મિજાજ મસ્તી : બાવન કરોડનો કોયડો: કલાના કદરદાન કેવા કેવા?!

-સંજય છેલ
ટાઇટલ્સ:
સાથ આપે તે મિત્ર, બાકી કાગળનાં ચિત્ર. (છેલવાણી)
એક આર્ટ ગેલેરીમાં મહાન ચિત્રકારનું મોંઘું ચિત્ર ખરીદવા લોકો લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા હતા. ત્યારે એક કલા સમીક્ષકે ચિત્રકારને કહ્યું:
Also read : ઝબાન સંભાલ કે : લાલો લાભ વગર ન લોટે
‘વાહ, તમારા વ્યક્તિત્વમાંની અંદરની વ્યથાનું રમણીય રંગોનાં છાંટણાંથી શું તમે ચિત્રણ કર્યું છે! આ તમારું શ્રેષ્ઠ સર્જન છે ને?’
‘ના, આ તો ગાભો છે.. પીંછી સાફ કરવાના કપડાને કોઈએ ફ્રેમમાં ટિંગાડી દીધું ને લોકો મૉડર્ન આર્ટ સમજીને તૂટી પડ્યા!’ ચિત્રકારે કંટાળીને કહ્યું.
આનો ભાવાર્થ એટલો જ કે ‘જો ચિત્રકારનું નામ હોય તો પીંછી પોંછવાનું કપડુંય કળા અને કલાકાર જો ગુમનામ હોય તો એનાં ખરેખરાં ઉત્તમ ચિત્રો વેચવામાં એનાં જૂતાં ઘસાઈ જાય.’
તમે માનશો કે હમણાં ન્યૂ યૉર્કની આર્ટ ગેલેરીમાં ભીંત પર ગ્રે ટેપથી ચોંટાડેલા 1 કેળાનું કહેવાતું આધુનિક એબ્સર્ડ ચિત્ર લગભગ 45 કરોડમાં વેચાયું, જેને જસ્ટિન સન નામના ક્રિપ્ટો કરંસીના એક ખેલાડીએ 6.2 મિલિયન અમેરિકન ડૉલરમાં ખરીદ્યું ને પેરોટિન આર્ટ ગેલેરીને 1 કરોડ ડૉલરનું કમિશન પણ મળ્યું!
હવે પેલા અમીરજાદા જસ્ટિને ટ્વિટર (ડ) પર નવો ઢંઢેરો પીટ્યો છે કે ન્યૂ યૉર્કના મેનહટન વિસ્તારની જે ફળોની દુકાનમાંથી મૂળ કેળું ખરીદીને પેંટિંગ બનાવેલું ત્યાંથી એ 1લાખ કેળાં ખરીદવાનું વિચારી રહ્યો છે!
આમ માણસનું દિમાગ, કેળાની છાલ પરથી લપસીને છટકી શકે, પણ કેળું જોતાંવેત જ છટકી જાય એ પહેલી વાર જોયું! માન્યું કે જગતમાં કલાકારો પાગલ હોય છે, પણ આમ ને આમ તો આપણે પાગલ થઈ જશું.
વળી આર્ટ ગેલેરી પાસે ફ્રૂટની દુકાનમાં કામ કરનાર બાંગલાદેશી વૃદ્ધ શાહઆલમે કેળું માત્ર 25 સેન્ટમાં વેચ્યું હતું. શાહઆલમ કહે છે કે જો એ લોકો મારી પાસેથી 1 લાખ કેળાં ખરીદશે તોપણ મને કોઈ ફાયદો નહીં થાય, કારણ કે એમાંથી જે નફો થશે એ દુકાનના માલિકને જશે અને હા, એ નફો પેલા પેંટિંગમાંના કેળાની કિંમતની સામે તો કંઈ જ ન કહેવાય.. આ તે કેવી અસામનતા?
એ વિચિત્ર ચિત્રના ઇટાલિયન કલાકાર મૌરિઝિયોનું કહેવું છે, ‘આ તો એક કળા છે, કળા જે સમાજના વિરોધાભાસને રમૂજ વડે પેશ કરે છે. માટે જ તો મારી આ કલાકૃતિનું ‘કૉમેડિયન’ નામ છે!’
Also read : આકાશ મારી પાંખમાં: તો, પીડીતા શું કરે?+
મૌરિઝિયો કેળું વેચનાર શાહઆલમની વેદના સમજે છે, પણ એ કહે છે કે ‘કલા પાસે દુનિયાની સમસ્યાનો ઉકેલ ન મળે, હોય તો એ પોલિટિક્સ બની જાય!’
જોકે મૌરિઝિયો શરૂઆતથી વિચિત્ર ખોપડી છે. એક વાર એણે 18 કેરેટ સોનાનું ટોયલેટ બનાવેલું! એ કલાકાર, એ હદે ધૂની કે પાગલ છે કે એક વાર એણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને લોનની ઑફર કરી હતી! જોકે આપણે ત્યાં બિહાર-ઝારખંડના કોઈ નેતાને કોઈ કલાકાર કરોડોની લોન ઑફર કરે તો નેતાજી બિંદાસ લઈ પણ લે, તો આવું રિસ્ક કોણ લે? બીજું બધું તો ઠીક, પણ હવે આપણા ગળામાંથી કેળું નીચે નહીં ઊતરે, આપણને થશે કે હાય હાય, આપણે 45 કરોડ ખાઈ રહ્યા છીએ!
