ઉત્સવ

આકાશ મારી પાંખમાં : મનની ભીતરનું આભ ઉઘડે તો ઝળહળાં થાંઉ, મીરાંની જેમ નાચી ઊઠું તાનમાં…

-ડૉ. કલ્પના દવે

સ્વને પામીને જીવનનો ઉત્સવ માણી શકીએ એ જ સાચું સ્ત્રી સશક્તીકરણ. 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય વિશ્વમહિલા દિન તરીકે આપણે ઉજવીએ છીએ પણ આમાંથી કેટલું પામી શકીએ છીએ એ મહત્ત્વનું છે. ક્રાંતિકારી લેખિકા- સિમોન-દુ-બુવાર કહે છે- જયારે સ્ત્રી પોતાની નિર્બળતા થકી નહીં, પણ પોતાની આંતરિકશક્તિ થકી પોતાનું જીવન ઉજાળશે, પોતાની જાતથી ભાગીને નહીં પણ સ્વયંની શોધ માંડશે, દુ:ખમાં ડૂબીને નહીં પણ પોતાના કાર્યમાં સામર્થ્ય દાખવશે ત્યારે તેનું જીવન ઉત્સવ બની રહેશે.

Also read : ઈકો-સ્પેશિયલ : મહાકુંભની મહા સફળતાનું મહા અર્થકારણ

આતમ જાગે તો જ સવાર- સ્ત્રીસશક્તીકરણ એ માત્ર વિચાર કે આદર્શ નથી પણ જીવનનો એક દૃષ્ટિકોણ છે. આ અંગે પ્રત્યેક સ્ત્રીએ જ જાગૃત થવાનું છે. આપણો ધ્યેય નિશ્ર્ચિત કરી તેને પામવા પુરુષાર્થ પણ આપણે જ કરવાનો છે. એક સુસંસ્કૃત સુશિક્ષિત સ્ત્રી જ પરાશક્તિ પામી શકે. બદલાતા સમાજમાં શ્રેષ્ઠ જીવન પામવાનું છે.

સ્ત્રીશક્તિના કેટલાક દીપસ્તંભોના ચરિત્રને જોઈએ.
મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ ગાનાર મીરાં એટલે ભક્તિની દીપશિખા- આતમશક્તિ થકી જ મીરાં કૃષ્ણને પામી શકી.

‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે,’
લોગ કહે મીરાં ભઈ રે બાવરી, સાસ કહે કુલનાશી રે– સંત કવયિત્રી મીરાં એટલે મધ્યકાલીન-ભક્તિયુગની ક્રાંતિકારી સ્ત્રી. મીરાં સામે ત્રણ અવરોધો હતા- એક રાજરાણી, બીજું સ્વયં સ્ત્રી હોવાના અવરોધો અને ત્રીજું વૈધવ્ય- સમકાલીન સમાજ સામે આ બંધનો ફગાવીને, અડગ નિર્ણયશક્તિ કેળવીને કૃષ્ણભક્તિના માર્ગે આગળ વધ્યાં. સાધુસંતોનો સાથ ન છોડ્યો ત્યારે રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો તો તે હસતે મુખે પી ગયાં પણ ભક્તિનો પંથ ન છોડ્યો.

સ્વાતંત્ર્ય આંદોલનમાં સામાજિક બંધનોને ફગાવીને સહભાગી થનાર મહિલાઓના પ્રણેતા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. ચરખો કાંતવો, સ્વદેશી ચળવળ હોય, બારડોલી સત્યાગ્રહ હોય કે દાંડીકૂચની ચળવળ શહેરી-ગ્રામીણ સ્ત્રીઓ તેમાં જોડાઈ હતી.

સ્ત્રીશક્તિનો દીપસ્તંભ-2 -રાષ્ટ્રમાતા કસ્તુરબા.
મહાત્મા તરીકે પૂજાતા પોતાના પતિના પગલે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર કસ્તુરબાનું જીવન કર્મઠ તપ અને સેવાનું રહ્યું છે. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ-ફિનિકસ આશ્રમ હોય, સાબરમતી આશ્રમ હોય કે વર્ધાનો આશ્રમ બાએ હંમેશાં બાપુને સાથ આપ્યો. સ્ત્રીકેળવણી, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોધ્ધાર કે સત્યાગ્રહની ચળવળ- બાએ મનસા-વાચા-કર્મણા થકી પોતાનું યોગદાન આપ્યું.

