ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પના કારણે વૈશ્ર્વિક ટેરિફ યુદ્ધ ફાટી નીકળે તો પણ…

-જયેશ ચિતલિયા

અમેરિકન સરકારે તાજેતરમાં 200થી વધુ ભારતીયોને ભારત પાછાં મોકલી દીધા છે. હજુ ત્યાં ગેરકાયદેસર વસી ગયેલા અનેક ‘ઘરવાપસી‘ની ક્યૂમાં છે.

Also read : વાહ રે ભગવાન અબઆર્ટિફિશિઅલ ઇન્સાન?!

આવા ગેરકાનૂનીઓને અમેરિકા ન ચલાવે તો એમાં કંઈ જ ખોટું નથી. અહીં મૂળ મુદ્દો એ નથી, પણ મૂળ વિષય ટ્રેડ ટેરિફનો છે તેના પર નજર કરવી જોઈએ.

ટ્રમ્પે ટેરિફના મામલે ભારત સામે હજી કોઈ કડક યા અવ્યવહારુ પગલું ભર્યુ નથી, એ જોવું વધુ મહત્વનું છે. આ વાત ભારતની ક્ષમતા-સમર્થતા અને ગ્લોબલ ઈમેજ દર્શાવે છે. ટેરિફ -વોરની ભારતીય અર્થતંત્ર પર સંભવિત અસર.

ડોનલ્ડ ટ્રમ્પે એમની બીજી મુદતમાં ચીન, મેક્સિકો અને કેનેડામાંથી ચીજવસ્તુઓની આયાત ઉપર વેરા લાદીને ખળભળાટ મચાવી દીધો છે. (જોકે ટ્રમ્પે આ નિર્ણયને કામચલાઉ વિલંબમાં મુકયો છે.)

આવા ટેરિફ આપણી વિરુદ્ધ જો અમલમાં આવે તો ભારતીય અર્થતંત્ર અને બજારો ઉપર એની બે મોટી અસર પડશે. એક,ભારતીય ઉત્પાદન ક્ષેત્ર ઉપર વ્યાપક પ્રભાવ પડશે, જે વૈશ્વિક કંપનીઓ એમના સોર્સિંગ બેઝના વૈવિધ્યીકરણ માટે ચીનથી દૂર રહેવાનું પસંદ કરે છે એમને વધુ બળ મળી શકે છે, કારણ કે મેક્સિકો અને કેનેડા સાથે અમેરિકન કંપનીઓ દ્વારા આયાત કરવાનું મોંઘું બનશે.

બીજી મોટી અસરમાં ભારતીય શેરબજારોને મોટો ફરક પડશે. ડૉલરની મજબૂતાઈ સમગ્ર બજાર વ્યવસ્થા માટે નેગેટિવ પરિબળ જ છે, પરિણામે વિદેશી ઈન્વેસ્ટરો ભારતીય બજારોમાં માલ વેચવાનું ચાલુ રાખશે. જોકે આ અસર કેટલી લાંબી ચાલશે એ કહેવું હાલ કઠિન છે.

ચીનનો લાભ ભારતને મળશે?

અમેરિકાએ ચીન-કેનેડા- મેક્સિકોથી આયાત થતાં માલ-સામાન પર જે ટેરિફ વેરો નાખવાનું નક્કી કર્યું છે. તેથી અમેરિકાના આયાતકારો વૈકલ્પિક સોર્સિંગ દેશો શોધવાનું ચાલુ રાખશે. આ વાત ભારતના લાભમાં છે, કારણ કે અનેક મલ્ટિનેશનલ કંપનીઓએ ‘ચીન પ્લસ વન’ રણનીતિ અપનાવી છે. મેક્સિકો અમેરિકાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે, પરંતુ ટ્રમ્પના નિર્ણયને લીધે કંપનીઓ માટે આ દેશ મોંઘો અને જોખમી પણ બનશે એટલે ભારત માટે વ્યૂહાત્મક નિકાસની તક વધી શકે છે.