ઇન્ટરવલ:
યહ કિસ ને ફૂલ ફૂલ પે કિયા સિંગાર હૈ?
યહ કૌન ચિત્રકાર હૈ? યહ કૌન ચિત્રકાર હૈ?
(ભરત વ્યાસ)
આપણે ત્યાં મોટે ભાગે ‘માથે બેડલું મૂકેલી પનિહારી’ જેવાં ચિત્રોને જ સૌ મહાન ‘કલા’ સમજે છે. મૉડર્ન આર્ટ, આમ આદમીની આંખ માટે ઉખાણાં છે. મહાન ચિત્રકાર પિકાસોને કોઈએ કહ્યું: ‘મને તમારી કલા જરાય સમજાતી નથી.’
પિકાસોએ ઠંડકથી પેલાને સામે પૂછ્યું:
‘તમને મેંડેરિઅન ભાષા સમજાય છે?’
પેલાએ કહ્યું: ‘ના.’
‘પણ ચીનમાં તો એ કરોડો લોકોને સમજાય છે! તમને ના સમજાય એટલે કોઈ ચીજ નકામી નથી બની જતી!’ પિકાસોએ લૉજિક આપ્યું.
એક વાર કેટલાક અતિ-ગંભીર દાઢીવાળા બૌદ્ધિકો, ફૂટબોલ સાઇઝની બીંદી લગાડેલી સિલ્ક સાડીધારી સ્ત્રીઓ, લાંબા વાળવાળા લઘરવઘર યુવાનો એક આર્ટ ગેલેરીમાં ભેગાં થયેલાં. ત્યાં એક વિચિત્ર ચિત્રને જોઈને કોઈ ચિત્રકારને પૂછયું: ‘આવા ઢંગધડા વિનાના ચિત્રને મૉર્ડન આર્ટ કહેવાય?’
ચિત્રકારે કહ્યું: ‘ના, એને અરીસો કહેવાય!’ એટલે કે ત્યાં અરીસો હતો ને પેલાનું ડાચું જ ઢંગધડા વિનાનું હતું, જેને એણે ચિત્ર માની લીધેલું!
Also read : કેન્વાસ : પુરુષ-સ્ત્રી સમાનતા કેટલી પોકળ… કેટલી વ્યવહારિક?
વળી દરેક આધુનિક ચિત્ર એક આયનો હોય છે, જેમાં જોનારાને એ પોતાની દૃષ્ટિ અને મન:સ્થિતિ પ્રમાણે સમજાય છે.
સામાન્ય લોકોને નથી સમજાતું કે ન સમજાતાં ચિત્રને કરોડોમાં કોઈ શા માટે ખરીદે છે? વિવાદાસ્પદ પણ વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈને, માધુરી દીક્ષિતને લઈને બનાવેલ ‘ગજગામિની’ ફિલ્મના સેટ માટે જે માટીનાં હાંડલાં ચીતરેલાં એ પણ લાખોમાં વેચાયેલાં. સામાન્ય માણસને એમાં માત્ર માટલું દેખાય છે, કલારસિકને એમાં માધુરી દેખાઈ શકે! વળી હવે મૉડર્ન આર્ટ પણ એક ઇંડસ્ટ્રી છે. આજે અનેક ધનાઢ્ય લોકો મૉડર્ન આર્ટનાં ચિત્રો ખરીદીને ઇન્વેસ્ટમેંટ કરે છે. કળા-ફળામાં ઝાઝું ના સમજતી ગુજરાતી પ્રજા પણ હવે જમીન-ઝવેરાત કે શેરબજારની સાથોસાથ મૉડર્ન આર્ટમાં રોકાણ કરવા માંડ્યા છે. 2012માં લીઓન બ્લેક નામના ધનવાને, એડવર્ડ મંક નામના ચિત્રકારનું છેક 1893માં બનેલું ‘સ્ક્રીમ’ નામનું ચિત્ર 1,19,922,600 ડૉલરમાં ખરીદેલું.
રશિયામાં એક વાર શ્રમમંત્રી ચિત્રપ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા ગયા. ત્યાં એક ચિત્રનું શીર્ષક હતું: ‘કામ કરતાં સરકારી કામદારો’
મંત્રીજીએ ચિત્રકારને પૂછ્યું: ‘આ ચિત્રમાં તો અડધું બનેલું મકાન છે, પણ મજૂરો તો દેખાતાં જ નથી!’
ચિત્રકારે કહ્યું, ‘સાહેબ, શીર્ષક ફરીથી વાંચો’ કામ કરતાં સરકારી કામદારો’ લખ્યું છે. તમારા રાજમાં સરકારી કામદારો કામ કરે છે ખરા?’ મંત્રીશ્રી ચૂપ!
જોક્સ અપાર્ટ, કેળું હોય કે કાવ્ય. કલા તમને ખામોશ પણ કરી શકે છે કે પછી શોર કરવા મજબૂર પણ!
એંડ-ટાઇટલ્સ:
આદમ: તને કયો રંગ ગમે?
ઈવ: પ્રેમરંગ!