દક્ષિણ આફ્રિકાના આશ્રમમાં બનેલો આ પ્રસંગ છે. તે વખતે બાથરૂમમાં ખાળ ન હતા. પેશાબને એક વાસણમાં ભેગું કરી ઠાલવવું પડતું. એકવાર બાપુએ બા ને કહ્યું- મહેમાનની કોટડી સાફ કરો. એ પંચમ જાતિના મહેમાનની કોટડી હું સાફ કરું, એના ટબને ઠાલવવા હું જાઉં? મારાથી એ નહીં બને. બાએ કહ્યું.

Also read : ટ્રાવેલ પ્લસ : આધ્યાત્મિક કેન્દ્ર ને હિમાલયનું દ્વાર રોમાંચક ઋષિકેશ

બાપુ- તારે એ કામ કરવું જ પડશે, અને જરા ય ગુસ્સાથી કે રડીને નહીં. (કસ્તુરબાની આંખમાં ગુસ્સો હતો સાથે આંસુ પણ છલકાયા.) આ જોઈને બાપુએ કહ્યું- મારા ઘરમાં આ કંકાસ નહીં ચાલે. બા- ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો. બાપુ બાને હાથ પકડીને દરવાજા સુધી લઈ ગયા અને દરવાજો ઉઘાડીને બહાર નીકળી જવા ફરમાન કર્યું.
સ્વમાનપૂર્વક પોતાનો હાથ છોડાવતાં, નમ્રતાથી બા બોલ્યાં- જરા તો શરમાઓ. તમને લાજ નથી, મને છે. હું બહાર નીકળીને કયાં જવાની હતી? હું બાયડી થઈ એટલે મારે ધબ્બા ખાવા રહ્યા.

અલ્પશિક્ષિત બા ભારે કોઠાસૂઝ ધરાવતાં હતાં. અન્યાય કે અપમાનને સાંખી લેવાય નહીં છતાં સહનશક્તિ-ધૈર્ય વડે આત્મગૌરવ જાળવી જ શકાય. તેથી જ બાપુ તેમની આત્મકથામાં લખે છે- અહિંસાના પ્રથમ પાઠ હું મારી પત્ની પાસે શીખ્યો છું.

1942માં ભારત છોડો આંદોલન વખતે નવમી ઓગસ્ટે સવારે પાંચ વાગે જ સરકારે બાપુની ધરપકડ કરી. તે દિવસે સાંજે જ બાપુ શિવાજી પાર્કમાં ભાષણ આપવાના હતા. બાએ કહ્યું- બાપુની અવેજીમાં હું ભાષણ આપીશ. બા એ સુશીલા નૈયર પાસે સંદેશા લખાવ્યા. સાંજે સભાસ્થળે જવા તૈયાર થયાં અને જોયું તો દરવાજા પર પોલીસ ઊભા હતા.

તમે સભામાં ન જાઓ. એક પોલીસે કહ્યું.
જો હું ભાષણ ન કરી શકું તો સુશીલા ભાષણ કરશે. સભામાં તો અમે જઈશું જ. બાએ દ્રઢતાથી કહ્યું.
તો પછી અમારે તમારી ધરપકડ કરવી પડશે, એવું જણાવતાં બાની, ડો.સુશીલા નૈયર અને પ્યારેલાલની ધરપકડ કરી લીધી. પણ, બા એક ના બે ન થયાં.

સ્ત્રીશક્તિનો દીપસ્તંભ-3 મણિબેન પરીખ.
સ્વાતંત્ર્ય આંદોલન વખતે મુંબઈમાં પિકેટિંગ અને ભૂગર્ભ ચળવળ પ્રભાવક રીતે ચાલતી હતી. કેસરી પટ્ટાની સફેદ ખાદીની સાડી પહેરીને સ્વયંસેવિકા બહેનો વિદેશી કાપડની દુકાન કે દારૂના પીઠા પાસે ઊભાં રહેતા હતાં. કોઈ ઘરાક દુકાનમાં વિદેશી કાપડ ખરીદવા કે દારૂના પીઠામાં આવે તો તેમને અટકાવે અને ફુરસદના સમયે હાથમાં તકલી લઈને સૂતર કાંતવાનું કામ કરે.

સાબરમતી ગામના સ્ટેશનની પાછળ આવેલા દારૂના પીઠા પાસે એક વખત નરહરી પરીખનાં પત્ની મણિબેન પિકેટિંગ કરી રહ્યાં હતાં. ત્યાં એક સ્વયંસેવકે આવીને સમાચાર આપ્યા:- બહુ દુ:ખદ સમાચાર છે. ધરાસણા સત્યાગ્રહમાં લાઠીમાર ખાતાં નરહરિભાઈ ઘાયલ થઈ ઢળી પડ્યા, હવે તે આપણી વચ્ચે નથી.

