્યા એટલે તરત કંડક્ટરે દરવાજો બંધ કર્યો. એક યુવાન ઉભો થઈને કંડકટર માટે તાળી વગાડવા લાગ્યો. અમે બધાએ પણ તાળીથી માન આપ્યું. ડ્રાઈવરે દાદાની સામે જોયું. પછી હસીને કંડકટરને કહ્યું: `તારા આવાં જ કામ હોય પણ!’ અને ડ્રાઈવરના મીઠા ઠપકાભર્યા શબ્દો સામે કંડકટર બાળકની જેમ હસી પડ્યા.
જિજ્ઞા પટેલે આ કંડક્ટરનો કિસ્સો લખ્યો એવા માણસો આજના સમયમાં પણ છે ખરા. આપણે એવા લોકોની બહુ કદર કરી શકતા નથી અથવા કરતા નથી. આવા લોકો વિષે લખાવું જોઈએ. કોઈ ફિલ્મસ્ટાર ક્યારેક જીવનમાં ઉપયોગી સાબિત થાય એવી કોઈ સારી વાત કહે અને તે વાત લખાય એ જુદી વાત છે,પણ કોઈ ફિલ્મસ્ટારે કેવાં કપડાં પહેર્યાં હતાં એ વિશે અથવા તો એના શૂઝ વિશે કે પછી એની હેરસ્ટાઈલ વિશે મીડિયામાં ઘણી બધી વાતો આવતી રહેતી હોય છે. અને ઘણા ખરા વાચકોને એ પસંદ પણ પડતી હોય છે,પરંતુ આવા અજાણ્યા લોકો વિશે ય લોકોએ જાણવું જોઈએ.
હું આ કોલમમાં સમયાંતરે આવા લોકો વિશે વાત કરતો રહું છું. થોડા મહિનાઓ અગાઉ એક રિક્ષાચાલકનો ખૂબ સારો અનુભવ થયો હતો. અમે ગુજરાતથી એક કારમાં મુંબઈ આવી રહ્યા હતાં. મધરાતે મુંબઈમાં પ્રવેશ્યા પછી કાંદિવલી પૂર્વમાં સમતાનગર પોલીસ સ્ટેશન પાસે કાર અચાનક બંધ પડી ગઈ. અમે કોલ કરીને સર્વિસ સેન્ટરમાં વિનંતી કરી. સર્વિસ સેન્ટરના માલિક પરિચિત હતા એટલે એમના એક મિકેનિકને લઈને થોડી વારમાં આવી ગયા. મિકેનિકે કાર ચેક કરીને કહ્યું કે આ કાર અહીં ચાલુ નહીં થઈ શકે.’ એણે ટેકનિકલ કારણ દર્શાવ્યું પછી કહ્યું કે આ કારને ધક્કા મારીને સર્વિસ સેન્ટર સુધી પહોંચાડવી પડશે.’
મિકેનિક ડ્રાઈવિંગ સીટ પર બેઠો અને અમે ત્રણ જણા ધક્કા મારવા લાગ્યા. સર્વિસ સેન્ટર એક કિલોમીટર જેટલું દૂર હતું. અમે કારને ધક્કા મારીને પહોંચાડવા મથી રહ્યા હતા એ વખતે એક અજાણ્યો રિક્ષાચાલક આવ્યો. અમે કારને ધક્કો મારીને લઈ જઈ રહ્યા હતા એ તેણે જોયું. એણે કહ્યું: `તમે લોકો સાઈડ પર આવી જાઓ.’
એ પછી તેણે પોતાનો એક પગ બહાર કાઢીને કારના પાછળના ભાગ પર મજબૂત રીતે ટેકવી દીધો અને પછી રિક્ષાને ફર્સ્ટ ગિયરમાં રાખીને એક્સિલરેટર દબાવ્યું એટલે કાર સરળતાથી આગળ વધી. કાર થોડી ગતિમાં આવી એટલે એણે રિક્ષા બીજા ગિયરમાં નાખી અને તે કારને સર્વિસ સેન્ટર સુધી પહોંચાડી ગયો.
અમે ચાલીને સર્વિસ સેન્ટર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં તો તે કારને રિક્ષાની મદદથી સર્વિસ સેન્ટર સુધી પહોંચાડીને જતો પણ રહ્યો હતો.
અમે પૂછ્યું : `રિક્ષાચાલક?’
જવાબ મળ્યો : `એ તો જતો રહ્યો.’
અમારી ઇચ્છા રિક્ષાચાલકને પૈસા આપવાની હતી. મિકેનિકે કહ્યું: `મેં તેને પૈસા આપવાની કોશિશ કરી હતી,પરંતુ તે રિક્ષાચાલકે કહ્યું કે ઇન્સાનિયત જેસી ભી કોઈ ચીજ હોતી હૈ મુઝે પૈસા નહીં ચાહિયે, આપ મુશ્કિલ મેં થે તો મૈંને ઇન્સાનિયત કા ધર્મ નિભાયા.’
એ રિક્ષાચાલક જિંદગીમાં પાછો ક્યારેય નહીં મળે, પરંતુ એ અમને સુખદ યાદ આપી ગયો. દોસ્તો, બીજાને મદદરૂપ થવા તત્પર રહેતા માણસો પણ સુખના પાસવર્ડ સમા હોય છે. આવા માણસોની કદર કરવી જોઈએ.
આપણ વાંચો : સુખનો પાસવર્ડ : …તો દરેક માણસ આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમો બની શકે!