ટેરિફ વધારો : ગ્લોબલ યુદ્ધ બની જવાનો ભય
જોકે એ કેટલી હદે વાસ્તવિક બનશે એ કહેવું મુશ્કેલ છે, કારણ કે અમેરિકા-ચીન વચ્ચેના ટેરિફ-યુદ્ધથી વૈશ્વિક વ્યાપાર યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે. આનાથી બે મુખ્ય ચિંતા ઊભી થાય છે જેના પરસ્પર વિરોધી પરિણામ ઉદ્દભવી શકે છે:

એક: આવી અનિશ્ચિતતાથી વૈશ્વિક સ્તરે સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ શકે છે. એને પરિણામે ભારતીય અર્થતંત્ર માટે ફુગાવાની સ્થિતિ બની શકે છે, કારણ કે આપણે હજી પણ ઘણા બધા માલસામાનના પુરવઠા માટે આયાત ઉપર નિર્ભર છીએ.

Also read : દિમાગનો કબજો લઇ લેતા ટેકનોગુરુઓથી સાવધાન

બે: ઊંચા ટેરિફનો સામનો કરી રહેલા દેશો ભારતીય ઉદ્યોગો માટે ખતરારૂપ બની શકે છે, કારણ કે તે દેશો એમની અધિક ક્ષમતાનો નિકાલ કરવા માટે અન્ય દેશોને શોધે છે. આ એક મોટી ચિંતા સર્જી શકે છે, કારણ કે ‘બીજા દેશની શોધ’ની સંભાવનાથી આપણાં સ્થાનિક ઉદ્યોગો સતર્ક થઈ ગયા છે અને એમના ઈન્વેસ્ટમેન્ટ નિર્ણયોને પાછળ ઠેલવી રહ્યા છે. આનાથી આર્થિક વિકાસની ગતિ મંદ પડી શકે છે.

એ સારું છે કે પ્રારંભિક ટેરિફ યાદીમાં ભારતનું નામ નથી. એને લીધે અમેરિકા સાથે વ્યાપાર સંબંધોને વધારે મજબૂત કરવા ભારત માટેના માર્ગ ખુલ્લા છે. અમેરિકાના વહીવટીતંત્રએ જે આ રાજદ્વારી સદ્ભાવના બતાવી છે તેનો ઉપયોગ ભારત ભાવિ વ્યાપાર સમજૂતીઓમાં અનુકૂળ શરતો પર મંત્રણા માટે કરી શકે છે. ખાસ કરીને આનાથી ભારતીય નિકાસકારોને અમેરિકાની બજારમાં બહેતર પ્રવેશ મળી શકે છે. જોકે આની આપણે હજી રાહ જોવી પડશે. હવે ટૂંક સમયમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડોનલ્ડ ટ્રમ્પને મળવાનાં છે. અને તેમની મુલાકાત બાદ સમીકરણો કેવા બદલાય છે તેનાં પર બજારની નજર રહેશે. જોકે અત્યાર સુધીના આ બન્ને મહાનુભાવોનાં પારસ્પરિક સંબંધો જોતાં બન્ને દેશોનાં હિત જળવાઈ રહે તેવો આશાવાદ સેવાઈ
રહ્યો છે.