મણિબહેને પોતાની જગ્યાએથી જરા પણ ડગ્યા વિના જવાબ આપ્યો:- હું ડ્યૂટી પર છું. અહીંથી ખસીશ નહીં.
પતિના નિધનના સમાચાર સાંભળીને કોઈ પણ સ્ત્રી પડી જ ભાંગે,પણ મણિબેન રાષ્ટ્રભક્તિના બળે અડગ ઊભાં હતાં. કેવો રાષ્ટ્રપ્રેમ- કેવી સાહસિકતા! જો કે થોડા જ સમયમાં વનમાળાએ જણાવ્યું કે નરહરિભાઈ વધુ લોહી વહી જવાને કારણે બેભાન થઈ ગયા હતા, હવે ભાનમાં આવી ગયા છે.

આજે આવી વિરાંગનાઓનાં ઉદાત્ત ચરિત્રોમાંથી આપણને એક નવી દ્રષ્ટિ મળે છે. આજે ટેકનોલોજીના યુગમાં જ્ઞાનની અનેક ક્ષિતિજો વિસ્તરી છે. એક ગરીમાપૂર્ણ જીવન જીવવા આપણે શું કરી શકીએ એની દિશા નક્કી કરીએ.

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા કહીએ છીએ તે મુજબ પ્રત્યેક સ્ત્રીમાં શક્તિ તો છે જ તેને ઉજાગર કરવાની છે. સ્ત્રીસશક્તીકરણ એટલે એક મુકત અને પ્રસન્ન જીવન. નારીમુક્તિ માટે કોઈ સામૂહિક આંદોલન કે મોટા નારા લગાવવાની જરૂર નથી, પણ એક ચોકકસ દિશા, તે અંગેની સજાગતા જરૂરી છે.

સીતાજીના અગ્નિપ્રવેશમાં, દ્રૌપદીના ચિત્કારમાં, મીરાંની ભક્તિમશાલમાં, લક્ષ્મીબાઈની મ્યાનમાં મેં સાંભળ્યો મુક્તિનાદ.
સ્વની શોધ કરતાં જે સમાજમાં આપણે રહીએ છીએ તેમાંથી જ શ્રેષ્ઠતા તરફ જવું એ જ સાચો પંથ છે. સ્વરક્ષણ કરી શકે, પોતાના નિર્ણય જાતે લઈ શકે, સ્વસ્થ સમાજની રચના માટે સુસંવાદિતા કેળવીને આર્થિક રીતે પગભર થવું એ જ સ્ત્રીસશક્તીકરણનો મુખ્ય ધ્યેય છે.

ઉન્નત છે મસ્તક અને આંખો છે લક્ષ્ય ભણી,
ખુદ પર ભરોસો હોય, જેને તે છે નિર્ભયાનારી.
છે તારી પાસે નિજ સૌંદર્ય ને ગરિમાજ્ઞાનની.
વિકાસપંથે ભરો ડગલાં તું છે નિર્ભયાનારી.

Also read : તમસો મા જયોતિર્ગમય

આજે પ્રત્યેક ક્ષેત્રે પ્રગતિ કરી રહેલી નારીએ ટેકનોલોજી,શિક્ષણ,રાજકરણ, માસમીડિયા કે સંશોધન ક્ષેત્રે સિદ્ધિ મેળવી રહી છે. ભારતીય મૂળની અમેરિકા સ્થિત એસ્ટ્રોનટ સુનીતા વિલિયમ્સની સિદ્ધિ અભૂતપૂર્વ છે. 2006માં અવકાશભ્રમણ કરનાર સુનીતા વિલિયમ્સ 18મી ડિસેંબરે 2007માં સફળ પ્રયાણ કર્યું હતું, 2024થી બુચ વિલિમોર સાથે સુનીતા વિલિયમ સ્પેસયાનની સફરે છે, હવે બીજી વાર નવ મહિનાથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી 25માર્ચે યુ.એસ.એ.ની ધરતી પર નાસાના આ બંને અવકાશવીરો સફળ ઉતરાણ કરીને વિક્રમ સર્જશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિને આત્મશક્તિ માટે યાદ રાખીએ-
ના ડરું કદી જીવન ઝંઝાવાતથી, હું તો સ્વયંસિધ્ધાનારી.
મધદરિયે હંકારું નાવ મારી, હું તો સ્વયંસિધ્ધાનારી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button