કેન્વાસ : બોલિવૂડને હવે કોણ બચાવી શકે?

-અભિમન્યુ મોદી
છેલ્લે તમે કઈ હિંદી ફિલ્મ થિયેટરમાં જઈને સપરિવાર જોઈ? છેલ્લે ક્યારે એવું સાંભળ્યું કે આ ફિલ્મની ટિકિટ પણ નથી મળતી? હા, હમણાં ચાલી રહેલી ‘છાવા’ કે એની પહેલાની ‘એનિમલ’ સુપરહિટ ગઈ એવું કહી શકાય. ‘પુષ્પા-ટુ’ સાઉથની ફિલ્મ છે એટલે એ ન ગણાય.
Also read : પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ મોટા સમયચક્રને કેવી રીતે પામ્યા હશે?
હિન્દી ફિલ્મોની સ્થિતિ એવી છે કે વર્ષે-બે વર્ષે એકાદી હિટ જાય છે. ફિલ્મો હિટ જાય એ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળતાનો માપદંડ નથી, પણ સારી ફિલ્મો, લોકો પરિવાર સાથે સતત જોવા આવે એવી ફિલ્મો નિયમિતપણે બનતી રહે છે ખરી? કેમ સાઉથની ફિલ્મોનો સતત સહારો લેવો પડે છે? રિ-મેક ઉપર રિ-મેક બનાવવી પડે છે? એક ફિલ્મ હિટ જાય એટલે એનો બીજો ભાગ ને ત્રીજો ભાગ ને છેક પાંચમાં છઠ્ઠા ભાગ સુધી પહોંચી કેમ જાવ છો ? એ ખરું કે સફળતાને નીચોવી લેવાની દરેક્ની નીતિ-રીતિ હોય છે, પણ આવું કયાં સુધી?
જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપે તાજેતરમાં એવું કહ્યું કે ‘એ મુંબઈ છોડી રહ્યા છે કારણ કે મુંબઈનું વાતાવરણ બહુ ટોક્સિક છે.’ અનુરાગ જેવો સ્થાપિત માણસ પણ કંટાળી ગયો છે. ફિલ્મોની વાત છોડો. એ વિચારો કે અત્યારે કયું માધ્યમ સૌથી વધુ જોવાય છે? ‘ઓટીટી ભવિષ્ય છે અને સિનેમાના પાટિયા પડી ગયા છે.’ આ સત્ય હવે આઉટડેટેડ છે. ‘સાઉથનું સિનેમા ચાલે છે અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફિક્કી પડી રહી છે’ એ પણ અર્ધ- સત્ય છે.
એમેઝોન, જિયો-હોટસ્ટાર, નેટફ્લિક્સ, સોની લીવ, ઝી ફાઈવ, શેમારું, એચબીઓ, હુલુ જેવા ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે અને ત્યાંથી હવે તેની અવનતિનો માર્ગ સુરેખ દિશામાં નીચે તરફ ઢળી રહ્યો છે.
મોટા મોટા ઓટીટી પ્લેટફોર્મના સબ્સ્ક્રાઇબર્સ ઘટી રહ્યા છે. એમેઝોન કે નેટફ્લિક્સ જેવા વૈશ્વિક પ્લેટફોર્મ તેનો કર્મચારી ગણ ઘટાડી રહ્યા છે કારણ કે તે બધા ધીમે ધીમે ભીંસમાં આવી રહ્યા છે.
સિનેમા સ્ક્રીન ખાલી રહે છે. થિયેટરોમાં ફૂટફોલ સતત ઘટી રહ્યા છે. દિવાળી હોય કે નાતાલ, હાઉસફૂલના પાટિયા પર ધૂળ ચઢી ગઈ છે… નોર્થ હોય કે સાઉથ,ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બોકસઓફિસ આંકડા ઘટી રહ્યા છે.. આવનારા વર્ષો પોતાની પ્રગતિ માટે નહીં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના સંઘર્ષના વર્ષો તરીકે દરેક મનોરંજન માધ્યમ માટે સાબિત થશે.
આવી કફોડી સ્થિતિ સર્જાવાનું કારણ શું?
અભિનેતા જોન અબ્રાહમે હિન્દી સિનેમાના સાથી કલાકારો પ્રત્યે હમણાં જ અસંતોષ વ્યક્ત કર્યો કે મોટા સુપરસ્ટાર્સ મોંઘી ફી અને અન્ય તોતિંગ ખર્ચ દ્વારા ‘ફિલ્મ સિસ્ટમને શોષી રહ્યા છે.’ આ અગાઉ, ફિલ્મ નિર્માતાઓ કરણ જોહર અને ફરાહ ખાને પણ કલાકારોની ટીમના વધતા ખર્ચ વિશે વાત કરી હતી
Also read : ઉછેરની જૂની રીતોની એક્સપાયરી ડેટ નીકળી ચૂકી છે
(વિધિની વક્રતા એ છે કે ‘આવા વધારાના ખર્ચ’ની શરૂઆત ખુદ કરણે જ શરૂ કરી હતી!)
