ઈકો-સ્પેશિયલ : મ્યુચ્યુઅલ ફંડ સલાહકારો-વિતરકોએ સોશિયલ મીડિયા પર શું કરવું – શું ન કરવું?

-જયેશ ચિતલિયા
સોશિયલ મીડિયાનો સદુપયોગ કરતાં દુરુપયોગ તેજ ગતિએ વધી રહ્યો છે. લોકો માટે સત્યને ઓળખવું -સમજવું અઘરું બની રહ્યું છે ત્યારે ‘સેબી’ના નવા નિયમો સમજી લેવા જરૂરી છે.
Also read : મોર્નિંગ મ્યૂસિંગ : ગરીબ દેશમાં વીઆઈપી સંસ્કૃતિની આ તે કેવી અમીરી!
શેર બજારનું નિયમન તંત્ર ‘સેબી’ પણ હવે સોશિયલ મીડિયા ક્ષેત્રે વધુ સક્રિય ને સાવચેત થતું જાય છે. તાજેતરમાં ‘સેબી’એ એક ક્ધસલ્ટેશન પેપર્સ દ્વારા મ્યુચ્યુઅલ ફંડસના વિતરકો (ડિસ્ટ્રિબ્યુટર્સ) અને સલાહકારો માટે ચોકકસ નિયમો જાહેર કર્યા છે.
મ્યુચ્યુઅલ ફંડસમાં નાના રોકાણકારોનો સતત વધી રહેલો રસ અને પ્રવાહને ધ્યાનમાં રાખી ‘સેબી’એ પોતાના પેપર્સમાં કહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડના વિતરકોએ વળતર વિશે વાત કરવી જોઈએ નહીં અને સોશિયલ મીડિયા પર વણમાંગી નાણાકીય સલાહ પણ ન આપવી જોઈએ. 21મી જાન્યુઆરી, 2025થી ડિસ્ટ્રીબ્યુટર્સએ એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કંઇ પણ મુકતા પહેલા સાવચેત રહેવું પડશે.
‘સેબી’એ જણાવ્યા મુજબ ‘એમએફડી’ (મ્યુચ્યુઅલ ફંડસ ડિસ્ટ્રીબ્યુટર્સ) સાશિયલ મીડિયા પર કોઈ વણમાગી ભલામણ કરી શકે નહીં અને શેરો અને મ્યુચ્યુઅલ ફંડ્સ યુનિટસ જેવી મૂડીબજાર પ્રોડક્ટ્સના વળતર અથવા પ્રદર્શન અંગે પણ કોઈ દાવા કરી શકશે નહીં.
આ પરિપત્રના પગલે વિતરકોમાં પોતે સોશિયલ મીડિયા પર શું કરી શકે અને શું ન કરી શકે તેને લઈને મૂંઝવણમાં પડયા છે. ‘એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઈન્ડિયા’ (એમ્ફી)ની આચારસંહિતાના આધારે ‘એમએફડી’ માટે શું કરવું અને શું ન કરવું તે અને ‘સેબી’ના પરિપત્રના અર્થઘટનના આધારે કેટલાક મુદ્દા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
કોઈ સ્પેસિફિક સ્કિમ વિશે વાત નહીં કરવાની..
વિતરકો એ મની સોશિયલ મીડિયા ચેનલ્સ ચાલુ રાખી શકે છે, પણ એ વળતર અથવા કોઈ ચોક્કસ સ્કીમ વિશે વાત નહીં કરી શકે. મ્યુચ્યુઅલ ફંડ વિશે જાગૃતિ ફેલાવવા માટે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શૈક્ષણિક સામગ્રી પોસ્ટ કરી શકે છે, પણ તેમાં કોઈ લખાણ કે વીડિયોમાં કોઈ ખાસ સ્કીમનો પ્રચાર નહીં કરી શકે.
વિતરકો માત્ર ગ્રાહકો સાથે જ મ્યુચ્યુઅલ ફંડ વિશે વાતચીત કરી શકશે, પણ જાહેર માધ્યમોમાં એની ચર્ચા કરી શક્શે નહીં. હા, ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડ અંગે આકસ્મિક સલાહ આપવાનું ચાલુ રાખી શકે છે.