કરન્સી અસ્થિરતા ને બાહ્ય સંતુલન
કડક ટેરિફ્સને કારણે જાગતિક કરન્સી બજારોમાં અસંતુલન ઊભું થયું છે. ડૉલર સ્થિર ગતિએ વધી રહ્યો છે. ટ્રમ્પની નીતિની અસર તો ગયા સપ્ટેમ્બરમાં જ મૂડીબજારોમાં દેખાવા માંડી હતી. ડૉલર ઈન્ડેક્સ 100થી વધીને 110 થયો. રૂપિયો તેની 30 સપ્ટેમ્બરની 83.8ના ટોચેથી ગબડીને 87.16 આવી ગયો. એ સમયગાળા દરમિયાન વિદેશી હૂંડિયામણ રિઝર્વ 707.89 અબજ ડોલરથી ઘટીને 629.56 અબજ ડોલર થયું. જોકે અન્ય દેશોની સરખામણીમાં ભારતીય રૂપિયાનો ઘસારો પ્રમાણમાં ઓછો હતો. દેખીતી રીતે જ, રૂપિયાની કિંમત ઘટે એટલે ભારત માટે આયાતનો ખર્ચ વધે અને પરિણામે ફુગાવાનું દબાણ વધે. તેનાથી વિપરીત, ભારતીય નિકાસ
વધારે સ્પર્ધાત્મક બને.

વિદેશી ફંડના પ્રવાહ પર અસર
હાલની આવી સ્થિતિને લીધે ભારતની મૂડીબજારો પર સૌથી મોટું જોખમ ખડું થયું છે. વિદેશી રોકાણકારોએ ભારતની મૂડીબજારોમાંથી રૂ.1.78 લાખ કરોડ ઉપાડી લીધા અને બીજી તરફ, ભારતીય ઋણ બજારોમાં રૂ.11,337 કરોડની ખરીદી કરી. જો ડૉલર વધારે મજબૂત બનવાનું ચાલુ રહે તો તેમની વેચવાલી આગળ જતા પણ ચાલુ રહી શકે. ઈમિગ્રેશન, ટેરિફ અને કરવેરા અંગે ટ્રમ્પની નીતિઓ ફુગાવો પેદા કરી શકે. આ પરિસ્થિતિ ઊભરતી બજારોની સંપત્તિઓ માટે હાનિકારક બની શકે.

Also read : કૅરિયરની પસંદગીમાં કેવી રીતેજાળવશો તમારો ઇન્ટરેસ્ટ?

જોકે, આ બધા વચ્ચે ભારતીય મૂડીબજારો અત્યાર સુધી તો રિટેલ ઈન્વેસ્ટરોએ શેરબજારોમાં નિરંતર દાખવેલા રસને કારણે એકંદરે સ્થિર રહ્યા છે.

આવકમાં નબળી વૃદ્ધિને લીધે ફંડામેન્ટલ્સ સામે પડકાર ઊભો થયો છે. તેમાંય, સરકાર દ્વારા ઈન્વેસ્ટમેન્ટ અપેક્ષા કરતાં ઓછું રહેતા, શેર્સમાં મોટા પાયે પડેલા ગાબડાં અને બજારોમાં એકંદરે સેન્ટિમેન્ટ નબળું બનતા રિટેલ ઈન્વેસ્ટરોની ભાગીદારી ઈક્વિટી ભાવ માટે મુખ્ય ચાલકબળ બની રહેશે. આવકની ગાડી પાટા પર પાછી ન આવે ત્યાં સુધી વર્તમાન મૂલ્યાંકનોને જ ઉચિત ગણવા પડે.

Also read : ગ્લોબલ વૉર્મિંગને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે

હવે પછી ટ્રમ્પ દુનિયાના ચોકકસ દેશોને નચાવશે, જેને લીધે ગ્લોબલ અસર થયા વિના રહેશે નહીં અને એ અસરમાંથી ભારત સાવ મુકત રહી શકે નહીં. આમ છતાં, ભારતની અર્થવ્યવસ્થા હાલ જે સંજોગોમાં છે અને સરકાર જે દિશામાં કદમ ભરી રહી છે તેને ધ્યાનમાં રાખવા ઉપરાંત ભારતનું યુવા બળ -ટેક બળ-વપરાશ બળ-ડિમાંડ બળ વગેરેને લીધે ભારત એવું પણ નિર્બળ નથી કે કપરાં સંજોગોનો સામનો ન
કરી શકે….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button