‘ધ હોલિવૂડ રિપોર્ટર ઈન્ડિયા’ સાથેની મુલાકાતમાં જ્હોનને ‘હીરો પ્રતિ ફિલ્મ 100 કરોડ રૂપિયા માંગે છે અને એમના સ્ટાઈલિસ્ટ દરરોજ 2 લાખ રૂપિયા માંગે છે’ એ વિશે ટિપ્પણી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એણે આ પરિસ્થિતિને ‘માનસિક’ ગણાવી કહ્યું કે ‘હાલમાં આપણે એ લોકોને આટલા બધા પૈસા ન આપવા જોઈએ, કારણ કે આપણા મોટા બજેટ અને મોટી ફીને યોગ્ય ઠેરવતા નથી. ફિલ્મ રિલીઝ થયા પછી કલાકારોનો ખર્ચ પણ કાઢી શકતા નથી. આ સ્થિતિ હાસ્યાસ્પદ છે આપણે આમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયા જોવાની જરૂર છે’ જ્હોનના આ શબ્દો સટિક છે.
હિન્દી સિનેમામાં કલાકારોની ફી અને ફિલ્મ બજેટમાં વધારા અંગે ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. જોકે, તાજેતરમાં બોક્સઓફિસ પર ઘણી મોટા બજેટની ફિલ્મોના નબળા પ્રદર્શન બાદ આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે સ્ટાર્સના પગાર બોક્સઓફિસના નફા કરતાં વધી જાય છે ત્યારે પ્રોડ્યુસર જ સહન કરતો હોય છે. પછી એ પ્રોડ્યુસર બીજી વખત કોઈ સારી ફિલ્મમાં પૈસા રોકશે ખરો?
હિન્દી સિનેમાના બોક્સઓફિસ પરફોર્મન્સમાં ઘટાડો ચિંતાનો વિષય છે, સુપરસ્ટાર ધરાવતી ફિલ્મો પણ ફિલ્મના પ્રોડક્શન વેલ્યુની બ્રેક-ઈવાન મોમેન્ટ માટે સંઘર્ષ કરી રહી છે. અક્ષય કુમાર, રણબીર કપૂર અને સલમાન ખાન જેવા ટોચના કલાકારોની ફિલ્મોને અણધારી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વિચારતા થઈ ગયા છે કે કલાકારો દ્વારા લેવામાં આવતી અતિશય ફી શું યોગ્ય છે ખરી?
રસપ્રદ વાત એ છે કે, જ્યારે બોલિવૂડ વધતા બજેટ અને ઘટતા નફાના પડકાર સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે દક્ષિણ ભારતીય સિનેમા એક આદર્શ મોડેલ તરીકે ઊભરી આવ્યું છે. રજનીકાંત, વિજય અને મહેશ બાબુ જેવા મોટા સ્ટાર્સે મોટી અપફ્રન્ટ ફી માંગવાને બદલે ફિલ્મના નફામાં હિસ્સો સામેલ કરવા માટે તેમની ફીઝની ચુકવણીનું સરસ માળખું ગોઠવ્યું છે. આ મોડેલ માત્ર ફિલ્મને આર્થિક રીતે સધ્ધર રાખવાની ખાતરી જ નથી આપતું, પરંતુ અભિનેતાની સફળતાને ફિલ્મના વાસ્તવિક પ્રદર્શન સાથે સાંકળીને બધા માટે વિન – વિન સ્થિતિનું નિર્માણ કરે છે.
Also read : અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૫: ચન્દ્રકાંત શાહ
તેલુગુ અને તમિલ ફિલ્મ ઉદ્યોગોએ પણ દર્શાવ્યું છે કે નિયંત્રિત ઉત્પાદન બજેટ અને વ્યૂહાત્મક રોકાણો કેવી રીતે મોટો નફો મેળવી શકે છે. આરઆરઆર અને પુષ્પા: ધ રાઇઝ જેવી ફિલ્મસની સફળતા આ સંતુલિત અભિગમનો પુરાવો છે.
આ ટીકા નથી પણ સમીક્ષા છે અને આ ટીકા – ટિપ્પણી એ કંઈ ઇન્ડસ્ટ્રી ઉપર હુમલો નથી, તે હિન્દી સિનેમા માટે ચેતવણી છે. જો બોલિવૂડને પોતાનો ગઢ પાછો મેળવવો હોય, તો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેકે ‘ એકડે એકેથી વિચારવું પડશે.