Also read : ઈકો-સ્પેશિયલ : આ છે કુહાડી પર પોતાના પગ પછાડતા લોકો…
વિતરકો બેન્ચમાર્કના ભૂતકાળના પ્રદર્શનના ઉદાહરણનો ઉપયોગ કરી શકે છે. ગયા વર્ષે ‘એમ્ફીએ એસેટ મેનેજમેન્ટ કંપની’ઓ (એએમસી)ને ચોક્કસ ધ્યેય માટે આયોજન અને કમ્પાઉન્ડીંગનું મહત્ત્વ સમજાવવા તેમ જ એસઆઇપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન), એસટીપી (સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન) અને એસડબલ્યુપી (સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન) દ્વારા ચક્રવૃદ્ધિ વળતરના ખ્યાલને સમજાવવા માટે 2%-13% ની રેન્જમાં વળતરની અપેક્ષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
જો કે, ‘એમ્ફી’એ સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રકારનું ઉદાહરણ કોઇ ચોક્કસ સ્કીમ માટે હોઈ શકે નહીં. અલબત્ત, જ્ઞાન-માર્ગદર્શનના પ્રસાર માટે ‘એએમસી’ પ્રમાણિત સામગ્રીનો ઉપયોગ આવકારદાયક ગણાય.
અફવામાં સહભાગી થવું નહીં…
મ્યુચ્યુઅલ ફંડ વિતરકોએ એએમસી, એમ્ફી અને અન્ય એમએફડીઓ અને મ્યુ. ફંડ યોજનાઓ વિશે કોઈ ખોટું અથવા બદનક્ષીભર્યું નિવેદન ન કરવું. વ્યાવસાયિક આચારસંહિતા જાળવી અસત્ય અથવા અફવાઓ ફેલાવવામાં ભાગ ન લેવો. આવા વિતરકોએ સામગ્રીનાં ધોરણો અને અધિકૃતતાના સંદર્ભમાં જવાબદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડ વિતરકો આ ટેગલાઇનનો ઉપયોગ તમામ પ્રકારના સંદેશ વ્યવહારમાં કરી શકે છે – એમ્ફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, ફંડ હાઉસ અને તેમના વિતરકો અને રજિસ્ટર્ડ રોકાણ સલાહકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાઇનાન્સ ઇન્ફલુઅન્સર્સ સાથે જોડાઈ શકતા નથી.
માર્કેટિંગ ટેકટિકસથી દૂર રહેવું…
તમામ વિતરકોએ ખાતરી કરવી જોઈએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે માર્કેટિંગ ટોપી પહેરીને પ્રચાર કરવાનાં પ્રયાસ ટાળવા જોઈએ. ‘એમએફડીઓ’એ હંમેશા એમ્ફી જેવા જાણીતા સ્ત્રોતોના ડેટા પોઈન્ટ્સનો જ ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ માહિતીને સનસનાટીભરી બનાવવી જોઈએ નહીં.
રોકાણકારો પોતે પણ જાગ્રત બને
અહીં એક હકીકત સૌએ નોંધવા જેવી એ છે કે મ્યુચ્યુઅલ ફંડસ ભારતીય ઈન્વેસ્ટમેન્ટ જગતમાં સતત પોતાનો વ્યાપ અને વોલ્યુમ વધારતા રહ્યા છે. આ ઉધોગનું કદ છેલ્લાં દસ વરસમાં જબરદસ્ત વધ્યું છે અને આગામી દસ વરસમાં હજી જબ્બર વધવાની શકયતા ને અવકાશ છે. મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓ ઘેર-ઘેર પહોંચી રહી છે. ફંડસનું શેરબજારમાં પણ વર્ચસ્વ વધી રહ્યું છે, જે એ હદ સુધી આગળ વધ્યું છે કે ફોરેન ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ સામે તે હરીફાઈ કરી શકે છે.
Also read : ઈકો-સ્પેશિયલ : હર ઘર SIP ….ક્યોંકિ SIP સહી હૈ!
મ્યુચ્યુઅલ ફંડ ભારતના નાનામાં નાનાં શહેરો સુધી પણ પહોંચી ગયા છે. આ ઉદ્યોગમાં નવી પ્રવેશ અને નવી પ્રોડકટસ-સ્કિમ્સ પણ આવતા -ઉમેરાતા જાય છે. બીજી બાજુ, માર્કેટિંગના માધ્યમ વધુને વધુ અસરકારક બનતા જાય છે, જેમાં બચતકાર-રોકાણકાર વર્ગ ગેરમાર્ગે દોરાવાની સંભાવના સતત રહે છે- ખાસ કરીને સોશિયલ મીડિયાનું મંચ આ કામ જાણતા-અજાણતા કરી શકે છે. ‘સેબી’એ આને લઈને નવા નિયમોનો ડ્રાફટ તો રજૂ કર્યો છે. આમ છતાં, રોકાણકારોએ ખુદ પોતાની રીતે સાવચેત અને જાગ્રત રહેવું જોઈશે.